RETRO NI METRO - 6 books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 6

માતૃભારતી નાં પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો. અરે વાહ !તમે તો મફલર,શાલ, સ્વેટર, હેન્ડ ગ્લોઝ સાથે કાશ્મીર ની સફર માટે તૈયાર જ છો. તો ચાલો નીકળી પડીએ ખૂબસૂરત કાશ્મીર ની સફરે. કાશ્મીરને આકર્ષક રંગ રુપથી સજાવે છે ચિનાર વૃક્ષો. ઓક્ટોબર-નવેમ્બરમાં આ વૃક્ષો ના પાંદડા લાલ, જાંબુડીયા, સોનેરી અને પીળા રંગના બને છે. તેના રંગો નું પરિવર્તન ,કાશ્મીર માં આવી રહેલ ઋતુ પરિવર્તન ની છડી પોકારે છે અને કાશ્મીરના રહેવાસીઓ પોતાના પહેરવેશ અને ખાનપાનમાં ઋતુ પ્રમાણે ફેરફાર કરે છે. ચિનાર વૃક્ષોના પાંદડા નું સૌંદર્ય ફિલ્મ"જાનવર"નાં ગીત તુમસે અચ્છા કૌન હૈ....માં ભરપૂર જોવા મળે છે.પ્રવાસનો એક હેતુ જુદા જુદા અનુભવો મેળવીને જીવનને સાર્થક કરવાનો છે. કાશ્મીર નું ગુલમર્ગ પ્રવાસીઓ માટે અનુભવનો ખજાનો ખુલ્લો મૂકે છે. સ્કિઈંગ, પેરાગ્લાઈડિંગ, બંજી જમ્પિંગ, રિવર રાફ્ટિંગ, જેવી સાહસિક રમતો ના શોખીન નું સ્વર્ગ ગણાય છે ગુલમર્ગ, વન્યજીવ સૃષ્ટિ અને પક્ષીસૃષ્ટિ ના અભ્યાસુઓ તેમજ જંગલ સફારી ના શોખીનો માટે "ગુલમર્ગ બાયોસ્ફિયર રિઝર્વ" એક આકર્ષક સ્થળ છે. તો શિવ ભક્તો માટેનું એક પ્રાચીન ધાર્મિક સ્થળ શિવ મંદિર ખૂબ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. ફિલ્મ "આપકી કસમ" ના ઘણા દ્રશ્યો માં ગુલમર્ગ ની ખુબસુરતી દેખાય છે.સાહસિકો માટે ડ્રીમલેન્ડ, સંશોધકો માટે અભ્યાસનું કેન્દ્ર અને પ્રવાસીઓ માટે અખૂટ આનંદનો ખજાનો છે ગુલમર્ગ.તો ફોટોગ્રાફી ના શોખીનો ને એલ્પર લેક નું સૌંદર્ય મંત્રમુગ્ધ કરે છે.ગુલમર્ગ વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી અને સૌથી ઊંચાઈ પર આવેલી cable car ગોંડોલા રાઇડ માટે પણ પ્રખ્યાત છે. લગભગ ૧૩ હજાર ફૂટની ઊંચાઈએ થી કાશ્મીરના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો રોમાંચક અનુભૂતિ ચોક્કસ જ કરાવશે.તમને યાદ છે, સ્કિઇંગ ચેમ્પિયન અને એક સુંદર યુવતી વચ્ચે કાશ્મીર ની ભૂમિ પર પાંગરતl પ્રેમ ની કથા ધરાવતી એક ફિલ્મ ૧૯૬૫માં પ્રદર્શિત થઇ હતી.એ ફિલ્મ એટલે આરઝુ. જેનું ઘણું ખરું શૂટિંગ કાશ્મીર ની વાદીઓમાં થયું છે.
શ્રીનગર થી ૬૦ કિલોમીટર દૂર પહલગામ પ્રવાસીઓની જેમ બોલિવુડને પણ ખૂબ આકર્ષે છે. દેવદાર અને ચીડના વૃક્ષો પહેલગામ ની શોભા વધારે છે. ઘોડેસવારી ,ટ્રેકિંગ અને ફિશીંગ ની મજા માણવી હોય તો પહેલગામ ની મુલાકાત લેવી જ પડે.પહેલગામથી થોડાક કિલોમીટર દૂર આવેલી હગન વેલી માં ઘણી હિન્દી ફિલ્મોનું શૂટિંગ થયું છે. સની દેઓલ અને અમૃતા સિંહની પ્રથમ ફિલ્મ "બેતાબ"નું શૂટિંગ થયા પછી આ વેલીને નામ મળ્યું બેતાબ વેલી. નજીકમાંથી પસાર થતી નદી અને લાકડાનું સુંદર ઘર, હરીયાળુ મેદાન અને બરફથી ઢંકાયેલા પર્વત શિખરો ની વચ્ચે ફિલ્માવાયેલું ગીત "તેરી તસવીર મિલ ગઈ..." યાદ છે ને?જે રીતે ફિલ્મના શૂટિંગ પછી વેલી ને મળ્યું બેતાબ વેલી નામ તે જ રીતે,પહેલગામથી થોડે દૂર આવેલ એક હટ,એક લોકપ્રિય ગીત ના શૂટિંગ પછી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની અને એનું નામકરણ થયું બોબી હટ."હમ તુમ એક કમરે મેં બંધ હો ઓર ચાબી ખો જાય"અરે વાહ...રિશી કપૂર અને ડીમ્પલ કાપડિયા પર ફિલ્માવાયેલું એ ગીત તમે તો ગણગણવા પણ માંડ્યું,સરસ.
સફરજન, કેસર, પશ્મિના, ભરતકામ, ગાલીચા અને સ્થાનિક ચા - કહવા માટે વિશ્વ વિખ્યાત કાશ્મીરનું મોટું વ્યાપારી કેન્દ્ર એટલે અનંતનાગ.કાશ્મીર ની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા અનંતનાગ પાસે ત્રણ જલધારાઓ અરાપથ,બ્રેંગી અને સૈંડ્રન નો સંગમ છે .સંગમસ્થાને થી આ ત્રણેય ધારાઓ ઝેલમ નદી બનીને વહે છે. વર્ષો પહેલા અનંતનાગ અને અન્ય શહેરો વચ્ચે પરિવહન માટેનો મુખ્ય જળમાર્ગ ઝેલમ નદી જ હતી.અનંતનાગમાં આકર્ષક કાશ્મીરી ચીજ વસ્તુઓની ખરીદી કરતા હો ત્યારે કોઈ વેપારીની દુકાનમાંથી તમને કાશ્મીરની ખુબસુરતી જેમાં ખુબ સરસ રીતે દર્શાવાય છે તે ફિલ્મ"નુરી"નું ગીત સાંભળવા મળે તો, થઈ જાય ને સોને પે સુહાગા?ઝેલમ નદીનો જળ માર્ગ,સાંકડી નહેરો તથા ઢાળવાળા છાપરા ધરાવતા પારંપરિક કાશ્મીરી ઘરો ફિલ્મ" એક મુસાફિર એક હસીના" ના એક ગીતમાં ખુબ સરસ રીતે ફિલ્માવાયા છે. ફિલ્મની નાયિકા સાધના ને શોધવા નાયક જોય મુખર્જી ઝેલમ નદી માં હોડી લઈને નીકળે છે અને ગીત ગાય છે "હમકો તુમ્હારે ઇશ્ક ને ક્યા ક્યા બના દિયા, જબ કુછ ન બન સકે તો તમાશા બના દિયા, નીકલે તેરી તલાશ મેં ઔર ખુદ હી ખો ગયે, કુછ બન પડી ના હમ સે તો દીવાને હો ગયે, દીવાનગીને ફિર તેરા કુચા દિખા દિયા..."જૉય મુખર્જી સાથે ઝેલમ નદીની સફર કરી લીધી હોય તો,ચાલો હું તમને એક એવી ફિલ્મ યાદ કરાવું જેમાં કાશ્મીરને ખુબ સરસ રીતે અંકિત કરાયું છે એ ફિલ્મ એટલે "જબ જબ ફૂલ ખીલે". રેટ્રો ના ચાહકોને તો તરત જ આ ફિલ્મ અને ફિલ્મના હીરો શશી કપૂર યાદ આવી જ ગયા હશે. ફિલ્મમાં શશી કપૂર એક શિકારા ચાલકની ભૂમિકા નિભાવે છે. શિકારા ચલાવનાર કશ્મીરી યુવકની બોડી લેંગ્વેજ, તેમની વાત કરવાની સ્ટાઈલ અને તેમના હાવભાવ સમજવા માટે,શશી કપૂર કેટલાક દિવસો સુધી કાશ્મીરી બોટમેન સાથે રહ્યા હતા.એમની સાથે કેટલીકવાર સ્થાનિક ભોજનનો સ્વાદ પણ શશી કપૂરે માણ્યો હતો.આટલી મહેનત કરી હોય તો ફિલ્મ હીટ થાય જ.અને રેટ્રો ના ચાહકો તો જાણે જ છે કે ફિલ્મમાં શશી કપૂરનો અભિનય ખૂબ વખણાયો હતો ખરું ને?
કાશ્મીરી સંસ્કૃતિ, પરંપરા અને કાશ્મીરી જીવનશૈલી ને નજીક થી જાણવા માટે ચાલો આપણે સનાસર જઈએ.સના અને સર નામના બે સ્થાનિક સરોવર નાં નામો પરથી આ સ્થળને નામ અપાયું સનાસર. વિશાળ કોનીફર્સ એટલે કે શંકુ આકારના વૃક્ષો ધરાવતું ,કપ આકારનું મેદાન, ઇકો ફ્રેન્ડલી ગામ અને વિવિધ સાહસિક રમતો નું આકર્ષણ એટલે સનાસર. આ ગામને અને એની ખૂબસૂરતી ને જોઈએ તો "બેમિસાલ"ફિલ્મનું "કિતની ખૂબસૂરત યે તસવીર હૈ.... યે કશ્મીર હૈ યે કશ્મીર હૈ...."ગીત આપોઆપ યાદ આવી જાય. એ ગીત અને કાશ્મીરના સુંદર દ્રશ્યો યાદ કરતા કરતા કાશ્મીરની સફર કરીને રેટ્રોની મેટ્રો પરત આવી ગઈ છે માતૃ ભારતી ના પ્લેટફોર્મ પર.આપણા આ પ્રવાસ પછી બોલીવુડની રસપ્રદ વાતો સાથે જઈશું કોઈક બીજા સ્થળે, બીજા રાજ્યમાં કે સમય નાં કોઈક પડાવ પર.એ સફરમાં તમે પણ જોડાશો ને?
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED