પ્રણય પરિણય - ભાગ 14 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 14

'ગઝલ મિહિર કાપડિયાની બહેન છે.. એને કોઈ સંતાન નથી એટલે બધો વારસો ગઝલને જ મળશે.. અને ગઝલ દ્વારા મને..' મલ્હાર ખંધુ હસતાં બોલ્યો.

'અરે વાહ ગ્રેટ..' મોન્ટી એને તાળી આપતાં બોલ્યો. અને એ લોકોએ ગાંજા વાળી સિગરેટ પૂરી કરી.


**

પ્રણય પરિણય ભાગ ૧૪

કાવ્યાએ આખો દિવસ આરામ કર્યો. તેણે મલ્હારનો કોન્ટેક્ટ કરવાની ઘણી કોશિશ કરી પણ કોઈ રીતે એનો કોન્ટેક્ટ થઇ રહ્યો નહોતો.
કંટાળીને તેણે આરોહીને ફોન લગાવ્યો.

'હેલ્લો.. કાવ્યા કેમ છે તારી તબીયત..?' ફોન ઉપાડતાં આરોહી બોલી.

'ફીલિંગ બેટર નાઉ.. સાંભળને, મારે એક કામ છે તારું..'

'બોલને.. ઘરે બધું બરાબર છે ને? તે ઘરે વાત કરી?' આરોહીને ચિંતા થઈ.

'ના.. હજુ સુધી નથી કીધું, હું અને મલ્હાર એક સાથે કહેશું.'

'જલ્દી કરજો.. બહું મોડું કરવું સારુ નહી.. અને એમ પણ હવે તમને કોની બીક છે? તમારા તો રજીસ્ટર મેરેજ થઈ ગયા છે ને?'

'હાં, પણ ભાઈ ચેન્નઈ ગયો છે. એની જોડે વાત કર્યા વગર હું રિસ્ક ના લઇ શકું.. એ બધુ છોડ, મારે તારુ બીજુ કામ છે.'

'હાં બોલને..'

'મલ્હાર સાથે બે દિવસથી મારી વાત નથી થઈ શકતી, તું એની ઓફિસે જઇને મારો મેસેજ આપીશ? મને ફોન કરવાનું કહીશ?'

'અરે! કાવ્યા.. એ તો આજે મૂનલાઈટમાં જ હતો એક છોકરી સાથે.'

'વ્હોટ?' કાવ્યાને આંચકો લાગ્યો.

'હાં.. ખૂબ ખુશ હતો આજે.. પહેલાં કીધું હોત તો ત્યાં જ તારો મેસેજ આપી દેત ને!'

'છોકરી કોણ હતી એની સાથે?'

'મને એનુ નામ તો નથી ખબર પણ ખૂબ દેખાવડી અને સુંદર હતી.. મસ્ત કથ્થઈ આંખો હતી એની..' આરોહીએ વર્ણન કર્યું.

'કથ્થઈ આંખો..' કાવ્યા વિચારે ચઢી.

'હેલ્લો.. શું થયું કાવ્યા?'

'કંઈ નહીં.. તુ એના સુધી મારો મેસેજ પહોંચાડી દે. બસ એ જ કામ હતું.'

'હાં.. હાં, હું કાલે જ એની ઓફિસે જઈશ.. બાય, ટેક કેર..'

'બાય..' કાવ્યાએ ફોન મુક્યો અને વિચાર કરતી બેડમાં આડી પડી.

'કથ્થઈ આંખો વાળી છોકરી મલ્હાર સાથે મેં બે વખત જોઈ.. મલ્હાર ક્યાંક મને ચીટ તો નહીં કરતો હોયને? નહીં નહી.. એ મને ચીટ શું કામ કરે? અમારા તો લગ્ન પણ થઈ ગયા છે. મેં એની કેટલી મદદ કરી છે.. મારા લીધે જ તો એને એટલા કોન્ટ્રેક્ટ મળ્યા છે, માર્કેટમાં આટલી મોટી પોઝિશન મળી છે.. એ મારી સાથે દગો કરે એવો નથી.. ના મારો મલ્હાર એવો નથી.'
કાવ્યા વિચાર કરતી કરતી ઉંઘી ગઈ.

**

બીજા દિવસે સવારે આરોહી મલ્હારની ઓફિસમાં ગઈ. મલ્હાર હજુ આવ્યો નહોતો એટલે વેઇટિંગ એરિયામાં બેસીને એ રાહ જોઈ રહી હતી.
અડધાએક કલાક પછી મલ્હાર એની ઓફિસમાં આવ્યો. કેબિનમાં જતી વખતે તેણે આરોહીને જોઈ. ઈન્ટરકોમ પર રિસેપ્શનિસ્ટને સૂચના આપીને તેણે આરોહીને પોતાની કેબિનમાં બોલાવી.
આરોહી મલ્હારની કેબિનમાં ગઈ.

'હાય..'

'હેલો આરોહી.. પ્લીઝ સીટ.'

'હું અહીં શા માટે આવી છું એનો તને કદાચ આઇડિયા હશે જ.' કહીને આરોહી ચેર પર બેઠી

'ના આરોહી, મને બિલકુલ આઇડિયા નથી.'

'ક'મોન મલ્હાર.. ત્યાં પેલી કાવ્યા તારા ફોનની- એક મેસેજની આતુરતાથી રાહ જોઈ રહી છે અને તું કહે છે કે તને બિલકુલ આઇડિયા નથી!' આરોહી આંખો ઝીણી કરીને બોલી.

'અરે! એને મેં બધુ જ કહી તો રાખ્યું છે. તેની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મારે તેને મળીને ડિસ્ટર્બ કરવી નથી. એટલે જ હું એને એવોઇડ કરી રહ્યો છું, એના ભલા માટે જ સ્તો.' મલ્હાર ચિંતા કરવાનું નાટક કરતાં બોલ્યો.

'મતલબ…? હું કંઇ સમજી નહીં.

'જો આરોહી.. કાવ્યા તારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે તને એની બધી વાત ખબર જ હશે. તને ખબર છે ને કે એ કેટલી જિદ્દી છે? એને પ્રોપર રેસ્ટની જરૂર છે. અને હું જો એને મળતો રહ્યો તો એને જોઈતો આરામ મળવાનો નથી. અને એ સતત અમારા સંબંધ વિશે બધાને ક્યારે કહેશું એમ પૂછ્યા કરશે. અને એમાં જો બાય ચાન્સ મારા અથવા એના ફેમિલી પૈકી કોઈએ અમારો સંબંધ સ્વીકારવાની ના પાડી તો સૌથી વધુ તકલીફ કોને થશે? કાવ્યાને જ ને? બસ એટલે જ હું એ પ્રોપર રિકવર થઇ જાય તેની વાટ જોઉં છું. તું એને સમજાવ.. શાંત રહેવાનું કહે એને… એક વાર એ ઠીક થઇ જાય એટલે સામેથી હું એના ઘરે જઈને એનો હાથ માંગવાનો છું.' મલ્હારે લાંબુ એક્સપ્લેનેશન આપ્યું.

'થેન્કસ મલ્હાર, સાંભળીને સારું લાગ્યું કે તું કાવ્યાની આટલી બધી ચિંતા કરે છે. હું તો એને સમજાવીશ જ છતાં મારો આગ્રહ છે કે તુ પોતે એક વાર એની સાથે વાત કરી લે.'

'ઓકે, આજે રાતે હું એને ફોન કરીશ.'

'ઓકે તો હું નીકળું.. બાય..' આરોહી નીકળી ગઈ.

આરોહી બહાર જતા જ તેણે એક નંબર ડાયલ કર્યો.

'મિહિર કાપડિયા સાથે મારી મિટિંગ ફિક્સ કર.' કહીને મલહારે ફોન મુક્યો.

આરોહીએ કાવ્યાને તેની અને મલ્હાર વચ્ચે થયેલી વાતચીત વિષે કહ્યું ત્યાર પછી કાવ્યા રિલેક્સ થઈ.
રાત્રે મલ્હાર ફોન કરશે એ જાણીને તે ખૂબ ખુશ થઈ. એના આનંદમાં જ એ રૂમમાંથી બહાર આવી.
હોલમાં કૃષ્ણકાંત, વૈભવી ફઈ અને દાદી બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા.

'શું ચાલી રહ્યું છે?' કાવ્યા એ લોકોની બાજુમાં જઈને બોલી.

'કંઈ નહીં, બસ એમજ ગપ્પા મારી રહ્યાં છીએ. તને કેમ છે હવે બેટા?' કૃષ્ણકાંતે કાળજીથી પૂછ્યું.

'આઇ એમ ફીલિંગ બેટર નાઉ ડેડી.'

'ગુડ..'

'ફઈ, ભાઈ ક્યારે આવવાનો છે?' કાવ્યાએ વૈભવીને પૂછ્યું.

'કાલે આવી જશે એમ કહ્યું હતું પણ એનાં ક્યાં કંઇ ઠેકાણા હોય છે? કહે કંઈ અને કરે કંઈ. તને તો ખબર છે.' વૈભવી ફઈ હસતાં હસતાં બોલ્યા.

'હમ્મ.. હું ફોન કરવાની છું ભાઈને..' કાવ્યા રમતિયાળ હાસ્ય કરીને બોલી.

'અચ્છા.. શું કંઈ ખાસ વાત છે?' દાદીએ પૂછ્યું.

'છે એક સરપ્રાઈઝ, તમારા બધા માટે.' કાવ્યા હસીને બોલી.

'શું સરપ્રાઈઝ છે?' દાદીએ ઉત્કંઠાથી પૂછ્યું.

'અરે! દાદી એ કહી દઉં તો પછી સરપ્રાઈઝ થોડી રહે?' કાવ્યા પોતાના કપાળ પર હાથ મૂકીને બોલી.

'અચ્છા ઠીક છે ભઇ! પણ અમને ક્યારે ખબર પડશે?' દાદીએ પૂછ્યું.

'ભાઈ આવે પછી.' કાવ્યાએ આંખ મિંચકારીને કહ્યું.

'ડેડ..' કાવ્યા કૃષ્ણકાંત તરફ ફરીને બોલી.

'હાં બોલ બેટા.' કૃષ્ણકાંત બોલ્યા.

'તમે મને કેટલો પ્રેમ કરો છો?' કાવ્યાએ કૃષ્ણકાંતના બેઉ હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું.

'આ કેવો સવાલ છે બેટા?' ફઈએ પૂછ્યું.

'ફઈ.. મને ખબર છે કે ડેડ મને ખૂબ પ્રેમ કરે છે. છતા મારે સાંભળવું છે. બોલોને ડેડ.. તમે મને કેટલો પ્રેમ કરો છો? ભાઈ કરતાં વધારે ને?' કાવ્યાએ પૂછ્યું.

'તુ અને વિવાન તો મારી દુનિયા છો.. તારી મમ્મીના ગયા પછી તમે બંને જ તો મારા જીવનનો આધાર છો.. અને તારામાં તો તારી મમ્મીની જ છબી છે. તમે બેઉ ભાઈ બહેન મને મારા જીવ કરતાં પણ વધુ વહાલા છો. એમાં પણ તું તો મારી, વિવાનની, બાની વૈભવીની બધાની લાડકી છે.' બોલતાં બોલતાં કૃષ્ણકાંતની આંખોમાં ભીનાશ તરી આવી.

'તો પછી હું જે માંગુ એ તમે આપશોને?'

'ઓફ કોર્સ.. આજ સુધી તને કોઈ ચીજની ના કહી છે બેટા..? અને અગર મેં ન આપ્યું હોય તો તારો ભાઈ તારી ઈચ્છા પૂરી કરવા માટે કંઈ પણ કરી છૂટે છે એ તો તને ખબર જ છે..' કૃષ્ણકાંત કાવ્યાના માથે હાથ ફેરવીને બોલ્યા.

'હાં ડેડી.. આઇ એમ વેરી હેપ્પી.. તમે, ભાઈ, દાદી, ફઈ.. કેટલી પ્યારી ફેમીલી છે મારી..' એમ બોલીને કાવ્યા કૃષ્ણકાંતને ભેટી પડી.

'કાવ્યા.. બેટા કોઈ પ્રોબ્લેમ છે કે?' કૃષ્ણકાંતે કાવ્યાની પીઠ પર હાથ ફેરવતાં ચિંતાથી પૂછ્યું.

'ના ડેડ.. હવે કોઈ પ્રોબ્લેમ નથી. બસ એકવાર ભાઈ આવી જાય પછી હું જે માંગુ તે તમારે આપવાનું છે.'

'પાક્કુ બેટા, તારે જે કંઈ જોઈતું હશે એ તારી સામે હાજર કરી દઈશ.' કૃષ્ણકાંતે કાવ્યાના માથે હાથ મૂકીને કહ્યું.

કૃષ્ણકાંતને લાગ્યું કે કાવ્યા હંમેશની જેમ આ વખતે પણ મોંઘી ફોરેન ટુર માંગશે. કેમકે કાવ્યાને વર્લ્ડ ટુરનો ગાંડો શોખ હતો. તે તેના ફ્રેન્ડસ સાથે છાશવારે ફોરેન ટુરનો પ્લાન બનાવતી અને તેની બધી વ્યવસ્થા વિવાન કરતો. આજે પણ એજ વાત હશે એમ માનીને કૃષ્ણકાંતે એને વગર વિચારે વચન આપી દીધું.

'થેન્કસ ડેડી, આઈ લવ યૂ.' કહીને કાવ્યા ખુશ થતી પોતાના રૂમમાં ચાલી ગઈ.

'કાવ્યા આજે ઘણી ખુશ લાગે છે નહીં?' દાદી બોલ્યા.

'પાક્કુ કંઈ મોટી ચીજ જોઈતી હશે, એટલે મોટા ભાઈને ભેટીને વચન લીધું.' વૈભવી ફઈ હસતાં બોલ્યા.

'જે કંઈ છે એ બધું તેનુ જ તો છે. તે ખુશ તો હું ખુશ. મારે બીજુ શું જોઈએ!' કૃષ્ણકાંત મલકાતાં બાલ્યા.

**

સમી સાંજથી કાવ્યા મલ્હારના ફોનની આતુરતાથી રાહ જોઈ રહી હતી. છેવટે રાતે અગિયાર વાગ્યે મલ્હારે કાવ્વાને ફોન કર્યો.
એક જ રિંગમાં કાવ્યાએ ફોન ઉપાડી લીધો.

'હેલ્લો મલ્હાર..' કાવ્યા એકદમ ખુશ થઈને બોલી.

'હેલ્લો બેબી.. કેમ છે તને? સોરી બે દિવસ તને ઈગ્નોર કરી. પણ શું કરુ? તને આરામની જરૂર છે અને એકવાર તારી સાથે વાત થાય એટલે તને મળ્યા વગર હું રહી ના શકું. એટલે હું..' મલ્હાર કાવ્યાને પોતાની બાજુ સમજાવી રહ્યો હતો.
કાવ્યાએ વચ્ચેથી જ એને રોક્યો:

'ઈટ્સ ઓકે મલ્હાર, આઇ નો યૂ લવ મી વેરી મચ, અને મારા ભલા માટે થઈને જ તું મારાથી દૂર રહે છે. બટ હવે નહીં.. હવે બધુ બરાબર થઇ જશે, આપણે જલ્દી જ સાથે હોઈશું.' કાવ્યા ખુશ થતાં બોલી.

'મતલબ?'

'મને ડેડીએ વચન આપ્યુ છે.'

'કેવું વચન?'

'એજ કે હું જે કંઈ માંગીશ એ મને આપશે. અને હું બધાની સામે ડેડીને કહીને તને માંગવાની છું.'

'અને તેણે ના પાડી તો?'

'મલ્હાર, ડેડીએ મારા માથા પર હાથ મૂકીને મને વચન આપ્યું છે. અને મારા ડેડી ક્યારેય એનું વચન ઉથાપતા નથી. અને ભાઈ પણ મને ક્યારેય કોઈ વાત માટે ના પાડતો જ નથી. એટલા માટે મારા ઘરે આપણા લગ્ન બાબતે કોઈ કશું ઓબ્જેક્શન નહીં લે.' કાવ્યા મક્કમતાથી બોલી.

'ગુડ.'

'આઈ એમ વેરી હેપ્પી.. બસ હવે તારા ઘરે બધા આપણો સંબંધ સ્વીકારી લે અને આપણાં લગ્નને પરવાનગી આપી દે.. જોકે મને ખાત્રી છે કે તું એ કરી જ લઇશ.' કાવ્યા આશા ભર્યા સ્વરે બોલી.

'હા પાકકું, હવે બધુ જ સરખું થઇ જશે. અચ્છા સાંભળને બેબી, કાલે હું ઓસ્ટ્રેલિયા જવા નીકળી જઈશ મારે ત્યાં થોડું ઓફિસિયલ કામ છે.' મલ્હારે તેની આગામી ચાલનો પાસો ફેંક્યો.

'અરે! કેમ અચાનક? શું કામ છે? અને રીટર્ન ક્યારે થઈશ?' કાવ્યાએ આંચકો અનુભવાતા કહ્યુ.

'બેબી.. આપણા માટે જ જઉં છું, મારા ડેડી અગર વિરોધ કરે અને આપણાં સંબંધને સ્વીકારવાની ના પાડે, તો આપણે ઓસ્ટ્રેલિયા સેટલ થઇ જશુ. પહેલેથી તૈયારી કરી રાખવી સારી.' મલ્હારે કહ્યુ.
કાવ્યા આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ.

'આઇ લવ યૂ મલ્હાર.. તું કેટલું બધું એડવાન્સ વિચારે છે યાર!' કાવ્યા બોલી.

'આઇ લવ યૂ ટૂ. અને સાંભળ થોડા દિવસ કદાચ મારો ફોન ન લાગે તો તું બિલકુલ ગભરાતી નહીં. મને સમય મળે ત્યારે હું સામેથી તને ફોન કરીશ, અને કદાચ કામને લીધે અથવા ટાઈમ ડિફરન્સના લીધે હું ફોન ન કરી શકું તો તું ખોટી પેનિક થતી નહીં. આઠ દશ દિવસની તો વાત છે. ત્યાંથી આવીને હું તને મારી સાથે લઇ જ જવાનો છું. ભલે ગમે તે થાય. ત્યાં સુધી તું તારી તબિયતનુ સરખું ધ્યાન રાખજે. આપણું હનીમૂન બાકી છે હજુ.' મલ્હાર રોમાન્ટિક રીતે બોલ્યો.
આ સાંભળીને કાવ્યા એકદમ શરમાઈ ગઈ.

'અચ્છા તો હું ફોન મૂકુ છું. તું આરામ કર અને બહાર નીકળતી નહીં કે ઓફિસ વર્ક પણ કરતી નહીં. તારે આરામની ખૂબ જરૂર છે, એક વાર મારી પાસે આવી જઈશ પછી તને આરામ કરવાનો મોકો નહીં મળે. અત્યારે જેટલું ઉંઘવુ હોય એટલું ઉંઘી લેજે… પછી હું પણ નહીં ઉંઘુ અને તને પણ નહીં ઉંઘવા દઉં.' મલ્હાર રમતિયાળ અવાજે બોલ્યો

'ચલ હટ્ લબાડ.. મને ઉંઘ આવેછે.. બાય..' કાવ્યા બોલી.

'બાય.. ગુડ નાઈટ..' મલ્હાર કહીને ફોન કટ કર્યો.

**

બીજા દિવસે સાંજે વિવાન ચેન્નાઈથી રીટર્ન આવ્યો. રઘુ હંમેશા એની સાથે જ હોય અને હવે સમાઈરા પણ અહીં નહોતી એટલે રઘુ પણ ફરીથી બંગલામાં રહેવા આવી ગયો.

'ભાઈ…' વિવાનને જોઈને કાવ્યા દોડતી આવી અને વિવાનના ગળે વળગી ગઈ.

'કેમ છે બચ્ચા..' વિવાને પ્રેમથી પૂછ્યું.

'કેમ લાગુ છું?'

'એકદમ મસ્ત અને ખુશ.. ' વિવાન એની તરફ જોતા બોલ્યો.

'સાચુ.. ભાઈ હું ખરેખર ખૂબ ખુશ છું.'

'સરસ.. હંમેશાં આમ જ ખુશ રહે' વિવાને કાવ્યાના કપાળ પર ચૂમી ભરતાં કહ્યું.

'કાવ્યા.. બેન..' રઘુ કાવ્યાની સામે જોઈને બોલ્યો.

'રઘુ ભાઈ..' કહીને કાવ્યાએ રઘુને હગ કર્યું.

'ભાઈ બહેનનું મળવાનું થઈ ગયું હોય તો અહીં અમને પણ મળો..' દાદી લટકો કરીને બોલ્યા.

'ઓહ માય ડાર્લિંગ.. હાઉ આર યૂ બેબી..? ક્યારે આવ્યા તમે લોકો?' વિવાને દાદીને ગળે લગાવતા કહ્યું.

'બે.. બે ત્રણ દિવસ થઈ ગયા.' દાદીએ કહ્યુ.

'ઓ... મને ખબર હોત તો હું વહેલો આવી જાતને.. આઇ એમ સોરી.'

'રેવા દે, રેવા દે હવે.. કામ સિવાય તને બીજુ કંઈ ક્યાં દેખાય છે? બસ એક કાવ્યાને છોડીને..' દાદી મોઢું ચડાવતા બોલ્યા.

'પણ દાદી.. હવે કાવ્યા સિવાય પણ એક વ્યક્તિ ભાઈ સાહેબને ગમે છે.' રઘુએ મમરો મૂક્યો.

'કોણ..?' કાવ્યાએ પૂછ્યું.

'અરે.. કાવ્યા એ..' રઘુ આગળ બોલે એ પહેલાં વિવાને તેના સામે આંખો કાઢીને એને ચૂપ કરી દીધો.

'અરે બોલને રઘુ, કોણ છે એ?' દાદીએ કુતુહલતાથી પુછ્યું.

'શું કરું ભાઈ? કહી દઉં કે?' રઘુ મસ્તી કરતાં બોલ્યો.

'દાદી.. એવું કંઈ નથી, રઘુ મજાક કરે છે.' વિવાને વિષય બદલવાની કોશિશ કરી.

'નહીં.. કંઈ તો છે..' દાદી હજુ છેડો નહોતા મૂકતા.

'અરે દાદી તમને તો ખબર છે ને રઘુનો સ્વભાવ! આખો દિવસ કંઈને કંઈ ફાલતું બડબડ કરતો જ રહે છે. તમે પણ ક્યાં એની વાતમાં આવી ગયાં.. એને છોડો. ચાલો આપણે બીજી વાતો કરીએ, ડેડી ક્યાં છે?' કહીને વિવાને દાદીને બીજી વાતે ચડાવી દીધા.

'રઘુ ભાઈ.. શું વાત છે?' કાવ્યા આંખો ઝીણી કરીને બોલી.

'હું ફ્રેશ થઈને આવું હમણાં.' એમ કહીને રધુ ત્યાંથી છટકી ગયો.

**

એમજ ત્રણ ચાર દિવસ વીતી ગયા. રોજ સવારે વગર ચૂક્યે ગઝલને ત્યાં બૂકે અને ચોકલેટ આવી રહ્યાં હતા. ગઝલને પણ હવે એની આદત થઈ ગઈ હતી. ક્યારેક ડિલિવરી બોયને આવતા મોડું થાય તો એ ત્રણવાર કૃપાને પૂછતી.
ગઝલને એવી ગેરસમજ હતી કે આ બઘું મલ્હાર જ મોકલી રહ્યો છે. એ તો તેના પ્રેમમાં હતી જ, હવે મલ્હારના વાણી વર્તન પરથી તેને સમજાઈ ગયું હતું કે મલ્હાર પણ તેને લાઈક કરે છે.

ધીરે ધીરે કરીને ગઝલ પર મલ્હારનો પ્રભાવ ઘણો વધી ગયો હતો. એની બધી જ વાતોમાં મલ્હાર પહેલો રહેતો. બંને રોજ રાત્રે કલાકો સુધી વાતો કરતા. કૃપાને આ વાત ધ્યાનમાં આવી હતી. તેણે આ વિશે મિહિરને જણાવ્યું:
'મને શું લાગે છે.. આપણી ગઝલને મલ્હાર પસંદ આવ્યો છે.'

'એવું કંઈ નથી. ફ્રેન્ડશિપ છે બંનેની.' મિહિર ઈગ્નોર કરતાં બોલ્યો.

'હાં પણ વિચાર કરવામાં શું ખોટું છે? જો બંનેના મનમાં ફ્રેન્ડશિપ કરતાં વધારે ફીલિંગ્સ હોય તો સારું જ છે ને? એમ પણ મલ્હાર સારો છોકરો છે, એના પપ્પાનો બિઝનેસ પણ સરસ રીતે સંભાળી રહ્યો છે. બીજું શું જોઈએ?'

'આપણી ગઝલ હજુ નાની છે, અણસમજુ છે.'

'છોકરીઓ પિયરમાં હોય ત્યાં સુધી એવી જ હોય, એક વખત જવાબદારી માથે આવે એટલે સમજદાર થઈ જ જાય' કૃપાએ અનુભવે કહ્યું.

'તારી વાત પણ સાચી છે, એમ પણ કાલે મારી મલ્હાર સાથે મિટિંગ છે જ. અગર તને લાગતું હોય કે ગઝલને એના પ્રત્યે ફીલિંગ્સ છે, તો વાતવાતમાં હું મલ્હારનું મન પણ જાણી લઈશ.' મિહિરે કહ્યું.

'સો ટકા મલ્હારને પણ ગઝલ પ્રત્યે ફીલિંગ્સ હશે જ, બાકી અમસ્તા જ કોઈ થોડી રોજ કોઈના ઘરે ફૂલોનાં બૂકે અને ચોકલેટ મોકલે?'

'વ્હોટ..? એ બૂકે મલ્હાર રાઠોડ મોકલે છે.?' મિહિરે અચરજ ઉછાળ્યું.

'હાં, મને ગઝલએ જ કીધું.. અને હમણાં હમણાંથી એ બંને વચ્ચે વાતચીત ઘણી વધી ગઈ છે. એટલે વિચારવું તો જોઈએ જ.'

'હંમ્મ..' મિહિર વિચારમાં પડ્યો.
.
.
**

ક્રમશઃ

મિત્રો, તમને શું લાગે છે? મલ્હારના લગ્ન કોની સાથે થશે? કાવ્યા સાથે કે ગઝલ સાથે?

❤ Waiting for your comments and ratings! ❤