Father's tears books and stories free download online pdf in Gujarati

પિતાના આંસુ

દર દર ઢૂંઢતા રહા તુજે પાને કે લિયે એ ખુદા
ખુદા ભી બોલા તેરે મા બાપ હી તેરે ખુદા હે

આપણુ ગુજરાત એટલે આપણું ગુજરાત.અહીંયા જે વિવિધતા છે તે દેશના બીજા કોઈ રાજ્યમાં નથી. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ઉધોગ સાહસિકો ગુજરાતમાં છે. ખાણીપીણી થી લઈને મુસાફરીના સ્થળોમાં પણ ગુજરાત અવ્વલ છે.તેજ રીતે ટેકનોલોજીમાં પણ મોખરે છે . આજે દેશ અને દુનિયાની ઘણી કંપનીઓ ગુજરાતમાં સ્થાયી થઈ છે અને હજારો યુવાનોને નોકરી પણ આપી છે. તેમાંના મોટા ભાગના ગુજરાતીઓ ને તૈયાર કરનાર કોલેજો પણ ગુજરાતમાં ઘણી છે. આવી જ એક એન્જિનિયરિંગ કોલેજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદ માં આવેલી છે ગુજરાત તો ખરું જ ,પણ જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ માંથી પણ વિદ્યાર્થીઓ હજારો સપના લઈને દર વર્ષે અહીં આવે છે.
એવો જ એક વિદ્યાર્થી એટલે રોહિત મેહરીયા. વર્ષ ૨૦૦૯માં તેણે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ની મિકેનિકલ શાખામાં એડમિશન લીધું હતું. જૂનાગઢના એક ગામ ગુલાબપુરા નો તે વતની હતો તે વખતે દાહોદ શહેર મેટ્રો સિટીની વ્યાખ્યામાં હજુ આવ્યું ન હતું. તે એક વિકસતું શહેર હતું છતાં પણ બે રાજ્યો ની બોર્ડર પર આવેલું દાહોદ આમ સારું કહી શકાય એવું એક શહેર હતું. ત્યાંની રતલામી સેવ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. જુનાગઢ થી દાહોદ ઘણું દુર કહી શકાય પરંતુ કોલેજ ગવર્મેન્ટ હોવાથી તથા સેલ્ફ ફાઈનાન્સ કોલેજ મા એટલા રૂપિયા ભરી શકાય તેમ ન હતું તેથી રોહિતે દાહોદ માં એડમિશન લઈ લીધું . આમ જોવા જઈએ તો કોઈપણ વિદ્યાર્થી બહારગામ ભણવા જાય ત્યારે બે પ્રકાર ને માહોલ હોય છે એક હોય છે ખુશી કે એમ થાય છે કે ચાલો હવે કંઈક નવું જાણવા જોવા મળશે અને બીજું ઘર છોડવાનું દુઃખ.
રોહિત પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો . તેના પિતા બીજાના ખેતરોમાં છુટક મજુરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. રોહિત દસમામાં પણ સારા ટકા લાવ્યો હતો તેના પિતાને ખબર હતી કે રોહિતને સાયન્સ માં મુકવા જેટલી સગવડ પણ હું કરી શકું તેમ નથી તેમ છતાં રોહિતની તેજસ્વિતા ને ધ્યાનમાં રાખીને તેમણે બેંક માં લોન કરીને તેને સાયન્સમાં ભણવા મૂકયો. સાયન્સમાં પણ રોહિત પિતાની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો અને સારા માર્કસે પાસ થયો તેમના ઘરનું ગુજરાન પણ માંડ માંડ ચાલતું હતું. એન્જિનિયરિંગ માટે ખર્ચો પણ એટલો જ થાય .રહેવા જમવા ,કોલેજની સ્ટેશનરી ,ચોપડીઓ આ બધાને લીધે ખૂબ આર્થિક માર પડે તેમ હતો તેમ છતાં ઉજ્જવળ ભવિષ્યની આશા એ રોહિતે એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું.

હવે રોહિત જુનાગઢ થી દાહોદ આવી ચૂક્યો હતો દરેક વિદ્યાર્થીની જેમ રોહિત ને પણ આનંદ થયો કે આખરે તેણે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ની ઉપાધિ મેળવી લીધી હતી. પ્રથમ દિવસે જ હોસ્ટેલ નું ફોર્મ ભરીને તેણે હોસ્ટેલમાં એડમિશન લઈ લીધું .જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં પણ ગુજરાતી મીડિયમમાં હતા તે બિચારા એન્જિનિયરિંગના અંગ્રેજી ગ્રંથો જોઈને વિસામણમાં મુકાઇ જાય છે. રોહિત પણ આમાંનો એક હતો આથી પ્રથમ સેમેસ્ટરમાં રોહિત ને બે સબ્જેક્ટમાં એટીકેટી આવી હતી છતાં પણ રોહિતે પૂરી મહેનતથી બીજા સેમેસ્ટરમાં એ એટીકેટી સોલ્વ કરી અને ફર્સ્ટ કલાસ સાથે પાસ થયો.

જેવું બીજું વર્ષ શરૂ થયું ,રોહિત નો હોસ્ટેલ રૂમ પણ બદલાઈ ગયો. જે રૂમ રોહિત ગયો એ રૂમ ના વિદ્યાર્થીઓ કહેવા ખાતર જ વિદ્યાર્થીઓ હતા એમને મન એન્જિનિયરિંગ ટાઇમપાસ જ હતું રોહિત પણ એમની સંગતમાં આવી ગયો હવે તે દિવસે દિવસે બગડતો ગયો અભ્યાસમાં તેનું મન પણ ઓછું થતું ગયું, તે હવે લેક્ચર બંક કરવા લાગ્યો હતો. હોસ્ટેલમાં રહીને બધા સાથે પત્તા રમવા ,સિગારેટના કશ ખેંચવાના અને દારૂની મહેફિલો ઉડાડવી એ બધું તેને ધીમે ધીમે આવડી ગયું હતું ,હવે તેનો ખર્ચો પણ વધવા લાગ્યો.

એકદિવસ દિવસ રોહિત ના પિતા કોલેજમાં આવી ચડ્યા અને મિકેનિકલ બિલ્ડિંગના એચ.ઓ.ડી.( હેડ ઓફ ડિપાર્ટમેન્ટ) ની કેબીનમાં ગયા .સામાન્ય રીતે કોઈપણ વિદ્યાર્થીના વાલી તે વિદ્યાર્થીના એડમિશન સમયે જ કોલેજ આવતા હોય છે.ચાલુ દિવસો માં જવલ્લે જ કોઈ વાલી આવે. આથી એચ.ઓ.ડી.સાહેબ ને થોડી નવાઈ લાગી.રોહિતના પિતાના તૂટેલા ચંપલ અને ફાટેલુ શર્ટ તેમની ગરીબાઈ ની ચાડી ખાતા હતા. એચ.ઓ.ડી એ પટાવાળા પાસે પાણી મંગાવી અને તેમને આપ્યું. રોહિતના પિતાએ કહ્યું " સાહેબ મારો દીકરો આ કોલેજમાં ભણે છે તેનું નામ રોહિત છે રોહિત મેહરીયા . તેણે તેની લોગબુક માટે 5000 રૂપિયા મંગાવ્યા હતા જે હું આપવા આવ્યો છું. સાહેબ પૈસા તો ન હતા પરંતુ દીકરાની જરૂરિયાત એવી હતી .શું છે કે ખેતરમાં કામ કરું છું તે ખેતર ના માલિક જોડેથી ઉછીના લઈને આવ્યો છું "
.એચ.ઓ. ડી. સાહેબ મનમાં વિચાર માં પડી ગયા કે લોગબુક તો માત્ર પચાસ રૂપિયાની આવે છે .તેમને દાળમાં કંઈક કાળું લાગ્યું. તેમણે તરત જ રોહિત મેહરીયા ને ઓફિસમાં બોલાવવાનો આદેશ આપ્યો. રોહિત એચ.ઓ.ડી સાહેબની કેબીનમાં ગયો અને તેના પિતાને જોઈને દંગ રહી ગયો .જેવો રોહિત કેબીનમાં આવ્યો તેના પિતાએ તેને જોઈને ખુશીથી પૂછ્યું ,"બેટા રોહિત ,કેમ છે? લે તે 5000 રૂપિયા જે લોગબુક મંગાવ્યા હતા તે હું લઈને આવ્યો છું."

અચાનક એચ.ઓ.ડી સાહેબ ઉભા થયા અને રોહિત ને એક તમાચો મારી દીધો. રોહિત ના પિતા ને કઈ સમજાયું નહીં અને તેમણે પૂછ્યું "સાહેબ શું થયું મારા દીકરાએ કોઈ ભૂલ કરી છે ? ,",,,,,,,,ત્યારે એચ.ઓ.ડી સાહેબે કહ્યું "વડીલ તમારો છોકરો તમને ઉલ્લુ બનાવે છે .લોગબુક તો માત્ર પચાસ રૂપિયાની જ આવે છે. આ સાંભળીને રોહિતના પિતાને દુઃખદ આશ્ચર્ય થયું અને આંખમાં આંસુ આવી ગયા. તેમની હાલત જોઈને રોહિત ના હાલ બેહાલ થઈ ગયા .રોહિત એ તરત જ પિતાના પગમાં પડીને માફી માગી અને કહ્યું "પપ્પા મારા થી બહુ મોટી ભુલ થઈ ગઈ છે. હું ગલત મિત્રોની સંગત માં અવળા રસ્તે જઈ ચડ્યો ''
રોહિતે એચ.ઓ.ડી. સાહેબની પણ માફી માગી .રોહિતના પિતાએ કહ્યું" બેટા ,હું ને તારી માં આખો દિવસ મજૂરી કરીએ ત્યારે માંડ રોટલો નસીબ થાય છે પણ તારી જરૂરિયાત માટે આ 5000 ઉછીના લીધા હતા ",,,,

રોહિત નું માથું શરમથી ઝૂકી ગયું હતું તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો રોહિતે સોરી સાહેબ ની રજા લઈને તેના પિતાને મુકવા બસ સ્ટેશન ગયો અને કહ્યું" પપ્પા આ 5000 પાછા લઈ જાઓ અને હવે હું ખૂબ જ મહેનત કરીશ અને તમને નિરાશ કરીશ નહિ"

તેના પપ્પા જુનાગઢ જવા રવાના થઈ ગયા .તે ઘડીને આજનો દી . રોહિત એ ક્યારેય પાછુ વળીને જોયું નથી .તેણે તેના તમામ ખરાબ મિત્રોની સંગત મૂકી દીધી .તેણે ભણવામાં ખૂબ જ ધ્યાન આપ્યું અને બાકીના ત્રણ વર્ષ ખૂબ જ મહેનત કરી અને સમગ્ર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયો .છેલ્લા સેમેસ્ટરમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પણ તેનું સિલેક્શન સુરતની બહુ જાણીતી એલ એન્ડ ટી કંપની માં થઈ ગયું

આજે રોહિત એલ એન્ડ ટી કંપની માં મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેંટમાં હેડ છે. તેનું સારું પેકેજ છે .તેના લગ્ન થઇ ગયા છે અને તેની પાસે એક સારું ઘર અને ગાડી છે. તેના માતા-પિતા પણ તેની સાથે જ સુરતમાં રહે છે આજે જ્યારે રોહિત એ ઘટનાને યાદ કરે છે ત્યારે તેને થાય છે કે પિતા ના આંસુ અને એચ.ઓ.ડી. સાહેબની થપ્પડે તેનું જીવન બદલી નાખ્યું....

( સત્ય ઘટના પર આધારિત )
પાત્રોના નામ અને અન્ય જરૂરી ફેરફાર સાથે


બીજા રસપ્રદ વિકલ્પો