શમણાંની શોધમાં - પ્રકરણ 5 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંની શોધમાં - પ્રકરણ 5

          ડેની કોસરીયાને અંદાજ પણ નહોતો કે એ તેના જીવનનો છેલ્લો દિવસ હતો. એ ભીડ વગરના ગોવાના માર્ગો પર પુરપાટ ઝડપે પોતાની કાર હંકારતો હતો. રાતના બે વાગ્યા હતા. મોટા ભાગની હોટલોના રૂમની લાઈટો બંધ થઈ ચુકી હતી. શરાબ અને શબાબથી થાકી અમીર લોકો થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલોના રૂમની લાઈટો બુઝાવી ચુક્યા હતા.

          “આજ યે નહિ બચેગા.” એણે પોતાની જાતને કહ્યું.

          જયારે દરિયા કિનારે પહોચ્યો ત્યારે એના અંદાજ મુજબ એનો દુશ્મન ત્યાં એકલો ઉભો હતો.

          વિક્ટર - એનો હરીફ અને દુશ્મન - એકલો ઉભો એ દરિયાનું અવલોકન કરતો હતો. આકાશનો અંધકાર દરિયા પર ફેલાયેલો હતો પણ કિનારાના પાણીમાં લાંગરેલ ક્રુઝ પર હજુ લાઈટો સળગતી હતી.

          ડેની જાણતો હતો એ વિક્ટરનું ક્રુઝ હતું. ડેની એ પણ જાણતો હતો કે એમાં ચંડીગઢ, નેપાળ બોર્ડર અને મુંબઈથી કિડનેપ થયેલી યુવતીઓ આરબ દેશોમાં વેચાવા લઈ જવામાં હતી પણ એને એ બાબત સાથે કોઈ લેવા દેવા નહોતી. એને ક્યારેય સ્કીન ટ્રેડમાં રસ નહોતો.

          છેલ્લા કેટલાક સમયથી એના સોનાના ઈંડા આપતી મરઘી જેવા ડ્રગ્ઝના કારોબાર પર વિકટરની નજર હતી. વિકટરની એ નજરની એક ખાસિયત હતી. એની નજર જે ચીજને જોઈ લે એને એ મેળવીને રહેતો. એણે ગોવાની અડધા કરતા પણ વધુ હોટલ માલિકોને સમજાવીને, નીચી કીમતે પાવડર આપીને કે પછી ડરાવીને પણ પોતાના પાસેથી એ સફેદ પાવડર ખરીદતા કરી નાખ્યા હતા. જેની લત એ હોટલોમાં જનારા અમીર નબીરાઓને અને વિદેશથી આવતા મોટા ભાગના પ્રવાસીઓને હતી.

          વિક્ટરે ડેનીના રોજના કરોડોના વેપારને ફટકો આપ્યો હતો. ડેની એ સહન કરવા તૈયાર નહોતો માટે જ એણે આયોજન પૂર્વક વિકટરને એ સુમસામ સ્થળે મીટીંગ કરવા રાજી કર્યો હતો જ્યાં એમના વચ્ચે ગોવાના બે એરિયા અલગ અલગ વહેચવાના હતા.

          ડેનીની ઓડી આર ફાઈવ જયારે કિનારાથી થોડેક દુર ઉભી રહી અને એ આગળની સીટમાંથી ઉતર્યો. એ સમયે વરસાદ ધીમા છાંટે વરસતો હતો.

          વિક્ટરને એના આવ્યાની જાણ નહોતી કે કેમ પણ એ હજુ એની આસપાસ પડતા વરસાદના જીણા છાંટાઓમાં પલળતો એની સામેના અફાટ દરિયાને જોતો હતો. એ વિચારતો હતો કે કિનારે લાંગરેલ એના ક્રુઝમાં કુલ ત્રણસો કરતા પણ વધુ યુવતીઓ હતી જેમને આરબ દેશોમાં પહોચાડવાની સાથે જ એના સ્વીસ બેન્કના એકાઉન્ટમા ત્રીસેક મિલિયન જેટલી રકમ વધી જવાની હતી. એ વાસના ભૂખ્યા આરબો પર હસ્યો.

          એના મનમાં એ સાથે કોઈ બીજા વિચારો પણ ચાલતા હતા કેમકે એ આછા સ્મિત પછી ફરી એનો ચહેરો કરડાકીભર્યો બની ગયો. એ વધુ સમય ક્યારેય હસી ન શકતો. એનું એક કારણ હતું. એ કારણ જેની વિક્ટર સિવાય બીજા કોઈને જાણ નહોતી અને વિકટરે પોતે પણ ક્યારેય એ કારણ પોતાની જાત સામે જાહેર કર્યું નહોતું છતાં એ કારણ જાણતો હતો કેમકે એણે એ કારણને જોયું હતું.

          એ બાર તેર વર્ષનો હતો. એનો બાપ ગોવાના બંદરગાહ પર કામ કરનારા મછવારો અને અવ્વલ નંબરના શરાબીઓમાંથી એક હતો. એ પોતાના બાપ માટે ક્યારેય હતા કે કોઈ માન પૂર્વક સર્વનામ ન વાપરતો. જોકે એણે ક્યારેય એના બાપ નામનો કયાંય ઉલ્લેખ કર્યો જ નહોતો પણ પોતાના મનમાં પણ એ એના બાપ માટે અપમાનજનક શબ્દો જ વાપરતો. કદાચ એના ક્યારેય ન હસવા અને પોતાના બાપ માટે અપમાનકજનક શબ્દો વાપરવા પાછળ એક જ કારણ જવાબદાર હતું.

          એનો બાપ પીટર જે જહાજ પર કામ કરતો હતો એ જહાજ માલિકની પત્નીના જન્મ દિવસે ડોક પર અપાયેલ પાર્ટીમાં એટલું પી ચુક્યો હતો કે એને એનું નામ યાદ રહ્યું નહોતું. જોકે એને એનું ઘર યાદ હતું. એ ઘરે પહોચ્યો ત્યારે તેર વરસનો વિકટર અને તેની વિક્ટરની મા સોફી તેની ડીનર પર રાહ જોતા નહોતા કેમકે એ જ્યાં સુધી સાંજની મચ્છી લઈને ન આવે ત્યાં સુધી રસોઈમાં પકવી શકાય એવી કોઈ ચીજ એ ઘરમાં હાજર નહોતી.

          ડીનર હાજર ન જોઈ ઉકળી ઉઠેલ પીટરે પત્નીને પોતાના બુટમાં છુપાવેલ રામપુરીની ધાર વડે કાપી નાખી. વિક્ટર દુર ઉભો એ બધું જોતો હતો. એની આંખોમાંથી આંસુ વહેતા હતા પણ એ લાચાર હતો.

          પીટર સોફીને મારી નાખીને ભરપેટ હસ્યો કેમકે એ નશાની એ હાલતમાં હતો કે એને પોતાને જ ખ્યાલ નહોતો કે એણે શું કર્યું હતું પણ વિક્ટર - એ બાળક જાણતો હતો કે એના બાપે શું કર્યું હતું - એ રડતો હતો. પીટરનું ધ્યાન એના પર જતાં જ એ એની તરફ ફર્યો.

          “હસ વિક્ટર.... તારા બાપ જેમ ખડખડાટ હસ.....”

          ડરથી ધ્રુજતા વિકટરે હસવાનો પ્રયાસ કર્યો પણ એ ન હસી શક્યો. એની લાખ કોશિશ છતાં એના હોઠ એમ જ ધ્રુજતા રહ્યા પણ એ સફળ ન રહ્યો.

          પીટરે એને ધક્કો મારી સોફીની લાશ પાસે ફેક્યો.

          “હસવું ન હોય તો રડી લે.”

          એ પીટરના આખરી શબ્દો હતા કેમકે એના એ શબ્દો એના મોમાંથી બહાર આવ્યા ત્યાં સુધીમાં એ રામપુરી એના પેટમાં પાંચેક ઇંચ જેટલું ઉતરી ગયું હતું.

          વિકટરે એની માના પેટમાંથી એ ચાકુ નીકાળીને એના બાપના પેટમાં હુલાવી દીધું હતું.

          નશામાં ધુત પીટર જમીન પર પછડાયો. એના શ્વાસ બંધ થઇ જાય એટલો તો એ આમ પણ પી ચુક્યો હતો અને બાકીનું કામ એ ચાકુના ઘાએ કરી નાખ્યું. પીટરની આંખો બંધ થઈ રહી હતી. વિકટરે પોતાના હાથમાં રહેલ ચાકુ તરફ જોયું અને પછી એના બાપ તરફ. વિક્ટરે બાપની અંતિમ ઈચ્છા પૂરી કરવા કે કેમ પણ હસવાનો પ્રયાસ કર્યો. એ હસી શક્યો. એ હસવામાં સફળ રહ્યો હતો.

          પીટરે આંખ બંધ કરી ત્યારે 13 વર્ષનો વિક્ટર ખડખડાટ હસતો હતો.

          બીજી સવારે છાપાઓની હેડ લાઈનમાં એનું નામ એના મા બાપના હત્યારા તરીકે છપાઈ ગયું હતું અને એ પછી કેટલીયે હત્યાઓ માટે એનું નામ છાપાઓની હેડલાઈનમાં આવ્યું હતું એ ખુદ વિકટરને પણ યાદ નહોતું.

          એ ક્યારેય હસી ન શકતો. એ જયારે પણ હસતો ત્યારે ભૂતકાળ એની આંખો સામે દેખાવા લાગતો. અને ગમે તેવા વિલન માટે મા તો મા જ હોય એનું ઉદાહરણ વિક્ટર હતો.

          એ ત્યારે જ હસતો જયારે એ કોઈને મારવાનો હોય અને એ સમયે પણ એ હસ્યો મતલબ કોઈક મરવાનું હતું અને ત્યાં આસપાસ મરવા માટે ઓડીની ફ્રંટ સીટમાંથી ઉતરીને વિકટર તરફ આગળ વધી રહેલા ડેની સિવાય કોઈ નહોતું.

          પવનની લહેરખીઓ વરસાદના છાંટાઓને એક દિશામાં ઢસડતી હતી. વિકટરે પોતાની કાંડા ઘડિયાળ તરફ એક નજર કરી. એ સવા બેનો સમય બતાવી રહી હતી. ડેની એનાથી દસેક ફીટ પણ દુર રહ્યો નહોતો. ડેનીના હાથમાં રહેલ જર્મન બનાવટની પિસ્તોલ વિક્ટર તરફ એન થયેલી હતી.

          એક ધડાકો થયો. એ અવાજ ગન ફાયરનો હતો પણ એ ગોળી ડેનીની જર્મન બનાવટની પિસ્તોલમાંથી છૂટી નહોતી. વિક્ટરે પોતાની કાંડા ઘડિયાળમાં નજર સમય જોવા માટે કરી નહોતી. એ ઘડિયાળ રાતના અંધકારમાં સમય બતાવી શકે તેમ નહોતી કેમકે એમાં રેડીયમ ડાયલ નહોતું. એ એક સંકેત હતો ક્રુઝ પર સ્નાઈપર એન કરી પોતાના ટૂંકા શોર્ટમાં સફેદ જહાજના ધાતુના ઠંડા પતરા પર સુતેલી ક્રિસ્ટી માટેએ સંકેત હતો.

          વિકટરે એક નજર ડેનીની લાશ તરફ કરી અને હસ્યો.

          એ જ સ્મિત ક્રિસ્ટીના હોઠ પર હતું. એ એની ટ્વીન કહી શકાય એવી સાથી રોઝી તરફ જોઇને મલકી.

ક્રમશ: