9
અડધા કલાકનું અંતર ત્રણ કલાકમાં પૂરું કરી અમે ઝાંગ્મુ શહેર પહોંચી ગયા.
ચીનની સરહદની અંદર પહેલું શહેર. સાડા સાત હજાર ફૂટ ઊંચાઈ. શિમલા અને ગેંગટોક જેવું ભૂદૃશ્ય.
એનો આકાર મોટાં ગામડા જેવો છે પરંતુ જે ઠાઠમાઠથી જાતભાતની દુકાનો સજેલી છે, એને શહેર કહેવું જ ઠીક રહેશે. રસ્તામાં ટ્રકોને કારણે ટ્રાફિક જામ હતો. ભારતીય નંબર પ્લેટવાળી ઘણી ટ્રકો અમારી જીપની આગળ-આગળ હતી. ખબર નહીં, કઈ વસ્તુનો વેપાર થાય છે?
ચીનમાં ભારતીય ટ્રક ?
ટ્રક પણ ક્યાંના ક્યાં પહોચી જાય છે!
દેશ તિબેટનો અને રાજ ચીનનું છે એ તો પહોંચતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું. તિબેટી એપ્રનમાં સ્ત્રીઓ ચીની લિપિમાં લખેલા નામવાળી દુકાનોની નીચે ઉભી હતી.
વરસાદ ક્યારેક ધીમે તો ક્યારેક તેજ વરસી રહ્યો હતો. એક બીજી ચેકપોસ્ટથી પસાર થઈ. અમે બજાર વચ્ચે એક નાની ધર્મશાળામાં આવી ગયાં હતાં.
જવાનું અમારે આગળ હતું, નિયાલમ, પરંતુ રસ્તામાં ખડક ધસી પડ્યા હતા. બંને બાજુથી ટ્રાફિક બંધ હતો. રસ્તો ક્યારે સાફ થશે, અમારે કેટલી વાર આ ધર્મશાળાના રિસેપ્શનમાં રોકાવું પડસે, કંઈ નક્કી નહોતું.
નાનકડી જગ્યામાં અમે ભીંસાતા ઊભાં હતાં.
માલિક અમારા જૂથના સ્વાગત માટે વિશેષ ઉત્સુક ન દેખાયો. અમારું કોઈ બુકિંગ પણ અહીં નહોતું. અમારી ટ્રાવેલ એજન્સી સાથે એનું કામ પડતું હશે. એટલે એ અમને સહન કરી રહ્યો હતો, અમારાં ભીનાં કપડાં અને છત્રીઓને.
અમે ક્યારેક બહાર, ક્યારેક અંદર જઈ રહ્યાં હતાં. ક્યાં જઈએ, કોઈને કશી ખબર નહોતી.
સમાચાર આવ્યા, રાતે બે વાગ્યા પહેલાં આવાગમન શરૂ નહીં થાય. ચીની સેના ખડક હટાવી રહી છે પરંતુ વરસાદ બહુ છે એટલે ટ્રાફિક જલ્દી ખૂલવાની આશા નથી. દસ વાગે આ જ ધર્મશાળામાં ભોજન મળશે. ત્યાં સુધી અમે જે ઇચ્છીએ તેમ કરવાનું.
હજી સાંજના ચાર વાગ્યા હતાં. વરસાદ એવો ન હતો કે સડક પર જઈ ન શકાય. તો અમે છત્રી લઈ પોતપોતાના રસ્તે નીકળી ગયા.
થોડીવાર દુકાનોમાં નજર કર્યા પછી એક નિર્જન રેસ્ટોરાંનો દરવાજો મેં ખોલ્યો. કદાચ અહીં મોમો મળી જાય. સવારના નીકળ્યા છીએ, ભૂખ લાગી છે.
એક તરફ ટી.વી. ચાલતું હતું, કોઈ ચીની પિરિયડ ફિલ્મ ચાલી રહી હતી. રાજા, રાણી, સેના, ચીનમાં આ વર્ષોમાં, સાંભળ્યુ છે, ઐતિહાસિક ફિલ્મોનું પૂર આવ્યું છે. ક્યારેક માઓએ ચીનીઓના દિમાગમાંથી રાજવંશોનું ગૌરવ જડમૂળમાથી કાઢ્યું હતું. હવે ફરીથી એમને ઇતિહાસના ગૌરવાન્વિત પાનાં દેખાડીને ‘સમજદાર’ બનાવવામાં આવી રહ્યાં છે.
ખૂણામાં અદ્રશ્ય જેવો એક તિબેટી છોકરો બેઠો હતો. બીજા ટેબલ પર એક મજૂર જેવો હિંદુસ્તાની આદમી બેઠો હતો. પછી ખબર પડી કે એ નેપાળી છે. એની મા તરાઈની છે. એનો વ્યવસાય હજામતનો હતો. બંનેની જૂની ઓળખાણ લગતી હતી.
જ્યારે મેનૂકાર્ડ માંગ્યું ત્યારે બંને ફિલ્મ જોવામાં વ્યસ્ત હતા. તિબેટી છોકરો મારો ઓર્ડર રસોડામાં આપીને બહાર ફરવા જતો રહ્યો.
થોડીવાર પછી જ્યારે નેપાલીની ચાવલ-સબ્જી ભરેલી પ્લેટ આવી અને એ બંને હાથે ઠૂંસીને ખાવા લાગ્યો. એના હાવભાવ જોઇને મે અનુમાન કર્યું કે આ માણસ બહુ ઉધ્ધત-ઉદ્દંડ હશે. ..
વાત એણે શરૂ કરી અને એકવાર શરૂ કરી પછી અટક્યો નહીં. ખાવાનું મોઢામાં નાખતી વખતે પણ વાતો ઘણી રસપ્રદ કરતો હતો, માત્ર જો એણે આંખો બંધ કરીને સાંભળી શકાય તો !
-કૈલાસ માનસરોવર જાવ છો? બહુ સારું કરી રહ્યાં છો. બસ ખાવાનું ધ્યાન રાખજો. કોઈ ચીનીની દુકાન પર ન જશો. શી ખબર શું ખવડાવી દે ! આ લોકો કંઈ પણ ખાય છે. કૂતરો, બિલાડી, ઉંદર....
અમે તો જ્યારથી આવ્યા છીએ, આ જ દુકાન પર ખાઈએ છીએ અને એક બીજી છે ત્યાં. આજે એની સાથે ઝગડો થઈ ગયો તો અહીં આવી ગયો. ઝગડો શેનો ? સાલો ભાત માંગો તો બીજીવાર ભાત નહોતો આપતો. આ લોકોએ પણ એવું કર્યું તો બીજે જતો રહીશ. આમ તો રોજ આવનારા માટે આમણે જાતે જ કંઈક વિચારવું જોઈએ કે અહીં પેટ ભરીને નહીં ખાય તો ક્યાં ખાશે.....ચીનાઓનો સાપ વાળો દારૂ જોયો છે તમે ? બોટલમાં મરેલો સાપ તરતો હોય છે ! મારો એક સાથી મારી સાથે જબરદસ્તી કરતો હતો. માંડમાંડ બચ્યો, કહ્યું રહેવા દે ભાઈ, મરવું હશે તો સીધો સાપ પાસે જઈને ડંખ ખાઈ લઈશ......દોઢ વરસ પહેલાં અહીં આવ્યો હતો. વિઝા – પરમિટ કશું નથી. એક ટોળું આવતું હતું. એની ભીડમાં સંતાઈને આ પાર આવી ગયો. આવું કેમ કર્યું ? પૈસા કમાવા ! અહીં થોડીઘણી બચત થઈ જાય છે. ક્યારેક ક્યારેક ચેકિંગ થાય છે. હજી સુધી તો બચી ગયો છું. આ લોકો સંતાડી દે છે.
ના, ચીની ભાષાનો એક શબ્દ આવડતો નથી. એથી શું ?મારે વાળ કાપવાના છે, વાતો થોડી કરવી છે ? વાળ સારી રીતે કાપતા આવડવા જોઈએ. એમાં કૈ ગડબડ થાય તો કોઈ બચાવી ન શકે....
તમે મારી વાતો પર હસો છો? તીર્થયાત્રા પર જઈ રહ્યાં છો, તમને કંઈ ખબર છે, અહીં ધર્મ કેટલો ખતરામાં છે ?
10
ધર્મશાળામાં સત્સંગ ચાલી રહ્યો છે.
ભોજનખંડમાં એકઠાં થયાં છે. ચેન્નઈવાળા મહારાજ કોઈ કથા સાંભળવી રહ્યા છે.
વચમાં જ્યારે એ વિશ્રામ લે છે, કોઈ બીજું એમની વાતને પૂરી કરે છે. લાગે છે નવા-જૂના બધાં ભક્તો એક સાથે આવ્યા છે. કેટલાકને તો મોં ખોલતાં પહેલાં જ ખબર હોય છે કે શું કહેશે. કેટલાકને તો એની એ જ વાતો સાંભળવાની ઇચ્છા છે.
જ્યારે એમનો કોઈ ભક્ત કઈક કહેતો હોય ત્યારે સ્વામીજી માથું હલાવતાં પોતાની નાની દાઢી પર હાથ ફેરવ્યા કરે છે. એમને આ સૌનો બહુ સ્નેહ, શ્રધ્ધા મળી છે, કોઈ પણ જોઈ શકે એમ છે. રાતે બે વાગ્યા સુધી સમય પણ પસાર કરવાનો છે.
એમના ગ્રૂપના સાથીઓ અમને બોલાવે છે, મોટાભાગના નિવૃત્ત ભણેલા-ગણેલા લોકો છે; દંપતી કે એકલા પુરુષ. મહારાજજી પોતે બહુ મોટા નથી, માંડ પચાસ – બાવનના. વાતચીત તમિળમાં થઈ રહી છે એટલે બીજા કોઈ દિવસે બેઠક કરીશું.
એક બીજા સ્વામીજી અમારા ગ્રૂપમાં છે, પંઢરપુરના છે. પંઢરપુરમાં એ એટલી મોટી હસ્તી છે કે એમને મળવા બે કલાકની લાઇન લાગે છે. સરકાર તરફથી સુરક્ષા મળી છે...એમની સાથે આવેલા ત્રણ-ચાર મરાઠી લોકો અમને કહે છે.
પરંતુ સ્વામીજી પોતે કૈ બોલતા નથી. મંદ મંદ હસતાં રહે છે. લખીને વાત કરે છે. આ દિવસોમાં અધિક માસમાં એમનું વાર્ષિક મૌનવ્રત ચાલી રહ્યું છે. ચેન્નઈવાળા મહારાજથી તદ્દન અલગ છે. ચેન્નઈવાળા મહંતની જેમ બેસી રહે છે. એમનાં ભક્ત ભોજનની લાઇનમાં ઊભા રહી એમની થાળી લાવે છે. એમનું આસન ખંખેરી એમને ત્યાં બેસવા કહે છે. પંઢરપુરના સ્વામીજીની સાથે આ ત્રણ-ચાર લોકો ન હોય તો કોઈને એમનાં વિષે ખબર જ ન પડે. થોડું ભોજન લે છે અને ખૂણામાં જઈને બેસી જાય છે. જૂના સમયના ગુપ્ત જ્ઞાનીઓની જેમ.
હું થોડા ઉકળાટ અને થાકમાં આવી છું. આટલી મામૂલી ઝરમરમાં પણ ઢીંચણ નીચે ભીંજાઇ ગઈ છું. ટાઢ પણ વાય છે.
ખબર નહીં રસ્તો ખૂલ્યો કે નહીં ?
કયા સમયે અમારાં ભોજનકક્ષમાં કૈલાસથી પાછાં આવેલાં સાથીઓનો સમૂહ આવીને અમારી સાથે જ ભોજન કરવા લાગ્યો છે કૈ ખબર પડતી નથી. લાગે છે, હવે જલ્દી ટ્રાફિક ખૂલી જશે. બહાર ભારે વરસાદ છે.
રૂમમાં વિચિત્ર ઉત્તેજના છે. એ લોકો કહેવા ઉત્સુક છે, અમે સાંભળવા.
-મોસમ, અરે બહુ ખરાબ. હળવો બરફ વરસતો હતો.
ગોળી ખાધા વિના ચાલશે ? વિચારવાનું પણ નહીં.
ઘોડો કરીએ કે યાક ? કૈ નહીં. બંનેમાં કોઈનો ભરોસો નહીં. યાક ગુસ્સે થઈ જાય તો ખાડામાં પડ્યા વિના ન રહે. હમણાં બે વરસથી ઘોડાઓ પણ બહુ બદમાશ થઈ ગયા છે. નસીબદાર માનો જો તમને ઉપર લઈ જાય. નીચે પછી પગપાળા....
તમે તો શેરપા કરજો જી. આ થેલો અત્યારે જે હલકો લાગે છે એ ત્યાં નહીં ઉપડે. શેરપાને આપી દેજો. એ લોકો રસ્તો જાણે છે.
ધીમે-ધીમે ચાલજો. કોઈ સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી.
વધારે વાતો પણ ન કરશો. શક્તિ ખર્ચાય છે. શક્તિ બચાવજો.
પાણી પીતાં રહેજો. લોહી પાતળું રહેશે. પાણી ગરમ કે ઠંડુ ?આ લોકો તો ગરમ પાણી પીવાનું કહેતાં હતાં પરંતુ અમે તો ઠંડુ જ પીધું. ગરમથી તરસ ક્યાં છિપાય છે ?
વાંદરા ટોપી જરૂર પહેરી રાખજો. ક્યાથી હવા માથામાં ન ઘૂસી જાય. નાક કે મોં પાસે બરફનો ડંખ લાગ્યો તો બહુ ખરાબ.
અને પલળવાથી બચજો, બરફ કે પાણીથી.
તમારી પાસે વોટરપ્રૂફ પેન્ટ છે કે નહીં? નથી ? જૂતાં ? માસ્ક ? ટોર્ચ ? આગળ નિયાલમ જઈને બધુ જરૂરથી લઈ લેજો. યાદ રાખજો, પછી ક્યાંય કશું મળવાનું નથી.
અને હા પરિક્રમા કરતી વખતે બે પેન્ટ પહેરજો, એક ઉપર બીજું. એક પેન્ટ સાથે બેગમાં રાખજો. એક પેન્ટથી નહીં ચાલે. ઉપર ટાઢ બહુ છે. ભીના થઈ જાવ તો તરત બદલી નાખજો. ના, એમાં શરમની શી વાત છે ? તમે એકલાં તો ભીનાં થશો નહીં. જેમ બીજાં બધાં બદલે, એમ તમે પણ બદલી લેજો.
કાળા ચશ્મા જરૂર પહેરી રાખજો નહિતર બરફને જોઈ જોઈને અંધાપો આવી શકે છે.
રાતે ઊંઘ ન આવે, માથું દુખે તો ગભરાશો નહીં. ખરાબ સપના આવવા પણ સામાન્ય વાત છે. બસ યાદ રાખજો, દિવસે ઊંઘ ન આવવી જોઈએ. ટ્રેકિંગ વખતે ઊંઘનો અર્થ છે દિમાગમાં ઑક્સીજનની ઉણપ થઈ રહી છે. કંઈ પણ થાય, તમારે ચાલતાં રહેવાનુ છે. જે અટક્યો, એ મર્યો.
અમે કરી તો શકીશુંને ?
-જી. થોડીઘણી તકલીફ તો સહેવી પડે છે. તમે કૈલાસ જઈ રહ્યાં છો, લદાખ કે સિમલા નહીં.
(ડોલ્મા-લાની ઊંચાઈ એવરેસ્ટ બેઝ કેમ્પથી બારસો ફૂટ વધારે છે.)
તમે તો એ જ વિચારો કે તમે ભોળા શંકરને ઘેર જઈ રહ્યાં છો. કેટલા લોકો ત્યાં ગયાં છે ? એણે બોલાવ્યા છે ત્યારે તો જઈ રહ્યાં છોને ? અને જો શંકરજીએ ત્યાં રાખી લીધાં તો એમાં ખોટું શું છે ?
પાછા આવો તો નસીબદાર. ના આવો તો વધુ નસીબદાર !આવી બીજી કોઈ યાત્રા સાંભળી છે તમે ?
આમ..તો કહે છે, ગયા અઠવાડિયે એક ચાલીસ વર્ષનો આદમી ઉપર મરી ગયો ડોલ્મા-લામાં ! આજકાલ કંઈ ખબર પડતી નથી. જનારો તો જતો રહ્યો પરંતુ મડદાની ભારે મુશ્કેલી છે.
એ એજન્સીવાળાઓ પાસે બોડીબેગ પણ નહોતી. તમારી પાસે તો છે જી!!