વેજીટેબલ મંચુરિયન ગ્રેવી Vijay Ramesh Bhai Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેજીટેબલ મંચુરિયન ગ્રેવી

       ચાઇનીઝ વાનગી લગભગ બધાને પસંદ આવતી હોય છે. પણ ઘરે બહાર જેવી નથી બનતી તો આજ આપણે બહાર જેવાજ વેજીટેબલ મંચુરિયન ગ્રેવી ઘરે બનાવવાની રીત શીખીશું. ગાજર, કોબી અને કેપ્સિકમ જેવા લીલા શાકભાજીમાંથી બનાવેલ વેજીટેબલ મંચુરિયન ગ્રેવી ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર ચાઈનીઝ વાનગી છે તમે તેને સ્ટાર્ટર તરીકે એકલું અથવા તો ચાઇનીઝ શેઝવાન ફ્રાઇડ રાઈસ (ભાત) સાથે પીરસી શકો છો. મસાલેદાર ગ્રેવીમાં ડૂબેલા મંચુરિયન બોલ તમને જરૂર પસંદ આવશે. આ રેસીપીને અનુસરીને વેજીટેબલ મંચુરિયન ગ્રેવી બનાવતા શીખો.

   મંચુરિયન ના બોલ્સ બનાવવાની સામગ્રી:-


1.૧/૩ કપ મેંદો
2.૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર (કોર્નસ્ટાર્ચ)
3.૩/૪ કપ છીણેલું ગાજર
4.૩/૪ કપ છીણેલી કોબી
5.૧/૨ કપ બારીક સમારેલું કેપ્સીકમ
6.૧ બારીક સમારેલું લીલું મરચું
7.૧/૨ ટીસ્પૂન મરીનો પાઉડર
8.૧ ચપટી આજીનો મોટો, વૈકલ્પિક
9.૧ ટીસ્પૂન + તળવા માટે તેલ
10.મીઠું, સ્વાદ પ્રમાણે

ગ્રેવી માટે સામગ્રી:-


1.૨ ટીસ્પૂન પીસેલું/ બારીક સમારેલું આદું
2.૨ લીલા મરચાં, ૨ લાંબા ટુકડામાં કાપેલા
3.1 ટેબલસ્પૂન બારીક સમારેલું લસણ
4.૨ ટેબલસ્પૂન બારીક સમારેલી લીલી ડુંગળી (સ્પ્રિંગ ઓનિયન)
5.૧ ટેબલસ્પૂન તેલ
6.૨ ટેબલસ્પૂન સોયા સૉસ
7.૧/૨ ટેબલસ્પૂન ચીલી સૉસ
8.૨ ટેબલસ્પૂન ટોમેટો કેચપ
9.૧ ટીસ્પૂન મરીનો પાઉડર
10.૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર (કોર્નસ્ટાર્ચ)
11.૧ કપ + ૨ કપ પાણી
12.મીઠું, સ્વાદ પ્રમાણે

  મંચુરિયન ના બોલ્સ બનાવવાની રીત:-

      એક બાઉલમાં છીણેલું ગાજર, છીણેલી કોબી, કાપેલું કેપ્સીકમ, કાપેલું લીલું મરચું, ૧ ટીસ્પૂન તેલ, મરીનો પાઉડર, ૧ ચપટી આજીનો મોટો, મેંદો, કોર્નફ્લોર અને મીઠું નાખો.બધી સામગ્રીને બરાબર મિક્ષ કરો અને મિશ્રણમાંથી નાના નાના ગોળા (બોલ્સ) બનાવી લો. મિશ્રણમાં પાણી નાખવાની જરૂર નથી કારણકે શાકભાજીમાંથી નીકળેલું (છૂટું પડેલું) પાણી બોલ્સ બનાવવા માટે પૂરતું છે. જો મિશ્રણ સૂકું હોય અને બોલ્સ બરાબર ના બનતા હોય તો જરૂર પ્રમાણે થોડું પાણી નાખી શકો છો.

        એક કડાઈમાં તેલ ગરમ કરો. બનાવેલા બોલ્સને મધ્યમ આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળો અને એક થાળીમાં કાઢી લો (વધારાનું તેલ શોષવા માટે થાળી પર કિચન પેપર નેપકીનપાથરી દો).

   વેજીટેબલ મંચુરિયનની ગ્રેવી બનાવવાની રીત:-

     એક બાઉલમાં ૨ ટેબલસ્પૂન કોર્નફ્લોરને ૧ કપ સાદા પાણીમાં મિક્ષ કરો.એક કડાઈમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલું આદું, બારીક સમારેલું લસણ, કાપેલા લીલા મરચાં અને કાપેલી લીલી ડુંગળી નાખીને એક મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમા સોયા સૉસ, ચીલી સૉસ અને ટોમેટો કેચપ નાખીને એક મિનિટ માટે સાંતળો.તેમાં ૨ કપ પાણી, મરીનો પાઉડર અને મીઠું નાખીને મિશ્રણને ઉકળવા મૂકો. જ્યારે તે ઉકળવાનું શરૂ થાય તેના પછી તેને ૧ મિનિટ માટે પકાવો.તેમાં પાણીમાં ઓગાળેલો કોર્નફ્લોર નાખો અને ગ્રેવીની બધી સામગ્રીને બરાબર મિક્ષ કરી લો. તેને ધીમી આંચ પર ૧ મિનિટ માટે પકાવો.તેમાં તળેલા મંચુરિયન બોલ્સ નાખીને મધ્યમ આંચ પર ૩ મિનિટ માટે પકાવો.

   ગેસને બંધ કરીને તેને લીલી ડુંગળીથી સજાવો. ગરમ અને મસાલેદાર મંચુરિયન ગ્રેવીને ચાઈનીઝ ફ્રાઇડ રાઈસ અથવા નુડલ્સની સાથે પીરસો.

  * આ રેસીપીમાં ચાઇનીઝ ફ્લેવર લાવવા માટે આજીનોમોટો નો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે આજીનોમોટો ઉપલબ્ધ ન હોય અથવા તમે તેનો ઉપયોગ કરવા ન ઇચ્છતા હોય, તો તમે આજીનોમોટો નાખ્યા વગર પણ મંચુરિયન બનાવી શકો છો.

* મંચુરિયન બોલ્સને પીરસતા પહેલા જ બનાવો નહિતર તે શાકભાજીની નરમાશને લીધે નરમ થઈ જશે.

      તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.