આ એક સત્ય ઘટના છે. દમયંતીમાસી આજે તો પાસંઠ વર્ષના છે પણ એમની ચાલીસીની આ વાત છે. ગામના ગર્ભશ્રીમંત તથા નામાંકિત વકીલ તેમના પતિ હતા. નાના શહેરમાં રહેતા હતા. તેમને ત્રણ દીકરાઓ અને બે દીકરીઓનો વસ્તાર હતા. લગ્ન જીવન ખૂબ જ સુખી હતું. પણ એકાએક એમના ગુલશનમાં દાવાનળ ફાટ્યો !
વકીલ સાહેબ એમના વનમાં પ્રવેશ્યા ત્યાં ગામની એક અઢાર વર્ષની શાળામાં ભણતી ગરીબ પણ અતિ સુંદર છોકરીના મોહમાં પડ્યા. પૈસાના જોરે છોકરીને લલચાવી ફોસલાવી અને તેની સાથે જુદું ઘર માંડ્યું. દમયંત પર વજ્રઘાત થયો. છોકરાંઓ સમજણા થયેલા હતા. મોટી દીકરી તો એ છોકરીની ઉંમરની હતી. સગાં વહાલાંઓએ, ગામના લોકોએ વકીલ સાહેબ પર ધિક્કાર વરસાવ્યો. દમયંતીબેનને બધા સલાહ આપવા લાગ્યા કે છૂટાછેડા લઈ લો, મિલકતનો અડધો ભાગ તમારા નામે કરી લો, નહીં તો બધું ભેલાઈ જશે. ને તમે રઝળતા થઈ જશો ! અરે ખુદ સાસરીયોઓએ પણ આ જ સલાહ આપી.
પણ દમયંતીબેન કંઈક જુદી જ માટીનાં હતાં. ખૂબ ધીર ગંભીર વિચારશીલ ને સહનશીલતાની મૂર્તિ હતાં. જરાય ઉતાવળમાં માનતા ન હતા. તેઓ ખૂબ જ સ્વસ્થતાથી ને ડહાપણ ભરી રીતે એકેએક જણનો નિકાલ કરતાં. કોઈને ય દુઃખ ના થાય તેમ વર્તતા. પતિ માટે જરાય એમને અભાવ નહતો થતો. અને પેલી છોકરી માટે તેમને કરુણાભાવ રહેતો કે બિચારી નાની ઉંમરની સુંદર છોકરી, ભણવાના ને પરણીત જીવન જીવવાના કોડ સેવતી હશે, તેમાં આમાં ક્યાં ફસાઈ ? એમણે દ્રઢ સંકલ્પ કર્યો કે મારે કોઈ પણ સંજોગમાં છૂટાછેડા નથી લેવા. બાપની મિલકત કદાચ છોકરાંઓને મળશે પણ બાપ તો પછી નહીં જ મળે ને ? એટલે ખૂબ જ ધીરજ પકડી. છોકરાંઓને ભણાવવામાં લક્ષ આપ્યું. ધીમે ધીમે પતિ સાથે ફોનથી વાતો કરવાની શરુ કરી. ઘેર પધારવા સમજાવવા માંડયું. શોકને પોતે બહેનની જેમ સ્વીકારવાની તૈયારીઓ બતાવી. એમાં સસરા દેવલોક પામ્યા. પતિને સમજાવ્યા કે પિતાના ઘેર જવા લાગો. લોકો મળવા આવે ત્યારે વડીલ તરીકે તમારે ઘરને શોભાયમાન કરવું ઘટે અને પિતાને ઘેર દરરોજ બધી વિધિઓ કરવા સવારથી સાંજ સુધી વકીલ હાજર રહેવા લાગ્યા.
ખૂદ પત્નીએ આ બધું પ્રેમથી સ્વીકાર્યું તો પછી બીજા બધાના ભાવો પણ ફર્યા. વકીલ બીજી રીતે ખૂબ જ સારા સ્વભાવના હતા. દમયંતીબેને પતિને સસરાનું બધું કાર્ય પત્યા પછી આમંત્રણ આપ્યું કે તમારી નવી પત્નીને લઈને પાછા ઘેર પધારો. હું તેને મારી નાની બેનની જેમ રાખીશ. અને વકીલ નવી પત્ની સાથે ધેર પાછા આવ્યા. દમયંતીબેન છોકરાં સાથે જુદા રૂમમાં સુઈ જાય ને પતિને નવી પત્ની સાથે જુદો રૂમ આપ્યો. વર્ષો સુધી આમ તપ કર્યું. ધીમે ધીમે બન્નેને પ્રેમથી જીતી લીધાં. પોતાની શોકને ખૂબ સમજાવી ને ભણવા માટે તૈયાર કરી. દસ વરસ પછી તું અઠ્ઠાવીસ વર્ષની થઈશ, ભર યુવાનીમાં આવીશ ત્યારે વકીલ સાવ ઘરડા થઈ ગયા હશે. ન કરે નારાયણને તેમને કંઈ થઈ જાય તો તારા જીવનનું શું ? માટે તું ભણ.
છોકરી સમજી ગઈ ને દમયંતીબેનની મોટી દીકરી સાથે સ્કુલમાં ભણવા લાગી. મેટ્રીક કર્યું. બી.એ. કર્યું પછી બી.એડ કરાવ્યું. મોટા શહેરમાં કન્યા છાત્રાલયમાં શિક્ષિકા તેમ જ ગૃહમાતાની નોકરી અપાવી. એનું નવું જીવન શરુ થયું. દમયંતીબેને એને બીજા લગ્ન કરાવી આપવાનું સુચન પણ કર્યું. કારણ દમયંતીબેનનાં વિશાળ હ્રદય આગળ તેમના પતિ પણ ઝૂકી ગયા. તેમને પણ પારાવાર પશ્ચાતાપ થયો અને અકાળે ઘૈડપણ નોંતરી બેઠા ! એમણે તેને બધી છૂટ આપી. પણ એ બેન પણ એટલી જ ખાનદાન નીકળી ! એણે પોતાનું જીવન છાત્રાલયમાં જ રહી શિક્ષણ ક્ષેત્ર આમરણ સેવા આપવાનો નિર્ધાર કર્યો. દરેક વેકેશનમાં ઘેર આવે ત્યારે જાણે પીયર આવતી હોય તેમ તે અનુભવતી. વકીલ પણ હવે સીત્તેરે પહોંચ્યા છે. છોકરાંઓ બધાં ભણી ગણીને અમેરિકામાં સ્થાયી થયાં છે. હવે તો બે જ જણ બંગલામાં રહે છે, દમયંતીબહેન પ્રભુ ભક્તિમાં હવે લીન રહે છે ને તેમ કરતાં કરતાં આત્મકલ્યાણ કરી અધ્યાત્મના ઊંચા પગથીયાં ચઢી ચૂક્યાં છે. આમ ધીરજ અને સહનશીલતાને અપનાવીને બગડેલી બાજી સુધારી લીધી. પણ તે માટે તેમણે જબરજસ્ત અંતરતપ વર્ષોનાં વર્ષો સુધી કર્યું. પણ અંત સહુને માટે સુંદર નીવડ્યો. ઘૈડપણમાં હવે બેઉ વારાફરતી માંદા પડે છે ને બેઉ એકબીજાની ચાકરી કરે છે ને અંતરની અપાર શાંતિમાં જીવે છે ! અંતે જે લોકો દમયંતીબેનને મૂરખ કહેતા હતા તે બધા આજે તેમને દેવી તરીકે નવાજે છે !