પ્રેમની એનીવર્સરી Asha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની એનીવર્સરી

"પ્રેમની એનીવર્સરી"
હું તમને એમ કહું છું કે આજે ઓફીસેથી જરા વહેલા આવી જજો... શરદ પૂનમ છે, સાથે ઉંધયુ લઈ લેજો, મારે પુરીને દહી વડા જ બનાવવાના રહે. તો શું વહેલી પરવારુ તો કબાટમાં સચવાયેલા મેક-અપ ને જવેલરીઓને બહાર આવવાનો મોકો મળે. આપણા મેરેજ ડેમાં તમે લાવેલી સાડી પણ જોઈ લઉ, મારા અંગો પર તે શોભે છે કે નહીં.. પત્યું તારું છેલ્લા પાંચ વર્ષથી શરદ પૂનમના દિવસે તારા આ રેકોર્ડ થયેલા શબ્દો તારા શરદ પૂનમના ચાંદ જેવા મુખ પરથી વહે છે, એટલે એક એક શબ્દ મને ગોખાય ગયા છે, ને મારાં મન પર પ્રીન્ટ થઈ ગયા છે. એટલે તું ન કહે તો પણ હું આ ગયો ઓફિસ ને આ આવ્યો ઉંધયુ લઈને કહેતા મહેશભાઈ માલતીબેનને વાસા પર હળવી ટપલી મારી ઓફીસે જવા નીકળી ગયાં.
શરદ પૂનમ માલતીબેન અને મહેશભાઈ માટે ખાસ હતી. શરદ પૂનમના દિવસે જ મહેશભાઈ માલતીબેનને જોવા આવેલાં. વાતો કરવાનો રીવાજ તો ત્યાંરે હતો નહીં, પણ બંનેની આંખોએ ઘણી બધી વાતો કરી લીધેલી. બનંને પક્ષે હા થતાં વ્યાવહારિક વાતો નકકી થઈ ને લાભ પાંચમે ગોળધાણા ખવાયેલા. મહેશભાઈની માતાની તબિયત સારી રહેતી ન હોય માગશર માસે તો શરણાઈનાં શુર ને ઢોલના ઢબુકે માલતીબેને પરણી સાસરે કંકુ પગલા કરી લીધા. આથી માલતીબેન અને મહેશભાઈ શરદ પૂર્ણિમાએ અગાશીએ ઉંધયુ, પૂરી, દહીવડા ને દૂધ પૌહાથી પહેલી નજરના પ્રેમની એનીવર્સરી મનાવતા.
મહેશભાઈ ઓફીસેથી ઉંધયુ લઈ વહેલા આવી ગયાં. માલતીબેને મોટા ભાગની તૈયારીઓ કરી લીધેલી, મહેશભાઈએ આવીને ઘટતી મદદ કરી.
દૂધ પૌહા તૈયાર કરી બધી વસ્તુઓ લઈ આગાસી પર જાઉં છું, તું તૈયાર થઈ ઉપર આવી જા. કહેતા મહેશભાઈ અગાસીએ દાદર ચડ્યા. મેરેજ ડેના દિવસે મહેશભાઈ કાયમ માલતીબેનને સાડી ભેટમાં આપતા અને તે સાડી કાયમ પહેલી વાર માલતીબેન શરદપૂર્ણમાંએ જ પહેરતા. સજીધજીને માલતીબેન અગાસી પર આવ્યા. બન્નેએ ચાંદની શીતળતામાં કયાંય સુધી બેસી વાતો કરી પછી ઉંધયુ ને દહીવડાને ન્યાય આપવા બેસી ગયા.
આ જુઓ તો ખરા... દહીવડાના દહીથી તમારા કપડાં ખરાબ થાય છે, દર વખતે તમને મારે ટોકવાના... આ જુઓ તો ખરા.. આ...જુઓ...
ગાલ પર જોર જોરથી ટપલી પડતાં માલતીબેન સફાળા જાગી ગયાં. ભર નિદરમાંથી મહેશભાઈ તેને જગાડી રહ્યા હતા. શું તું આજે આટલી વહેલી સૂઈ ગઈ ને ઉંઘમાં શું બડબડ કરે છો. મહેશભાઈને કાને થોડું ઓછું સંભળાતું. માલતીબેને જાગી પોતાના ચશ્માં અને લાકડી શોધવા લાગી ગયાં. ભૂખ પણ લાગી હતીં. તેણે મહેશભાઈને મોટેથી પુછયું, " વૃધ્ધાશ્રમમાંથી ટીફીન આવી ગયું." હા આવી ગયું, મને પણ ભૂખ લાગી છે, તું જાગતી નહોતી ને બડબડ કરતી હતી. કેનેડાથી દિકરાનો ફોન પણ શરદ પૂર્ણિમાની શુભેચ્છા માટે આવી ગયો પણ તું જાગી નહીં...
એ તો આજે બાજૂવાળાની દીકરી ચણીયા ચોળી પહેરી કોઈ પ્રોગ્રામ માટે જતી હતી તે મને આપણી શરદ પૂર્ણિમા યાદ આવી ગઈ ને એમાં જ આંખ મીંચાઈ ગઈ. ચાલો જમી લઈએ. .. તે હું તને એમ કહું કે તું જો દાદર ચડી શકે તો આજે ફરી એક વાર આપણાં પ્રથમ પ્રેમની એનીવર્સરી થઈ જાય.. બોખા મો પર પણ માલતીબેનના ચહેરા પર લાલીમા છવાઈ ગઈ. મહેશભાઈએ એક હાથમાં ટીફીન લીધું ને બીજો હાથથી માલતીબેનને ટેકો આપ્યો. બન્નેથી નીચે તો બેસી શકાય તેમ હતું નહી આગાસીની પાળી પર બન્નેએ ટીફીન ખોલ્યું... બાજુની અગાસી પર પણ શરદ પૂનમ ચાલી રહી હતી.. લો દાદા દાદી દહી વડાને ઉંધયું..... મહેશભાઈ દહી વડાની ચમચી ભરી કે....

આ જુઓ તો ખરા... દહીવડાના દહીથી તમારા કપડાં ખરાબ થાય છે, દર વખતે તમને મારે ટોકવાના... માલતીબેનના શબ્દો મહેશભાઈ કાને અથડાયા..
Asha bhatt