ધૂપ-છાઁવ - 90 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધૂપ-છાઁવ - 90

એક દિવસ ધીમંત શેઠ પોતાના ડૉક્ટર મિત્ર મેહૂલ પટેલને મળીને બોમ્બેથી પરત આવી રહ્યા હતા અને રસ્તામાં જ તેમની કારનો ભયાનક અકસ્માત સર્જાયો અને તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા....
અપેક્ષાને આ વાતની ખબર પડતાં જ તેના તો હોશકોશ જ ઉડી ગયા અને તે સીધી એપોલો હોસ્પિટલમાં દોડી ગઈ પરંતુ ધીમંત શેઠનું માથું કારના આગળના ભાગમાં જોરથી ટકરાતાં તેમને સખત હેડ ઈન્જરી થઈ હતી જેને કારણે તે બેભાન અવસ્થામાં ચાલ્યા ગયા હતા અને તેમને આઈ સી યુ માં સારવાર અર્થે રાખેલા હતાં...
હવે આગળ...
આઈ સી યુ માં કોઈને અંદર તો જવા દેતાં નહીં પરંતુ અપેક્ષા હોસ્પિટલમાં બહાર કલાકોના કલાકો સુધી બેસી રહેતી અને ધીમંત શેઠને સારું થાય તે ભાનમાં આવે અને તેમના કોઈ સમાચાર આવે તેની રાહ જોયા કરતી.
અપેક્ષા એકલે હાથે ધીમંત શેઠની કંપની રિધમ માર્કેટીંગ નું પણ પૂરેપૂરું ધ્યાન રાખવા લાગી અને હોસ્પિટલના ચક્કર પણ લગાવતી રહેતી હતી અને વિચારતી હતી કે, ધીમંત શેઠે મારા માટે ઘણું કર્યું છે હું તેમને માટે જેટલું કરું તેટલું ઓછું છે અને તે મનોમન ઈશ્વરને પણ પ્રાર્થના કર્યા કરતી હતી કે ધીમંત શેઠને બિલકુલ સારું થઈ જાય અને તે પહેલાંની જેમ બિલકુલ નોર્મલ થઈ જાય.
એક દિવસ અપેક્ષા હોસ્પિટલમાં જ હતી અને ચાર થી પાંચ મુલાકાતીઓ માટે છૂટનો સમય હતો અપેક્ષા આઈ સી યુ માં ધીમંત શેઠની બાજુમાં જ ઉભી હતી અને તેમને થોડું થોડું ભાન આવ્યું અને તેમણે તૂટક તૂટક અવાજમાં રીમા.. રીમા.. બબડવાનું ચાલુ કર્યું અપેક્ષાએ તુરંત જ નર્સને બોલાવી અને નર્સે ડૉક્ટર સાહેબનો કોન્ટેક્ટ કર્યો. ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે ધીમંત શેઠ હવે ધીરે ધીરે ભાનમાં આવી રહ્યા હતા અને તેમની તબિયતમાં પણ સુધારો નજરે પડી રહ્યો હતો અપેક્ષાને હવે થોડી હાંશ થઈ હતી.
બરાબર ચોવીસ કલાક પછી ધીમંત શેઠ બરાબર ભાનમાં આવી ગયા હતા અને તેમને આઈ સી યુ માંથી ખસેડીને સ્પેશિયલ રૂમમાં લાવી દેવામાં આવ્યા હતા પરંતુ હજુ તેમણે સંપૂર્ણ આરામ જ કરવાનો હતો અને પથારીમાંથી ઉભું પણ થવાનું નહોતું. અપેક્ષા સતત ચોવીસ કલાક તેમની સેવામાં હાજર રહેતી હતી પોતાને ધીમંત શેઠની સેવા કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે તેમ તે સમજતી હતી અને રાત કે દિવસ જોયા વગર તે ધીમંત શેઠની ચાકરી કરતી હતી. ધીમંત શેઠ તેને ઘરે જઈને આરામ કરવાનું કહેતાં પણ તે એમ જ કહેતી કે, "ના તમને પહેલા પથારીમાંથી ઉભા કરીને દોડતાં કરી દઉં પછી જ હું આરામ કરીશ અને અપેક્ષાની કાળજીભરી સારવારથી ધીમંત શેઠને ધાર્યા કરતાં ઘણું જલ્દીથી સારું થઈ ગયું હતું હોસ્પિટલમાંથી રજા લેતી વખતે હોસ્પિટલના સમગ્ર સ્ટાફે તેમજ ડૉક્ટર સાહેબે પણ ધીમંત શેઠ આગળ અપેક્ષાના વખાણ કરતાં કહ્યું કે, "આ છોકરી ન હોત તો તમને આટલું જલ્દીથી સારું ન થાત. આ છોકરીએ ખડેપગે રાત કે દિવસ જોયા વગર તમારી સેવા કરી છે અને જે દિવસથી તમને અહીં હોસ્પિટલમાં દાખલ કર્યા છે તે દિવસથી અત્યાર સુધીમાં અમે તેને પગ વાળીને બેસતાં પણ જોઈ નથી આ છોકરીએ ખૂબ સેવા કરી છે તમારી ખૂબ સેવા.." અને ધીમંત શેઠ અપેક્ષાની ખાનદાની અને તેના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને એટલું જ નહીં તે પોતાની ઓફિસમાં ફોન કરતાં તો ઓફિસમાંથી પણ તેમને એક જ જવાબ મળતો કે, "અપેક્ષા મેડમે બધું ખૂબજ સરસ રીતે સંભાળી લીધું છે અને બધું જ બરાબર ગોઠવી દીધું છે અને કોને કયું કામ કરવાનું અને કઈ જવાબદારી સંભાળવાની તે પણ સોંપી દીધું છે અને જ્યાં અટકી જાવ ત્યાં મને ફોન કરીને પૂછી લેવાનું એટલે તમને તમારા પ્રશ્નનું સોલ્યુશન મળી જશે આમ સર ઓફિસનું કામકાજ બધું જ બરાબર ચાલે છે તમારે ચિંતા કરવાની જરાપણ જરૂર નથી તમે બસ આરામ કરો અને જલ્દીથી સાજા થઈ જાવ એ જ અમારી બધાની ઈચ્છા છે."
આમ અપેક્ષાએ એકલે હાથે ધીમંત શેઠનો બિઝનેસ, તેમની તબિયત અને તેમનું ઘર બધું જ સંભાળી લીધું હતું.
અપેક્ષા વિશે આ બધું સાંભળીને ધીમંત શેઠ ખૂબજ વિચારમાં પડી ગયા કે, આટલી બધી સ્માર્ટ ડાહી અને દરેક વાતમાં હોંશિયાર છોકરીના જીવનમાં કેવો ખેલ ખેલાઈ ગયો અને તે આમ વિચારોમાં ખોવાયેલા હતા અને એટલામાં જ અપેક્ષા આવી જે ડૉક્ટર સાહેબની કેબિનમાંથી તેમને મળીને બહાર આવી રહી હતી અને ડૉક્ટર સાહેબની સૂચના પ્રમાણે હજુ પંદરેક દિવસ ધીમંત શેઠને ઘરે આરામ જ કરવાનો છે ઉતાવળ કરીને ઓફિસે જવાનું નથી અને પછીથી ડૉક્ટર સાહેબને બતાવીને તે છૂટ આપે પછીથી પોતાની ઓફિસે જવાનું શરૂ કરવાનું છે.
ડૉક્ટર સાહેબની આ વાત ધીમંત શેઠને બિલકુલ ગમી નહોતી પરંતુ અપેક્ષા એ બાબતમાં ખૂબ સ્ટ્રીક્ટ હતી એટલે ધીમંત શેઠને હવે આરામ કરવા માટે ઘરે રોકાયા વગર છૂટકો પણ નહોતો અને તે સુખરૂપ ઘરે પહોંચી ગયા.. ઘરે જઈને જોયું તો આખાયે ઘરનો માહોલ કંઈક બદલાઈ ગયેલો હતો...
હવે ઘરનો માહોલ કઈરીતે બદલાયેલો હતો અને કોણે બદલ્યો...? તે આપણે આગળના ભાગમાં જોઈશું....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/2/23

રેટ કરો અને રિવ્યુ આપો

Hina Thakkar

Hina Thakkar 4 અઠવાડિયા પહેલા

milind barot

milind barot 1 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 3 માસ પહેલા

Nimisha Patel

Nimisha Patel 4 માસ પહેલા

Jasmina Shah

Jasmina Shah માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા