Featured Books
શ્રેણી
શેયર કરો

'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 29-30

29

ઉતરતી વખતે ઘોડો નહીં મળે.

ઢોળાવ બહુ ખતરનાક છે. સીધો ઢાળ.

રસ્તામાં મોટા મોટા પથ્થર. ઘોડા ઉપરથી પડીએ તો સીધું માથું જ ફૂટે ! નાળિયેરની જેમ ! બે વર્ષ પહેલાં કોઈ અકસ્માત થયા પછી ઘોડાવાળાઓએ નક્કી કર્યું કે નીચે નહીં લઈ જઈએ...ઠીક છે ભાઈ. જાતે જ ચાલ્યાં જઈશું.

બરફથી કેવો કીચડ થયો છે !

રૂપા સાચું કહેતી હતી. રીબોકવાળા બુટ હોત તો ક્યારના ભીના થઈ ગયા હોત. આ બુટ બરાબર છે. ઘૂંટી પર સારી પકડ છે. લપસતાં નથી. મોટું તળિયું છે. બરફ પર પગ મૂક્યો છે એની ખબર જ પડતી નથી.

હાર્વર્ડમાં પગ કેવા ઠંડા થઈ જતાં હતા. બે બે મોજા. ઢીંચણ સુધી ઉંચા વિદેશી બુટ, પગ તો પણ ઠંડા ને ઠંડા ! અઢી અઢી ફૂટ બરફમાં એમાં જ ચાલીને જતાં.

ત્યારે વય ઓછી હતી. હવે બચી ન શકો !

આ કોઈ રસ્તો છે માણસો માટે ?

એવડા મોટા મોટા પથ્થર. ન કૂદી શકાય, ન ઉતરી શકાય. ઉતરી જાવ તો પાછા બે ફૂટ ચડો. ચડવા-ઉતરવા નથી માગતા તો છલાંગ લગાવો, પથ્થર નક્કી કરો, કયા ઉપર કૂદી શકો છો. પગ લપસ્યો કે ....મહાદેવજીના ચરણોમાં !

ઘોડાથી ઉતરી શકાતું નથી તો, કેટલું ઊંચું કાઠું છે, અમારે તો બિચારા બે પગ છે !!

દેવતાઓએ પણ ભક્તથી બચવામાટે ક્યાં-ક્યાં સ્થાનક બનાવ્યા છે...અને ભક્ત છે કે હંમેશા શોધી જ કાઢે છે એમને.... હવે એ નીચેના કુંડને જ જુઓ, કેવો સુંદર, પન્ના જેવા પાણીથી ભરેલો કુંડ છે...પાર્વતીજીએ સ્નાન કર્યું હતું, ગણેશને અહીં જ પેદા કર્યા હતા, પોતાના શરીરના મેલથી. પહેરો કરવા બેસાડયો...સંતાડી શકાયું ભક્તોથી ? સૌ જાણે છે, આ જ છે ગૌરીકુંડ ! અહી જ બિચારા શિવજીથી પુત્ર હત્યા થઈ ગઈ હતી, પછી લાવવું પડ્યુંને હાથીનું માથું.....

પાર્વતીજી દેખાતાં નથી, અત્યાર સુધીમાં નહાઈ લીધું હશે !

આપણે વિચારીએ છીએ કે આપણે દેવતાઓ વિષે વિચારી રહ્યાં છીએ ! એમને બધી ખબર છે, શું તોફાન ચાલી રહ્યું છે આપણાં મનમાં.

-     રોશન મારો એક ફોટો લઈ લઈશ અહીંયાથી ? પેલો નીચેનો ગૌરીકુંડ એકદમ સ્પષ્ટ આવવો જોઈએ !    

-     દીદી, પાણી પીવાડાવું ?

હું કહું છું ફોટો લે, એ કહે છે, પાણી પીવડાવું !

મને ચક્કર તો નથી આવતાં ?

કંઈ ખબર પડતી નથી.

આ લ્યો ! મહારાજજી પણ આવી ગયા, અમારા રસોઈયા.

બ્રાહ્મણ છે, બહુ હસી હસીને કહેતો હતો રોશન.

-     આમાં હસવાનું શું છે ?

-     પેલા શેરપા લોકો એમને રાતે માંસ લાવીને આપે છે રાંધવા માટે ! ખરા ફસાયા છે મહારાજ. ટ્રેક પર આવી ગયા છે. એમને ક્યાં ખબર હતી અહીં આ બધુ કરવું પડશે....

ખબર પડી, મહારાજ નેપાળની કોઈ થ્રી સ્ટાર હોટલમાં કુક હતા. દુબઈમાં નોકરી મળી ગઈ. વિઝા આવી ગયા. મિત્રોએ કહ્યું, મહારાજ, દુબઈ જઈને તમારો ધર્મ જશે, ખબર નહીં શું શું રંધાવશે ત્યાં, ગાય-સૂવર....પાપ પહેલાં પ્રાયશ્ચિત કરી લ્યો...આ આવી ગયા એમની વાતોમાં. આવી ગયા કૈલાસ પરિક્રમા કરવા કંપની સાથે. એમને કહ્યું હતું કે વેજીટેરિયન બનાવવાનું છે....હવે એ યાત્રીઓ માટે વેજીટેરિયન, શેરપાઓ માટે નોન-વેજ બનાવવા માટે મજબૂર હતા.....

પરિક્રમા વચ્ચેથી તો ક્યાં જાય પણ નેપાળ પહોંચતા જ ભાગી નીકળ્યા...મીટ જોઈ જોઈને એટલા ગળે આવી ગયા હતા કે કંપનીમાં હિસાબ કરવા પણ ન ગયા.

હવે બંને મને સલાહ આપી રહ્યા છે, કયો પથ્થર કૂદું.

હે ભગવાન, કેટલા પથ્થર છે અહીં ! જોઈ જોઈને જીવ ચૂંથય છે. લોકો બરફથી આંધળા થઈ જાય છે, હું પથ્થરોને જોઈને થઈ રહી છું.

ઢીંચણ દુખે છે. જિમમાં પણ સાઇકલ ચલાવો તો માત્ર એક જ દિશામાં ઢીંચણ વાળવા પડે છે. અહીં તો ક્યારેક જમણે, ક્યારેક સીધા....ઢીંચણની ઢાંકણી પણ ગાંડી થઈ ગઈ છે. એ પણ ભૂલી ગઈ છે કે હાડકું ક્યાં જોડાયેલુ છે, એ તરફ વળી શકે કે નહીં.

બે કલાક ઉપર જવામાં લાગ્યા, પાંચ કલાક નીચે ઉતરવામાં....

ત્યારે ક્યાંક કેલસાંગ દેખાયો છે, ત્યાં નીચે તંબુવાળી હોટલથી હાથ હલાવતો....

બધાં યાત્રી આરામ કરી રહ્યાં છે. નાનકડો લીલા ઘાસનો ટુકડો છે. ત્યાં લ્હા-છુ પાર કરતાં જ પાછો બરફ...

-     દીદી, સુવાનું નથી !

આટલો અઘરો ઢાળ ઉતારીને નીચે આવી છું, દસ મિનિટ આંખ બંધ કરી લઉં તો તરોતાજા થઈ જઈશ.

-     તમે જો સૂઈ જશો તો કદી ઊઠશો નહીં...

રોશન મને હલાવી રહ્યો છે.

-     બહુ ખતરનાક છે આ ઉંઘ !

કેમ ? સાપ કરડયો છે મને ? ખબર નથી કેટલી મુશ્કેલીથી ઉતરી છું હું ?

-     હવે તમે ચાલો, ઉઠો...

બંને ઉભી કરી રહ્યા છે મને, રોશન, કેલ્સાંગ.

અરે છોડો, હું જાતે જ ઉભી થઈ જાઉં છું, નહીં સૂવું જોઈએ તો નથી સૂતી.

-     ઘોડો ક્યાં છે ?

પેમાં પીળા દાંત ખોતરતો ઊભો છે.

-     એ પહાડીની પાછળ.

-     કેમ, હવે તો જગ્યા સમથળ છે, ન ઉપર ન નીચે. ઘોડો અહીં કેમ ન લાવ્યા ?

-     મેડમ, ઘોડો પણ તો થાકી ગયો છે....

મારો સંત ઘોડો...મને લઈને ચડી ગયો ડોલ્મા-લા.

રોશન કહેતો હતો, જેમ માણસોમાં સારા-ખરાબ હોય છે તેમ જાનવરોમાં પણ હોય છે...તમારો ઘોડો એકદમ સંત હતો...એને બધી ખબર હતી, ક્યાંથી જવું જોઈએ...એને સંભાળવા માટે મારે કશું કરવું ન પડ્યું. ...

હવે મારો સંત પહાડી પાછળ આરામ કરી રહ્યો છે, આરામ કરવા દો. આટલું તો હું આરામથી જઈ શકીશ.

-     નિકળીએ ભાઈ ?

*

30

જામી ગયેલી નદી છે, નીચે પાણીના વહેવાનો અવાજ આવી રહ્યો છે.

કયા પહાડ પાછળ છે ઘોડો ?

જે પહાડ પાસે પહોંચું છું, કદાચ ત્યાં હશે, એની આગળ પાછો બીજો પહાડ.

મેં અદૃશ્ય ઘોડો ભાડે લીધો હતો ?

બે કલાક થઈ ગયા પગે ચાલતાં ચાલતાં. ચારેબાજુ બરફ જ બરફ છે. સારું છે કે કાળા ચશ્મા પહેરી રાખ્યા છે ! કેટલું ધ્યાન રાખીને ચાલવું પડે છે. બસ કહેવા માટે સમથળ છે. જરાક ધ્યાન ચૂક્યા કે પગ ખાડામાં, નીચે વહેતાં પાણીમાં.

રોશન ક્યાંય પાછળ રહી ગયો છે. મહારાજ પાછા ભટકાઈ ગયા છે, બરફની નદી પર મારી સાથે-સાથે ચાલી રહ્યા છે.

-     તમે કૂકિંગ વિશે પણ લખો છો ?

એક લેખકને વિશે ખબર નહીં લોકો શું શું વિચારે છે ! માથું હલાવું છું.

-     તો પછી શાના વિશે ?

મને વાત કરવાની જરા પણ ઇચ્છા નથી.

ડોલ્મા-લા વિશે વિચારી રહી છું. બધો સામાન ત્યાંજ પડ્યો હશે....નિર્મળનું શર્ટ...

-     મેડમ એક વાત પૂછું ?

મહારાજ વાત કરવાનું છોડશે નહીં. રોશન સાથે તો કેટલી વાત કરતી હતી, આમની સાથે નથી કરતી.

-     તમે તમારા પતિને સાથે નથી લાવ્યા ?

હું ઊભી રહી ગઈ છું. કાળા ચશ્મામાંથી એમને જોઈ રહી છું.

-     એમને લઈને આવી હતી....ઉપર મૂકીને આવી છું....

ભાગું છું આગળ....રડી રહી છું ધ્રુસકે ને ધ્રુસકે...

હું એકલી રહી ગઈ નિર્મલ....

ચારે બાજુથી પહાડોએ ઘેરી લીધી છે.

હું જાણતી હતી એક દિવસ તમે ચાલ્યા જશો.....બસ એ પછી આગળનો દિવસ કેવો હશે એ નહોતી જાણતી....

આટલું ભયાનક એકલવાયાપણું ? આ પહાડો જેવુ ? મારા પેટમાં કોઈ ચાકુ ભોંકી રહ્યું છે...વારંવાર....

કેમ કાપીશ આ એકલવાયાપણું ? હજી તો ઘણા દિવસ પડ્યા છે મરવામાં...

શ્વાસ લેવાતો નથી...મારે રડવાનું બંધ કરવું જોઈએ....

કોઈ મારી ભીતરથી કહી રહ્યું છે, મરી જઈશ....ઊભી રહે !

હું અટકવા માંગુ છું તો પણ વાર લાગે છે....બહુ હાંફી રહી છું...

ડોલ્મા-લા સારી રીતે પસાર કરી લીધું, અહીં નીચે આવી શ્વાસ અટકી ગયો છે, બેવડ વળી ગઈ છું.

મહારાજ સ્તબ્ધ ઉભા છે....

હું રડતી હતી ત્યાં રોશન આવી ગયો હતો. એણે મને જોઈ. એને કંઈ ખબર નથી, શું વાત છે. એને લાગે છે મારાથી ચલાતું નથી...

-     હું તમને ઉંચકી લઉં ? ઘોડા સુધી લઈ જાઉં ?

કેવો ઘૂઘરા જેવો અવાજ છે...શું કહે છે આ ? હું નાનું બાળક છું ? બેવકૂફ......

હું હસી રહી છું, મોટા હસે એવું.

મહારાજના જીવમાં જીવ આવ્યો. રોશનને કંઈ ખબર પડી નહીં !

મારે જાપ કરવા જોઈએ...પરિક્રમા પૂરી થઈ રહી છે સારી રીતે...સૌથી મુશ્કેલ સમય વીતી ગયો...

કેટલાં લોકો કરી શકે છે ?

હું ઈશ્વરને જોઈને આવી રહી છું...હું આ પહાડોને છોડીને જઈ રહી છું...મારે જપ કરવા જોઈએ...

હું અહિયાં મરવા આવી ગઈ છું....હું અહિયાં મરવા આવી ગઈ છું...

શું કરી રહી છું હું ? જપ કેમ કરતી નથી ? મૂર્ખ, જપ કર !

હું અહિયાં મરવા આવી ગઈ છું....હું અહિયાં મરવા આવી ગઈ છું...

આ શું થઈ રહ્યું છે ? હું મરા મરા કેમ કરી રહી છું ?

હું અહિયાં મરવા આવી ગઈ છું....હું અહિયાં મરવા આવી ગઈ છું...

હે મહદેવજી, ક્ષમા કરો ! આખે રસ્તે તમારું નામ લેતી આવી. હવે જઈ રહી છું તો મોંમાંથી નીકળતું નથી. જે નીકળે છે એ મારાં વશમાં નથી....

હું અહિયાં મરવા આવી ગઈ છું....હું અહિયાં મરવા આવી ગઈ છું...