સમોસા રેસીપી Vijay Ramesh Bhai Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમોસા રેસીપી

 

         સમોસા ભારતના લોકોનો સૌથી પ્રિય નાસ્તો છે. દેશના કોઈ પણ શહેરમાં, જેમ જેમ દિવસ આગળ વધે છે અને સાંજ થાય છે તેમ તમે કોઈપણ મીઠાઈ સ્ટોરમાં ગરમ ​​સમોસાઓ બનતા જોતા હશો. જો કે બજારમાં તમને શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ સમોસા માત્ર 10 થી 20 રૂપિયામાં ખાવા મળી જતા હોય છે, પરંતુ તેમ છતાં જે લોકોને રસોઈના શોખીન છે, તેઓ એક વખત ઘરે સમોસા બનાવાનો જરૂર ટ્રાય કરે છે.જો કે સમોસા બનાવવા ખૂબ જ સરળ છે. ઘણા લોકો ઘરના લોટના સમોસા બનાવે છે, પરંતુ તે સમોસામાં મૈદામાંથી તૈયાર કરેલા સમોસા જેવી હોતી નથી.

        સમોસા ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે જેમાં તેની ક્રિસ્પી (ખસ્તા) બહારની સપાટી મેંદાથી બનેલી હોય છે અને અંદર બાફેલા બટાકાં, વટાણા અને મસાલાઓનું મિશ્રણ ભરેલું હોય છે. આ બધી ઉંમરના લોકોનો પસંદગીનો નાસ્તો છે અને તેને મસાલા ચા, આંબલીની ચટણી અને ફુદીનાની ચટણીની સાથે સામાન્ય રીતે સાંજના નાસ્તામાં પીરસવામાં આવે છે. તેને તમે તમારી પસંદગી પ્રમાણે વધારે અથવા ઓછા તીખા અને ખાટા બનાવી શકો છો. તો આવો આજે આપણે ઘરે સમોસા બનાવતા શીખીએ .

  બહારની સપાટી માટે સામગ્રી:-
1.૧ & ૧/૨ કપ મેંદો
2.૧ ટીસ્પૂન અજમો
3.૩ ટેબલસ્પૂન ઘી/તેલ
4.મીઠું, સ્વાદ અનુસાર

મસાલા માટે સામગ્રી:-
1.૩ મધ્યમ બટાકાં
2.૧/૨ કપ લીલા વટાણાના દાણા
3.૧/૨ ટીસ્પૂન જીરું
4.૧ ટીસ્પૂન લીલા મરચાં-આદું ની પેસ્ટ
5.૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
6.૧ ટીસ્પૂન ધાણાજીરું
7.૧/૨ ટીસ્પૂન ગરમ મસાલા પાઉડર
8.૧ ટીસ્પૂન આમચૂર પાઉડર/લીંબુનો રસ
9.૧ ટીસ્પૂન વરિયાળી નો પાઉડર
10.૫-૬ ફુદીના ના પાન, કાપેલા (વૈકલ્પિક)
11.૨ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા ધાણા (કોથમીર)
12.મીઠું સ્વાદ પ્રમાણે
13.૨ ટેબલસ્પૂન + તળવા માટે તેલ

બનાવવાની રીત:-

    એક પ્રેશર કૂકરમાં લીલા વટાણાના દાણા અને બટાકાંને મીઠું અને પાણી નાખીને નરમ થાય ત્યાં સુધી બાફી લો અથવા વરાળમાં નરમ થાય ત્યાં સુધી પકાવો. તેને બાફયા પછી એક મોટી ચાળણીમાં કાઢો જેથી તેમાથી વધારાનું પાણી નીકળી જાય. બટાકાંની છાલ ઉતારીને તેને હલ્કા મેશ કરો અથવા નાના નાના ટુકડાઓમાં કાપો.

    જ્યારે બટાકાં બફાઈ રહ્યા હોય ત્યારે સમોસાની બહારની સપાટી માટે લોટ બાંધી લો. એક કાથરોટમાં મેંદો, અજમો, ૩ ટેબલસ્પૂન ઘી (અથવા તેલ) અને મીઠું લો.તેને બરાબર મિક્ષ કરો. ત્યારબાદ તમે મિશ્રણમાં થોડું થોડું પાણી નાખોં અને (પરોઠાના લોટ કરતાં થોડો સખત) થોડો કઠણ લોટ બાંધો. લોટને ભીના મલમલના કપડાથી અથવા થાળીથી ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકીને રાખો.
  હવે સમોસામાં ભરવા માટે મસાલો બનાવવાનું શરૂ કરીએ. એક કડાઈમાં મધ્યમ આંચ પર ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં જીરું અને લીલા મરચાં-આદુંની પેસ્ટ નાખોં અને એક મિનિટ માટે સાંતળો.તેમાં બાફેલા લીલા વટાણાના દાણા નાખોં અને ૧ મિનિટ માટે સાંતળો. તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલા પાઉડર, આમચૂર પાઉડર અને વરિયાળીનો પાઉડર નાખોં.તેને એક મિનિટ માટે સાંતળો.તેમાં કાપેલા/મેશ કરેલા બટાકાં અને મીઠું નાખોં (જો તમે બટાકાં બાફતી વખતે મીઠું નથી નાખ્યું તો જ મીઠું નાખોં).તેને બરાબર મિક્ષ કરો અને ૨-૩ મિનિટ માટે પકાવો. તેમાં લીલા ધાણા અને ફુદીનાના પાન નાખીને બરાબર મિક્ષ કરો.ગેસ બંધ કરી દો અને મસાલાને એક બાઉલમાં કાઢો. તેને થોડીવાર (થોડી મિનિટ) માટે ઠંડુ થવા દો
   

       ૧૫-૨૦ મિનિટ પછી, ભીનું કપડું હટાવો અને લોટને નરમ થાય ત્યાં સુધી મસળો.અને ગોળા બનાવો.એક લોટનો ગોળો લો અને તેને ચપટો બનાવવા માટે તમારી હથેળીઓની વચ્ચે હલ્કું દબાવો. તેને પાટલીની ઉપર મૂકો અને વેલણથી લગભગ ૫-૬ ઇંચ વ્યાસવાળી ગોળ આકારની પુરીમાં વણો. તેને વચ્ચેથી ચાકૂથી કાપો.જ્યાંથી કાપ્યું છે તે બાજુની કિનારીની સપાટી ભીની કરવા માટે એક બ્રશથી અથવા તો આંગળી ભીની કરીને પાણી લગાવો .

       એક કાપેલો ભાગ લો અને તેને શંકુ (કોન) જેવો આકાર આપવા માટે બંને બાજુ (કિનારીઓ) થી વાળો (એક સાઈડ ની ઉપર આવે એ રીતે) અને તેને સીલ (બંધ) કરવા માટે બંને કિનારીઓને દબાવો જેથી તેનો આકાર શંકુ જેવો થઈ જાય.તેમાં ૨-૩ ટેબલસ્પૂન મસાલો નાખોં. વધારે મસાલો ન નાખોં નહીતર પછીના સ્ટેપમાં ઉપરની કિનારીને બરાબર બંધ નહીં કરી શકો.

    ભીની આંગળી અથવા એક બ્રશથી ઉપરની કિનારીઓને ભીની કરો અને તેને સીલ (બંધ) કરવા માટે તમારા અંગૂઠા અને આંગળીથી જોરથી દબાવો. આ જ રીતે બધા સમોસા બનાવો.

  એક કડાઈમાં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય ત્યારે તેમાં ૨-૩ સમોસા (ઓછા અથવા વધારે, કડાઈના આકાર અનુસાર) નાખોં અને આંચને ઓછી કરો.

  જો તમે મેહમાન માટે તેને પહેલાથી બનાવી રાખવા માંગતા હોય તો જ્યારે તે હલ્કા બદામી રંગના થવા લાગે ત્યારે તેને કાઢી લો અને પીરસવાના સમયે ફરીથી તેને ગોલ્ડન બદામી થાય ત્યાં સુધી તળો. જો તમે તેને ડબલ ફ્રાઈ (બે વાર તળવું) કરવા નથી ઇચ્છતા તો તેને આ સ્ટેપમાં તેલમાંથી ન કાઢો.

તેને મધ્યમ-ઓછી આંચ પર ગોલ્ડન બદામી રંગના થાય ત્યાં સુધી તળો. એક થાળીમાં તળેલા સમોસાને કાઢો અને લીલી ચટણી અને ટોમેટો કેચપની સાથે પીરસો.

  સમોસાને ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી અથવા ખજૂર-આંબલીની ચટણી અથવા ટામેટાંની ચટણીની સાથે પીરસી શકાય છે. તેને કાપેલી ડુંગળી, લીલી ચટણી, ખજૂર-આંબલીની ચટણી, સેવ અને દહીંથી સજાવો અને એક સમોસા ચાટના રૂપે પણ પીરસી શકો છો.

 તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.