Avak kailas mansarovar ek antaryatra - 11-12 books and stories free download online pdf in Gujarati

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 11-12

11

કોઈ મારો પગ કાપી રહ્યું છે, ઢીંચણથી નીચે.

-આ તો એકદમ ગળી ગયો, ખરાબ ફ્રોસ્ટ બાઇટ છે.

આંખ ખૂલી ગઈ, સારું થયું, નહીં તો સપનામાં પૂરો પગ કપાઈ જતો !

ક્યાં છીએ અમે ? રૂબી ? પંકુલ ?

-રસ્તામાં. તમે તો ગાડીમાં બેઠાં બેઠાં જ ઊંઘી ગયાં હતાં!

-સમય કેટલો થયો છે ?

- સવારના સાડા ચાર વાગ્યા.

ખબર પડી કે ઝાંગ્મૂથી અમે ભારે વરસાદમાં નીકળ્યા હતાં રાતે બે વાગે, ને લગભગ અડધા કલાક પછી રસ્તો બંધ થઈ ગયો હતો. આગળ એક ખડક નીચે આવી પડ્યો હતો. ચીની સેના એને સાફ કરવામાં લાગી હતી.

અમે સાવ અંધારામાં ઊભાં હતાં. વીસ – પચીસ ગાડીઓ હતી. તો પણ ડ્રાઈવર બહુ ચિંતામાં લગતા હતાં. વારેવારે જેવી રીતે તેઓ એકબીજાની ગાડી તરફ જતા હતા, પૂછપરછ કરવા, એનાથી લાગતું નહોતું કે આ રોજ બનતી ઘટના છે.

મારો ઢીંચણ ચીસો પાડી રહ્યો હતો. એનાથી નીચે બહુ પીડા થતી હતી. કદાચ રક્તસંચાર બરાબર થતો નહોતો.

લગભગ બાવીસ કલાક પહેલાં મે જે ટ્રેકિંગ બુટ પહેર્યા હતાં, હજી સુધી એમ જ હતાં. રૂપાએ કહ્યું પણ હતું કે અત્યારથી પહેરવાના શરૂ કરી દે જેથી ખૂલી જાય. હવે એ મારા પગ સાથે ખૂલવાને બદલે મને દબાવી રહ્યાં હતાં....

શું કરું ? બહાર જઈ શકાય એમ નથી, વરસાદ છે, અંદર ઠંડી લાગે છે. માથું પકડાઈ રહ્યું છે. જો બુટ ખોલી નાખીશ તો પગને ઠંડી લાગી જશે ! હમણાં હમણાં જ સપનામાં પગ કપાઈ રહ્યો હતો. ક્યાંક સાચેસાચ જ.....

ડ્રાઈવર સાથે લેન્ડક્રુઝરની આગળની સીટમાં બેઠી છું. પાછળ રૂબી-પંકુલ. એની પહેલાં એજંસીનો એક માણસ બેઠો હતો. એના અલગ રોદણા હતાં.

-ચીની નથી ઇચ્છતા આપણે હળીએ-મળીએ.

એનો ‘હળવા-મળવા’ શબ્દ પર ખાસ ભાર હતો.

-દરેક વખતે નવા-નવા ડ્રાઈવર મોકલે છે. જાણી કરીને એવા કે જેને અંગ્રેજીનો એક શબ્દ આવડતો ન હોય. અંગ્રેજી બોલી શકતા હશે તો વાત કરશે ને. વાત થઈ ન શકે, હળવામળવાનું થાય જ નહીં. તેથી એમને અંગ્રેજી શીખવા જ ન દો. દોડતા રહે એક રસ્તેથી બીજે રસ્તે.

ડ્રાઈવર મૂછોવાળો, થોડો કડક ચહેરા વાળો હતો.

લ્હાસાની એજન્સીથી આવ્યો હતો. જરૂર ચીની જાસૂસ હશે, મારૂ અનુમાન હતું. (પછી એ તિબેટી નીકળ્યો!)

જાણ્યું કે તિબેટીઓના આપણી સાથે હળવામળવાથી ચીનને શું જોખમ હતું. આખા ગ્રૂપમાંથી કોઈને તિબેટની સમસ્યા સાથે કંઈ લેવા-દેવા નહોતી. ભારતીય ગ્રૂપ માથું નમાવવા આવે છે. નમાવવા દો.

-શું આ હીટર ચાલુ કરી શકીએ પ્લીઝ ?

મે ડ્રાઈવરને અંગ્રેજીમાં કહ્યું હતું. એને કંઈ સમજાયું નહીં કે હું શું કહું છું. મેં એસી.ની તરફ ઈશારો પણ કર્યો.

થોડીવાર પછી એને અનિલ કપૂરની જૂની ફિલ્મનુ નૃત્ય ગીત મૂક્યું, ગાડીના નાના ટી.વી પર, તો સમજાયું કે વાત શું છે. હીટર ચાલુ નહોતું કરવું તો કંઈ નહીં પણ સવારમાં સાડા ચાર વાગે આ ગીતો શું કામ વગાડે છે ?

મેં તકલીફમાં માથું હલાવ્યું તો એણે ચાર-પાંચ બીજી ભારતીય સી.ડી સામે મૂકી. અહીં પગમાં કોઈ નસ ફાટીને જ રહેવાની છે. હતાશ, મેં આંખો બંધ કરી દીધી.

હે ઈશ્વર, અત્યાર સુધી તો પગ અને ટાઢનું જ દુખ હતું, હવે આ ફિલ્મી ગીતોનું પણ આવી ગયું !

આનું ગળું મરડી નાખું ! કેવો સીટી વગાડે છે. મારો પગ ત્યારે સાજો થશે જ્યારે હું આની સીટી ઠીક કરીશ.....

ત્યાં ધ્યાન ગયું કે ક્યાંક એ મને વેલકમ તો નથી કરી રહ્યો ? નહિતર આ બિચારાને હિન્દી ગીતોમાં શું ધૂળ સમજ પડતી હશે ! એ.સી. ની બરાબર ઉપર મ્યુઝિક સિસ્ટમ છે. એ તો એમ જ સમજ્યો હશે કે હું એને ગીતો મૂકવા કહું છું. જરૂર આ જ વાત છે. આ ભલા માણસને ખબર જ નથી કે હું એને ટાઢ ભગાડવા કહી રહી હતી.....

બહુ તકલીફ સાથે મેં એને મનમાંને મનમાં માફ કર્યો, એની માફી માગી.

અને જેવું આમ કર્યું, રસ્તો ખૂલી ગયો ! ગાડીઓ ચાલવા લાગી.

આને કહે છે, પોતાના પાપકર્મને વચ્ચેથી જ કાપી નાખવા !

*

આ જે હિમાલય છે

12  

નિયાલમમાં બે રાત રહેવાનું હતું.

એક રાત ટ્રાફિક જામમાં વીતી ગઈ હતી. એક દિવસ અને રાત બાકી હતાં. ઉંચાઈથી ટેવાવા માટે.

અગિયાર હજાર ફૂટ ઉપર અમે આવી ગયાં હતાં. ત્રણ માળ જેવુ મુસાફરખાનું હતું. ચાર કે છ પથારીઓવાળા રૂમ. ટોઇલેટ ગલીના છેડે હતાં. બાર-તેર દિવસની આખી યાત્રામાં કદાચ નહાવાનું નહીં મળે એમ કહી દેવાયું હતું. 

 ચાર પથરીવળી રૂમમાં રહેવા માટે અમારી સાથે રૂપા પણ આવી ગઈ હતી.

જિપમાં એ બેંગલોરના ફિલ્મી સાથીઓ સાથે હતી. રૂમ એને અમારી સાથે મળી. આખી યાત્રા દરમ્યાન આમ જ રહ્યું. એના દ્વારા જ અમને બાકીના જૂથની ખબર મળતી હતી. ઉત્તરભારત, દિલ્હીથી અમે માત્ર ત્રણ જણ હતાં.

નિયાલમ પહોંચીને સૌથી વધુ ચિંતા ખરીદીની જ હતી. નીચે એક લાંબી, ગામની એકમાત્ર સડક હતી. એની બંને બાજુ નાની-મોટી દુકાનો હતી.

બીજી વસ્તુઓ તો મળી ગઈ, વોટરપ્રૂફ પેન્ટ મળ્યું નહીં. ગઈ રાતે ભીંજાવાથી મારી જે હાલત થઈ હતી, એ પછી વોટરપ્રૂફ પેન્ટ વિના કૈલાસ જવાનું જીવલેણ લાગી રહ્યું હતું. એક દુકાનમા એક ડાઉન પેન્ટ (રૂ ભરેલી) જોયું. એ જ લઈ લીધું. દુકાનદારે તો કહ્યું હતું કે પાણી નહીં ટકે. સાથીઓનું કહેવું હતું કે ભીંજાઈને એટલું મોટું અને ભારે થઈ જશે કે તમે ચાલી નહીં શકો. આટલા ભારે પેન્ટ નીચે બીજું પેન્ટ પહેરાશે નહીં એ પણ દેખાતું હતું.

શું કરું ? હવે લઈ લીધું. આગળ જઈને જોયું જશે.

બપોર થઈ તો અમારા નેપાલી ગાઈડે પૂછ્યું,

-તમે મિલારેપાની ગુફા જોવા જશો કે પહાડ ઉપર ફરવા ?

- મિલારેપાની ગુફા અહીં છે ?

દસ-બાર કિલોમીટર દૂર ગુફા હતી. ગાડીમાં જવાનું હતું.

મિલારેપા, તિબેટના અગિયારમી સદીના સૌથી મોટા સંત કવિ. બાળપણમાં જ અનાથ થઈ ગયા હતા. માની સાથે બહુ ખરાબ થયું. પછી એ જાદુ શીખ્યા, માને મરનારાઓને પાઠ ભણાવવા માટે. ખરાબ તો કર્યું પણ પશ્ચાતાપ બહુ થયો.  ગીત ગાતા ફરતા. પછી ગુરુ મારપાની મદદથી એ જ જાદુઇ શક્તિઓને એમણે અધ્યાત્મિક સાધનામાં પરિષ્કૃત કરી. આજે પણ તિબેટમાં એમના ગીત ગવાય છે.

પરંપરાગત તિબેટી થંકા ચિત્રોમાં પ્રાયઃ બે સાધકો દેખાય છે. સાધનાની મુદ્રામાં બેઠેલા ગુરુ પદ્મસંભવ. (તિબેટમાં બૌધ્ધ ધર્મ ફેલાવવાનું શ્રેય એમને જ જાય છે. આઠમી સદીમાં ભારતથી ગયેલા તાંત્રિક ગુરુ.) અને એક્તારા જેવાં વાદ્ય સાથે કાન પર હાથ મૂકી ગાતા મિલારેપા.

દિલ્હીથી જ હું એ ગુફાના દર્શન કરવા ઉત્સુક હતી. અમે બધાં મિલારેપાના ગોમ્પા સુધી ગયા પણ ગુફાનો રસ્તો ગોમ્પાની અંદરથી જ હતો. દરવાજે તાળું હોવાને કારણે અમે ત્યાં સુધી ન જઈ શક્યા. નીચે પુનરુધ્ધારનું કામ ચાલતું હતું. ગુફા દર્શન માટે બંધ હતી. શક્ય છે કે સાંસ્કૃતિક ક્રાંતિ વખતે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત પણ થઈ હોય.

કૈલાસથી પાછા વળતાં જ્યારે બરોબર ત્યાં જ ટ્રાફિક જામ મળ્યો તો હળવી આશા બંધાઈ કે કદાચ મિલારેપાની ગુફાના દર્શન માટે જ આ સંયોગ રચાયો હોય. પરંતુ ગયા તો તાળાં એમ જ બંધ હતા.

સાંજે ભોજન માટે રૂમમાં પહોંચ્યા તો મિસ્ટર રાજેન્દ્રસિંહબાબુ, ફિલ્મ ડાયરેક્ટર, મોં પર માસ્ક લગાવેલા મળ્યા.

એ જ સવારે એમનો થોડો પરિચય થયો હતો. રૂપાએ કહ્યું હતું, તમને મળવા માગે છે. એમણે ઘણી બધી ફિલ્મો બનાવી છે. એમની એક કન્નડ ફિલ્મ કાન ફિલ્મ સમારોહમાં પણ દર્શાવાઈ હતી.

-અત્યારે વિચારું છું, પ્રેમકથા કે પારિવારિક ફિલ્મ ! રસ્તો જોવા આવ્યો છું. બે વર્ષ લાગશે પટકથા તૈયાર કરવામાં. પછી શૂટિંગમાં બહુ સમય નહીં. ચીનાઓ પાસેથી અનુમતિ પણ લેવી પડશે. એક માર્ક્સવાદી નેતા એમના સંબંધી હતા, કહે, એ છે તો મુશ્કેલી પડવી ન જોઈએ !

હું હૂઁ-હા કરતી રહી. મનમાં ડરતી રહી, આ નહીં તો બીજું કોઈ હવે માનસરોવર પર ફિલ્મ બનાવીને જ રહેશે.      

સાંજે મળતા જ મિસ્ટર બાબુએ પૂછ્યું, તમે માસ્ક લીધું કે નહીં ?

(એમણે પોતે તો માસ્ક પહેર્યો હતો, તેની નીચેથી બોલતા હતા...)

-લઈ લીધો ? તો પછી પહેરીને પ્રેક્ટિસ કરવાનું શરૂ કરો. તમને ખબર છે, તિબેટની માટી બહુ બારીક છે. ફેફસામાં જતી રહેશે તો અસ્થમા થઈ જશે. રસ્તામાં માસ્ક બિલકુલ ઉતારશો નહીં. હું તો કહું છું કે રાતે પણ પહેરી રાખજો જેથી માસ્કમાં શ્વાસ લેવાની ટેવ પડી જાય.

(જો કે ટેવ પડી જ નહીં. બહુ પ્રયાસ કર્યો, ઘણા દિવસ. અંદર માસ્કમાં , બહાર માટીમાં શ્વાસ રૂંધાતો હતો. મધ્યમ માર્ગ એ હતો કે ગાડીના બધા કાચ બંધ રાખવામા આવે. એટલે કે શ્વાસ તો બધી રીતે રૂંધવાનો જ . અમે એ ત્રીજો ઉપાય પસંદ કર્યો.)

પછીની સવારે મિસ્ટર બાબુ નાસ્તા વખતે મળ્યા, માસ્ક પહેરીને, તો એમણે વાત કરવાને બદલે માથું નમાવી અભિવાદન કર્યું અને ચૂપચાપ નાસ્તો કરવા લાગ્યા. બસ એટલીવાર એમણે માસ્ક હટાવ્યો હતો.

-શું થયું ? રૂપાને મેં પૂછ્યું.

- શી.....એને બોલાવીશ નહીં. મૌનવ્રત રાખ્યું છે. તાકાત બચાવવાની પ્રેક્ટિસ અત્યારથી.....

મેં બહુ પ્રસન્નતાના ભાવથી એમની તરફ જોયું પરંતુ ત્યારે જ રૂપા અને મારી નજર મળી અને જોતજોતામાં અમે હસીને લોટપોટ થઈ ગયાં હતાં.

ગઈ સાંજે રૂપાની પાછળ પાછળ અમે ચેન્નઈવાળાના સત્સંગમાં અવશ ચાલ્યાં ગયાં. ગાવાનો ખૂબ મધુર અવાજ આવી રહ્યો હતો.

પહોંચ્યા તો ખબર પડી કે બપોરના ગાતા હતા. (અમે શોપિંગ કરી રહ્યાં હતાં). હવે ગાવાનું નહીં, ચર્ચા થશે.

ગાવાનું તો અમને સમજાયું ન હોત તો પણ સાંભળતા, ચર્ચા કેવી રીતે સાંભળવી ? બધા ભાઈઓએ ખૂબ સ્નેહથી અમારું સ્વાગત કર્યું હતું. એક વ્યક્તિએ થોડીવાર અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો. સ્વામીજી પોતે પણ અમને વાતચીતમા શામેલ કરવા માટે એક-બે વાક્ય અંગ્રેજીમાં કહેતા હતા પરંતુ વાત તામિલમાં હતી. અમે ટુકડાઓમાં જે સમજી શક્યા તેનાથી જ કામ ચલાવતા રહ્યાં.

વચ્ચે વચ્ચે સ્વામીજી બહુ પ્રેમથી અમને લોકોને જોઈ લેતા. અમારે ત્યાં રોકાવા માટે એટલું પૂરતું હતું. એકવાર મેં રોકીને સ્વામીજીને અંગ્રેજીમાં પુછ્યું કે કૈલાસના મહિમા વિશે કશું કહેશો ? પરંતુ ચર્ચા બીજી જ કૈંક ચાલી રહી હતી.

સ્વામીજીએ દાઢી ઉપર હાથ ફેરવતાં તમિલમાં કૈંક કહ્યું. એમના એક સતર્ક ભક્તે કહ્યું ‘માનસરોવરમાં કહેશે, એમ કહી રહ્યા છે.’

ચર્ચા માનસરોવર જઈને થનારી પૂજાની થઈ રહી હતી.

સ્વામીજી સાથે ચર્ચા થઈ રહી હતી કે પૂજામાં સૌના પ્રિયજનોના નામનો સંકલ્પ કેવી રીતે લેવો જોઈએ ? બધાની પાસે વીસ વીસ નામ હતાં. જે પ્રિયજનો આવી શક્યા નહોતાં એમની તરફથી પણ પ્રાર્થના થવાની હતી.

નક્કી થયું કે બધાં લોકો કાગળ પર નામ લખીને યજ્ઞવેદી પાસે મૂકી દે. કાગળમાં કોનાં નામ લખ્યાં છે તે ભગવાન નહીં સમજે તો કોણ સમજશે ?

-તમે લોકો ઈચ્છો તો તમારાં નામ પણ આપી દો. એક તમિલ બંધુ એ કહ્યું.

-‘આ એમની પુજા અલગ કરશે. હું એમની પુજા કરવાની છું.’ રૂપાએ તરત કહ્યું.

મિસ્ટર બાબુએ સવારે જ કહ્યું હતું ‘થોડીઘણી પંડિતાયણ તો તમારી રૂમમેટ જ છે. તમારે પુરોહિતની જરૂર શી છે ?’

વાત બરાબર હતી.

રૂપાને કન્નડ અક્ષરોવાળા પુસ્તકમાંથી રોજ સવારે સસ્વર પ્રાર્થના- મંત્ર વાંચતી મેં જોઈ હતી. એના મંત્રપાઠમાં જે તેજસ્વિતા છે તે કોઈ ધંધાદારી પુરોહિતમાં ન હોઈ શકે. વળી એ મને જાણતી હતી. જેના માટે (નિર્મલ) પ્રાર્થના થવાની હતી એમના વિશે એણે મારી પાસેથી સંભાળ્યું હતું. (નિર્મલ જ્ઞાનપીઠથી સન્માનીત હતા એ વાતથી એ બહુ પ્રભાવિત હતી.)

નિર્મલ પોતે હોત તો કોઈ પણ પંડીતને બદલે આ છોકરીની પ્રાર્થના પસંદ કરતા.

-તમે ચિંતા ન કરો. નિર્મલજી માટે પ્રાર્થના કરવી એ મારે માટે સન્માનની વાત હશે. ...

બહુ ઉત્સાહથી રૂપા મારી પુરોહિતાણી બની ગઈ હતી. હોમ કરવાની કોઈ સામગ્રી મારી પાસે નહોતી. પહેલાં દિલ્હીથી નીકળતી વખતે મને આશંકા હતી કે શક્ય છે કે ત્યાં અગ્નિ પ્રગટાવવાની અનુમતિ જ નહીં હોય. વાતાવરણમાં આમ પણ ઓક્સીઝન ઓછો છે.

હવે ખબર પડી કે અમે પૂજા કરી શકીશું તો સામગ્રી શોધવા લાગ્યા. ઘી શું હોય તે નિયાલમની કોઈ દુકાનવાળાને ખબર નહોતી. આમ પણ અહીં વૃક્ષો નહોતાં કે સુકાયેલાં લાકડા વીણી લાવતા.

ઝાન્ગમુમાં જે ટોળી અમને મળી હતી તેમણે એક અજબ વાત કહી હતી. તેમના સ્વામીજીએ પૂજામાં આખા ગ્રૂપની લાકડીઓ જ હોમી દીધી હતી, જેના સહારે અમારે પરિક્રમા કરવાની હતી, ...પછી જે મુશ્કેલી પડી તે અલગ.

હવે શું કરવું ?

-     તમે ચિંતા ન કરો. હું બધુ કરી લઇશ. રૂપાએ કહ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED