લક્ષ્મી Salill Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લક્ષ્મી

ઉત્તમ મીલમાં કામ કરતો એક કારીગર. અનુભવને કારણે એને કારીગર કરતાં થોડી જવાબદારી વધારે એટલે એનો પગાર પણ કારીગર કરતાં વધારે. ટૂંકમાં કહીએ તો બધાં કારીગરોનો એ બોસ. એણે મીલમાં કરતાં બધાં કારીગરો પર ધ્યાન રાખવાનું તદુપરાંત એણે દરેક કારીગરની હાજરી ગેરહાજરી પણ જોવાની અને એમનો પગાર પણ કરવાનો. દરેક કારીગરોનો પ્રિય કારણકે સ્વભાવે સરળ ઇમાનદાર અને કાયમ કોઇના માટે મદદ કરવા હંમેશા તૈયાર રહેતો.

ઉત્તમ એની પત્નિ સરલા અને ૬ વર્ષની દીકરી ખુશી સાથે પ્રેમથી અને સુખેથી રહે છે. એને જીવનમાં દરેક વાતે સંતોષ છે. રહેવાનું નાનું પણ સરસ મજાનું પોતાનું ઘર છે. સુંદર સુશીલ સમજદાર પત્નિ અને એક ચુલબુલી મીઠડી એની ૬ વર્ષની દિકરી . એટલે જાણે એણે ભગવાને બધું સુખ આપી દીધું છે.એ કાયમ એના મિત્રોને કહેતો કે ભગવાને મને ઘણું સુખ આપ્યું છે. મને કોઇ ફરિયાદ નથી. ઉત્તમ એટલું કમાઇ લે છે કે એની પત્નિ સરલાને વર્ષમાં એક વાર કપડાં ઘરેણાં અપાવી શકે અને દિકરી ખુશીના ભવિષ્ય માટે બચત પણ કરે છે. એનું કુટુંબ એટલે પ્રેમ અને સુખની વ્યાખ્યા.

ઉત્તમ પોતાના ઘરની બહાર ખુરશીમાં બેઠો પેપર વાંચી રહ્યો છે. ઘરની અંદર એની પત્નિ સરલા દિકરી ખુશીને શાળાએ મોકલવા માટે તૈયાર કરી રહી છે.ખુશીએ સ્કુલ યુનિફોર્મ પહેરેલો છે. સરલા એના વાળ ઓળી રહી છે અને દૂધ પીવા કહી રહી છે. ખુશીને દૂધ નથી ભાવતુ એટલે પીવાની ના પાડે છે. સરલા ખુશીને સમજાવતાં

" બેટા, દૂધ પીવાથી આપણાં શરીરમાં તાકાત આવે અને બુધ્ધિનો પણ વિકાસ થાય છે".

ખુશી દૂધ નો ગ્લાસ લઇ દૂધ પીતી હોત ત્યાં જ સરલા એના વાળ સરખાં કરતી હોય.

"મમ્મી જરા ધીરે મારા વાળ ખેંચાય છે."

આ રોજની વાત છે એટલે ઉત્તમ ધ્યાન નથી આપતો અને પેપર વાંચતો રહે છે. અને ઉત્તમના ચહેરા પર અચાનક ટેન્શન દેખાય છે. અને ઘરની અંદર નજર નાખે છે. પોતાને થોડો સ્વસ્થ કરી કહે "ખુશી બેટા જલ્દી તૈયાર થઇ જા ..સ્કુલે જવાનું મોડું થશે..."

અંદરથી જ ખુશી "આવી પપ્પા... ચલો પપ્પા.. "

ખુશીને જોતાં જ એ ખુશીને ભેટી અને માથે અને ગાલે કીસ કરી કહે "આ વખતે મારી લાડકી ઢીંગલીને વેકેશનમાં ફરવા લઇ જઇશ અને નવા રમકડાં પણ અપાવીશ."

ખુશી ખુશ થતાં "સાચે જ પપ્પા .." એમ કરીને સ્કુટર પર બેસી જાય. આવી રીતે જ ઉત્તમ રોજ ખુશીને સ્કુલે મૂકવા લેવા જાય.

સવારે પેપર વાંચતા ટેન્શનમાં આવી ગયેલો ઉત્તમ ખુશીને સ્કુલે મુકીને નોકરી પર જતો હોય છે. ત્યાં એક ચા ની લારી પર એનો એક મિત્ર એને ચા પીવા માટે રોકે છે. ચા પીતાં એનો મિત્ર કહે

" યાર, આજનું પેપર વાંચ્યું..?"

"હા, કેમ શું છે સમાચારમાં..?"

"યાર, કેવો કળયુગ આવી ગયો છે. મને તો કહેતાં પણ શરમ આવે છે..!"

"પણ થયું છે શું એ તો કહે..!"

"છી.. નાની નાની છોકરીઓ પર બળાત્કાર કરી એને મારી નાખવાની.. હું તો કહું છું વિકૃતી આવી ગઇ છે. ભગવાન બચાવે આવા નરાધમો થી...!"

મારે કામ પર જવાનું મોડું થાય છે કહી ઉત્તમ ત્યાંથી નીકળી જાય છે. એ જ ટેન્શન સાથે એની ઓફિસમાં જાય છે.

ઉતમ ઓફિસમાં કામ કરી રહ્યો છે. થોડીવાર પછી પેપર લઇને વાંચે છે એની નજર એ જ સમાચાર પર જાય છે એને સવારે વાંચ્યા હતા. કંઇક વિચારો આવે છે. એને એની દિકરી સ્કુલે જતી દેખાય છે. એ એના મિત્રો સાથે રમતી દેખાય છે. એની ઘરમાં ધમાલ મસ્તી વગેરે.. પાછો કોઇ વિચારમાં ખોવાઇ છે. સાંજે ઘર જતા સમયે કંઇક વિચારો એના મનમાં ચાલે છે. અને પોતાની જાત સાથે વાત કરે છે કે "આજે તો હું સરલા સાથે વાત કરીશ જ. ખુશી સૂઇ જાય પછી વાત કરીશ......"

ઘરે પહોંચી ફ્રેશ થઇ બધાં જમવા બેઠા. ત્યાં જ ખુશી બોલી

" પપ્પા આજે હું મારા ક્લાસમાં પહેલી આવી..!"

" અરે, વાહ શેમાં પહેલી આવી મારી ઢિંગલી..?"

" મારે મારા મનગમતા હીરો વિષે બોલવાનું હતું. તો મેં કહ્યું કે મારો મનગમતો હીરો તો મારા પપ્પા છે. અને મને પહેલું ઇનામ મળ્યું...!"

" અરે વાહ બેટા..બહુ જ સરસ..ચલો હવે જલ્દી ખાઇ લે અને સૂઇ જા...!"

સરલા જોઇ રહી છે કે ઉત્તમને કોઇ પરેશાની છે પણ કહી નથી શકતો. જમ્યા પછી વાસણો અંદર લઇ જાય છે. ઉત્તમ પણ હાથ ધોઇને ખુરશી પર બેસી કોઇ વિચાર કરે છે. સરલા કહે

"શું થયુ? કઇ વાતનું ટેન્શન છે.? શું વિચારો છો? આ પહેલાં તમને ક્યારેય આટલા પરેશાન નથી જોયા? કેકટરીમાં કંઇ થયું? મોટા સાહેબે કંઇ કહ્યું..?"

"કંઇ નથી થયું..તું ચિંતા નહી કર..થાક લાગ્યો છે બીજું કંઇ નથી થયું. સવાર સુધીમાં ઠીક થઇ જશે. પરમ દિવસે ખુશીનો જન્મદિવસ છે. તો એના માટે શું લાઉં એ વિચારતો હતો. અત્યારે મને બહુ જ ઊંઘ આવે છે કાલે વાત કરીશું... ચલો રાત પણ થઇ ગઇ છે તું પણ સૂઇ જા.."

મોં ફેરવીને સૂવાની કોશિશ કરે છે. વિચારોને કારણે ઊંઘ નથી આવતી.. થોડી વાર પછી.. "સરલા .. સૂઇ ગઇ કે શુ?"

"નહી....તમને પરેશાન જોઇને મને કેવી રીતે ઊંઘ આવે..?"

"ખુશી સૂઇ ગઇ..?"

"હા.. હવે બોલો શું વાત છે.? કઇ વાતનું ટેન્શન છે.?"

ઉત્તમ બેડરુમની બહાર આવે છે. પાછળ સરલા પણ આવે .. "કંઇ તો બોલો..શું વાત છે.? હવે મને ટેન્શન થાય છે..."

"સરલા ..જ્યારથી મેં પેપરમાં સમાચાર વાંવ્યા છે ત્યારથી મને ટેન્શન થાય છે....!"

"કેવા સમાચાર..?"

"નાની છોકરીઓ પર બળાત્કારના સમાચાર..ટીવી માં પણ એ જ સમાચાર.. મને ખૂબ જ ચિંતા થાય છે. આજના સમયમાં આ બધું શું ચાલી રહ્યું છે..?"

"તો તમે ખુશીની ચિંતા કરો છો..! અરે એને કંઇ નહીં થાય. આપણે ક્યારેય કોઇનું ખરાબ કર્યુ છે.? નહીં ને... તો પછી આટલી ચિંતા નહીં કરો..ભગવાન આપણી સાથે છે. એ આપણી દિકરીને કંઇ નહીં થવા દે.. આપણે બંને છીએ ને એને જોવા માટે..અને એ મોટી થઇને પણ એવું કંઇ નહીં કરે જેને લીધે આપણે નીચું જવાનું થાય.મને મારી દિકરી અને આપણે આપેલા સંસ્કારો પર વિશ્વાસ છે....!"

"તારી વાત સાચી છે અને હું સહમત પણ છું. છતાં આજનો આવો માહોલ જોઇને ચિંતા થાય છે. એને કોઇ ઊઠાવી ગયું તો....!"

"કોણ ઊઠાવી જશે? સ્કુલે તમે લેવા મુકવા જાઓ છો. સ્કુલ પછી આપણા ઘર પાસેજ એના મિત્રો સાથે રમતી હોય છે. હું પણ એને વારંવાર જોતી રહેતી હોઉં છું. આટલું બધું નહીં વિચારો. કંઇ નથી થવાનું આપણી ખુશીને..અને હવે સૂઇ જાવ..રાત બહુ થઇ ગઇ છે. સવારે નોકરી પર પણ જવાનું છે અને ખુશીને પણ સ્કુલે મુકવા જવાનું છે."

"તારી વાત સાચી છે. હું નકામી આટલી ચિંતા કરું છું..!"

બંને સુવા જાય. ઉત્તમને ઊંઘ નથી આવતી. વિચારો આવ્યા કરે છે. અને અચાનક ઊભો થઇ સરલાને ઊઠાડી રુમની બહાર આવે છે.

"હવે પાછું શું થયું..? ચિંતા કરવાની કોઇ જરુર નથી. તમને કહ્યું ને આપણી ખુશી ને કંઇ નહીં થાય. ભગવાન પર ભરોસો રાખો અને હવે સૂઇ જાવ અને મને પણ સુવા દો.. ચલો..!"

"પણ જો છોકરી જ ના હોય તો..?"

"તમે કહેવા શું માંગો છો..? જો છોકરીઓ ના હોય તો આ સંસાર કેવીરીતે ચાલશે..?"

"હા.. જો છોકરી જ ના હોય તો કોઇ પ્રોબ્લેમ જ નથી..કોઇ ટેન્શન જ નહીં...!"

"તમે સાફ સાફ કહો.. તમે કહેવા શું માંગો છો..? છોકરી નહીં એટલે..? શું કરવા માંગો છો તમે..?"

"આપણા જીવનમાં છોકરી જ ના હોય તો...? કોઇ પરેશાની નથી. મારાથી આ પરેશાનીમાં નહીં રહેવાય. હું આ પરેશાની જ દૂર કરી નાખીશ.....!"

"તમારી વાતો સાંભળીને હવે મને ડર લાગે છે. શું કરવા માંગો છો તમે..?"

"એટલે કે ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી...!"

"એટલે.તમે..આપણી દિકરીને..તમે હોંશમાં તો છો..! આ શું બકવાસ કરી રહ્યા છો..! અરે બળાત્કાર તો મોટી છોકરીઓ અને સ્ત્રીઓ પર પણ થાય છે તો તમે તમારી બેન, તમારી મા અને મને પણ મારી નાખશો..? અરે લોકો બાળકો માટે શું શું કરે છે ..૧ તો પણ એ લોકો ને બાળકોનું સુખ નથી મળતું. અને ભગવાને જ્યારે આપણને આટલી સરસ દિકરી આપી છે ત્યારે તમે... રડતી જાય અને જોરથી કહેતી જાય "મેં કહ્યું ને કંઇ નહીં થાય આપણી દિકરીને...."

"તારા કહેવાથી શું થાય..? જો એની સાથે કંઇ પણ થયું તો આપણે ક્યાં જઇશું...? હવે હું આ ટેન્શનમાં નહીં જીવી શકું.. મને છુટકારો જોઇએ છે...!"

બોલતો બોલતો અંદર રુમમાં જઇને તકીયો લઇ ખુશીની પાસે જાય..સરલા વચમાં આવી તકીયો ઝુંટવી ફેંકી દે.. ઉત્તમ ગુસ્સામાં રુમની બહાર જાય..સરલા રડતી રડતી એની પાછળ જાય એને સમજાવવા....

"બાળક તો ભગવાનનું રૂપ છે. ભગવાનનો પ્રસાદ હોય છે. એનો અનાદાર નહીં કરો..હું તમને હાથ જોડું છું..તમારા પગે પડું છું..નહીં છીનવો મારી જિંદગી..! હું મારી દિકરી વગર નહીં જીવી શકું...!"

"વિચાર કર જો તને દિકરો થયો હોત તો..! આ પ્રોબ્લેમ હોત..? નહીં ના..! અને મને વિશ્વાસ છે તને બીજો દિકરો જ આવશે. ત્યારે આનાથી પણ વધારે ખુશી થશે..તારો દિકરો તને મમ્મી કહી ને વળગશે ત્યારે તને કેટલો આનંદ થશે.. તને લાગશે કે આખી દિનિયાની ખુશી તને મળી ગઇ. તું ઘરડી થશે ત્યારે દિકરો જ તને પ્રેમથી રાખશે..પ્રેમ થી ખવડાવશે..! બેટી તો તને છોડીને ચાલી જશે. જ્યારે દિકરો જિંદગીભર તારી સાથે રહેશે સરલા તારી પાસે..! પછી આપણી જિંદગીમાં કોઇ પરેશાની નહીં હોય. એટલે જ કહું છું દરેક પ્રોબ્લેમ ની જડ દિકરી જ છે...!"

સરલા રડતાં રડતાં ઉત્તમને સમજાવાની બહુ જ કોશિશ કરે છે. ઉત્તમ માનતો નથી. એ કોઇ વાત સાંભળવા કે સમજવા તૈયાર નથી.

"જો તું મને સાથ આપવા નહીં માંગતી હોય તો તું તારા ઘરે જઇ શકે છે. પણ કાલે હું આ ટેન્શન માંથી બહાર નીકળવા માંગુ છું...!"

ઉત્તમ ત્યાંથી જતો રહે છે. સરલા રડતી રડતી ખુશી પાસે જાય અને એના માથા પર હાથ ફેરવે..કપાળ પર કીસ કરે.. અને ઊંઘતી ખુશીને જોયા કરે.

બીજે દિવસે સવારે.. રોજ ની દિનચર્યા.. ઉતમ બહાર ખુરશી પર બેઠો છે...સરલા ખુશીને સ્કુલ માટે તૈયાર કરે છે. ખુશી એની મસ્તીમાં.. સરલા કે ઉત્તમ બંને એકબીજા સાથે બોલતા નથી...બંને ચૂપચાપ છે. સરલા રોજ ની જેમ

"ચલો બેટા દૂધ પી લો. ડાહી દિકરી જીદ નથી કરતી..ચલો ખુ..શી..બે..ટા..!"

રડવા જેવી થઇ જાય પણ છૂપાવે છે. ખુશી દૂધ પીવે છે. એની સ્કુલબેગ અને વોટરબેગ લઇને સ્કુલ જવા તૈયાર... ઉત્તમ અંદર આવે.. સરલા ગભરાતી એની તરફ જોઇ છે. પણ કશું બોલી શકતી નથી. ત્યાં જ ઉત્તમ ખુશી તરફ

"ખુશી બેટા, આજે મારી ઢીંગલીને સ્કુલમાં રજા... આજે પપ્પા ખુશીને બહાર ફરવા લઇ જશે..બહુ બધાં રમકડાં અપાવશે.. બહુ બધી ચોકલેટ્સ પણ લઇશું..ચલો..ચલો....!"

આ સાંભળીને ખુશી પહેરેલ સ્કુલ યુનિફોર્મ અને સ્કુલ બેગ સાથે જ દોડીને ઉત્તમને વળગે છે. પછી સીધી સ્કુટર પાસે જાય છે. સરલા આ બધું જોતી રહે છે. ઉત્તમ સરલાને જોતા બહાર નીકળે છે. પાછળ સરલા પણ જાય છે. અને જુએ છે કે સ્કુટર પર એક કુહાડી બાંધેલી હોય છે. ઉત્તમ સ્કુટર પર ખુશીને બેસાડે છે. અને સરલા સામે જુએ છે.. સરલા ના રડમસ ચહેરા પર દુ:ખ જોઇ શકાય છે.... ત્યાં જ ખુશી ઉત્તમને કહે છે..

" પપ્પા ચલો ..મોડું થાય છે. દુકાન બંધ થઇ જશે..મારે બાર્બી ડોલ લેવી છે...બાય મમ્મી... !"

" હા..ચલો બેટા..."

સરલાને જોતા જોતા ઉતમ નીકળે છે. ખુશી બહુ જ ખુશ દેખાય છે. સ્કુટરને જતું જોઇ સરલા ભાંગી પડે છે અને ઘરનાં દરવાજા પાછળ બેસી જોર જોરથી રડવા માંડે છે.ખુશી એકદમ આનંદમાં હોય છે. કારણકે આજે એને રમકડાં, ચોકલેટ્સ વગેરે મળવાનું છે.

" પપ્પા મને બાર્બી ડોલ જોઇએ છે. અને એક ઢિંગલો પણ.... અને બહુ બધી ચોકલેટ પણ..!"

ઉત્તમે સાંભળ્યું નહીં સાંભળ્યું.. એનું ધ્યાન બીજે છે. આજુબાજુ જોતો રહે છે. "હા, બેટા ..જરૂરથી...!"

ત્યાં અચાનક ઉત્તમ કોઇ એકાંત જગ્યા જોઇને સ્કુટર ઊભું રાખે છે...

" ખુશી બેટા તુ અહીંયા રમ...હું મારું કામ કરીને તને તારી બાર્બી ડોલ અપાવા લઇ જઇશ..!"

ખુશી હકારમાં માથું હલાવી એક બાજુ પર કોઇ રમત રમવા લાગે છે. ઉત્તમ કુહાડી લઇ ખાડો ખોદે છે... વચ્ચે વચ્ચે ખુશી પણ એ ખાડા માં જાય અને બે ત્રણ મુઠ્ઠી માટી બહાર કાઢે..પાછી પોતાની મસ્તીમાં રમવા લાગે.. ઉત્તમ ખાડો ખોદતા થાકી ગયો અને પરસેવે રેબઝેબ થઇ ગયો છે. રમતાં રમતાં ખુશી નું ધ્યાન એના પપ્પા તરફ જતાં..

" પપ્પા તમે બહુ થાકી ગયા છો કામ કરીને..થોડીવાર અહીં બેસો..!" એટલે ઉત્તમ ખુશીની પાસે જઇને બેસે છે.

" આ લો પપ્પા થોડું પાણી પીઓ.. ! અને મમ્મીએ મારા ટિફીનમાં બે રોટલી મુકી છે. તો એક તમે ખાઇ લો તમને ભૂખ પણ લાગી હશે...!"

આ સાંભળીને ઉત્તમને શું કરવું કંઇ સમજ પડતી નથી. કુહાડી ફેંકી જોર જોરથી રડવા લાગે છે અને ખુશીને ભેટી પડે છે...

" બેટા મને માફ કરી દે.. ખરેખર તુ જ મારી ખુશી છે. અને હું બીજે ક્યાંક ખુશી શોધવા જતો હતો.બેટા ,મને માફ કરી દે,, હું તારો ગુનેગાર છું..!"

ખુશીને કશી ખબર પડતી નથી કે પપ્પા કેમ રડે છે….

" પપ્પા રડો નહીં..તમારું કામ થઇ જશે... !હું છું તમારી સાથે..! હું તમને મદદ કરીશ..! "

આ સાંભળી ઉત્તમ વધારે ડતા રડતા પાછી એની માફી માંગે છે. ખુશી ઉત્તમને પાણી પીવડાવે છે. અને સરલા એ આપેલી બે રોટલીમાંથી એક રોટલી ઉત્તમને ખવડાવે છે અને પછી ઉત્તમ એક રોટલી ખુશીને ખવડાવે છે. ખુશી ઉત્તમના આંસુ લુછે છે. થોડીવાર પછી ઉતમ સ્વસ્થ થઇને ખુશી સાથે રમત રમે છે. અને પછી એને સ્કુટર પર બેસાડી બજાર લઇ જાય છે અને ખુશીના મનગમતા રમકડાં ચોકલેટ્સ મિઠાઇ વગેરે અપાવે છે. બંને જણ બહુ જ ખુશ છે.

આ બાજુ ઘરમાં બિચારી સરલા એકલી દુ:ખી ગભરાયેલી રડતી ઘરનાં દરવાજા પાછળ બેઠી છે. એને એમ જ છે કે આજે એની દિકરી હવે આ દુનિયામાં નથી.. ખૂબ રડે છે. અને ત્યાંજ અચાનક સ્કુટરનો હોર્ન સંભળાય છે અને સરલા વધારે જોરજોરથી રડવા માંડે છે. સ્કુટરનો હોર્ન એકસરખો વાગે છે એટલે સરલા હાંફળી રડતી બહારની તરફ દોડે છે અને ત્યાં ખુશીને રમકડાં સાથે જોઇ એની તરફ દોટ મુકે છે. ખુશી પણ ખુશ થતી રમકડાં સાથે એની મમ્મીને ભેટી પડે છે. સરલાં રડતાં રડતાં ખુશીને વહાલ કરતાં ..

" મારી દિકરી ..મને માફ કરી દે...! "

ખુશીને સમજ નથી પડતી કે મમ્મી કેમ રડે છે. એ તો એની ખુશીમાં મગ્ન અને દોડતી સીધી ઘરની અંદર જઇ એના રમકડાં રમવા માંડે છે. ઉત્તમ અને સરલા બંને એકમેક સામે જુએ છે.બંનેની આંખમાં ખુશી અને પસ્તાવાના આંસુ છે. ઉત્તમ સરલાની માફી માંગતા..

" મને માફ કરી દે સરલા..હું ખોટો હતો..મારા વિચારો ખોટા હતા..મારી અસલી દુનિયા તો તું અને ખુશી છો. હું તમારા બંને વગર નહીં રહી શકું..મને માફ કરી દે સરલા...!"

" તમે પણ મને માફ કરી દો..એક મા થઇને મારે તમને રોકવાના હતા.. હું તમારી વાતોમાં આવીને તમારા વિચારો સાથે સહમત થઇ ગઇ હતી. ભૂલ મારી પણ છે. અરે, દિકરી તો ઘરનું અને કુળનું ઘરેણું છે. દિકરી દરેક કુળને ઉજાગર કરે છે. દિકરી કયારેય બોજ ના હોય શકે..! દિકરો ભાગ્યથી મળે છે.. પણ દિકરી તો સૌભાગ્યથી જ મળે...! દરેક દિકરીના ભાગ્યમાં પિતા તો હોય જ છે..પણ દરેક પિતાના ભાગ્યમાં દિકરી નથી હોતી..!. જે ઘરમાં દિકરી હોય છે ત્યાં ભગવાનની અસીમ કૃપા હોય છે. દિકરી પ્રોબ્લેમ નહીં પણ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે. એટલે તો દેવોને પણ જ્યારે કોઇ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી મળતું, ત્યારે બધાં દેવો દેવતા દેવી મા પાસે જાય છે દેવીમા ની મદદ માટે. અને દેવીમા પણ ખુશ થઇને મદદ કરતી હોય છે. એટલે જ દરેક દિકરી મા છે જે પ્રેમથી જીવતા શીખવાડે છે. દરેક ઘરની ખુશી છે દિકરી..અને દરેક કુળની લક્ષ્મી છે દિકરી........બંને જણ ખુશીને ભેટી એની સાથે રમવા માંડે છે.