રામલાલ ખેતી કામ કરતો અતિ સાધારણ માણસ.એની પત્નિ શાંતા અને દિકરા અજય સાથે સુખ અને સંતોષથી રહે છે. દિકરો અજય ભણવામાં ખૂબ જ હોંશિયાર. સ્કુલમાં કાયમ અવ્વલ નંબરે આવતો એટલે રામલાલ અને શાંતા બંને ખૂબ જ ખુશ થતા.અજયના ભણતરમાં કોઇ વાતની કચાશ રાખતા નહી. કોઇપણ હિસાબે અજયના ભણતરની બધી જ જરુરિયાતો પૂરી કરતા. એના માટે બંને પતિ પત્નિ ખૂબ મહેનત કરતા. અજયની ઇચ્છા પ્રમાણે MBA કરાવ્યું અને અજયે અવ્વલ નંબર મેળવી એક મોટી કંપનીમાં ખૂબ જ સારી નોકરી મળી એટલે તે બીજા શહેરમાં ચાલ્યો ગયો.
દર મહિને અજય એના માતા પિતાને રુપિયા અચૂક મોકલતો ત્યારે રામલાલ કહેતો કે અમારા બંનેનું ચાલે એટલું તો કમાઇ જ લઉં છું માટે તારે રુપિયા મોકલવાની જરુર નથી. અજય રોજ ફોન કરીને બંનેની ખબર અંતર પૂછતો. સમય પાણીની જેમ પસાર થઇ ગયો અને અજયના ફોન પણ આવતા ઓછા થયા અને ધીરે ધીરે રુપિયા મોકલવાનું બંધ થયું. છતાં બંને પતિ પત્નિને કોઇ ફરિયાદ ન્હોતી. ઉંમર વધવાની સાથે શાંતાને બિમારીએ ઘેરી લીધી. રામલાલ એના ઇલાજ માં કોઇ કચાશ રાખતો નહીં અને એકદિવસ શાંતાને હાર્ટએટેક આવ્યો અને ડોકટરે કહ્યું કે બાયપાસ સર્જરી કરવી પડશે. લગભગ ૪-૫ લાખનો ખર્ચો થશે. રામલાલની વાત અને વિનંતી સાંભળી હોસ્પિટલે બે લાખ ઓછા કર્યા. ૩ લાખ રુપિયા ભેગા કરવા રામલાલ પ્રયત્નો કરવા લાગ્યો. પરંતુ બધી જગ્યાએથી નિષ્ફળતા મળી અને અને દિકરા અજય પાસે મદદ માંગવાનૂ નક્કી કરી એને ભાવતી મિઠાઇ લઇને અજયને ત્યાં ગયો.
દરવાજે ડોરબેલ વગાડતાં જ નોકરે દરવાજો ખોલી અંદર બેસવાનું કહ્યું. ઘરમાં દાખલ થતાં ચારે તરફ નજર દોડાવી દિકરાની પ્રગતિ જોઇ રામલાલની ખુશીનો પાર નહીં રહ્યો. "કોણ છો" રામલાલ ઊભો થયો અને "એ તો બેટા... " સુટમાં સજ્જ દિકરાને જોતાં જ અજય બેટા.. કહી ભેટવા જાય જ "આ શું કરો છો ? મારા કપડાં ખરાબ થઇ જશે.."
"આ જો તારા માટે મિઠાઇ લાવ્યો છું..તારી ભાવતી મિઠાઇ..!"
નોકરને બોલાવી આ મિઠાઇ તમે લોકો ખાઇ જજો. નોકર પણ ખુશ થતાં જી સાહેબ..! રામલાલને હજુ કંઇ ખબર એ પહેલાં જ "કોણ છો તમે અને ક્યારના શું દિકરા..દિકરા કરો છો?"
"કેમ આવું બોલે છે? હું તારા પપ્પા..જેને ખભે બેસીને તું અહીં સુધી પહોંચ્યો છે.!"
"શું કામ આવ્યા છો..? તમને કોણે અંદર આવવા દીધા..? વોચમેન..વોચમેન.."
"નહીં બેટા..વોચમેનને નહીં બોલાવતો..! સાંભળ તારી મા ને હ્રદયનું ઓપરેશન કરાવાનું છે.મારી પાસે જે કંઇ પણ હતું એ બધું એની સારવાર અને દવામાં ખર્ચાઇ ગયું.તારી પાસે મદદ માટે આવ્યો છું તારી મા ને બચાવી લે દિકરા..!"
"મારી પાસે ફાલતું લોકો માટે રુપિયા નથી.ચાલ્યા જાવ નહીતર ધકકા મારીને કાઢી મૂકીશ...૧"
રામલાલ ગુસ્સે થતાં "અજય... તારી મા ફાલતું નથી..! એણે નવ મહિના તને એના પેટમાં રાખ્યો છે. એની છાતીએ તને વળગાડ્યો છે ત્યારે તુ આજે આટલો મોટો માણસ બની શક્યો છે. આજે એને તારી જરુર છે. બચાવી લે તારી મા ને...! "
" મદદ જોઇએ છે એ પણ ગુસ્સો કરીને... મને દિકરા કે બેટા કહેવાની જરુર નથી,, મારે કોઇ મા બાપ નથી..!"
હાથ જોડી માંગતા "મને માફ કરી દે.. અને બચાવી લે તારી માને...!"
"કહ્યું ને મારી પાસે ફાલતુ લોકો અને ફાલતું કામ માટે કોઇ રુપિયા નથી.."
આંખમાં આંસુ સાથે હાથ જોડી પગે પડતાં "હું બહુ જ આશા સાથે તારી પાસે આવ્યો છું..મારી પત્નિને બચાવી લે બેટા..બચાવી લે મારી પત્નિને..!"
થોડી ક્ષણોની નિરવ શાંતિ બાદ "ઠીક છે હું તમને રુપિયા આપું છું..!"
સાંભળી આંસુ લૂંછતાં ઉભો થતાં "ભગવાન તારું ભલું કરે બેટા..!"
"પણ મારી એક શરત છે...!"
"તારી બધી શરતો મને મંજૂર છે...!"
"ઠીક છે ત્યારે ,તમારે તમારું ઘર મને આપી દેવાનું...!
સાંભળતાં જ રામલાલ સ્તબ્ધ...." બેટા આ ઉંમરે અને તારી બિમાર મા ને લઇને હું ક્યાં જઇશ..?"
"એ તમારો પ્રોબ્લેમ છે. બોલો શરત મંજૂર છે...?"
સ્વસ્થ થતાં "હા શેઠ, તમારી શરત મંજૂર છે. મારા માટે મારી પત્નિથી વિશેષ કંઇ જ નથી.આ બાવડામાં હજી તાકાત છે બે ટાઇમનું ખાવાનું કમાઇ લેવાની. અજય શેઠ, મને તમારી શરત મંજૂર છે." હાથ જોડતાં "મારી એક વિનંતી છે શેઠ... મારી પત્નિ સારી થઇ જાય પછી અમે લોકો ઘર છોડી જઇશું. શેઠ, આખી જિં'દગી પ્રામાણિકતા અને નિષ્ઠાથી જીવ્યો છું.વિશ્વાસ રાખજો શેઠ આ ગરીબ પર..શરત મુજબ હું ઘર છોડી દઇશ.ઉપર વિશાળ આકાશ અને નીચે વિશાળ ધરતી છે ક્યાંક તો અમારા માટે જગ્યા હશે જ.. તમે નચિંંત રહેજો શેઠ..!"
રુપિયા આપતાં "તો આજથી એ ઘર મારું..ઓપરેશન થઇ જાય એટલે ઘર છોડી દેવાનું સમજ્યા...!"
"અજય શેઠ, ગરીબ જરુર છું પણ બેઇમાન નથી. વચને બંધાયો છું. તમે બેફિકર રહો..આમ પણ હવે એ ઘર નથી ફક્ત મકાન જ છે."હાથ જોડતાં
"શેઠ, આપનો ઉપકાર ક્યારેય નહી ભુંલું..મારી પત્નિને જીવાડવા હું કંઇ પણ કરીશ. તમારો ખૂબ ખૂબ આભાર..ભગવાન હજી તમને ઘણું આપે..!"
રામલાલ ને જતાં જોઇ અજય એક ફોન પ .. "ફાર્મ હાઉસ માટે જગ્યા મળી ગઇ છે. તને જોઇતી હતી એવી જ.. એવા જ વાતાવરણમાં...અનીથીંગ ફોર યુ માય ડાર્લિંગ.... !
ભીની આંખે રામલાલે ઉપર આકાશ તરફ જોયું અને કહ્યું "મારી પત્નિ માટે હું કંઇ પણ કરીશ...!"