God on Earth books and stories free download online pdf in Gujarati

ધરતી પરના ભગવાન

મંથનને મુંબઇ શહેરમાંનએક મોટી કંપનીમાં નોકરી મળી એટલે પોતાના કુંટુંબને છોડીને મુંબઇ ચાલી ગયો. કંપનીએ રહેવા માટે એક બેડરૂમનો ફ્લેટ આપ્યો છે. એની બાજુના ફ્લેટમાં મહેશભાઇ દવે અને વર્ષાબેન દવે રહે છે. બંનેની ઉંમર ૭૦  વર્ષથી વધારે હોવાથી મંથન એનો પાડોશી ધર્મ બજાવવા રોજ એમના ઘરે જતો અને એમને બજારમાંથી કંઇ પણ લાવવું હોય તે પૂછીને સાંજે ઓફિસથી આવતા લેતો આવતો.

એક દિવસ મંથન રોજની જેમ સવારે એમને ઘરે ગયો અને બૂમ મારીને પૂછ્યું..

“વર્ષાકાકી, આજે બજારથી કંઇ લાવવવાનું છે.?”

આ સાંભળી વર્ષાકાકી ધીરે ધીરે રસોડામાંથી બહાર આવ્યા અને કહ્યું..

“ના દિકરા, ગઇકાલે જ તારા કાકા જાતે બજાર જઇને જોઇતી વસ્તુઓ લેતા આવ્યા છે.”

મંથનને આશ્ચર્ય થયું અને પૂછ્યું..

“કેમ કાકી, હું વસ્તુ બરાબર નથી લાવતો..? વધારે મોંઘી વસ્તુ લઇને આવું છું..? કાકાને મારા પર હવે વિશ્વાસ નથી..?”

આ સાંભળી મહેશકાકા રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા..

અરે ના મંથનબેટા, અવું કંઇ જ નથી. તું આવું નહીં  વિચાર..!

કાકા, તો પછી મને કેમ ના કહો છો..?

જો બેટા, વાત જાણે એમ છે કે તું અહીંયા છે ત્યાં સુધી તું અમારું કામ કરશે. અમારી કાળજી લેશે. અને અમને તારી આદત પડી જશે. અને જે દિવસે તારી ટ્રાન્સફર બીજા શહેરમાં થશે તો અમારું શું ? અમે તો છતે હાથપગ અપંગ બની જઇશું. એટલે મેં ના પાડી. બાકી અમારો સગો દિકરો ના કરે એટલું તું કરે છે.

ના કાકા, એવું નથી. કાકી અને તમે  પણ મારું ધ્યાન રાખો જ છો. દર રવિવારે કાકી સરસ ખાવાનું જમાડે છે. મારા ઘરનું પણ ધ્યાન રાખો જ છો ને...!

એમ કહી મંથન ઓફિસે જવા નીકળી ગયો. મંથનને જતા જોઇ કાકીથી બોલી જવાયું આવો દિકરો ભગવાન બધાંને આપે. એ માતાપિતા નસીબદાર છે જેને પેટે આવો દિકરો અવતર્યો. આ સાંભળી મહેશકાકા મરક મરક હસતાં પાછા પોતાની રૂમમાં ચાલ્યા ગયા.

લગભગ ૪ મહિનાનો સમય વીતી ગયો. આ દરમિયાન મંથન એમને ઘરે જઇને બંનેની તબિયત પૂછતો અને બનતી બધી મદદ કરવાની કોશિશ કરતો. અને દર રવિવારે વર્ષાકાકી ના હાથની સરસ મજાની ટેસ્ટી રસોઇ જમતો. મંથને વાતવાતમાં કાકા કાકીની બર્થ ડે અને મેરેજ અનીવર્સરી જાણી લીધી. એમને વીશ કરવા કેક અને ગિફ્ટ લઇને એમને ઘરે પહોંચી જતો. કાકા કાકીને બને એટલી ખૂશી આપવાનો પ્રયત્ન કરતો.

આજે ૨૨ જુલાઇ વર્ષાકાકીની બર્થ ડે.! અને મંથનને ઓફિસમાં એક અગત્યની મિટીંગ હોવાથી એ સવારે વહેલો કાકા કાકીને મળ્યા વગર અને કાકીને વીશ કર્યા વગર નીકળી ગયો. ઓફિસ જતાં એ કાકાના ઘરના દરવાજે ચિઠ્ઠી મૂકતો ગયો કે આફિસમાં અગત્યની મિટીંગ હોવાથી વહેલો જાઉં છું ચિંતા નહીં કરતા. સવારે દરવાજો ખોલતા જ કાકીના હાથમાં ચિઠી આવી. વાંચીને કાકાને પણ વંચાવી. બંને જણ નાહી ધોઇને ભગવાનની પૂજા કરી નાસ્તો કરવા બેઠા.

મંથન જલ્દી ઓફિસ પહોંચીને મિટીંગમાં બીઝી થઇ ગયો. એણે આપેલું પ્રેઝન્ટેશન બધાંને ખૂબ ગમ્યું અને બધાંએ એના વખાણ પણ કર્યા. મિટીંગ પૂરી થતાં મંથને સૌથી પહેલાં કાકા કાકીને ફોન કર્યો. બંનેના ફોન સ્વીચ ઓફ જાણીને એને ટેન્શન થવા લાગ્યું. મંથન પ્રયત્ન કરતો રહ્યો પણ દરેક વખતે ફોન સ્વીચ ઓફ આવતાં એના ટેન્શનમાં વધારો થતો ગયો. એને જાતજાતનાં વિચારો આવવા લાગ્યા. બે માંથી કોઇની તબિયત બગડી હશે.? હોસ્પિટલમાં દાખલ તો નહી કર્યા હોય? કોને દાખલ કર્યા હશ? કાકા ને કે કાકી ને..?

આવા વિચારો આવતાં મંથન એના બોસ પાસે જઇને સઘળી હકીકતથી વાકેફ કર્યા અને લંચ પછી અડધા દિવસની રજા લઇને મહેશકાકાને ઘરે પહોંચ્યો.

દરવાજાની બેલ મારતાં જ કાકાએ દરવાજો ખોલ્યો અને મંથનને અંદર આવવાનું કહી પોતે સોફા પર બેઠા. મંથન ઘરનો દરવાજો બંધ કરી સામે મૂકેલી ખૂરશી પર બેઠો. મંથનના ચહેરા પર ટેન્શન જોઇ કાકાએ પૂછ્યું

શું થયું બેટા..? કંઇ વાતનું ટેન્શન છે? ઓફિસથી કેમ આટલો વહેલો આવી ગયો? તારી તબિયત તો સારી છે ને ? ડોકટરને બોલાવું..?

એટલીવારમાં કાકી પણ બહાર આવ્યા અને કાકાની બાજુમાં બેઠા. બંનેને સહીસલામત જોઇ મંથનને હાશ થઇ.

કાકા, મને કંઇ જ નથી થયું. મારી તબિયત પણ સારી છે. ઓફસથી મેં તમને બંનેને ફોન કરવાનો કેટલો પ્રયત્ન કર્યો પણ તમારા બંનેના ફોન સ્વીચ ઓફ બતાવે. મને ટેન્શન થઇ ગયું કે તમને કે કાકીને કંઇ થઇ તો નથી ગયું ને એટલે અડધી રજા લઇને ઘરે આવી ગયો. શું વાત છે કાકા કાકી? તમે બંને સારા તો છો ને? ફોન કેમ બંધ કરી દીધા ?

સાંભળી કાકા હસીને બોલયા મંથનબેટા, ફાધર્સ ડે, મધર્સ ડે કે મારી કે કાકીની બર્થ ડે અને અમારી એનિવર્સરી ને દિવસે અમે અમારા મોબાઇલ ફોન સ્વીચ ઓફ રાખીએ છીએ.

મંથને કુતુહલવશ અને આશ્ચર્યથી પૂછ્યું.. કેમ..?

અમે જીવીએ છીએ કે મરી ગયા..! એની ખબર ના હોય એવી વ્યક્તિઓના ફોન આવે. પછી  સોશ્યલ મિડીયા  પર લખે.. બોલે..!  મને નફરત છે આ બધી વાતો થી...!

કાકી આગળ બોલ્યા દિકરા, બાળપણમાં બાળકોને આપેલ પ્રેમ અને હૂંફ એમનો હકક હતો. તો ઘડપણમાં પ્રેમ અને હૂંફ આપવી એમની ફરજ છે અને અમારો હકક છે. જો એ લોકો એમની ફરજ ભૂલતા હોય તો અમને આવા સંબંધોમાં કોઇ જ રસ નથી. એ લોકોને એમ છે કે આ બુઢ્ઢાઓની જાત નહી ચાલશે ત્યારે અમારી પાસે આવશે જ ને..! બીજે ક્યાં જવાના..? પણ એ લોકોએ એમના મા બાપને ઓળખવામાં ભૂલ ખાધી છે. મંથનને ખબર હતી કે કાકા કાકીના બંને દિકરાઓ એમને છોડીને ચાલ્યા ગયા છે. 

 મંથનબેટા, આપણા શહેરથી લગભગ ૧૦૦ કિમી. દૂર એક અદ્યતન ઘરડાઘર બની રહ્યું છે. અમે બંને એ એની મુલાકાત પણ લીધી છે. દર મહિને અમારા બંનેના ૨૦૦૦૦ રૂપિયા. પતિ પત્નિ બંને એક જ રૂમમાં રહી શકે. રૂમમાં એસી, અદ્યતન ટીવી સેટ, ફ્રીઝ, ગરમ પણી માટે ગીઝર, ઇન્ટરકોમ, સોફાસેટ બધી જ સગવડ સાથે નો રૂમ. ૨૪ કલાક પાણીની સગવડ પણ. વિશાળ પરિસરની અંદર જ બાગ બગીચા અને મંદિર. ૨૪ કલાક એમ્બ્યુલન્સ.. દિવસમાં બે વખત ડોકટર ચેકઅપ કરી જાય. મહિનામાં બે વખત એમની બસમાં ફરવા લઇ જાય.  સવાર સાંજ સાત્વિક ભોજન.. બે સમય ચા, દૂધ, કોફી અને સાંજે ભજન કિર્તન અને સત્સંગ..! બીજું શું જોઇએ અમને..? કાકાએ જણાવ્યું..

મેં એક રૂમ બુક કરાવી લીધો છે. છોકરાઓને લાગે છે કે અમે લાચાર અને મજબૂર છીએ. પણ અમે નથી લાચાર કે મજબૂર. આજની દુનિયામાં રૂપિયા ખર્ચતા બધું જ મળે છે. પણ મા બાપ કે ખોવાયેલો પ્રેમ પાછા નથી મળતા.

કાકા ભીની આંખે મક્કમતાથી વાતો કરતા હતા. કાકી પણ આંખો લુછતાં અમારા માટે ચા બનાવવા ગયા. થોડીવારની અપાર શાંતિ.. કાકી ચા લઇને આવ્યા અને કાકા એ વાત આગળ વધારી. વાત પરથી લાગ્યું તેઓ એમના દીકરાઓ તરફ આંગળી ચીંધી રહ્યા છે. બંને દિકરાઓને એમના સાસરીઆઓએ મદદ કરી એટલે બીજા મકાનમાં ધીરે ધીરે જુદા થઇ ગયા. મોટો દિકરો વિદેશમાં સ્થાયી થઇ ગયો. કાકાએ નાના દિકરાને અલગ થવાનું કારણ પૂછ્યું..

તો કહે ઘર નાનું પડે છે....!

 

ત્યારે કાકાએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો કે તારી માનું પેટ નાનું હોવા છતાં તને નવ મહિના રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. સંતાનોની આદત પેટમાં હોય ત્યારથી લાત મારવાની હોય છે. બહાર આવીને પણ ઘણાં આ આદત ભૂલ્યા નથી. હોતા..!

કાકાની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા અને કાકી તો ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડ્યા. મંથન બંને માટે પાણી લાવીને પીવડાવ્યું. થોડી કળ વળતાં કાકી બોલ્યા....

જા બેટા, ઇશ્વરને પ્રાર્થના કર કે અમને તમારા લોકોની જરૂર ના પડે અને તમને અમારી જરૂર ન પડે. તમે અમારા સ્વભાવ કે આદતને કારણે જુદા થાવ છો. અમારી મજબૂરી છે કે અમે બદલી શકતા નથી.

કાકા બોલ્યા ..

સાચું કહું મંથનબેટા, પણ ખરેખર એવું ન્હોતું. અમે અમારો સ્વભાવ અને આદત સુધારવા તૈયાર હતા. પણ દુ:ખ અમને એ વાતનું હતું કે બંને દિકરાઓની હિંમત એમની પત્નિઓના સ્વભાવ કે આદત સુધારવાની ન્હોતી.એટલે બંને છોકારાઓ ધુમાડો મા બાપ પર કાઢે. અમને અમારો સ્વભાવ સુધારવા દબાણ કરે જે મને મંજૂર ન્હોતું. એટલે જ મેં બંનેને જતા રોક્યા નહીં..!

બેટા હું મજબૂત છું..મજબૂર નથી..! પ્રેમાળ છું પણ લાચાર નથી..! હું ભોળો પણ નથી અને ભોટ પણ નથી.! હજુ મારા પોતાના અંગત નિર્ણયો લેવા સક્ષમ છું.

મંથન બેટા, અમે એક નિર્ણય કર્યો છે.

મંથને કાકી તરફ જોયું અને પૂછ્યું 

શું કાકા..?

ઘરડાંઘરમાં જતાં પહેલાં અમે આ ઘર વેંચીને જઇશું. કાકાએ જોયું કે મંથન કંઇક બીજા વિચારોમાં છે એટલે વાત બદલતાં

મંથનબેટા, તું નાહકની અમારી ચિંતા કરીને ઓફિસથી કલ્દી આવી ગયો. જોયું ને અમે બંને એકદમ સ્વસ્થ છીએ.

કાકા આજે કાકીનો જન્મદિવસ છે એટલે હું હંમેશની જેમ કેક અને નાસ્તો લઇને આવ્યો છું. આવો કાકી કેક કાપો.. કાકીને પગે લાગી એમના આશિર્વાદ લઇને મંથન સોફા પર બેઠો. નાસ્તો કરતાં પણ મંથન કંઇના બોલ્યો એટલે કાકી બોલ્યા

મંથનબેટા, શું વાત છે.? કંઇ બોલતો નથી..?

કાકી વિચારું છું કે નોકરીને કારણે મારા માબાપથી દૂર આવ્યો પણ મારું સદનસીબ છે કે મને અહીંયા માતાપિતાના રૂપમાં આપ બંને મળ્યા.મને ક્યારેય માબાપનૌ ખોટ લાગવા દીધી નથી.

આ તો બધું ઋણાનુબંધ છે દિકરા .. પારકા ક્યારે પોતાના થઇ જાય અને પોતાના ક્યારે પારકા થઇ જાય એ તો ઇશ્વર જ જાણે..

ચાલ છોડ હવે એ બધી વાત અને નાસ્તો કર.. સવારનો ભૂખ્યો હોઇશ...!

મંથનને વિચારોમાં ખોવાયેલો જોઇ કાકા બોલ્યા..

મંથન, કયા વિચારોમાં ખોવાયેલો છે.?

ખચકાતાં ખચકાતાં બોલ્યો કાકા કાકી તમને ખોટું ના લાગે તો એક વાત કરવી છે...!

અરે બેટા, આટલો ફોર્મલ કેમ થાય છે...? શું વાત છે.?

કાકા કાકી આજે તમારા નાના દિકરા દિપક સાથે મુલાકાત થઇ. એની નોકરી ધણાં સમયથી ચાલી ગઇ છે.. જો તમારાથી કંઇ મદદ...

 

આ સાંભળી કાકાએ કાકી તરફ જોયું. જેઓ પોતાના આંસુ છુપાવાની કોશિશ કરી રહ્યા હતાં. એ જોઇ કાકા બોલ્યા

જો બેટા, એણે ઘર છોડ્યું ત્યારે એણે એના સાસરીઆઓની સલાહ લીધી હતી. તો પહેલી મદદ કરવાની ફરજ કોની ?

એના સાસરીઆની કે નહીં.. તું જ કહે...! અમે બંને નિવૃત્ત હોવા છતાં મમ્મી પપ્પા ઘર કેમ ચાલવશે એ ચિંતા અમારા દિકારાઓએ કદી કરી નથી. ઠીક છે.. ભગવાનની કૃપાથી સ્વામાનભેર જીવી શકાય એટલું છે અમારી પાસે..

એટલું કહી કાકા અંદર રૂમમાં ચાલ્યા ગયા. મંથન કાકીને પાણી આપી શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

 

થોડીવાર રહીને કાકા રુમમાંથી બહાર આવ્યા અને મને રુપિયા ૫૦૦૦૦(પચાસ હજાર) નો ચેક આપતાં બોલ્યા

લે દિકરા, મારા નપાવટ દિકરાને આપી દેજે. અને કહેજે કે માવતર કદી કમાવતર નથી થતું. મા બાપ બન્યા ત્યારે જ નક્કી કરેલું કે આપણે આપણા દિકરાને ક્યારેય કોઇ તકલીફ આપવી નથી. બનતી બધી જ મદદ કરીશું. છોરું કછોરું થાય તો પણ મા બાપ નજરઅંદાજ કરીને હંમેશા એમના માટે ખડે પગે મદદ માટે તૈયાર હોય છે. અમારા બંને પછી આ બધું  એમનું જ છે. એને  કહેજે કે આનાથી વધારે હવે મારાથી એને મદદ કરવી શક્ય નથી. અને કહેજે કે અમને એના રુપિયાની કે કોઇ પણ મદદની જરૂર નથી. પણ હવે જિંદગીમાં વ્વસ્થિત સેટલ થઇને એના કુટુંબનો આધાર બને.

મંથન દિકરા, તું લાગણીશીલ છે. સમજુ છે. ભગવાન તારા જેવો દિકરો બધાંને આપે. અમને વચન આપ કે તું ક્યારેય તારા મા બાપ ને નહીં તરછોડે. એમને ક્યારેય રઝળતા નહીં મુકે. મંથન કાકા અને કાકી બંનેની ભીની આંખ જોઇ શકતો હતો.   

આ સાંભળી મંથન પણ થોડો ગળગળો થઇ ગયો. એની આંખ ભીની થઇ ગઇ પણ એણે આંસુને બહાર નહીં આવવા દીધા. કાકા કાકીને પગે લાગીને કહ્યું કાકા કાકી તમને વચન આપું છું કે જિંદગીમાં ક્યારેય મારા માતા પિતાને નહીં તરછોડું અને ક્યારેય એમને  રઝળતા નહીં મુકું. કાકા-કાકી હું તો કાયમ માટે તમારો ૠણી રહીશ. તમારો પ્રેમ અને શિખામણ ક્યારેય નહીં ભુલું. તમે મને જિંદગીનો મહત્વનો પાઠ શીખવાડ્યો છે. મને આજે સમજાયું કે મા બાપ તો ધરતી પરના ભગવાન છે.

કાકા, આ ચેક હું દિપકને આપીને આવું છું. આજે રાત્રે આપણે સરસ મજાની હોટલમાં જમવા જઇએ છીએ. અને આ પાર્ટી મારા તરફથી છે.

મંથનને આટલું કહી ત્યાંથી નીકળી ગયો. એને જતાં જોઇ કાકી બોલ્યા હે ભગવાન, અમારા આ દિકરાને સુખી રાખજે. કાકીની આંખો લુછતાં  કાકા બોલ્યા 

હેપી એનિવર્સરી માય ડાર્લિંગ..!

આ સાંભળી કાકીએ ખુશ થઇ એમનું માથું કાકાની છાતી પર ઢાળી દીધું અને ખુશ થઇ બોલ્યા થેંક્યુ વેરી મચ ફોર બેસ્ટ ગીફ્ટ એવર...!

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED