પાનખરને મળી વસંત Asha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાનખરને મળી વસંત

પાનખરને મળી વસંત
નવી જ ઓફિસ ચાલું કરવાની હતી. ઓફિસ માટે કચરા- પોતાવાળા બહેનની જરૂર હતી. આજુબાજુ દુકાનમાં તપાસ કરી, લગભગ બધાં જ પોતાની મેળે પાણીનું માટલું ભરી લેતાં હતાં અને ઝાપટીયાથી દુકાન સાફ કરી લેતાં હતાં. એક બે દિવસ વિત્યાં હશે, ત્યાં કોઈ બહેન પુછવાં આવ્યાં, તમારે કચરા-પોતા- પાણી વગેરે કામ કરાવવું છે. બહેન વ્યવસ્થિત હતાં. મેં તમને રાખી લીધાં અને સરને જાણ કરી દીધી. (આ બહેનને આપણે જમનાબહેન તરીકે ઓળખીશું)
ગાડીમાં મુસાફરી કરીએ તો પણ કલાક બે કલાકમાં મુસાફરો સાથે ઓળખાણ થઈ જાય છે. જમનાબહેન રોજ પાણી ભરવા અને કચરા પોતા કરવાં આવે, એટલે સ્વાભાવિક છે, તેની સાથે પણ ઓળખાણ થઈ જાય. કેમ છે, શું છે, વગેરે સામાન્ય વાતોથી તેની સાથે વાતચીતનો દોર ચાલું થયો. ધીમે ધીમે જમનાબહેન તેનાં ઘરની વાતો પણ કરતાં થઈ ગયાં. થોડી નાની ઉંમર રૂપાળો દેહ, પણ ઘરની જવાબદારીનો ભાર તેનાં ખંભા પર હોવાની ચાડી તેનો ચહેરો ખાતો હતો. ધીમે ધીમે વાતચીત દરમ્યાન ખબર પડી.... બે દિકરી અને એક દિકરો પતિ પત્ની પોતે પાંચ જણનો તેનો પરિવાર હતો. બાળકો થોડાં નાનાં હતાં. ભણતાં હતાં. પતિને રેલવેમાં માળી તરીકે કાયમી નોકરી , પણ સતત બિમાર રહેતાં કામ પર ન જઈ શકે. મહીનામાં અઠવાડીયું-પાંચ દિવસ જઈ પોતાની નોકરી ચાલું રાખે. હક્ક રજાઓ, મેડીકલ રજાઓ હોય પણ કેટલી હોય. મહીને પગારનાં નામે શુન્ય આવીને ઉભું રહી જાય. પોતાનું, બાળકોનું અને પતિનું પેટ ભરવા સારૂ, બાળકોને ભણાવવાં, બિમાર પતિની દવા-દારૂની જરૂરિયાતો પુરી કરવાં ના છૂટકે જમનાબહેન પારકા કામ અપનાવી લીધાં. તેનું કામ જોઈને આજુબાજુ દુકાનો-ઓફીસનાં પણ હવે કામ મળી ગયાં હતાં.
ધીમે ધીમે બાળકો મોટા થતા ગયાં. હવે દિકરીઓ મોટી થતાં તે પણ માં ને કામમાં મદદ કરવાં લાગી. દિકરીઓ રૂપમાં માથી સવાઈ અને દિકરો ભણવામાં ખુબ હોશિયાર. આર્થિક તંગી અને બાળકોનાં ભણવાનાં ખર્ચા, પતિની બિમારીનાં દવાદારૂનાં ખર્ચા...મનનો ભાર મારી સાથે હળવો કરે. હું તેને આશ્વાસન આપું...બહેન તમે ઈમાનદારીથી કામ કરો છો, તેનું ફળ તમને મળે ન મળે પણ તમારાં દિકરા-દિકરીઓને તેનું ફળ જરૂર મળશે જ.
હવે દિકરીઓ પરણવા લાયક થઈ ગઈ હતી. રૂપને ગરીબી નડતી નથી. નાતમાંથી જ સારા ઘરનાં માંગા આવતાં દિકરીઓની સગાઈ સાદાઈથી કરી નાખી. તે વખતે ગુજરાતની નામાંકિત બેન્કોનાં કૌભાંડ બહાર આવતાં બીજી ઘણી બેન્કોને અસર થતાં, ઘણી બેન્કો બંધ પડી ગઈ હતી. તેની અસર અમારાં શહેરની બેન્કો અને સહકારી મંડળીઓ પર પણ થઈ હતી.
સગાઈ તો સાદાઈથી કરી નાખી, હવે પ્રશ્ન દિકરીઓનાં લગ્ન ખર્ચનો હતો. જયાં પાંચ માણસોનાં ખર્ચા મહીને માંડ પુરાં થતાં હોય, ત્યાં લગ્ન માટેની બચત તો ક્યાંથી હોય. જમનાબહેન ખાનદાન પોતાના ભાઈઓ પૈસે ટકે સુખી. પોતાનાં ઘરની લાજ રહી જાય તે રીતે ભાઈઓ પાસે રજુઆત કરી કે દિકરીઓનાં લગ્નની બચત હતી, તે બેન્કો બંધ થઈ જતાં મારી બચત ઉપાડી શકાય તેમ નથી. ભાઈઓ લગ્ન માટે મદદ કરી. ભાઈઓ અને વેપારીઓની સહાયથી પોતાની દિકરીઓનાં લગ્ન ધામધુમથી કરી યથાશક્તિ કરિયાવર આપી દિકરીઓને સાસરે વળાવી, મા તરીકેની એક મોટી ફરજ પૂરી કરી.
દિકરો બારમાં ધોરણમાં સારાં માર્કસ લઈને આવ્યો. બીજું કોઈ હોત તો દિકરાને અહીં જ ભણવાનું પૂરૂં કરાવી, કોઈ નાની મોટી નોકરીએ લગાડી આર્થિક ટેકો મેળવી લેત. પણ આ બીજું કોઈ થોડું હતું. આ તો જમનાબહેન હતાં. પોતાનાં દિકરાને કોલેજમાં એડમિશન લેવા દઈ, ડીગ્રી અપાવવાં ફરી એટલી જ મહેનતથી કામે લાગી ગયાં.
પણ મુસીબતો એમ થોડી કેડો છોડતી હોય. દિકરાનાં કોલેજનાં એકાદ બે વર્ષ પુરાં થયાં હશે ત્યાં તેનો બિમાર પતિ મૃત્યું પામ્યો. બધું પત્યાં પછી મને મળવાં આવ્યાં. ખુબ અફસોસ કરતાં હતાં , જેવો હતો તેવો મારો પતિ હતો. મારો સહારો હતો. ખાટલામાં હતાં તોય લાગતું મારૂ માણસ છે. તેનાં વગર ઘર સુનું થઈ ગયું. જે થયું.. પોતાની પીડા ખંખેરી દિકરાને ભણાવવાનાં કામે લાગી ગયાં.

ભગવાનને પણ હવે આગળ જમનાબહેનની પરીક્ષા લેવાનું માંડી વાળ્યું હશે.... જમનાબહેનની મહેનત અને દિકરાનાં નસીબ હવે રંગ લાવ્યાં. પતિ રેલ્વેમાં કાયમી કર્મચારી હતાં જ. ચાલું નોકરીએ તેનું મૃત્યું થતાં, સ્ટાફનાં પ્રયત્નોથી તેનાં દિકરાને રેલ્વેમાં નોકરીએ રખાવી દીધો. ભણવામાં હોંશિયાર હતો જ. થોડાં સમયની ટ્રેનીંગ પછી દિકરો કાયમી કર્મચારી તરીકે રેલ્વેમાં સારી પોસ્ટ પર લાગી ગયો.
હવે જમનાબહેનનાં જીવનની પાનખરમાં વસંત આવી છે. હવે તેણે કચરા-પોતા નાં કામ મુકી દીધા છે. હા એક દેરાસરનું કામ તેઓ કરતાં ત્યાં સેવાનાં આશયથી કામ કરે છે. દિકરીઓ સાસરે ખુબ સુખી છે. દિકરાનાં પણ લગ્ન કરી દેતાં રૂમઝૂમ કરતી વહુ પણ આવી ગઈ છે. શહેરનાં પોશ એરિયામાં ફલેટ પણ લઈ લીધો છે. મને જયારે પણ મળે ત્યારે અચુક યાદ કરે કે તમે કહયું હતું કે તમારી મહેનતનું ફળ તમારાં દિકરા-દિકરીઓને મળશે. તમારાં શબ્દો સાચાં પડયાં આજે મહેનતનું ફળ દિકરા-દિકરીઓ સાથે હું પણ માણી રહી છું. ( સત્ય ઘટના )
Asha bhatt