Pranay Parinay - 29 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 29

પાછલા પ્રકરણનો સાર:

વિવાન, ગઝલને લઈને મનોરના ફાર્મહાઉસ જવા નીકળ્યો. તે હોશમાં આવી એટલે વિવાને તેને કહી દીધું કે તેણે એનુ અપહરણ કર્યુ છે અને તેની સાથે લગ્ન કરવાનો છે. તેની ધારણા મુજબ જ ગઝલ ધમપછાડા કરવા લાગી. ઘણી મથામણ પછી છેવટે વિવાન તેને ખભે ઉંચકીને ફાર્મહાઉસની અંદર લઇ ગયો. તે વારે વારે મલ્હારનું નામ લેતી હોવાથી વિવાનને ખૂબ ગુસ્સો આવતો હતો.


હવે આગળ..


**



પ્રણય પરિણય ભાગ ૨૯



'બસ્સ.. હવે પછી તારા મોઢેથી મલ્હારનુ નામ નીકળ્યું છે તો મારા જેવો ખરાબ કોઈ નહીં હોય.. પ્રેમથી સમજાવું છું, સમજી જા. નહીં તો મને બીજી રીતે સમજાવતા પણ આવડે છે. અને એ તને જ મોંઘુ પડશે. મારે તારી સાથે કંઈ ખરાબ કરવુ નથી.. સો ડોન્ટ પ્રોવોક મી ટુ ડુ એનીથિંગ વિથ યુ.' કહેતાં વિવાન ગઝલના ગાલ પરથી આંગળી ફેરવતાં ફેરવતાં તેના ગળાં સુધી લાવ્યો.


વિવાનના સ્પર્શથી ગઝલ ધ્રુજી ઉઠી. અને જોરથી પોતાની આંખો મીંચી લીધી. તેનુ હૃદય જોરથી ધડકવા લાગ્યું. ડરથી તેના હોઠ થરથરવા લાગ્યા. ડરથી કાંપતી જોઈને વિવાને તેને આલિંગનમાં લીધી.


'ટ્રાઇ ટુ અન્ડરસ્ટેન્ડ, મારે તને બિલકુલ તકલીફ નથી આપવી. બસ, તું મને ગુસ્સો નહીં અપાવતી. હું નથી ઈચ્છતો કે ગુસ્સામાં હું કંઈક કરી બેસું. પ્લીઝ તું મારી વાતને સમજ.' વિવાન ગઝલના વાળમાં હાથ ફેરવતાં બોલ્યો.


ખરેખર તો ગઝલને ડરવાનુ કોઈ કારણ નહોતું. એ સેફ હતી, એ તેને કંઈ કરવાનો નહોતો. પણ વિવાનના આવા વર્તનને કારણે તે ગભરાઈ ગઈ હતી. અને ધ્રુજવા લાગી હતી.

ગઝલ તેના આલિંગનમાં પુતળાની જેમ સ્તબ્ધ થઇને ઉભી હતી.


થોડીવાર પછી તેને અળગી કરીને તેનો ચહેરો બેઉ હાથમાં લઈને તે બોલ્યો: 'આ રુમ તારી જ છે. તારી જરૂરિયાતની બધી ચીજ અહીં છે. તું ફ્રેશ થઇ જા અને આરામ કર. ઓકે?'


ગઝલએ જોયું કે આ વખતે તેની આંખોમાં ગુસ્સો નહોતો. પણ તેના માટે ખૂબ કાળજી હતી. તે કંઈ બોલી નહીં.


'તારે કંઈ પણ જોઇએ તો મને અવાજ આપજે, હું અહીં જ બાજુના રૂમમાં છું.' એમ કહીને વિવાને તેના કપાળ પર હોઠ હળવું ચુંબન કર્યું અને બહાર નીકળી ગયો.


તેના જતા જ ગઝલ બેડ પર ધડામ કરીને બેઠી. તેની આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં હતા. અત્યાર સુધીમાં કોઈએ તેની સાથે આવો વ્યવહાર કર્યો નહોતો. તેને મિહિર અને કૃપાની યાદ આવી.. એ લોકોએ તેને ફૂલની જેમ સાચવી હતી.


'ભાઈ.. ભાભી.. ક્યાં છો તમે? મને ખૂબ ડર લાગે છે.. મને અહીંથી છોડાવો પ્લીઝ..' ગઝલ રડવા લાગી.


બહાર આવીને વિવાને રઘુને ફોન લગાવ્યો.


'હેલ્લો..'


'હાં ભાઈ..'


'શું ખબર?'


'પોલીસ હજુ તમને સેલવાસમાં જ શોધે છે. મલ્હારે બધી બાજુ પોતાના માણસો ફેલાવી દીધાં છે. પેલા પુજારીનુ તો ખરુ થયું ભાઈ!' રઘુના અવાજમાં રોમાંચ ભળ્યો.


'હે! શું થયું?'


'પોલીસ તેના ઘરે ગઈ તો તેની ઘરવાળી કહે મંદિરની આસપાસ તપાસ કરો, પડ્યો હશે ક્યાંક ભાંગ પીને.. મંદિર પાછળની ઝાડીમાંથી શોધીને એની પુછપરછ કરી ત્યારે એ બોલ્યો કે સવારમાં હું આરતી કરીને બહાર આવ્યો ત્યારે કોઈએ મને કંઈક સુંઘાડી દીધુ. પછીનું કંઈ યાદ નથી.' કહીને રઘુએ ઉમેર્યું: 'પુજારી તો ભાંગનો બંધાણી નીકળ્યો. અને ઝાડીમાંથી બેહોશ મળ્યો હતો. એટલે પોલીસે માની લીધું કે ભાંગ વાળી વાત છુપાવવા માટે મનઘડંત વાર્તા કહી રહ્યો છે.'

રઘુની વાત સાંભળીને વિવાન મલકી ગયો.


'અચ્છા.. એન્ડ વ્હોટ એબાઉટ નીશ્કા?'


'એ તો મસ્ત આરામથી હોસ્પિટલમાં પડી છે. એનુ ટેન્શન નહીં લો, એ કોઈને કશું નહી કહે.'


'અચ્છા, પેલો મેસેજ સેન્ડ કરી દે.


'ઓકે ભાઈ.' કહીને રઘુએ બીજા મોબાઈલ પરથી એક મેસેજ સેન્ડ કર્યો. પછી બોલ્યો: 'ડન.'


'કાર્ડ ડિસ્ટ્રોય કરી દેજે.' વિવાને તેને સૂચના આપી.


'હાં ભાઈ, ડોન્ટ વરી. અચ્છા, ભાભી કેમ છે? હોશમાં આવ્યા કે?' રઘુએ પૃચ્છા કરી.


'હાં આવી ગઇ.'


'પછી શું થયું?'


'અરે! ખૂબ જિદ્દી છે. ભાગી જતી હતી.'


'હેહેહે.. પછી?' રઘુએ કુતુહલથી પુછ્યું.


'ખભે નાખીને લઇ આવ્યો અંદર.. પછી ખૂબ ધમકાવી.' વિવાને આખી વાત કરી.


'પાગલ થઈ ગયા છો કે શું ભાઈ?' રઘુ ખિજાયો.


'અરે પણ! સમજતી જ નહોતી કોઈ વાતમાં.'


'અરે! નીશ્કાએ શું કીધું હતું એ યાદ છે? તેને પ્રેમથી સમજાવશો તો તમારુ સાંભળશે, નહીતો માનશે નહીં અને જિદે ભરાશે. તમારા આવા વર્તનથી ભાભી કેટલા ડરી ગયા હશે? એવામાં તંબૂરો તમારી લવ સ્ટોરી શરૂ થવાની? તમારી નજીક આવવાનુ તો છોડો, તમારાથી દૂર ભાગશે. જરા સંયમથી કામ લો.. બધી વસ્તુ એની મરજી વિરૂધ્ધ થઇ છે એટલે એનુ રિએક્શન તો વ્યાજબી જ છે. એને તો હજુ મલ્હાર વિશે પણ કશું ખબર નથી. તમે તો જાણો છો.' રઘુએ વિવાનને સમજાવ્યો.


'હું જાણું છું રઘુ કે મારે આવું વર્તન નહોતુ કરવુ જોઈતું પણ એ વારેઘડીએ મ્લહારનુ નામ લે છે. અને મારુ મગજ છટકે છે.'


'હાં તો મલ્હારનુ નામ લે જ ને? ભાભીની નજરે એ હિરો છે અને તમે વિલન..' કહીને રઘુ હસ્યો.


'તને હસવું આવે છે?' વિવાન ખિજાયો.


'સોરી, પણ તમે થોડો વિચાર કરો, ભાભી એમ એકદમથી કેમ તમારી વાત માનવા લાગે? તેને થોડો સમય આપો, થોડું તેને સમજાવો અને થોડું તમે પોતે એને સમજવાની કોશિશ કરો. તો બધુ સેટ થઈ જશે. ઓકે? તો ફોન મૂકી છું.'


**


રઘુએ કરેલો મેસેજ મિહિરને મળ્યો: "મલ્હાર બરાબર માણસ નથી. તેનુ ફેમિલી પણ તમારે લાયક નથી. બહેનને વળાવતા પહેલા તેનું બેકગ્રાઉન્ડ ચેક કરજો." - આપનો હિતેચ્છુ.


મલ્હારને મેસેજ મળ્યો ત્યારે પ્રતાપ ભાઈ અને મલ્હાર નજીક જ હતા. મિહિરે ચુપચાપ મેસેજ વાંચીને ફોન કૃપાને આપ્યો. અને મેસેજ વાંચવાનો ઇશારો કર્યો. મેસેજ વાંચતા કૃપાને ઝટકો લાગ્યો. તેને મલ્હારના વર્તન પર શંકા તો હતી જ, મેસેજમાં તેના ફેમિલી માટે પણ લખવામાં આવ્યું હતું. મેસેજ વાંચીને પતિ પત્નીએ રાઠોડ ફેમિલીની ખરાબ રેપ્યુટેશન વિષે આંખોથી જ વાતચીત કરી લીધી.


થોડી વાર પછી મિહિરે જે નંબર પરથી મેસેજ આવ્યો હતો તેના પર કોલ લગાવવાની કોશિશ કરી. પણ એ નંબર ઉપલબ્ધ નથી એવો રેકોર્ડેડ અવાજ સંભળાયો. તેણે એક વખત ગઝલ મળી જાય પછી પોતાની રીતે તપાસ કરવાનું મનમાં વિચાર્યું.


**


થોડી વાર પછી ફ્રેશ થઈને વિવાન ગઝલની રૂમમાં તેને જમવા માટે બોલાવવા ગયો. પણ તે રડી રડીને થાકી ગઈ હોવાથી એમજ બેડ પર બેઠા બેઠા ઉંઘી ગઈ હતી.


'ગઝલ..' વિવાને તેને જગાવવા માટે અવાજ આપ્યો પણ તે ઉઠી નહીં. તે એની બાજુમાં જઈને બેઠો.


'ગઝલ..' તે એના હાથ પર હાથ મૂકીને ધીમેથી બોલ્યો.


ગઝલ ઝબકીને જાગી, તેને એટલો નજીક જોઈને દૂર સરકી અને સંકોચાઈને બેસી.


આ બાજુ પોતે ગઝલ સાથે કરેલા વર્તનને કારણે વિવાનને ખુદના ઉપર જ ગુસ્સો આવી રહ્યો હતો. તેણે એક ઉંડો શ્વાસ લીધો અને ગઝલનો હાથ પોતાના હાથમાં લીધો. ગઝલએ ઝટકાથી પોતાનો હાથ પાછો ખેચી લીધો.


'ઓકે, ઓકે.. આઇ એમ સોરી.. મેં તારા પર ખોટો ગુસ્સો કર્યો.. મારે એવું નહોતુ કરવુ જોઈતું.' એ ધીમા અવાજે બોલી રહ્યો હતો.


ગઝલ તેની તરફ જોઈ રહી હતી.


'જો, હું બિલકુલ એવો માણસ નથી. તુ એકધારી મલ્હારના નામનું રટણ કરી રહી હતી એટલે મને ગુસ્સો આવ્યો હતો. ટ્રસ્ટ મી, હું તને કંઇ નહીં કરુ.'


'મારે ઘરે જવું છે.. પ્લીઝ.. મારે ભાઈ પાસે જવું છે..' તેની આંખમાં આંસુ આવ્યા.


'હા, જઈશુ..'


'હાં તો ચલો..' કહીને ગઝલ બેડ પરથી નીચે ઉતરી.


'અત્યારે નહી.. બે દિવસ પછી જઇશુ.'


'પણ અત્યારે શું કામ નહીં? તમને એ કેમ નથી સમજાતું કે ભાઈ ભાભી મારા માટે કેટલા પરેશાન હશે..? મે તમારૂ શું બગાડ્યું છે?'


'તે કંઈ નથી બગાડ્યું, બસ હું તને પ્રેમ કરુ છું.. ટ્રસ્ટ મી, હું તને ખૂબ પ્રેમ કરુ છું.' વિવાન ગઝલની આંખોમાં જોઇને પ્રેમથી બોલ્યો.


ક્ષણભર તો ગઝલ પણ તેની આંખોમાં ખોવાઇ ગઈ.


'પ્રેમ કરતુ હોય તે કોઈને કિડનેપ કરીને ગોંધી રાખે? આને પ્રેમ કહેવાય?' ગઝલ તેની આંખોમાં જોઇને બોલી.


'એવી ઘણી વાતો છે જે તને ખબર નથી. તુ ફક્ત એટલું જાણી લે કે હું તને ખરા દિલથી પ્રેમ કરુ છું.'


'ના, હું નથી માનતી.. આને બળજબરી કહેવાય, પ્રેમ નહી.' ગઝલ થોડી ખિજવાઈને બોલી.


'સમય આવ્યે તું પણ માનીશ. ચલ, ફ્રેશ થઈ જા આપણે જમી લઇએ.'


'મારે નથી જમવુ.. મારે ઘરે જવું છે..' ગઝલ ગુસ્સાથી બોલી.


'ઠીક છે, તારી મરજી.' કહીને વિવાન રૂમની બહાર નીકળી ગયો.


ગઝલ બેડ પર બેસીને ફરીથી રડવા લાગી. રડતાં રડતાં વિચારવા લાગી: 'કંઇ પણ કરીને અહીંથી નીકળવું પડશે. આજને આજ અહીંથી ભાગવું પડશે. યુ કેન ડૂ ઈટ ગઝલ.. મલ્હાર માટે થઇને તારે અહીંથી નીકળવું પડશે..'


તેણે પોતાના મનને સમજાવ્યું અને આખા રૂમમાં નજર ફેરવી. રૂમ ઘણો મોટો અને સુંદર હતો. સામે છેડે એક દરવાજો હતો. ઉભી થઇને એ દરવાજા તરફ ગઇ. દરવાજો ખાલી બંધ હતો. એ દરવાજો ખોલતાં સામે બાલ્કની હતી. ગઝલ બાલકનીમાં ગઈ. તેણે આજુબાજુ જોયું. ચારે તરફ ઘટાદાર જંગલ હતું. તેણે રેલિંગ પરથી ઝુકીને જોયું તો બાલ્કની જમીનથી લગભગ ત્રીસેક ફૂટ ઉંચી હતી. કુદીને નીચે જવાનુ શક્ય નહોતું. એને ફરીથી રડવું આવી ગયું.


'રડવાનો કોઈ ફાયદો નથી. અહીંથી નીકળવાનો કોઈ બીજો રસ્તો શોધવો પડશે.' ગઝલ મનમાં બોલી. તેણે આંખો લૂછી અને મધરાતે કોઈપણ રીતે અહીંથી ભાગવાનો નિશ્ચય કર્યો. પછી તે રૂમમાં આવી, ફ્રેશ થઈને આજુબાજુ નિરિક્ષણ કરતી બહાર નીકળી.


વિવાન ડાઇનિંગ ટેબલ પર તેનો જ વેઈટ કરતો હતો. તેને જોઇને વિવાને સ્માઈલ આપી. સામે ગઝલએ મોઢુ મચકોડ્યું.


તે વિવાનની સામેની ચેરમાં બેઠી. નોકરે આવીને ખાણું પીરસ્યું. જમવાની સુગંધથી તેની ભુખ ઉઘડી. તેને યાદ આવ્યું કે તેણે સવારનું કંઈ ખાધુ નથી.


'જમી લે..' વિવાને કીધું.


કોઈ પણ મગજમારી કર્યા વિના ગઝલ ચુપચાપ જમવા લાગી. જમતા જમતા તેણે ચારેબાજુ નજર ફેરવી લીધી. અહીંથી કેમ કરીને ભાગવું બસ એજ વિચાર તેના મગજમાં ફરતો હતો. જમવાનું પતાવીને તરતજ એ અંદર જતી રહી. બેડ પર પડીને એ ઉંઘવાનુ નાટક કરી રહી હતી. થોડીવાર પછી વિવાન અંદર આવ્યો. એને સૂતેલી જોઈને તેણે બ્લેન્કેટ ઓઢાડ્યો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો.


દિવસભરની દોડધામને લીધે એ ઘણો થાકી ગયો હતો. પથારીમાં પડતાં જ તેની આંખો ઘેરાવા લાગી. અડધો કલાક પછી તે ગાઢ નિંદ્રામાં સરી ગયો.


ગઝલએ આંખો ખોલી. આજુબાજુ જોઈને એ હળવેથી ઉભી થઇ. ધીરેથી દરવાજો ખોલ્યો અને સાવચેતીથી બહાર નીકળીને હોલમાં આવી. હોલમાં બધી લાઈટો બંધ હતી, ફક્ત એક ઝીરો બલ્બનું આછુ અજવાળું પડી રહ્યું હતું.


ગઝલ બધી વસ્તુનો મનોમન અંદાજો લેતી હોલના મુખ્ય દરવાજા સુધી આવી. તેણે દરવાજો ખોલવાની કોશિશ કરી પણ દરવાજા પર નંબર લોક લગાવેલો હોવાથી એ ખુલ્યો નહીં. વિવાનને અંદાજ હતો કે ગઝલ હોલની બારીમાંથી જવાની કોશિશ કરશે એટલે તેણે બધી બારીઓ પણ લોક કરી હતી.


ગઝલ નિરાશ થઈને પાછી એના રૂમમાં આવી. હવે શું કરવું એ કંઇ સુઝતુ નહોતુ.


'આમ બેસી રહેવાથી નહીં ચાલે ગઝલ.. આવો મોકો બીજીવાર નહીં મળે, કંઈક ઉપાય વિચાર..' એ મનમાં બોલી.


તેના રૂમની બાલ્કની ખુલ્લી હતી. તેણે આજુબાજુ જોયું. સામે એક કબાટ હતો. કબાટમાંથી કદાચ કામની ચીજ મળે એમ વિચારીને તેણે કબાટ ખોલ્યો. તેમાં ફક્ત કપડા અને તેની માટે જરૂરી સામાન હતો.


તે વિચાર કરતી રૂમમાં આંટા મારી રહી હતી. અચાનક તેને સ્ટ્રાઈક થઇ, તેણે પલંગ પરની ચાદર લીધી અને બાલકનીમાં ગઈ. તેણે બાલ્કની પરથી ચાદરનો એક છેડો નીચે લટકાવ્યો. તેણે અંદાજ કાઢ્યો કે ૨૫-૩૦ ફૂટની ઉંચાઇ હોવાથી હજુ એક ચાદર લાગશે. તેણે રૂમમાં આવીને નજર ઘુમાવી.. તેનુ ધ્યાન બારીના પરદા પર ગયું. એ મનમાં મુસ્કુરાઈ. તેણે હળવેકથી સોફો સરકાવ્યો. સોફાની કિનાર પર ચઢીને તેણે પરદા ઉતાર્યા અને તે બાલ્કનીમાં ગઈ. ચાદર અને પરદા ભેગા કરીને એક છેડો બાલ્કનીની રેલિંગ સાથે બાંધ્યો અને એક નીચે જવા દીધો.


બહાર ગાઢ અંધારું હોવાથી છેડો કેટલે નીચે પહોંચ્યો છે તેનો એને અંદાજ ના આવ્યો. પણ આના સિવાય બીજો કોઇ રસ્તો હતો નહીં એટલે વિચાર કરવામાં વખત ના બગાડતાં તે ચાદર અને પરદાના સહારે નીચે ઉતરવા લાગી. જીંદગીમાં પહેલીવાર તે આવું બધું કરી રહી હતી એટલે તેને ડર પણ ખૂબ લાગી રહ્યો હતો. પણ તેની પાસે આના સિવાય બીજો કોઇ ઉપાય બી નહોતો!


તે અર્ધે પહોચી હશે ત્યાં ચાદરનો છેડો આવી ગયો. તેણે નીચે જોયું તો તે હજુ ઘણી ઉંચાઇ પર હતી.


'હે ભગવાન હવે શું કરવું?' તે મનમાં બોલી.


તે કંઈ ઉપાય વિચારે એ પહેલાં નીચેથી કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો.


એ અવાજ વિવાનના ડોગ બ્રુનોનો હતો. ગઝલને આવી રીતે લટકતી જોઇને બ્રુનો ભસી રહ્યો હતો.


'હે ભગવાન! આ અહીં ક્યાંથી?' એ બબડી. ત્યાં બ્રુનો નજીક આવ્યો અને ભસતા ભસતા તેણે છલાંગ મારી.

'મમ્મીઈઈ..' ગઝલની ચીસ નીકળી ગઈ. બ્રુનો છલાંગ મારીને પણ તેના સુધી પહોંચી શકે તેમ નહતો છતાં પણ ગઝલને ખૂબ ડર લાગી રહ્યો હતો.


બ્રુનોના ડરથી તેણે આંખો બંધ કરી લીધી હતી. બ્રુનો એકધારુ ભસી રહ્યો હતો. ડરના માર્યા ગઝલને રડવું આવી રહ્યું હતું. એમાં બ્રુનોના અવાજથી વિવાનના જાગી જવાની ચિંતા ભળી.


ગઝલ અરધી આંખ ખોલીને નીચે ભસતા બ્રુનો તરફ જોઈને રડમસ અવાજે બોલી: 'ચૂપ મર.. પેલો કિડનેપર જાગી જશે..'


અને તેની વાત સાચી પડી હોય તેમ બ્રુનોનો અવાજ સાંભળીને વિવાન જાગી ગયો.


'બ્રુનો..' અવાજ ક્યાંથી આવે છે તેનો અંદાજ કાઢતા તેણે બાલ્કની પાસે આવીને જોયું તો બ્રુનો ત્યાં નીચે જ ભસી રહ્યો હતો.


તેને બાલ્કની સાથે ચાદરનો છેડો બંધાયેલો દેખાયો. તે બાલ્કનીમાંથી ઝૂક્યો અને આંખો ચોળીને સરખું જોવાનો પ્રયત્ન કર્યો તો તેને ચાદર પકડીને અધવચ્ચે લટકતી ગઝલ દેખાઈ.


'ગઝલઅઅ..' તેણે જોરથી બુમ મારી.


'ગઈ.. તુ તો હવે ગઈ ગઝલ.. ઉપર કિડનેપર ને નીચે આ કુતરો.. બેમાંથી કોઈ હવે જીવતી નહીં છોડે..' એ ગભરાઈને બબડી.


વિવાન રૂમમાં પાછો આવ્યો, ફટાફટ બધી લાઈટ્સ ઓન કરી અને ફરીથી બાલ્કનીમાં આવ્યો.


'ગઝલ.. તુ ત્યાં શું કરે છે?' વિવાન તેના પર ખિજાતા બોલ્યો.


હવે ગઝલને પણ વિવાનના સવાલ પર ગુસ્સો આવતો હતો. એક તો નીચે કુતરો અને ઉપરથી વિવાન એના પર રાડો નાખતો હતો. અને પોતે જીવના જોખમે અધવચ્ચે લટકતી હતી.


'લટકુ છું.. દેખાતુ નથી?' ગઝલ ચિડાઈ ગઈ. તેનો જવાબ સાંભળીને વિવાનને આ પરિસ્થિતિમાં પણ હસવું આવી ગયું.


'પણ શું કામ?' તેણે હસતા હસતા પૂછ્યું.


'એ.. ભાગવા માટે..' ગઝલ ખિજાઈને બોલી.


.

.

ક્રમશઃ


**


શું મલ્હાર કે પોલીસ ગઝલના સગડ મેળવી શકશે?


રઘુ દ્વારા મિહિરને મોકલાયેલા 'હિતેચ્છુ' વાળા મેસેજની શું અસર થશે?


ગઝલ તો અધવચ્ચે લટકી રહી છે, તેના આ ભાગવાના પ્રયત્નને કારણે વિવાન ફરી ગુસ્સો કરશે?


શું નીશ્કાએ આપી હતી એ સલાહ પ્રમાણે વિવાન વર્તી શકશે?


**


મિત્રો, આ નવલકથાને તમારા તરફથી મળી રહેલો પ્રેમ જોઈને ખૂબ અભિભૂત છું. મારી અપેક્ષા કરતાં પણ વધુ હેતથી તમે આ નવલકથાને વધાવી લીધી છે એના માટે હું ખરા દિલથી આપનો આભારી છું.


ખૂબ મોટી માત્રામાં આપના પર્સનલ મેસેજ આવે છે, બધાના જવાબ સમયસર આપવાની કોશિશ કરુ છું, છતાં ક્યારેક મોડું થઈ જાય છે તો ક્યારેક જવાબ આપવાનુ રહી જાય છે. પણ એ ઈરાદા પૂર્વક નથી હોતું. એટલે કયારેક એવું બને તો મોટું મન રાખીને માફ કરશો. અને સદાય આવો પ્રેમભાવ જાળવી રાખશો. ❤


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED