પપ્પાનો દિકરી પર watsapp મેસેજ (મણકો ૧લો)
ચી., ફોરમ
પપ્પા ના પ્રણામ બેટા,
તને તો ખબર જ છે કે પપ્પા ને મોબાઈલ પર લખતા ફાવતું નથી, પણ આજે પ્રયત્ન કરું છું,
બેટા,મારી લાગણી તને હું ફોન પર કહી શક્યો હોત, પણ તું તારી સાસરી માં છે , એટલે આટલો લાંબો ફોન કરવો ઓક્વર્ડ લાગે, એટલે તને watsapp પર લખીને મોકલું છું,
તને એક મહિના પહેલા જ વિદાય કરી ત્યારે તારી મમ્મી એ શરત મારેલી હતી કે તમે કન્યાવિદાય પ્રસંગે રડશો જ, પણ હું જરાય નોતો રડ્યો , હું શરત જીતી ગયેલો, પણ તમને બધાને ક્યાંથી ખબર હોય કે પપ્પા છેલ્લા ત્રણ દિવસ થી રડતા જ હતા, પછી આંસુ ક્યાંથી નીકળે,
બેટા, રોજ સવારે ઉઠું છું ને તને રોજ ની જેમ તારા નામની બૂમો પાડું છું ,પણ મારી નજર અને અવાજ બંને સામેની ભીંત પરથી અથડાઈને પાછા આવે છે, સવારે હું ઉઠું, બ્રશ કરું ને ચા નાસ્તા માટે ડાયનિંગ ટેબલ પર બેસું છું, તું એક નાની વાડકી માં મારા બ્લડ પ્રેશર ની, ડાયાબિટીસ ની, દવા લાવતી હતી, ને ' પપ્પા પહેલા દવા પછી ચા ' એવું બોલતી હતી તે હજીય યાદ આવે છે,
નોકરી પરથી આવું ને તારુ પાણી લાવવું, પછી ચા નાસ્તો, હજુય મને યાદ છે ,તારી વિદાય સમયે તું મને ભેટી ને રડતી હતી, આજુ બાજુના પાડોશીઓ ને પણ કહેતી હતી 'પપ્પા ને સાચવજો, મારા પપ્પાને સાચવજો, મારા પપ્પાને સાચવજો'...
બસ બેટા ,બહુ લખાશે નહીં, ટેવ નથી ને? આ તારી મમ્મી રૂમાલ લઈને ઉભી છે,....
કુમાર ને મારી યાદ આપજે ,...
.
.
તારા પપ્પા
અરે એક વાત કરવાની તો રહી જ ગઈ કે તને ખબર છે આપણા ઘરે ચિંચી એ માળો બાંધેલો , અને આપણા આખા ઘરમાં ફર ર ર ર કરતી ઉડ્યા કરતી હતી, તારા ગયા પછી એ ચિચી નો અવાજ પણ બંધ થઈ ગયો,...............
અસ્તુ...
.
.
.
પપ્પાનો દિકરી પર watsapp મેસેજ (મણકો 2જો)
ચિ. ફોરમ,
આ મોબાઇલ પણ સરસ વસ્તુ છે, તમે તમારી એવી વાત કરી શકો છો કે જે ફોન પર શક્ય જ નથી, અને ફોન પાછો લાંબો ચાલે તો એમાં મજા પણ ના આવે,
તારા લગ્નને 6 મહિના થઈ ગયા, હવે ધીમે ધીમે પપ્પા ટેવાવા માંડ્યા છે, ઇટ્સ ઓકે...
ખાસ વાત તો એ કરવાની કે, હું ત્રણ દિવસ માટે બહારગામ ગયો હતો અને તું ' તારા ઘરે ' આવી હતી, અને તેં કંઇક તારા સાસરી પક્ષ વિશે ઘણી બધી વાતો કરી હતી , મોટે ભાગે તારી વાતોમાં ફરિયાદ નો સૂર હતો એવું મને મમ્મી એ કહ્યું, અને તને કુમાર પ્રત્યે પણ કંઇક ફરિયાદ છે , એવું પણ મને મમ્મી કહેતી હતી,
ઓકે ,તને યાદ છે? તેં નોકરી બદલેલી ને નવી નોકરી માં તને સેટ થવાનું અઘરુ પડતું હતું, નવો બોસ, નવા કલિગ્સ, તદ્દન નવું વાતાવરણ,યાદ છે? પછી તું ધીમે ધીમે સેટ થઈ ગઈ હતી,...
હું સરખામણી કરવા નથી માંગતો, પણ બેટા, નવા ઘરમાં સેટ થતા વાર તો લાગે જ ને? કદાચ એવું પણ હોય કે એ લોકો પણ તારી સાથે સેટ થઈ શકતા ન હોય?
જો બેટા, કદાચ તારા મન માં એવું ઠસી ગયું હોય કે કોઈએ ઠસાવ્યું હોય કે સાસુ તો જબરી જ હોય કે સસરા તો પડ્યા પડ્યા બોલ્યા જ કરતા હોય તો બેટા સાંભળ કે મારા હિસાબે હવે એવો જુનો જમાનો તો રહ્યો જ નથી, કારણકે જુના જમાના માં ટોર્ચરિંગ જેવું હશે પણ ખરું, અને પતિદેવો મમ્મી અને વહુ વચ્ચે ' સેન્ડવીચ 'થઈ જતા હતા એ પણ ખરું, પણ હવે તો અમારી જ પેઢી સાસુ સસરા તરીકે આવેલી છે , અમે લોકો પણ અત્યાર ના જમાના પ્રમાણે જ ઢળેલા છીએ, અને અમે લોકો ખરેખર દીકરી કે વહુ વચ્ચે જરાય તફાવત રાખતા નથી એની ય ગેરંટી,
હું તને એવું નથી કહેવા માંગતો કે તું ખોટી જ છે , સાચી જ હશે ,
પણ તું તારા સાસરીયા ના સ્વભાવ , એમની સાથે થતી સામાન્ય વાતચીત , એમની વર્તણુક...
તું આ સ્વભાવ કે વાતચીત નો મનઘડત મતલબ કાઢે, જે ખરેખર તો સામાન્ય જ મતલબ જ હોય શકે છે...,
અને તુ આવા દરેકે દરેક પોઇન્ટ મેગ્નિફાઇંગ ગ્લાસમાંથી જોઈશ તો દરેક વસ્તુ તને મોટી જ લાગશે જે ખરેખર હોતી જ નથી,
એટલે બેટા, સાસરિયામાં ટેવાતા વાર તો લાગશે જ...
બાય ધ વે ,તારે એક નાનો ભાઈ છે અને એના પણ લગ્ન લેવાના આવશે, અને ઘરમાં રૂમઝુમતી વહુ આવશે, એ તારા ધ્યાન માટે ....
અસ્તુ
તારા પ્યારા પપ્પા,
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995