RETRO NI METRO - 5 books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 5

માતૃ ભારતીનાં પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો,સિલ્વર સ્ક્રીન ની મજેદાર વાતો સાથે. તો તૈયાર છો ને ? જો કે મિત્રો આ સફર માટે થોડી વિશેષ તૈયારી તમારે કરવી પડશે.તો લઈ લો તમારી સાથે વિન્ટર વેર્સ અને ગોઠવાઈ જાઓ રેટ્રો ની મેટ્રોમાં.અરે પણ શ્વેતલ આપણે ક્યાં જવાનું છે?
રેટ્રો ચાહકો આપણે જઈએ છીએ એક એવા પ્રદેશની મુલાકાતે જ્યાં સરોવર ની સુંદરતા, બર્ફીલા પહાડો ની હારમાળા, હરિયાળા મેદાનોની તાજગી , ફૂલોની નજાકત, ઝરણા ,નદી અને જંગલ નું સૌંદર્ય કુદરતે અઢળક આપ્યું છે,જેને ધરતી પરનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે,તેવા કાશ્મીર નાં પ્રવાસે. પ્રવાસમાં કોઈ ગેમ તો રમવી પડે ને? નહીં તો સફર કંટાળાજનક થઈ જાય ખરું ને? તો કાશ્મીરમાં શુટ થયેલી ફિલ્મોના નામ આપણે યાદ કરીએ.શરૂઆત હું કરું-કાશ્મીર કી કલી,જંગલી, બોલો બોલો બીજી કઈ ફિલ્મો? હિમાલય કી ગોદમે, હકીકત? બિલકુલ સાચું. આગળ...કભી કભી હં... સિલસિલા , હીના, અને બોબી વાહ મિત્રો, તમે તો એક પછી એક નામ યાદ કરવા માંડ્યા. મજા આવીને? લ્યો ફિલ્મોના નામ યાદ કરતાં કરતાં આપણે તો પહોંચી ગયા શ્રીનગર ની ઓળખ સમા ડલ લેક પર.શ્રીનગરની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે આ સરોવર અને એમાં તરતા શિકારા.પંદર કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું આ સરોવર કાશ્મીરનું બીજા નંબરનું મોટુ સરોવર ગણાય છે.સરોવરનું ફ્લોટિંગ માર્કેટ હાઉસ બોટ માં ફરતા ફરતા શોપિંગનો આનંદ આપે છે. આમ તો અહીં ઘણી હિન્દી ફિલ્મોનું શૂટિંગ થયું છે પણ "કશ્મીર કી કલી" ફિલ્મનું એક ગીત આ સરોવરની સુંદરતાને ખુબ સરસ રીતે પેશ કરે છે. એ ગીત યાદ આવ્યું તમને?જી હાં...."યે ચાંદ સા રોશન ચહેરા..."સ્વર મહમ્મદ રફીનો, સંગીત ઓ.પી. નૈય્યર નું અને શબ્દ રચના એસ.એચ.બિહારીની. રૂપેરી પડદે ઝુમતા નાચતા શમ્મી કપૂર અને સુંદર અભિનેત્રી શર્મિલા ટાગોર. આ ગીતનો જાદુ એવો હતો કે વર્ષો પછી રણબીર કપૂર અભિનીત "રોકસ્ટાર" માટે ગીત રી ક્રિએટ કરવામાં આવ્યુ.
ડલ સરોવર ની મધ્યમાં આવેલ ચાર ચિનાર દ્વીપ, ચશ્મે શાહી અને શાલીમાર તથા નિશાત ગાર્ડન શ્રીનગરની ખૂબસૂરતીમાં વધારો કરે છે.ચશ્મે શાહી ગાર્ડનની ઉપર સાત સીડીઓ ધરાવતો બગીચો "પરી મહલ" છે, જેને પરીઓનું નિવાસસ્થાન કે સ્વર્ગદૂતો નું ઘર કહેવાય છે. મોગલ સમ્રાટ શાહજહાં નાં સૌથી મોટા પુત્ર દારા શિકોહે આ "પરી મહલ" નું નિર્માણ કરાવ્યું હતું. વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો આ બગીચાને નયનરમ્ય બનાવે છે. ડલ સરોવર ની ઉત્તરપૂર્વે મુઘલ ગાર્ડન શાલીમાર બાગ આવેલો છે. તેની પાસે "ધ ગાર્ડન ઓફ ડિલાઇટ"એટલે કે નિશાત બાગ પણ છે. ફિલ્મ "જંગલી" નું મોટા ભાગનું શૂટિંગ શ્રીનગરમાં થયું છે. તેનું એક ગીત "દિન સારા ગુઝારા તોરે અંગના અબ જાને દે મુજે મેરે સજના "મુઘલ ગાર્ડન્સમાં ફિલ્માવવામાં આવ્યું છે,
શ્રીનગરથી લગભગ ૨૨ કિલોમીટર દૂર, 141 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું,હરિયાળીથી ભરપૂર સ્વચ્છ વાતાવરણ ધરાવતું દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે મનભાવન સ્થળ છે. સુંદર વનસ્પતિઓ અને દુર્લભ વન્ય જીવોનો ખજાનો છે આ રાષ્ટ્રીય ઉદ્યાન. સમુદ્રની સપાટીથી લગભગ ૧૭૦૦ થી ૪૩૦૦ મીટરની ઊંચાઈએ આવેલું ભારત નું સૌથી ઊંચું અભયારણ્ય હોવાનું ગૌરવ દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનને મળેલું છે. હિમાલયન લંગુર, રીંછ, દિપડા અને ઘુવડ ની દુર્લભ પ્રજાતિઓ અહીં જોવા મળશે. રેટ્રો ની મેટ્રો માં સફર કરી રહેલા મિત્રો તમને જણાવુ કે કાશ્મીરના રસ્તાઓની સુંદરતા ફિલ્મ મેરે સનમ ના "પુકારતા ચલા હુ મૈં" ગીતમાં ખુબ સરસ રીતે ફિલ્માવવામાં આવી છે. આશા પારેખ સાયકલ પર અને અભિનેતા બિશ્વજીત જીપમાં સફર કરતા જોવા મળે છે. ફ્રેન્ડઝ,અત્યારે મને ફિલ્મ "કભી કભી" ના શૂટિંગનો એ સમય યાદ આવે છે જ્યારે શૂટિંગ માટે અમિતાભ બચ્ચન કાશ્મીર માં હતા. વેકેશન માણવા માટે તેમના માતા-પિતા અને ભાઇ પણ આવ્યા હતા. યશ ચોપરાને આ વાતની ખબર પડી અને એમણે હરિવંશરાય અને તેજી બચ્ચન તથા ભાઈ અજિતાભ ને પોતાની ફિલ્મમાં મહેમાન ભૂમિકા કરવા મનાવી લીધા. ફિલ્મ માં લગ્ન પ્રસંગના દ્રશ્યો માટે અમિતાભ બચ્ચન ના માતા પિતા એ અભિનેત્રી રાખી ના માતા-પિતાની ભૂમિકા નિભાવી અને અજિતાભ બચ્ચન બન્યા શશી કપૂરના મિત્ર.
અને હવે જેને સ્વર્ગનું પ્રવેશ દ્વાર કહેવાય છે એવા તવિ નદીને કિનારે વસેલા જમ્મુ માં આવેલા ,બહુ કિલ્લાની મુલાકાત લઈએ. જમ્મુથી પાંચેક કિલોમીટર દૂર તવી નદીના ડાબા કિનારે લાંબો અને મજબૂત કિલ્લો છે. 3000 વર્ષ પૂર્વે તેનું નિર્માણ બહુ લોચન નામના રાજાએ કરાવ્યું હતું. જમ્મુ શહેર ના ઉદભવ વિશે એક લોકવાયકા છે તે મુજબ જમ્મુ લોચન રાજા એકવાર શિકારે નીકળ્યા અને તવી નદી ને કિનારે એક વાઘ અને એક બકરી ને એકસાથે નદીમાંથી પાણી પીતા જોયા. તરત જ એને સમજાઈ ગયું કે આ એક શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વ ધરાવતુ દિવ્યસ્થાન છે. એણે આ સ્થળને પોતાની રાજધાની બનાવી. તેના ભાઈ બહુ લોચને ત્યાર પછી આ બહુ કિલ્લાનું નિર્માણ કરાવ્યું. રાજા ની વાત સાથે યાદ કરીએ ફિલ્મ "રોજા"ને, યાદ આવ્યું ને ગીત "યે હસી વાદીયાં યે ખુલા આસમાં"આ ગીતમાં કાશ્મીરની બર્ફીલી વાદીઓને ફિલ્મમાં ખુબ સરસ રીતે ફિલ્માવવામાં આવી છે.કાશ્મીરમાં આપણા તિરંગા ના ત્રણે રંગો જોવા મળશે હરિયાળી નો લીલો રંગ, બરફનો સફેદ રંગ અને ત્રીજો રંગ કેસરી એટલે કે શૌર્યનો રંગ ,જે આપણને જોવા મળે કારગીલ માં આવેલ દ્રાસ વોર મેમોરિયલમાં. 1999 માં શહીદ જવાનોની યાદમાં આ સ્મારક નું નિર્માણ ભારતીય સેનાએ કર્યું. જેને વિજયપથ નામથી પણ ઓળખવામાં આવે છે.લાલ સેન્ડ સ્ટોન થી બનેલ દિવાલ પર શહીદ વીર જવાનો ના નામ અંકિત કરાયા છે. સ્મારકમાં આવેલી મનોજ પાંડે ગેલેરીમાં યુદ્ધ દરમિયાન વપરાયેલા શસ્ત્રો,તોપો અને યુદ્ધ દરમિયાન લેવાયેલી કેટલીક દુર્લભ તસ્વીરો જોવા મળે છે. આ મેમોરિયલ ની મુલાકાત લેતા જ યાદ આવી જાય 1964 ની ફિલ્મ "હકીકત" જેના કેટલાક સીન્સ કાશ્મીરમાં શૂટ કરવામાં આવ્યા હતા.હવે પેરાગ્લાઈડિંગ અને સ્કિઈંગ જેવી રમતોના શોખીન સાહસિક પ્રવાસીઓ,પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે શાંતિ મેળવવા ઇચ્છતા પ્રવાસીઓ તેમજ સ્વાદ પ્રિય પ્રવાસીઓને એક સાથે આકર્ષી શકે તેવા સ્થળની મુલાકાત લઈએ. જી હા પટનીટોપ થી થોડું ટ્રેકીંગ કરીને નાથટોપ પહોંચી શકાય છે.જ્યાં પેરાગ્લાઈડિંગ અને સ્કિઈંગ ની મજા માણ્યા પછી સ્વાદિષ્ટ સ્થાનિક વાનગીઓનો આનંદ માણી શકાય છે. ઉનાળામાં હરીયાળા મેદાનો રૂપે લીલો રંગ ધારણ કરતા નાથટોપ નું સૌંદર્ય શિયાળામાં શ્વેત બરફથી ઢંકાયેલા મેદાનો રૂપે ચમકી ઊઠે છે.આસપાસ ખૂબ બરફ હોય અને તેમાં ગીતો શુટ થયા હોય તેવી કેટલી બધી હિન્દી ફિલ્મો યાદ આવી ગઈ ને?જ્યુબીલી સ્ટાર રાજેન્દ્ર કુમાર ના પુત્ર કુમાર ગૌરવની પ્રથમ ફિલ્મ"લવ સ્ટોરી"ના ઘણા સીન્સનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે.પટનીટોપ થી થોડે દુર પહાડની બહારની સપાટી ને કોતરીને 270 પગથિયા ધરાવતી બિલ્લુ કી પોવરી પર થી પસાર થવાનો રોમાંચક અનુભવ મેળવ્યા બાદ આપણે યાદ કરીએ રાજેશ ખન્નાની ફિલ્મ "રોટી" ને .
એક ઇન્ટરવ્યુ દરમિયાન, મુમતાઝે આ ફિલ્મ વિશે કહ્યું: "જ્યારે અમે મનમોહન દેસાઈની રોટીના ક્લાઈમેક્સનું શૂટિંગ કાશ્મીરમાં કરતા હતા,ત્યારે એક સીનમાં રાજેશ ખન્નાએ તેમના ખભા પર મને ઊંચકીને બરફમાં દોડવાનું હતું.જ્યારે જ્યારે અમે શૂટિંગ શરૂ કરતાં, ત્યારે રાજેશ ખન્ના મને કહેતા 'એ મોટી, ચલ આજા' અને હું તેમના ખભા પર કૂદી પડતી.અમે આઠ દિવસ સુધી આ રીતે શૂટિંગ કર્યું. ફિલ્મના Climex નું શૂટિંગ પૂરું થયું ત્યારે અમે સૌએ જોયું કે તેમના ડાબા ખભા પર લાલ ચકામુ પડી ગયું હતું.
તો ખૂબસૂરત કાશ્મીરની સુમધુર સફર કરીને રેટ્રોની મેટ્રો પરત આવી ગઈ છે માતૃ ભારતીના પ્લેટફોર્મ પર. હા હા મને ખબર છે કે હજુ તો આપણે અડધા જ કાશ્મીર ની મુલાકાત લઇ શક્યા છીએ,આપણી આ સફર જારી રહેશે યે વાદા રહા.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED