છોલે ચણા મસાલા બનાવવાની રીત Vijay Ramesh Bhai Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છોલે ચણા મસાલા બનાવવાની રીત

 

                છોલે ચણા મસાલા પંજાબી વ્યંજનનું એક સ્વાદિષ્ટ શાક છે અને ભારતભરમાં લોકપ્રિય છે. આ મસાલેદાર શાકને સફેદ છોલે (કાબુલી ચણા), ટમેટા, ડુંગળી અને પરંપરાગત ભારતીય મસાલાઓથી બનાવવામાં આવે છે અને ભટુરા (તળેલી ભારતીય બ્રેડ)ની સાથે સાંજનાં નાશ્તામાં અથવા રાતનાં ભોજનમાં પીરસવામાં આવે છે.

    છોલે, જેને છોલા, ચણા મસાલા, કાબૂલી ચણા, વગેરે તરીકે પણ ઓળખાય છે, ભારતમાં તેમ જ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. ચણા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે, તેથી વિદેશમાં શાકાહારી ગ્રહણ કરનારા લોકો માટે, તે પ્રોટીનનો ખૂબ જ સારો વિકલ્પ છે. ચણા બનાવવાની દરેકની પદ્ધતિ અલગ હોય છે. આજે આપણે જોઇશુ કે ચણા મસાલા( છોલે) કેવી રીતે ઘરે બનાવી શકાય.

સામગ્રી:-

1.૧/૨ કપ સફેદ ચણા (કાબુલી ચણા)

2.૧ ટીસ્પૂન ચાનો પાઉડર અથવા (૧-૨ ટી બેગ)

3.૨ લાલ પાકેલાં ટમેટા

4.૧ મોટી ડુંગળી બારીક સમારેલી

5.૨ ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ

6.૧ લીલું મરચું બારીક સમારેલું

7.૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર

8.૧/૪ ટીસ્પૂન હળદર

9.૩ ટેબલસ્પૂન તેલ

10.મીઠું સ્વાદ અનુસાર

11.૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર

12.1/4 ટીસ્પૂન હિંગ

સૂકો મસાલા પાઉડર બનાવવા માટે:


1.૧ નાનો ટૂકડો તમાલપત્ર

2.૧ મોટી કાળી એલચી

3.૧ ટીસ્પૂન સૂકા ધાણા

4.૧ ટીસ્પૂન જીરું

5.૪-૫ મરી

6.૧ સૂકું લાલ મરચું

7.૨ લવિંગ

8.૧ મોટો ટૂકડો તજ

પંજાબી મસાલો બનાવવા ની રીત:

    
        એક પેન/કડાઈમાં તમાલપત્ર, મોટી એલચી, સૂકા ધાણા, જીરું, મરી, સૂકું લાલ મરચું, લવિંગ અને તજને ધીમી આંચ ઉપર ૧ મિનિટ માટે શેકી લો. સૂકો પંજાબી મસાલો બનાવવા માટે શેકેલા મસાલાને મિક્સરમાં બારીક પીસી લો.

 છોલે ચણા મસાલા બનાવવાની રીત:

      સફેદ ચણાને આખી રાત અથવા લગભગ ૮-૧૦ કલાક માટે પાણીમાં પલાળી દો.૧ ટીસ્પૂન ચાના પાઉડરને એક સાદા મલમલનાં કપડામાં બાંધી દો. ચણાનો ઘેરો રંગ લાવવા માટે અને સ્વાદ વધારવા માટે ચાનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ તમે ચાના પાઉડરને બદલે ટી બેગનો ઉપયોગ પણ કરી શકો છો.
      ચણાને બાંધેલી ચાની પોટલી, મીઠું અને પાણીની સાથે મધ્યમ આંચ ઉપર ૨-૩ લીટરની ક્ષમતાવાળા પ્રેશર કુકરમાં ૪-૫ સીટી થાય ત્યાં સુધી બાફી લો. જો પ્રેશર કુકર ઉપલબ્ધ ન હોય તો તમે ચણાને પકાવવા માટે કડાઈનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ તેમાં સમય વધારે લાગશે. બાફેલા ચણામાંથી બાંધેલી ચાની પોટલીને કાઢી નાંખો અને વધારાનું પાણી એક બાઉલમાં કાઢી લો. કાઢેલાં પાણીને પછીનાં સ્ટેપમાં ઉપયોગ કરવા માટે બાજુમાં મૂકી દો.
         ૨ ટેબલસ્પૂન બાફેલાં ચણાને મિક્સરમાં દરદરા પીસી લો અથવા ચમચાથી દબાવીને મસળી લો. ૨ ટમેટાને મિક્સરમાં પીસીને પ્યુરી બનાવી લો.

       એક પેન/કડાઈમાં મધ્યમ આંચ ઉપર તેલ ગરમ કરો. તેમાં  જીરું અને હિંગ નાંખો અને સાંતળી લો. ડુંગળી નાંખો અને તેને આછા ભૂરા રંગની થાય ત્યાં સુધી સાંતળી લો, તેમાં લગભગ ૧-૨ મિનિટનો સમય લાગશે. તેમાં આદું-લસણની પેસ્ટ અને સમારેલું લીલું મરચું નાંખીને ૩૦ સેકંડ માટે સાંતળી લો.

              તેમાં ટમેટાની પ્યુરી અને મીઠું નાંખો (ફક્ત ટમેટાની પ્યુરી માટે જ મીઠું નાંખો કારણકે ચણાને બાફતા સમયે પહેલેથી મીઠું નાંખેલું જ છે). પ્યુરીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી મધ્યમ આંચ ઉપર પકાવો, તેમાં લગભગ ૪-૫ મિનિટનો સમય લાગશે.તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને સૂકો મસાલા પાઉડર (બનાવેલો) નાંખો.તેને બરાબર મિક્સ કરો અને ૧ મિનિટ માટે પકાવો.તેમાં બાફેલાં ચણા, તૈયાર ચણાની પેસ્ટ અને ૧ કપ પાણી (બાફેલાં ચણામાંથી કાઢેલું) નાંખો અને બરાબર મિક્સ કરો
        ગ્રેવીને ઘાટી થાય ત્યાં સુધી પકાવો, તેમાં લગભગ ૪-૫ મિનિટનો સમય લાગશે. ગેસ બંધ કરી દો અને એક બાઉલમાં તૈયાર ચણા મસાલાનું શાક કાઢી લો. બારીક સમારેલી કોથમીરથી સજાવીને ભટુરા અથવા સાદા ભાતની સાથે ગરમાગરમ પીરસો.
   તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.