સાઈટ વિઝિટ - 28 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાઈટ વિઝિટ - 28

28.

સાંજ ઢળતાં તેમની વૈભવી એસી કારમાં હું, તેમના જમાઈ, દીકરો અને તેઓ નીકળ્યા. તેમણે એ જગ્યાએ સાઇટ પર કોઈ હોટેલ બનાવવાની હતી.

થોડે દૂર  અન્ય જગ્યાએ દરિયાને કિનારે એક ખાંચ હતી તેમાંથી સતત પવન ફૂંકાઇને આવતો હતો ત્યાં વૈકલ્પિક ઊર્જા તરીકે વિકસાવવા પવનચક્કીઓ ઇન્સ્ટોલ કરવાની હતી. તેનો કોન્ટેક્ટ આ લોકોએ મેળવેલો. તે માટે સમથળ જમીન બનાવવી, તેનો બેઇઝ મજબૂત રીતે જમીનમાં કરવો, આસપાસ peripheral માં શું કરવું વગેરે મારે ડિઝાઇન કરી આપવાનું હતું.

ચારે બાજુ ફરી અમુક માપ લઈ રિસોર્ટની ડિઝાઇન માટે મેં પોઇન્ટસ નોટ કરી લીધાં. ગરિમાને શીખવા મળે અને એક થી બે ભલા એટલે ધ્યાનથી જોઈ જવા કહ્યું.

હવે પવનચક્કી માટેનાં સ્થળે જવા કેવી રીતે જવું એ પૂછ્યું.

ત્યાં ફરીથી બોટમાં નાની ખાડી પસાર કરી હું આવેલો એ રસ્તે જવાનું હતું. તે પહેલાં તેમને ઘેરથી ડ્રાઈવર સાથે મારી કારમાં ગરિમા અને તેમની પુત્રી આવી પહોંચ્યાં.

નવા ડ્રેસમાં, નહાઈ ધોઈ અને આછી લિપસ્ટિક લગાવેલી ગરિમા ખુબ સુંદર લાગતી હતી.

તેમની સોળ સત્તર વર્ષની પુત્રીએ આર્કિટેક્ટ કેવી રીતે થવાય અને તે શું કરે તેની માહિતી ગરિમા પાસેથી લીધી. એકાદ મેથ્સના દાખલામાં તેની હેલ્પ લીધી. તે અહીં થી થોડું દૂર, સલાલા રહીને સાયન્સમાં ભણતી હતી. તે બેય થોડા સમયમાં મિત્રો બની ગયેલાં.

ફરી એક મોટી ફિશીંગ બોટ ચાર્ટર કરી તેમાં બેય કાર ચડાવી અમે ખાડી ક્રોસ કરી એ જગ્યાએ ગયાં જ્યાં પવનચક્કી ઇન્સ્ટોલ કરવાની હતી.

આગળ જતાં પેલું ગામ જ્યાંથી ગરિમાનું અપહરણ થયેલું તે પસાર થયું. પેલા ક્લાયન્ટ ચાચા કહે અહીં એક પ્રોજેક્ટ થઈ રહ્યો છે. અત્યારે કાઈં છે નહીં પણ ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્કૂલ અને પાર્ક કરવા માગીએ છીએ. પાર્ક માટે જમીન જૂનું કબ્રસ્તાન હતું ત્યાં કરવાની છે. ગયા તેઓ ફૂલ અને વૃક્ષો બની જીવે એથી સારું શું ?

મેં કહ્યું આઈડિયા સારો છે. કોનો છે? તેમણે કહ્યું અહીંના ખુબ માનનીય વ્યક્તિનો. તેઓ કદાચ આ વિલાયત એટલે કે જિલ્લો, તેના પ્રમુખ કે મોટા હોદ્દેદાર બની શકે છે. તેમનું નામ … છે.

તેમના પુત્રે ફોટો બતાવ્યો. અરે! આ તો પેલા મહિષાસુર.

પ્રોજેક્ટ માટે સહાય એક ખ્યાતનામ વેપારી ઉસ્માન કબીબ આપવા તૈયાર છે. તેમનો સૂકા મેવા અને ફ્રુટ્સનો નજીકનાં દેશોમાં સારો વેપાર છે. પાંચમાં પૂછાય છે.

હું ચોંકી. ગયો. મેં સાચી વાત કરી દીધી કે ઉસ્માન કબીબ કોણ છે અને તેની ધરપકડ થઈ ચૂકી છે. કહ્યું કે હવે તેમની આર્થિક સહાયની આશા ન રાખશો.

તેઓ પણ ચોંકી ગયા. કહે આવી રીતે પૈસા મેળવી કરેલું દાન જગ્યા માટે અભિશાપ પુરવાર થાય છે. અમે કોઈ બીજો દાતા ઊભો કરશું. મેં સૂચવ્યું કે જેમની દીકરીઓ પાછી મેળવી હોય તેમને કહી જુઓ અને ગામના લોકોને પણ. ફૂલ નહીં ને પાંખડી. મળી રહેશે.

તેમનો ખુદનો પ્રોજેક્ટ હું કરી આપીશ પણ આ હેતુની દૃષ્ટિએ ઉત્તમ એવો પ્રોજેક્ટ હોવા છતાં હું કરીશ નહીં. તે રાજકારણી વાલીને મારા સલામ કહેશો. મેં મક્કમ થઈ કહ્યું. મારી અપ્રિય યાદો ત્યાં વણાયેલી હતી અને એ પ્રોજેક્ટ થાય તો ફરી ગરિમાએ ત્યાંની મુલાકાત લેવી પડે જે હું હવે ઈચ્છતો નહોતો.

મારું કામ પૂરું થતાં મેં તેમની રજા માંગી.

તેઓ કહે હવે ચાર ભેગી પાંચ રાત બહાર રહો. આજે ને આજે જ, રાતના ક્યાં નીકળશો અને ખૂબ મોડી રાતે ડ્રાઈવિંગ કરી કદાચ પરોઢે મસ્કત પહોંચશો? કાલે ખાડી ક્રોસ કરીને, નહીં તો દોઢ બે કલાક વધારે. રોડથી જ જજો.

મેં કહ્યું તો હું દુક્મની સાઇટ મારા  એંગલ થી જોઈ લઈશ.

રાત્રે ગરિમાએ કહ્યું કે સર, એ ગામના લોકોનું કામ ઉમદા હેતુ માટે છે એટલે તમે પ્રોજેક્ટ જરૂર લો. હું કરીશ ડિઝાઇન અને સાઇટ વિઝીટ માટે એકલી પણ આવી શકીશ. પેલા તમે મહિષાસુર કહો છો એમણે જ મને ડોટર કહી છે. પછી ત્યાં કોઈની તાકાત છે મારી સામે આંખ ઊંચી કરી જુએ!

શાબાશ મેરી નન્હી ઝાંસી કી રાની!

રાત્રે પાછા ફરતાં પેલા વન રીયાલ સ્ટોરમાંથી મેં એક ટીશર્ટ લઈ લીધો. ગરિમા અને તેની 'ફ્રેન્ડે' એ પસંદ કરવામાં મદદ કરી.

કોઈ હોટેલ આમેય એ ગામમાં નહોતી અને એ ક્લાયન્ટ ચાચાનો આગ્રહ હતો એટલે એમના મોટા બંગલા કે કોઠીમાં જ રાત કાઢી.

રાત્રે એક નવી વસ્તુ જોઈ. તેમના બંગલામાં ઉપર એક અલાયદા ખંડમાં એક બાજુ છોડી U આકારમાં જાડાં ગાદલાં પાથરી ઉપર દૂધ જેવી સફેદ ચાદરો પાથરેલી અને રંગીન મોટાં ચોરસ ઓશીકાંઓ દીવાલને અડીને ટેકા માટે રાખેલાં. જે દીવાલે ગાદલાં ન હતાં ત્યાં મોટું ટીવી અને સ્પીકર સાથે હોમ થિએટર જેવું હતું. ચાચા કહે એ બેસવાની વ્યવસ્થાને મજલીસ કહેવાય. ત્યાં મનોરંજન ઉપરાંત કૌટુંબિક બેઠકો પણ થઈ શકે. પહેલાંના માલિક ત્યાં બેસી હોકો પીતા. આ ચાચા કે દીકરો, જમાઈ હોકો તો શું, સિગારેટ પણ નહોતા પીતા.

સારું. મજલીસનો કોન્સેપ્ટ હું બીજાં ઓમાની ઘરની ડિઝાઇન વખતે ખ્યાલ રાખીશ.

સવારે મે મહિનાના મધ્યમાં અહીં પોણાપાંચે તો અજવાળું થઈ જાય. સાડા પાંચે સૂર્ય ઊગ્યો અને અમે નીકળ્યાં ત્યારે સાડાછએ તો તડકો દઝાડવા માંડેલો.

નાની કિશોરી પ્રશંસા ભરી નજરે મારી સામે જોઈ કહે અંકલ, યુ આર લુકિંગ વેરી હેન્ડસમ. ગરિમાએ પણ કહ્યું કે સર, કોઈ કહે નહીં કે આ વન રીયાલનો ટીશર્ટ છે. માણસ કપડાંથી શોભે, અહીં કપડાં માણસથી શોભે છે.

આ દિવસોની આટલી નિકટતા પછી તેણે વટથી મારું બાવડું પકડ્યું.

તે આટલી વહેલી સવારે માથે નહાઈ હશે! તેના કાળા સિલ્કી વાળ મસ્ત સુગંધ આપતા ફોરતા હતા. નવાં ટીશર્ટમાં તેની કાયા આંખ ચોંટી રહે તેવી લાગતી હતી.

અમે સાઈટ વિઝિટ ને બદલે પિકનિકમાં નીકળ્યાં હોઈએ તેવું લાગતું હતું.

સમય બગાડ્યા વગર અમે સાડા છ વાગે દુક્મ જવા નીકળ્યાં.

ગૂગલ રસ્તો સાડા ત્રણ કલાકનો બતાવતું હતું. ગરિમાના મોબાઈલ દ્વારા ગૂગલ મેપ ચાલુ કરતાં. હવે એકધારો સીધો, ક્યાંય પણ વળ્યા વગરનો રસ્તો હતો.

***

ક્રમશઃ