35
- સુન્ના સુન્ના ! ગાડી રોકો.
મને ઉબકા આવી રહ્યા છે.
ગાડી ઊભી રહી ગઈ છે. ધૂળના વાવાઝોડામાં જ નીચે આવીને બેસી ગઈ છું.
- શું થયું ?
એક એક કરીને પાછળ આવતી બધી ગાડીઓ ઊભી રહી ગઈ છે.
ના. ઠીક છે હવે. નીકળી ગયું બધું દુખ.
નિકળીએ ?
લોકો આવતી વખતે બીમાર પડે છે, હું જતી વેળાએ....
કોઈ દસ કિલોમીટર ગયા છે.
ફટાક !
ટાયર ગયું....
બધાં આવીને ઘેરી વળ્યા છે. કાફલો રોકાઈ ગયો છે.
- કંઈ નથી, ટાયર છે, બદલી નાખું છું.
સુન્ના ટાયર બદલી રહ્યો છે.
અમે ચારે એકબીજાને જોઈ રહ્યાં છીએ. ક્યાંક એ પથ્થર...
દસ મિનિટ ગાડીને ચાલતા ન થઈ ને કંઈક બળવાની ગંધ આવે છે ગાડીમાં....
નીચે કોઈ પ્લેટ ઢસડતી હતી, આ કામ લાંબુ ચાલશે....
- રૂપા !
- પંકુલ !
- હા હા, તમે પથ્થર કાઢો ને !
સુન્ના ગાડી નીચે સૂઈને પ્લેટને સરખી કરી રહ્યો છે.
અમે ધીરેથી હેંડબેગમાં મૂકેલો પથ્થર કાઢી દૂર સડકને કિનારે મૂકવા જઈ રહ્યાં છીએ, માફી માગવા...ખબર નહીં કોનું દુખ ઉપાડી લાવ્યા અમે ! ન લાવતા તો સારું થાત...
હવે બીજા પથ્થરનું શું થશે ? એ ટ્રકમાં છે. ટ્રક બહુ પાછળ છે....
સાગા પહોંચ્યાને કલાકો થઈ ગયા, ટ્રકની કોઈ ખબર નથી....
આખરે આવી ગયો છે.
- બગડ્યો હતો ?
- હા !
- ગગન !
ખબર છે, ખબર છે. રૂમમાં ડફલબેગને આવવા તો દો.
બેગમાંથી પથ્થર કાઢીને હું અને રૂપા બેઠાં છીએ. સાગા હોટલમાં. ત્રીજે માળે....પ્રાર્થના કરી રહ્યાં છીએ. જેની પણ શાંતિ ભંગ થઈ હોય એની ક્ષમા માંગી રહ્યાં છીએ...
- આને કબાટમાં મૂકી દઈએ ?
આ ઠીક તો નથી પણ શું કરીએ ?
સવારે કરમાજી આવે છે. અમારાં તિબેટી શેરપા.
- રૂપા, મને કહેવા દે ! ક્યાંક આપણે વધુ અપમાન ન કરી બેસીએ...
કરમાજીને હું આખી વ્યથા-કથા કહું છું. અમારાથી ભૂલ થઈ ગઈ...હવે આને કોઈ એવી જગ્યાએ મૂકી આવો જ્યાં એની સન્માન સાથે પ્રતિષ્ઠા થઈ જાય.....
ખાસ્સું વિચાર્યા પછી તેઓ કહે છે,
- હવે આને તમારી સાથે જ લઈ જાવ...રસ્તામાં ગમે ત્યાં મૂકવાથી, જે તમે આને ભંગ કર્યો છે, એ તો સુધરશે નહીં...હવે ઘરે જઈને પૂજાસ્થળમાં મૂકી દેજો...બીજું કશું ન થઈ શકે.
- જો ક્યાંક વિમાન ક્રેશ થઈ જાય તો...
- અરે ના, સારું મન લઈને જાવ....
રસ્તામાં એકવાર વિમાન ઉછળ્યું હતું, એરહૉસ્ટેસ હવામાં વહેતી આગળ સુધી પહોંચી ગઈ.
હવાનું અદૃશ્ય તોફાન હતું, એની વચ્ચેથી વિમાન પસાર થતું હતું.
જેમ કે સ્પષ્ટ છે કે હું સારી રીતે પહોંચી ગઈ છું મારા ઠેકાણે.
મારી સાથે સાથે કૈલાસ-પરિક્રમા વખતે ચોરેલો એ મણિપથ્થર ઘર સુધી આવી ગયો છે.
36
કંઈક છે જે બદલાઈ ગયું છે....
ઘર ઘર જેવું નથી, આંગણું આંગણા જેવું નથી.
હું ક્યાં આવી ગઈ છું ?
મણિપથ્થરને ઘરમાં મૂકવાથી મને શાંતિ છે, ન આંગણામાં મૂકવાથી....
- ખબર નહીં, જ્યારથી આવી છું, દરેક વસ્તુ પારકી લાગે છે...જાણે એ અમારી નથી...અમે એનાં નથી...
રૂબી કહે છે.
મને પણ આમ જ લાગી રહ્યું છે ઘણા દિવસથી.
ઠીકઠાક બેઠી હોઉં છું કે ભીતરથી એક બીજી સ્ત્રી નીકળીને સામેની ખુરસી ઉપર આવીને બેસી જાય છે.
ખબર નહીં કેમ બહુ રડી રહી છે એ...કેટલાય દિવસોથી...
મારા જ ચહેરાવાળી એક સ્ત્રી...જ્યારે પણ હું એકલી હોઉં છું, એ આવી જાય છે....
કોણ છે એ ?
હું તો નથી. હું અહીં બેઠી છું, એકદમ શાંત, કોઈ પસાર થતી છાયા નીચે....
તો પછી કોણ છે એ ?
ક્યારેક ક્યારેક આપણને કેમ ખબર પડતી નથી, આપણે કોણ છીએ ?
જ્યાં છીએ, ત્યાં કેમ છીએ ?
જ્યાં નથી, ત્યાં કેમ નથી ?
કહે છે, હિમાલય જાદુ કરી દે છે ?
પછી માણસ ક્યાંયનો રહેતો નથી, મરવા માટે પણ ત્યાંજ જાય છે....
ક્યાંક જાદુ તો ઉઠાવીને નથી લાવી હું ?
ખબર નહીં, કોનું દુખ હતું !