રેટ્રો ની મેટ્રો - 15 Shwetal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેટ્રો ની મેટ્રો - 15

તો સાયબાન... કદરદાન.. દિલ થામ કે બેઠીએ,ક્યુકી રેટ્રો કી મેટ્રો સફર લેકર આઇ હૈ દિલધડક સ્ટન્ટસ કી કહાની....
ફ્રેન્ડ્ઝ, ફિલ્મનું શૂટિંગ એટલે ઝાકઝમાળ,ગ્લેમર અને મોજ મજા એવું આપણે સૌ માનીએ છીએ પણ હકીકતમાં શૂટિંગ એ જબરજસ્ત થકવી નાખનાર જોબ છે.આઉટડોર શૂટિંગ હોય ત્યારે તો યુનિટે કેટલીક અણધારી મુશ્કેલીઓ પણ વેઠવી પડતી હોય છે.આઉટડોર શૂટિંગ વખતે શૂટિંગ જોવા માટે ખૂબ ભીડ થતી હોય છે અને આ ભીડ ક્યારેક શૂટિંગ માટે મોટી મુશ્કેલી ઊભી કરી દે છે. ફિલ્મ"ધરમ સંકટ"ના આઉટડોર શૂટિંગ વખતે આખું યુનિટ આવી બેકાબુ બનેલ ભીડને કારણે સંકટમાં મુકાઈ ગયું. રેલવે સ્ટેશનના લોકેશન પર આ ફિલ્મનું શૂટિંગ હતું.લોકો મોટી સંખ્યામાં શૂટિંગ જોવા ભેગા મળ્યા હતા. સ્ટેશન પર ગુડઝ ટ્રેન ઉભી હતી જેમાં શૂટિંગ કરવાનું હતું થયું એવું કે ભીડમાં થોડા લોકો એકમેક સાથે બાખડી પડ્યા હશે કે પછી કોઈક બીજું કારણ હશે પણ અચાનક લોકો નીચે પડેલા પથ્થરો ઊંચકી ફેકવા માંડ્યા.ભીડ એટલી બેકાબુ થઈ ગઈ કે આ અસલી ખતરનાક એક્શન જોઈ યુનિટના તમામ સભ્યોએ જીવ બચાવવા ગુડઝ ટ્રેનમાં બેસી ને ત્યાંથી ભાગવું પડ્યું.
એક્શન સીન્સ શૂટ કરતી વખતે નડતા જોખમોના ઇતિહાસના પાના ફેરવતા મારી નજર પડી ફિલ્મ"દો ઓર દો પાંચ"ના સ્ટંટ સીન પર.અમિતાભ બચ્ચન એન્ગ્રી યંગ મેન તરીકે જાણીતા હતા તે વર્ષોમાં રજૂ થયેલી ફિલ્મ "દો ઓર દો પાંચ"એટલે એમાં ખતરનાક સ્ટંટસ તો હોવાના જ ને?જો તમે બીગ બી ના ફેન હશો તો તેમની આ ફિલ્મ તમે જોઈ જ હશે. શું તમે એમ કહો છો કે એક બે વાર નહીં કેટલીય વાર જોઈ છે.તો તો તમને એ સીન પણ યાદ હશે જ જ્યારે સળગતી કારમાંથી બચવા બચ્ચન સા'બ કાર સાથે સરોવરમાં ડૂબકી લગાવે છે યાદ છે ને ? હવે વાત કરું એ દ્રશ્યના શૂટિંગ સમયની.શૂટિંગ થઈ રહ્યું હતું ઉટીના એક સરોવરમાં.અમિતાભ બચ્ચનનો ડુપ્લિકેટ સુરજીત એ ખતરનાક સ્ટંટ ભજવવા એકદમ તૈયાર હતો. એક્શનનો આદેશ અપાયો અને સુરજીત સળગતી કાર સાથે સરોવરમાં ખાબક્યો,પણ પડતાની સાથે કાર કાદવમાં ફસાઈ ગઈ. સુરજીત બચશે કે કેમ તેવી ચિંતાથી યુનિટના સૌ સભ્યો ઘેરાઈ ગયા સન્નાટો છવાઈ ગયો બધા ચિંતા સાથે સરોવરમાં પડેલી કાર તરફ જોઈ રહ્યા હતા.થોડી ચિંતાતુર ક્ષણો બાદ ખભા પરના પટ્ટા કાપી જેમ તેમ સુરજીત પાણીની સપાટી પર પહોંચ્યો.તેને તરતો જોઈ યુનીટના સૌ સભ્યોનો જીવ હેઠે બેઠો.
ફિલ્મોમાં સ્ટંટ સીન્સ ભજવતા કલાકારો સાથે સાથે યુનિટના સૌ સભ્યોનો જીવ તાળવે ચોંટી જતો હોય છે .આવા ખતરનાક સીન્સ જોતી વખતે આપણે પણ અધ્ધર જીવે આખું દ્રશ્ય જોતા હોઈએ છીએ અને પછી ખતરોં કે ખેલાડી એવા હીરોને બચી જતો જોઈને તાળીઓ પાડીએ છીએ.કહેવાય છે ને કે "જાન બચી સો લાખો પાયે"પણ દર વખતે કલાકારો નો જીવ બચી જાય તેવું બનતું નથી. ક્યારેક ગમખ્વાર જીવલેણ અકસ્માત પણ સર્જાઈ જાય છે.આવો એક જીવલેણ અકસ્માત સર્જાયો ફિલ્મ"હમલા"ના શૂટિંગ દરમિયાન.કાર ચેઝનો સીન હતો.હીરો કારમાં બેસે છે તેની પાછળ ફુલ સ્પીડે દુશ્મનોની કાર પીછો કરે છે હીરો તેમનાથી બચવા માટે સ્પીડ વધારે છે ફુલ સ્પીડે તેની કાર દોડે છે અને તે પહોંચી જાય છે પર્વતની ધાર પર.હીરો દુશ્મનોથી બચવા કારને ખીણમાંથી ગબડાવે છે અને નીચે પાણીની ખાઈ મા કાર સાથે પડે છે. આ હતો ફિલ્મ હુમલા નો સીન.શૂટિંગ દરમિયાન હાજી કાસમ નામનો ડુપ્લીકેટ હીરો અનિલ કપૂરના સ્થાને શૂટિંગ કરતો હતો બધું જ સીન મુજબ બરોબર થયું,પણ કાર પાણીમાં પડી પછી હાજી કાસમ તરીને બહાર આવતો ન દેખાયો.સમય વીતતો ગયો અને યુનિટના સભ્યોના ચહેરા પર ચિંતા ની નિશાનીઓ મુકતો ગયો.હાજી કાસમ બહાર ન આવ્યો એટલે તેને બચાવી લેવાના પ્રયત્નો થયા.કાર બહાર કાઢવામાં આવી ત્યારે ખબર પડી કે અણીના સમયે હાજી કાસમ પોતાના સેફ્ટીબેલ્ટ ખોલી ન શક્યો અને ઊંડા પાણીમાં કારમાં જ તે ડૂબીને મૃત્યુ પામ્યો. દોસ્તો હવે સમજાય છે ને કે ફિલ્મનું શૂટિંગ એ ખરેખર ખાવાના ખેલ નથી હાજી કાસમ જેવા અનેક જાંબાઝ કલાકારો ફિલ્મ શૂટિંગ દરમિયાન મોત સાથે પંજો લડાવતા હોય છે.આવી જ એક દિલ ધડક દાસ્તાન હવે તમને જણાવું.
દોસ્તો ફિલ્મોમાં ઘણીવાર ક્લાયમેક્સ સીન્સ ના શૂટિંગમાં પ્રાણીઓ પણ ઉપયોગમાં લેવાય છે. ઘોડાઓનો ઉપયોગ આવા સીન્સમાં વધુ પ્રમાણમાં થતો હોય છે."ભોલાભાલા"ફિલ્મ ના લોકેશન પર ક્લાયમેક્સ સીન નું શૂટિંગ થઈ રહ્યું હતું સીન ની માંગ મુજબ બોમ્બ વિસ્ફોટ થતા હતા. ઘોડા પર સવારી કરતો હતો રાજેશ ખન્નાનો ડુપ્લીકેટ.જમીન પર બોમ્બ વિસ્ફોટ થતા હતા તથા ઉપર ઉડતા હેલિકોપ્ટરમાંથી વિલન ધાણીની જેમ ગોળીઓ વરસાવતા હતા ટેક શરૂ થયો.ઘોડો દોડવા લાગ્યો અને દોડતા ઘોડાના પગ પર અચાનક બોમ્બ આવી પડયો. બોમ્બ ફૂટ્યો ઘોડેસવાર ડુપ્લીકેટ દૂર ફેંકાઈ ગયો એટલે તેને ગંભીર ઈજા ન થઈ પણ ,ઘોડાનું પેટ ફાટી ગયુ.તરત જ તેને જયપુરની હોસ્પિટલમાં લઈ ગયા.ડોક્ટરોએ જોયું કે ઘોડાના પેટમાં ઢગલા બંધ પથ્થરો ઘૂસી ગયા હતા. ડોક્ટરોએ પથ્થરના ટુકડાઓ કાઢવા માંડ્યા પણ ઘોડો મૃત્યુ પામ્યો. આજ રીતે રાજપુત ફિલ્મ માટે લક્ષ્મી નામની એક ઘોડીએ જીવ ગુમાવ્યો એક ઈંટો ની દિવાલ તોડીને લક્ષ્મી એ દોડવાનું હતું પણ દિવાલ સાથે માથું અથડાતા તે ઘાયલ થઈ ગઈ.પુણેની હોસ્પિટલમાં તેને લઈ ગયા ત્યારે ખબર પડી કે લક્ષ્મીને ત્રણ મહિનાનો ગર્ભ હતો.સારવાર આપવા છતાં લક્ષ્મી બચ્ચા સાથે મોતની ગોદમાં જતી રહી. તો ફ્રેન્ડ્સ ફરીવાર દિલ ધડક સ્ટંટ ની વાતો સાથે મળીશું યે વાદા રહા.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.