ચાવીઓની કથા Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાવીઓની કથા

' નિજ ' રચિત કંઇક અલગ જ હાસ્ય રચના

ચાવીઓની કથા

અમે ચાર ચાવીઓ ખાસ બહેનપણીઓ,
એક ઓફિસ ની તિજોરી વાળી, બીજી ઓફિસ ના શટર વાળી, ત્રીજી ઓફિસના મેઈન ડોર વાળી અને ચોથી માલિક એટલે ગોટ્યા ના ઘર ની ચાવી, જ્યારે માલિક ના ફોર વ્હીલ ની ચાવી ખરી પણ એ તો ઘમંડી ને અતડી બહુ, અમારી સાથે બહુ ભળેય નહીં,
અમે બધી બહેનપણીઓ એક સાથે એક જ ઝૂમખાંમાં રહીએ, કોઈ વખત અલગ પડી જઈએ, પણ મોટે ભાગે સાથે ને સાથે જ, પાછા અમે લોકો મજાકો પણ કરીએ જેમ કે:
દુકાન ના શટર વાળી ચાવી: ' આ ગોટયો પણ ખરો છે, શટર ખોલવા મારો યુઝ કરે પણ અક્કલનો ઓથમીર, તાળા ને કોઈ પણ દિવસ ઓઇલ ના લગાવે, મને યાદ છે ત્યાં સુધી 2 વર્ષ પહેલાં ઓઇલ લગાવ્યું હતું પછી મને અંદર નાખી ને ગોળ ગોળ ફેરવી ત્યારે હું લોક ખોલી શકેલી, હવે એ વાતને પણ બે વરસ થઈ ગયાં, હજુય ઓઇલ નાખતો નથી ને મને એટલું બધું જોર કરવું પડે છે કે ન પૂછો વાત ’ ,...

મેઈન ડોર વાળી ચાવી: ' મારે વાંધો જ ના આવે, કારણ કે હું અને લોક અમે બંને જણા સારા સ્ટીલ માંથી બનેલ છે એટલે અમને બંને ને જરાય વાંધો ના આવે, બસ એક જ તકલીફ ચોમાસામાં પડે, કે હું તો સપોર્ટ આપીને તાળું ખોલી આલું પણ સાલું બારણું ફીટ થઈ જાય, એટલે લૉક નું હેન્ડલ પકડીને આપણો માલિક ગોટયો જોરથી ઉઘાડ_બંધ કરી ને ઠક ઠક કરીને બારણું ખોલે, ત્યારે લૉકને પેઇન થાય, જોકે આ તો લૉકની ફરિયાદ છે હાં, મારી નઈ ...

તિજોરી વાળી ચાવી: ' મને તો માલિક અપટુડેટ જ રાખે કારણ કે મારી ઉપર જ સૌથી વધારે જવાબદારી હોય છે જેમ કે ડોક્યુમેન્ટ, અગત્યના પેપર્સ, કેશ આ બઘું જ તિજોરી માં હોય ને ,પણ એક વાત કહું?'
કોરસ : ' હાં, જલ્દી બોલ '
' એજ કે જ્યારે પણ કેશ ને તિજોરી માં મૂકતા આપણા માલિક ગોટ્યા નો જે ચહેરો હોય, જે ચહેરો હોય, હા હા હા,એટલે ઝગમગતો હોય કે ન પૂછો વાત,.... પણ તોય એક જણ થી મને પુષ્કળ અદેખાઈ છે '
' કોનાથી?': કોરસ
' આપણા મેડમની તિજોરી ની ચાવીથી, મને કાયમ કહે કે મારી તિજોરી માં એટલા બધા દાગીના છે કે ન પૂછ વાત, એક એક ચડિયાતા દાગીના છે , જ્યારે મારા નસીબ માં ,અરે એકલી મારા કેમ ,આપણા બધાના નસીબ માં સરસ દાગીના જોવાનું નથી, હં હ હ..,. ( આમાં ચાવી નિસાસો નાખે છે એવું કલ્પવાનું)

ઘર ની ચાવી: ' અહાહાહા, મારાથી ઘર ખૂલે ને જે શાંતિ ગોટ્યા ના ચહેરા પર હોય, ને મેડમ એટલા સરસ સ્માઇલ થી આવકાર આપે, ઓહોહોહો, જાણે મારુ તો જીવન જ ધન્ય થઈ જાય, ને પાછા બન્ને જણ મારી સગી બહેનો ને પણ સાચવે!, મારી બીજી ત્રણ સગી બેનો છે, એમાંથી એક મેડમની ચાવીઓના ઝુમખામાં, એક બાબાની ટુ વ્હીલ ના ઝુમખામાં,પણ મારી ત્રીજી બેન છે તે બહુજ કમનસીબ છે
' કેમ,અલી?' : કોરસ
' કેમ કે તે કાયમ એકલી અટૂલી જ હોય છે, ને આ લોકો બહાર જાય ત્યારે બુટ ચંપલ ના કબાટ માં મૂકી દે છે, એને એટલી બધી વાસ સહન કરવી પડે છે , કે ન પૂછો વાત,બિચારી મારી બેન,'...
અમારી વાતો ચાલતી રહી, ચાલતી રહી,
ઓફિસ બંધ કરવાનો સમય થયો એટલે અમારા માલિક ગોટ્યાએ અમને પેન્ટ ના ખિસ્સા માં મૂકી દઈ ને ઘરે ગયા, ને અમને બહાર કાઢવાનું ભૂલી ગયા , બીજા દિવસે સવારે પુષ્કળ ઠંડી હતી, અમે તો પેન્ટ ના ખિસ્સામાં એવા તો ઢબુરાઈ ને બેસી રહેલા કે આ ગોટયો અમને બહાર ના કાઢે તો સારું, એમ પણ બહાર તો બહુ ઠંડી છે , બહાર નીકળીશુ તો અમે ઠુઠવાઈ જઈશું,
પણ આ શું? અમારી મેડમ મંજરીએ પેન્ટ ધોવા લીધો ને અમને તો પેન્ટ ની સાથે જ વોશિંગ મશિન માં નાખી દીધા , ઓ બાપ રે,
ઘડી માં સીધા ઘૂમી જઇએ તો ઘડી માં અવળા ઘૂમી જઈએ, અવાજ તો અવાજ, ને પાછું બરફ જેવું ઠંડુ પાણી, એવું તો અમારી પર ફોર્સ થી પસાર થાય કે બાપ નો બાપ યાદ આવી જાય,અમે તો એવા રમણભમણ થઈ ગયા કે ન પૂછો વાત, એ તો સારું થયું કે ગોટ્યા એ બુમ પાડી કે ચાવી નથી મળતી, કશે મુકાઈ ગઈ લાગે છે ત્યારે મેડમ ને સ્ટ્રાઈક થઈ કે ચાવીનો ઝુમખો તો પેન્ટ ના ખિસ્સા માં જ છે,
અરે ભાઈઓ, તમે નઈ માનો અમે બહાર નીકળીને એટલા તો ખુશ થયા કે અમે આપસમાં જ એક્બીજા ને તાળીઓ આપવા માંડ્યા...
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995