જતીન ભટ્ટ (નિજ) રચિત મરક મરક હસાવે એવી રચના:
એક કપાયેલા પતંગ ની આત્મકથા
ઉત્તરાયણ ને આજે દસ દિવસ થઈ ગયા છે, ભાર દોરીએ કપાઈ ને હું સિટી ના બીજા છેડે ફૂટપાથ ના કિનારે પડેલો છું, સામેથી આખલાઓ લડતા લડતા મારી તરફ આવી રહ્યા છે, મારી સાથે મારી સાથીદાર દોરી પણ કપાયેલી હાલત માં છે,બસ રાહ જોઇ રહ્યો છું કે ક્યારે હું ફાટી જાઉં , જતા જતા બસ એક ઈચ્છા થઈ આવી કે તમને મારી વાત કરતો જાઉં,,.
મારો જન્મ તો તમે મનુષ્યો લોકોએ જ કરાવેલો છે, વાંસની સળીઓ, પેપર, ગુંદર વગેરે ભેગુ કરીને મારો જન્મ કરાવવામાં આવ્યો હતો,
યાદ રહે કે અમારામાં બહુ બધી જાતો હોય છે પણ તમને સ્પેશિયલી મારી એટલે કે ધાબા પતંગ ની જ વાત કરું છું,
ફટાફટ સાંભળી લો કારણકે પેલા આખલાઓ પાસે આવી રહ્યા છે:
તો મારી સાથે ઘણા બધા અમારા જાત ભાઈઓ આકાશ માં ઉડતા હતા, અમે વાતુય કરતા હતા, જેમ કે તું ક્યારે કપાવાનો લાગે છે તો કહે કે નીચે જેના હાથ માં દોરી છે એ જાણે, મારી ડાબી બાજુ વાળો મોટો ઢઢઢો વળી ઇગોઇસ્ટ હતો, બહુ હોંશિયારી મારતો હતો તે વહેલો કપાઈ ગયો,
મારી જમણી બાજુ વાળો ડાહ્યો હતો, અમે સાથે સાથે જ ઉડતા હતા ,
' ઓહ, બચ્યું, પંખી બચી ગયું, અમારી અડફેટે આવતા બચી ગયુ'
હાશ એક પાપ થતા રહી ગયુ, પણ I AM sure, એ પંખી બીજા પતંગ ની અડફેટે તો આવી જ જશે, સો સેડ...
મારા વાળો હજુ આનંદ લેતો હતો, મને તો નાનો બચૂડિયો ચગાવતો હતો, એની પેચ લડાવવાની જરાય ઈચ્છા ન હતી, બસ એ મને ચગાવે રાખતો હતો,અને આનંદ લીધા કરતો હતો, એના પપ્પાને કાલી ઘેલી ભાષા માં બોલતો જાય અને ખુશ થતો જાય,( ડાયલૉગ ના સંભળાય ભાઈઓ, હું ઉપર હતો ને) ઘડી માં ચશ્મા પહેરે તો ઘડીમાં જાત જાતની ટોપી, માથે છત્રી પણ પહેરેલી,
પણ રે ...તમારી માણસ જાત, પાછળ ના ધાબા પરથી કોઈએ મોટો પતંગ ચગાવ્યો ને મને લપેટી લીધો ને મારા સાથી દોરી સાથે મને ભર દોરીએ કાપી નાખ્યો ...
'અરે અરે ભાઈઓ ,હું કઈ લોટ નથી કે મને લૂંટવા આવો છો( હું ડ્રોઈંગ રૂમ માં કન્ના બંધાવતો હતો ત્યારે હમણાં કોઈ દેશમાં લોટ લુંટવાનો વિડિયો જોયો હતો),હું પતંગ છું, ના દોડો ,ના દોડો છોકરાઓ, ગાડી માં આવી જશો, પતરા, ધાબા પરથી પડી જશો '...
આખરે હું કોઈના હાથ માં ન આવ્યો અને હાલક ડોલક થતો થતો, પવન ની સંગાથે ફૂટપાથ પર આવી ગયો...
મને ખબર છે કે તમે લોકોએ અમારી પતંગ જાત પર પાર વગર ની કવિતાઓ, શાયરીઓ, નાની નાની પંક્તિઓ, સુવિચારો લખ્યા છે , "જેમકે જીવન પતંગ જેવું છે એની ડોર ભગવાન ના હાથ માં છે" ,
" છે એક સરખી સામ્યતા પતંગ અને જિંદગી ની,
ઊંચાઈ પર હોય ત્યાં સુધી જ વાહ વાહ".....
અલા પણે તમે લોકો પતંગ હોવ તો ખબર પડે કે નીચેવાલો તો ઠુમકા માર્યા કરે ને પત્તર અમારી રગડાય,નીચેથી પેલો ગોલમટા ખવડાવે તેમ અમારે ખાવાના , ઘડીમાં ડાબી બાજુ તો ઘડીમાં જમણી બાજુ, તમે લોકો પાછા પેચ પણ લડાવો, પેલી દોરી હો કહેતી હતી કે આ શરીર ઘસાય તે આ લાકોને ભાન નથી પડતું?
પણ ઇટ્સ ઓકે, બસ અમારા બનવામાં કેટલાય લોકોને રોજી રોટી પૂરી પડે છે, કેટલાય લોકો ના ઘર નભે છે, અને તમારા ચહેરા પર અવર્ણનીય આનંદ જોતા અમને અમારું જીવવું સાર્થક લાગે છે,
બસ મારે હવે મારી કથની પૂરી કરવી પડશે, કારણકે હવે હું ફાટી જવાનો, સામેથી પેલા આખલાઓ મારી એકદમ નજીક આવી ગયા છે,
અલવિદા દોસ્તો, આવતા વર્ષે પાછા મળીશું, ત્યારે પણ આજ પ્રમાણે મને હવામાં ઉડાડશો અને પછી કપાવી નાખશો તો હું જરાય વાંધો નઈ લઉ,
આખરે માણસજાત બીજું કરે છે પણ શું!!!
બસ બીજાના ' પેચ ' જ કાપ્યા કરે છે ને?,...
.
.
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995