Site Visit - 27 books and stories free download online pdf in Gujarati

સાઈટ વિઝિટ - 27

27.

ફરીથી સવાર પડી. અજવાળું થતાં વેંત અમે અને પાછળ પોલીસો નીકળી પડયા.

સવાર આજે ખુશનુમા હતી. આઠ વાગવા આવ્યા હતા. હજી પવન ઠંડો વાતો હતો. રસ્તો પર્વતોની વચ્ચેથી જતો હતો પણ થોડે દૂર રસ્તાને સમાંતર દરિયો હોઈ તેના પરથી ઠંડી લહેરો આવતી હતી.

મિરબાત ક્રોસ કરી અમે ઠુમરાયત અને ઉબાર શહેરો વટાવી લીધાં.

અમારે જવાનું હતું તે પોલીસ સ્ટેશન હૈમાં શહેરની ભાગોળે હતું. ત્યાંથી પૂર્વ તરફ જાઓ તો દુક્મ અને ઉત્તર તરફ સીધા જાઓ તો પેલાં આદમ શહેર થઈ નીઝવા શહેરનો એક્સપ્રેસ હાઇવે આવે જ્યાંથી મસ્કતનો રસ્તો પકડાય.

હજી કેટલુંક કામ બાકી હતું તે કાર ચલાવતાં મારા મગજમાં ઘૂમવા લાગ્યું. દૂકમ પછી બીજી એક નવી થઈ રહેલી સાઇટ પર જવું પડે એમ હતું. આ જગ્યાએ સરકારી કામ પણ શરૂ થવાનું હતું. ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતું હતું. જો દુક્મ ન જઈ શક્યો તો અહીંનું તો શરૂ કરવાનું પૂરું કરું!

માર્મુલ બંદર પસાર થઈ ગયું. હવે હૈમા નજીક આવતું હતું જ્યાંથી નજીકનાં ગામે પોલીસ સ્ટેશન હતું.

ઓમાનની આટલી ભૂગોળ વર્ણવ્યા પછી લાગે છે મને એ ગામનું નામ ખબર ન હોય? મારે જાણી જોઈ એ નામ આપવું નથી.

હૈમા પસાર થઈ જતાં પોલીસ વાહનો આગળ થઈ ગયાં. હું હજી કોઈ પાછળ નથી આવતું ને, એ જોતો તેમની પાછળ જતો રહ્યો.

પોલીસ સ્ટેશનમાં કામ પૂરું થઈ ગયું. કારનાં કાગળો મળી ગયાં. મારા રેસિડંટ કાર્ડના નંબર પરથી તેમણે મારી ડીટેઇલ વેરીફાઈ કરી લીધેલી. શકમંદ પુરુષ એ હું નથી એની કાગળ પર પણ પ્રૂફ લઈ લીધી. એ તો પકડાઈ ગયેલો તે તમને ખબર છે.

આખરે અમે છૂટયાં. પેલી પોલીસ ઓફિસર અત્યારે તો ગરિમા સાથે હાથ મિલાવી ગઈ. ગેરવર્તન બદલ સોરી કહે તો એ પોલીસ શાની?

અમે હૈમા થઈ નીકળ્યાં ત્યાં એક વાગવા આવેલો. રસ્તામાં બીજું નાનું ગામ આવ્યું.

ત્યાં કોઈ સારું રેસ્ટોરાં હોય તો જમવાનું નક્કી કર્યું. કાર્ડથી પેમેન્ટ લે તેવું હોય તો સારું. કેશ ક્યાં હતી?

નજીક એક બોર્ડ જોયું 'dragon mart.'

ચીની ડ્રેગન દોરેલો અને નીચે લખેલું 'everything in one riyal'.

અહીં ઓમાનમાં ઠેરઠેર, નાનાં ગામોમાં પણ આવા સ્ટોર્સ હોય જેમાં સસ્તી ચાયનીઝ અને ભારત કે પાકિસ્તાન મેઇડ વસ્તુઓ મળતી હોય.

ગરિમા આખરે સ્ત્રી હતી. તે એ દુકાનનું બારણું ખોલતી અંદર દોડી. કોઈ કારણ વગર હું પણ ગયો. ગરિમા ત્યાં ખાનાઓમાં થપ્પી કરેલાં ટી શર્ટ અને કુર્તીઓ જોવા લાગી. હું સાથે થતાં કહે "ચાર દિવસથી એક નો એક ડ્રેસ પહેરું છું. ગંધાય પણ છે. અહીં આપણા 200 રૂ. જેવામાં મળી જાય તો કામચલાઉ ચાલે." મને ખ્યાલ આવ્યો કે હું પણ ચાર દિવસ ચાર રાતથી ભટકું છું. નથી દરિયા સિવાય નહાયો, નથી સરખી ચા પીધી કે જમ્યો.

મેં પણ મારા તે ટેકરી પર ફાટેલા બુટ ની જગ્યાએ વોકિંગ શૂઝ લઈ લીધા.

ગરિમાનું પેમેન્ટ મેં કર્યું.

અમે નજીક કોઈ રેસ્ટોરાં હોય તો પૂછ્યું. ત્યાંના સેલ્સમેને બતાવ્યા મુજબ તેના પાછળના રસ્તા પરનાં એક રેસ્ટોરાંમાં અમે બહાર કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરી જમવા બેઠાં.

સાથે લેડી હોઈ માલિકે અમને ફેમિલી રૂમમાં જવા કહ્યું. ફેમિલી રૂમ એટલે નાની કેબીનની આડો પડદો. ત્યાં ગાદી તકિયા પર  નીચે બેસવાનું હતું. અમે કહ્યું કે અમે બહાર ટેબલ ખુરશી પર જ બેસવું પસંદ કરશું.

બાજુની 'ફેમિલી રૂમ' નો પડદો ઊંચકી ત્યાંનો એક માત્ર વેઇટર થાળીમાં ચિકનના કટકા અને લીંબુ, કાંદા લઈ જતો હતો. ફેમિલી રૂમમાં કોઈ કપલ નહીં, પોલીસો બાજુમાં રાઈફલ મૂકી બેઠા હતા. અમુક લોકો અમને ઓળખી ગયા અને હાથ ઊંચો કરી હસ્યા. હોટેલ માલિક દાઢી પસવારતો જોઈ રહ્યો. અમને પોલીસ ઓળખે છે એટલે કાઈંક હશું તેમ તેને લાગ્યું. એણે ટેબલ સાફ કરાવ્યું અને વેઇટર નવો ટેબલ ક્લોથ પાથરી ગયો.

મોટી ડીશમાં અહીંના રિવાજ મુજબ કાચા મૂળા, મોટું લીંબુ, ટામેટાં કાકડીનો સલાડ અને બીજી ડીશમાં ગરમાગરમ તવા રોટી પીરસી ગયો.

અમે આ ગામથી નીકળતા કયા રસ્તાઓ ક્યાં જાય છે એ પૂછવા પ્રયત્ન કર્યો. તે કશું સમજ્યો નહીં. મને સાવ થોડા અરેબિક શબ્દો આવડે છે તેનો ઉપયોગ કરી ફરી પૂછ્યું. મારા હિન્દી અરેબિક ઉચ્ચારો, એ પણ ગુજરાતી લહેકામાં - કોણ સમજે? મેં નજીક અમુક ગામ છે ત્યાં જવું હોય તો કેવી રીતે જવાય તે પૂછ્યું.

તેઓ ન સમજ્યા. મેં એટીકેટ છોડી પડદો ઊંચો કરી 'ફેમિલી રૂમ' માં જમીને બિયર જેવું પીતા પોલીસોને પૂછ્યું. તેઓ કાઈં સમજ્યા તો નહીં પણ તેમાંના એકે પેલા વેઇટરને બોલાવ્યો. એ સમજશે એમ કહ્યું. એ દેખાતો તો હતો આફ્રિકા કે બીજા કોઈ દેશ નો, તેણે હિન્દીમાં પૂછ્યું "આપ કો કહાં જાના મંગતા?"

તેને મેં પૂછ્યું. તેણે માલિકને. માલિકે કહ્યો તે રસ્તો અહીંથી નજીક જ હતો. માલિકે કહ્યું "ત્યાં શું કામ પડ્યું તમારે?"

મનમાં હું બોલ્યો તારે માટે લોટ ને ડુંગળી લાવવી છે. બોલ, હવે?

મેં કહ્યું અમુક સરકારી પ્રોજેક્ટ છે. સાથે એક રિસોર્ટ થઈ રહ્યો છે. અલ આરામ એ જબાલ.

તેની આંખો ચમકી ઉઠી. કહે "લે, તમે પેલા આર્કિટેક્ટ છો જે મસ્કતથી આવવાના હતા? આ બાનુ?"

અહીં કોઈ લગ્ન માટે ઉંમર જોતું નથી એ મોટું દુઃખ છે. મેં કહ્યું આ મારાં જુનિયર આર્કિટેક્ટ મેડમ છે. પછીની બધી ડીટેઇલ તેઓ જ જોશે અને કદાચ અહીં આવશે પણ ખરાં.

"તમને આ પ્રોજેક્ટ, આ રિસોર્ટની ક્યાંથી ખબર?" મેં પૂછ્યું.

તે કહે "એ રોકાણ મારું છે. સરકારમાં ટેન્ડર મારા દીકરા અને જમાઈએ ભર્યું છે. સારું થયું આપ આવી ગયા. હવે ઓર્ડર આપી જ દીધો છે તો જમી લો. ઉપર હું ફ્લેવર્ડ લબાન (અહીંની જાડી છાશ) આપ અને મેડમ માટે મોકલું છું."

ગરિમાને કહે "સ્ટ્રોબેરી ભાવશે ને?"

મને કહે ઇજિપ્શીયન મેંગોનો રસ નાખેલી લબાન તમે પીવો. પછી આપણા પ્રોજેક્ટ પર થોડો તડકો નમતાં જઈએ.

લબાન એટલે થોડી જાડી છાશ. અહીં તે અનેક ફ્લેવરમાં અને સાદી પણ મળે.

"અરે જમાલ, સાહેબને એસીમાં બેસવા ઘર.. મુસાફરખાના.."

હું આ માણસને મારી અરેબિક કે અંગ્રેજી ન સમજતાં અભણ ધારતો હતો. દેખાવમાં પણ મુફલિસ જેવો હતો. તે મોટો માણસ, મારો અહીંના પ્રોજેક્ટમાં સરકાર વતી નવો ક્લાયન્ટ નીકળ્યો. એમાં પણ થોડી ગુજરાતી સાંભળી હું બેભાન થવામાં હતો. ત્યાં વેઇટર જમાલ બોલ્યો "હું કરાંચીથી છું. ત્યાં હજી ઘણા અમારી જેવા ગુજરાતીઓ છે. પાર્ટીશન વખતે અમે ધોરાજીથી ગયેલા. હું કમાવા માટે અહીં આવ્યો છું."

મને તો કહે છે ને, ગોળનાં ગાડાં મળ્યાં! જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત.

***

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED