પરીક્ષા Asha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરીક્ષા

ધસમતી ટ્રેન પાટા પર દોડી રહી હતી. લહેરાતા ખેતરોનાં મોલને ઠેંગા બતાવતી દોડી રહી હતી. સ્થિર ઊભેલાં વૃક્ષોને દોડાવવા લલચાવતી હતી. વચ્ચે વચ્ચે આવી રહેલાં નદી-નાળાને ઘરઘરાટ સાથે ડરાવતી હતી તો વચ્ચે ક્યાંક-ક્યાંક પડતી કેડીએ રહેલાં ફાટકોને બંધ કરી વાહનનોને ટેચ્યું આપી દેતી હતી.
બારીમાંથી આવતો સરસરતો પવન મારી વાળની લટોને રમાડતો હતો. મને જરા પણ એ પવનની રમત ગમતી ન હતી. જે નિર્ણય લઈને હુું ઘરેથી નિકળી હતી. એ નિર્ણય મને ક્યાંય જંપવા દેતો ન હતો. સાથે મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ પોતાના ગંતવ્ય સ્થાને જવાનો આનંદ લઈ રહ્યાં હતાં. મને સહેજેય વિચાર જબકી જતો... "આવી આનંદભરી ક્ષણો પણ હોય?" સાથે લાવેલ થેપલાં-અથાણાં કે સેવમમરા તેઓની ક્ષુધાને ટાઢક આપતાં હતાં, પણ એની ગંધ મને ઉદરમાં ઓકારી કરાવી રહી હતી. ચનાદાલનો ફેરિયો પોતાની મોજમાં પ્રવાસીઓને ચનાદાલ પિરસી રહયો હતો. " કાશ ! હું એની મોજ છીનવી શકતી હોત. " એક આંસુના બુંદ સાથે મેં બારી તરફ મોંને ફેરવી લીધું.
બારી બહાર સૂરજ વૃક્ષો સાથે સંતાકૂકડી રમી રહ્યો હતો. દુઃખોની ભરમારે પણ આ જ રીતે મારી સાથે સંતાકૂકડી રમી છે. નાનપણમાં પિતાની છાયા ઊઠી ગઈ. થોડી સમજણી થતાં માની સાથે અધૂરા ભણતરે ભાઈબહેનના જીવનને શણગારવાં મંડી પડી. બહેન સાસરે ગઈ અને ભાઈ ભણી-ગણીને ઠરીઠામ થયો, તે એક હાશકારો લીધો કે હવે ભાઈના ઓથારે ' જીવનને માણીશું ' પણ... ભાઈને ભાભી છીનવી ગઈ.
'માને ટેકો આપી આયખું પુરી કરી નાખીશ.' પરંતુ મા એ મા છે. પોતાના સમ દઈ મને લગ્ન કરવા મનાવી લીધી. મન તો નહોતું માનતું, છતાં થોડા અભરખા સાથે સાસરે પગ મૂક્યો. ' પતિનો પ્રેમ માને સાચવવાની હુંફ આપશે ' વિચારથી નવજીવન મંડાણ થયાં.
સોનાના વરખ ચડાવેલું ઘરેણું થોડા સમયમાં જ કાટ ખાય એમ મારી જીંદગીને પણ કાટ લાગવો શરું થયો. ધોમે ધીમે પતિની અસલિયત સામે આવી. તેનાં સંગાથી દારુ-જુગાર ધીરે ધીરે ઘર સુધી પગપેસારો કરવા લાગ્યાં. એ તાપને પણ હું સેહતા શીખી ગઈ, પણ... પણ એક દિવસ સૌતન પણ મારી જીંદગીમાં દાખલ થઈ ગઈ...
' બસ હવે નહીં... જીંદગી તે મારી બહુ પરીક્ષાઓ કરી લીધી. મારી ધીરજ ખૂટી છે. હવે હું તારી સાથે લડી શકું એમ નથી. કંઈ જ વિચાર કર્યા વગર હું ઘરેથી નિકળી ગઈ. રેલ્વે સ્ટેશન જઈ બેઠી. ટ્રેન આવી. તેમાં ચડી ગઈ. બસ દૂર અને દૂર ચાલ્યા જવું છે. જયાં કોઈ મને જાણતું નથી, ત્યાં જઈને શ્વાસ સાથેના સંબંધો પુરા કરી નાખવા... '
પ્રવાસીઓનો ચહલપહલ વધી જતાં હું તદ્રામાંથી બહાર આવી. જોયું તો એક સ્ટેશન આવતા ગાડી ઊભી રહી હતી. કેટલાંક પ્રવાસીઓ ઉતર્યા ને કેટલાંક પ્રવાસીઓ ચડયા... હિસાબ સરભર થતા વિહસલ વગાડતા વગાડતા ગાડીએ ફરી વેગ પકડયો. મેં ફરી મારાં વિચારોના વંટોળમાં વંટોળાતી બારી બહાર નજર માંડી. કુદરતે અફાટ સૌંદર્ય વેરેલું હતું, પણ મને તે આકર્ષિત કરી શકતું નહોતું. આકાશમાં ઊંચે પંખીઓનો સમૂહ ઊડી રહ્યો હતો. મારે પણ આજ રીતે ઊડી જવું હતું...
" गरीबो की सुनो, वो तुम्हारी सुनेगा। तुम एक पैसा दोगे वो दश लाख देगा ।।" એક અવાજ મારા કાને અથડાયો. મેં ડોક ફેરવીને જોયું... 30-35 વર્ષની એક એક નારી, એક પગ અડધો કપાય ગયેલો હતો. કાંખમાં ઘોડી હતી. સાથે 10-12 વર્ષનો એક બાળક હતો. કદાચ એનો દીકરો જ હશે. દીકરો વાજીત્ર વગાડતો હતો. બંન્ને છેલ્લા સ્ટેશન પરથી જ ચડ્યા હશે ? ગીત ગાય, હાથ લાંબાં કરી મુસાફરો પાસે પૈસા માંગી રહ્યાં હતાં. કોઈ દયા ખાયને બે-પાંચ રૂપિયા આપી દેતું હતું તો કોઈ તેને થોડા અપશબ્દથી અપમાન પણ કરી રહયા હતાં. દીકરાએ મારી પાસે પણ હાથ લાંબો કર્યો. મારી પાસે કંઈ જાજી રકમ તો હતી નહી. પચાસ-સો રુપિયા પડ્યા હતાં. પહેલા તો થયું 'ના પાડી દઉ ', પછી મને જ વિચાર આવ્યો, મારો નિર્ણય અમલમાં મુકીશ એટલે આ પચાસ સો પણ એમ જ પડયા રહેશે, જતાં જતાં કોઈનાં ચહેરા પર સ્મિત રેલાવી દઉં. પાકીટમાંથી 10ની નોટ કાઢી. પેલાં દીકરાના હાથમાં મુકી દીધી. " ભગવાન તમને સુખી રાખે, તમારી મનોકામના પુરી કરે" તે સ્ત્રીએ મને આશિર્વચન આપ્યાં. હું મનમાં હસી. " બેન કેમ તમે આ રીતે માંગો છો ? તમારો પતિ કંઈ કમાતો નથી કે તમે કંઈ કામ કરતાં નથી ?" મારાથી એમ જ પુછાય ગયું. " બેન શું કરું? પતિ મજુરી કરતો હતો. મહેનતનું ખાતા હતાં. પણ એક દિવસ અમે બહાર ગામ જતાં હતાં. બસને અકસ્માત નડયો. મારા પતિનું અવસાન થયું ને મારો પગ કપાય ગયો. ઈશ્વરનો પાડ કે આ દીકરો સાજો-નરવો રહ્યો. અપંગને કોણ કામ આપે ? માંગીને અમારા મા-દીકરાનાં પેટનો ખાડો પુરું છું ને સરકારી નિશાળમાં ભણાવું છું. કાલ સવારે દીકરો મોટો થશે અને સોનાનો સૂરજ ઉગશે! જીંદગીએ પરીક્ષા માંડી છે, દેવી તો પડશે ને ?" " तुझको रखे राम, तुझको अल्ला रखे । दे दाता के नाम तुझको अल्ला रखे।। " ફરી નવું ગીત ગાતા ગાતા મા-દીકરો આગળના ડબ્બામાં જતાં રહ્યાં.
સહસા જ મારો હાથ મારાં ઉદર પર મુકાઈ ગયો. એક ઉમળકાભર્યો સળવળાટ થયો. હું સજ્જ થઈ ગઈ. આવનાર સ્ટેશન પર ઉતરી જવાં.