RETRO NI METRO - 14 books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 14

રેટ્રો ભક્તો,કોઈ એક ફિલ્મ જોતા તમને તેમાં સૌથી વધારે શું ગમી જાય? સ્વીટ સ્વીટ સોન્ગ્સ, હા..હા..હા..હા કોમેડી, ઢીશુમ ઢીશુમ એક્શન કે ખતરનાક સ્ટંટસ? શું બધા એકસાથે બોલી ઉઠ્યા ને કે હા સ્ટંટ જોવા તો ખૂબ ગમે.આ સ્ટંટ સીન શૂટ કરવા કંઈ ખાવાના ખેલ નથી.આખું યુનિટ -સ્પોટ બોય થી માંડીને ડાયરેક્ટર સુધીના તમામ- વચ્ચે પરફેક્ટ ટ્યુનીગ ન હોય ને તો આવા સીન્સ શૂટ કરવા એટલે બાપ રે એકસીડન્ટ થયો જ સમજો.સ્ટંટ સીન્સ જોતા જ રોમાંચિત થઈ જતા દર્શકોને એ ખ્યાલ પણ નથી આવતો કે થોડી સેકન્ડ્સના એ દ્રશ્ય માટે ડુપ્લીકેટથી માંડી સ્ટાર્સ અને પ્રાણીઓ પણ પોતાની જિંદગી જોખમમાં નાખતા હોય છે.ફિલ્મનો હીરો અને વિલન ફાઈટ કરે છે ઢીશુમ ઢીશુમ... લડતા લડતા મકાનની છત પર દોડતા હીરો અને વિલન. જીવ અધ્ધર થઈ ગયો ને?ઢીશુમ ઢીશુમ... વિલન દોડે છે એક મકાનની છત પરથી બીજા મકાનની છત પર. પાછળ હીરો દોડે છે અને.... હા તમારા દિમાગની ડાયરીના પાના ઉથલાવશો ને તો આ દ્રશ્ય કઈ ફિલ્મનું તે યાદ આવી જ જશે.જો યાદ ન આવ્યું હોય તો હું આપને જણાવું આ દ્રશ્ય છે ફિલ્મ "મેરા ગાંવ મેરા દેશ"નું હીરો છે ધર્મેન્દ્ર અને વિલન છે વિનોદ ખન્ના. હવે આ દ્રશ્ય શૂટ થતું હતું ત્યારે શું બન્યું ખબર છે? રાજસ્થાન નાં એક ગામમાં આ ફિલ્મનું શૂટિંગ થતું હતું વિલન બનેલા વિનોદ ખન્ના સીન મુજબ એક મકાનની છત પરથી દોડતા દોડતા કૂદીને બીજા મકાનની છત પર ગયા પણ એમની છલાંગની સાથે જ મકાનની નબળી છત તૂટી પડી. વિનોદ ખન્ના છત સાથે જ નીચે પડ્યા,પગનું હાડકું તૂટી ગયું,આખા શરીરે નાની મોટી ઈજા થઈ.તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેમના પગનું ઓપરેશન કરાયું અને ઘણા અઠવાડિયા નો તેમણે બ્રેક લેવો પડ્યો.
શૂટિંગ અને તે પણ અડધો ડઝન જેટલા રાક્ષસી ડોબરમેન કુતરાઓ સાથે? ભયનું લખલખું પસાર થઈ જાય આ કલ્પના માત્રથી.હા હા આ કુતરાઓ ટ્રેન્ડ હોય છે એ તો મને પણ ખબર છે પણ કૂતરાની વફાદારી ના વખાણ કરતા લોકો સાથે અમજદખાન તો બિલકુલ સંમત નહોતા.ફિલ્મ "આખરી દાવ"નું શૂટિંગ ગોઠવાયું હતું પનવેલના જંગલમાં.સીન હતો અમજતખાન પાછળ છ સાત ડોબરમેન ભાગે છે અને અમજદખાન જીવ બચાવવા દોડે છે.સખત ગરમી અને વારંવાર રીટેક્સ થતા હોય તો અમજદ ખાન તો અકળાઈ જાય જ પણ, જો ડોબરમેન કુતરા અકળાઈ જાય તો શું થાય ?એ જ કે જે "આખરી દાવ" ફિલ્મના શૂટિંગમાં થયું.ગરમી અને વારંવાર ના રિટેક્સથી ડોબરમેન કુતરા સંતુલન ખોઈ બેઠા તેમના મોંમાંથી ફીણ નીકળતા હતા એટલે ફરી ટેક લેવાનો થયો ત્યારે અમજદખાને દોડવા માંડ્યું કુતરા ભસાભસ કરતા તેમની પાછળ દોડ્યા... એટલું દોડ્યા એટલું દોડ્યા કે સીન શુટ થઈ ગયો તો પણ તેમણે અમજદખાન પાછળ દોડવાનું ચાલુ રાખ્યું અને છેવટે ગભરાઈને જીવ બચાવવા અમજદખાન એક ઝાડ પર ચડી ગયા.કલ્પના કરો કે એ ઝાડ ત્યાં ન હોત તો? અમજદખાન નું તો આવી જ બન્યું હોત ને? આવા સ્ટંટ સીન ભજવનાર કલાકાર ડુપ્લીકેટ હોય કે સ્ટાર્સ હોય તેમણે ખૂબ સતર્ક રહેવું પડે.કહેવાય છે કે અણી ચૂક્યો સો વર્ષ જીવે પણ આવા દ્રશ્યો ભજવતી વખતે સોયની અણી જેટલી નાની ભૂલ પણ જીવ ખોવા માટે પૂરતી છે."કચ્ચે ધાગે" ફિલ્મ જોનાર દર્શકો અજય દેવગન ની ટ્રેન પરની સિક્વન્સ ભૂલ્યા નહીં હોય. જ્યારે "કચ્ચે ધાગે"માટે માલગાડી પર આ એક્શન સીક્વન્સ શૂટ થતી હતી ત્યારે પાટા પરથી અચાનક એક અણીદાર પથ્થર ઉછળ્યો અને અજય દેવગનની આંખ પાસે એટલા જોરથી વાગ્યો કે લોહી નીકળવા માંડ્યું.અચાનક વાગેલા પથ્થરને કારણે અજયની એકાગ્રતા તૂટી અને ટ્રેન પરથી તેમનો પગ લપસ્યો.. પણ કહેવાય છેને કે "હિંમતે મર્દા તો મદદે ખુદા"એટલે હિંમતવાન અજયને ખુદા બચાવે જ ને? અજયે વેગથી દોડી રહેલી ટ્રેનની છત પર ઝડપ થી સંતુલન જાળવી લીધું અને તેમનો ચમત્કારિક બચાવ થયો. ઓ બાપ રે...આટલું જોખમ હોય તો ફિલ્મ સ્ટાર બનવાનું સપનું અભરાઈએ ચડાવી દેવાનું એમ જો તમે વિચારતા હો તો થોભો કારણ કે ફિલ્મ મેકિંગ ના દરેક પાસામાં ખતરો તો ખરો જ અરે આવું હું નહીં કેમેરામેન અનવર સિરાઝ કહે છે.આ જાંબાઝ કેમેરા મેને ફિલ્મ ફાંસી માટે ટ્રેનના જોખમી દ્રશ્ય શૂટ કરવા પોતાના શરીર પર કેમેરા બાંધ્યા અને ત્યારબાદ યોગ્ય એંગલ દ્વારા સીન્સ શૂટ કરેલા.એટલું જ નહીં ફિલ્મ "લોહા"ના શૂટિંગમાં જ્યારે તેઓ વ્યસ્ત હતા ત્યારે એક એવી દુર્ઘટના બની કે અનવર બાલ બાલ બચ્ચા.થયું એવું કે ફિલ્મના એક્શન દ્રશ્યનું શૂટિંગ પહાડી ઇલાકામાં ગોઠવાયું હતું. યોગ્ય એંગલ સેટ કરી અનવરજી એ કેમેરા ગોઠવ્યા પછી લાઈટસ કેમેરા એક્શન નો આદેશ થતાં શૂટિંગ શરૂ થયું. ત્યાં અચાનક અનવર નો પગ લપસ્યો અને તેઓ ઊંડી ખીણમાં ગબડ્યા, માથું ફૂટી ગયું અને પગનું હાડકું પણ તૂટી ગયું પણ હિંમત ની કિંમત એ મળી કે થોડાં સમય માં જ અનવર મોતને બાય બાય કરી પાછા કામે લાગી ગયા. આવા જાંબાઝ સિકંદરોની સાહસ કથા જારી રહેશે રેટ્રો ની મેટ્રો સફર માં. फिर मिलेंगे तब तक आज्ञा दीजिए।
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED