ધૂન લાગી - 31 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 31





આકાશમાં મોતી જેવી ચમક હતી. સૂર્યપ્રકાશનાં કિરણોએ વાતાવરણને પ્રકાશિત કરી દીધું હતું. મધુર પક્ષીઓનાં ગીતો સવારનાં વાતાવરણમાં વહી રહ્યાં હતાં. ઊગતાં સૂરજે સવારનાં આકાશમાં ગુલાબી રંગ ફેંક્યો હતો.

મંગળ સ્નાન માટેની તૈયારીઓ પૂલ સાઈડ એરિયા પર થઈ ગઈ હતી. બે કમળ આકારનાં પાત્રો પૂલનાં કિનારે રાખવામાં આવ્યાં હતાં. બંને વચ્ચે કાપડનો પડદો રાખવામાં આવ્યો હતો.

સફેદ રંગની આછેરી સાડી પહેરીને, ખુલ્લાં કેશ સાથે અંજલી અને ખુલ્લાં શરીર સાથે, નીચે સફેદ ધોતી પહેરીને કરણ મંગળ સ્નાન માટે આવ્યાં. બંનેને તેમનાં કમળ પાત્રમાં બેસાડવામાં આવ્યાં. કેસર, ચંદન, કુમકુમ અને પુષ્પયુક્ત પાણીથી બંનેને સ્નાન કરાવવામાં આવ્યું. સૂર્યનાં કિરણો પડતાં કરણનું શરીર તેજમય દેખાઈ રહ્યું હતું અને અંજલીનું શરીર પણ પવિત્ર નદીની જેમ ચમકી રહ્યું હતું.

મંગળ સ્નાન કરાવ્યાં બાદ કરણ અને અંજલીને કલ્યાણમ્ માટે તૈયાર થવા માટે લઈ જવામાં આવ્યાં. અંજલીને તૈયાર કરીને કાર દ્વારા શ્રી પદ્મનાભસ્વામી મંદિરે લઈ જવામાં આવી.

શ્રી પદ્મનાભસ્વામી મંદિરને શ્વેત પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરનાં પ્રાંગણમાં લગ્નમંડપ સજાવવામાં આવ્યો હતો. મંડપની ચારે તરફ બેસવા માટે નીચે ગાદીઓ રાખવામાં આવી હતી. શરણાઈઓ અને વાજિંત્રોનાં સૂર મંગળ પ્રસંગની શોભા વધારી રહ્યાં હતાં.

કરણ તેનાં સંબંધીઓ સાથે મંદિરે પહોંચ્યો. ત્યાં ધામધૂમથી તેની જાન જોડવામાં આવી. બધાં ખુશીથી ઝૂમી રહ્યાં હતાં. અનન્યાએ મંદિરનાં પ્રવેશદ્વાર પર જઈને કરણનું સામૈયું કર્યું. મંદિરમાં પ્રવેશ્યાં બાદ લગ્નમંડપ પાસે અમ્માએ કરણને પોંખ્યો.

હવે કરણે કાશીયાત્રાની રસમ કરવાની હતી. કરણ પોતાની જરૂરી વસ્તુઓ લઈને કાશીયાત્રાએ જવાનો ડોળ કરવાં લાગ્યો. અપ્પા તેને રોકવા ગયાં, ત્યારે અનન્યા અને બધાં બાળકોએ તેમને ઇનકાર કર્યો.

"તેમને કાશીયાત્રા પર જવા દો. અમે અંજલીઅક્કાને અમારી પાસે જ રાખીશું." આમ કહીને અનન્યા, ક્રિષ્નાને તાળી આપીને હસવા લાગી.

"મારે નથી જવું કોઈ કાશીયાત્રાએ." આમ કહીને કરણ ફરીથી મંડપ પાસે આવવા લાગ્યો.

"જોયું અપ્પા! તમારે પાછાં વાળવાની પણ‌ જરૂર ન પડી." અનન્યાની વાત સાંભળીને બધાં હસી પડ્યાં.

જયમાળા માટે પ્રવેશદ્વાર અને લગ્નમંડપ વચ્ચે એક અલગ સ્ટેજ ગોઠવવામાં આવ્યું હતું. સફેદ શર્ટ અને સફેદ ધોતી સાથે, ખભે સફેદ પછેડી પહેરીને, કરણ જયમાળા માટે તૈયાર હતો. અંજલીને પણ જયમાળા માટે લાવવામાં આવી. મદ્રાસી ઢબની લાલ રંગની સિલ્ક સાડી પહેરીને, વાળનાં ચોટલામાં વેણી ગૂંથીને, સોનાનાં આભૂષણો પહેરીને, મૃગનયની અને કમળવદની અંજલીને સામેથી આવતાં જોઈને, થોડીવાર માટે તો કરણ હોંશ જ ખોઈ બેઠો. અંજલીએ તેની પાસે આવીને તેને જયમાળા પહેરાવવા કહ્યું, ત્યારે તે હોંશમાં આવ્યો. કરણ અને અંજલીએ એકબીજાંને પુષ્પમાળા પહેરાવી. આ સાથે જ બધાંએ પુષ્પવર્ષા કરીને તેમને વધાવી લીધાં. જયમાળાની રસમ કરીને અંજલી ફરીથી ચાલી ગઈ.

લગ્નમંડપમાં કરણની વરપૂજા કર્યાં, બાદ પંડિતજીએ અંજલીને બોલાવી. અનન્યા અંજલીને લઈને મંડપમાં આવી અને તેને કરણની બાજુમાં બેસાડી દીધી. પછી લગ્નમંડપમાં બંનેનાં હસ્તમેળાપ થયાં. ભરી સભામાં પ્રિયતમનું પહેલું સ્પર્શ થવાથી બંનેનાં શરીરમાંથી કંપારી છૂટી ગઈ. હસ્તમેળાપ બાદ અમ્મા અને અપ્પા દ્વારા 10 વર્ષોથી ઉછેરીને મોટી કરેલી અંજલીનું કન્યાદાન કરવામાં આવ્યું. આ વેળા બધાં માટે ખૂબ ભાવુક બની રહી. કન્યાદાનની રસમ પછી સિંધુરદાનની રસમ કરવામાં આવી. પછી કરણે અંજલીનાં ગળામાં મંગલસૂત્ર પહેરાવ્યું.

બધી રસમો પછી વિવાહની સૌથી મહત્વની રસમ એવી, સપ્તપદીની રસમ કરવામાં આવી. કરણ અને અંજલીએ સપ્તપદી દ્વારા એકબીજાની જવાબદારીઓ વહેંચવાનું, માનસિક અને શારીરિક બીમારીથી બચવાનું, પ્રેમ અને સમૃદ્ધિવાળું જીવન જીવવાનું, એકબીજાં પર વિશ્વાસ કરવાનું, એકબીજાનું સન્માન કરવાનું, એકબીજાનાં ગુણોનો સ્વીકાર કરવાનું, એકબીજાં પ્રત્યે સાચા અને પ્રમાણિક રહેવાનું અને એકબીજાં સાથે સમગ્ર જીવન જીવવાનું વચન આપ્યું. લગ્નમંડપમાં કલ્યાણમ્ ની વિધિ સમાપ્ત થયાં બાદ, બંનેએ બધાંનાં આશીર્વાદ લીધાં.

કલ્યાણમ્ પૂર્ણ થયાં બાદ, અંજલી અને કન્યાપક્ષ માટે ભાવુક અને કરુણામય વેળા આવી ગઈ. એ વેળા એટલે વિદાયની વેળા. આ સમયે આશ્રમનાં બધાં બાળકો અંજલી પાસે જઈને રડવા લાગ્યાં. અમ્મા, અપ્પા અને અનન્યા પણ રડવા લાગ્યાં. અંજલીનો હાથ કરણનાં હાથમાં સોંપીને, અમ્મા અને અપ્પાએ તેને વિદાય આપી.

મંદિરેથી નીકળીને વરપક્ષનાં બધાં લોકો એરપોર્ટ પર પહોંચી ગયાં. ત્યાં રાત્રે 8:00 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ હતી, હજુ 6:30 જ વાગ્યા હતાં. એટલે બધાં વેટિંગ એરિયામાં બેઠાં હતાં.

"હેલ્લો! કેમ છો? મિસિસ અંજલી કરણ મહેતા." કરણે અંજલી તરફ જોઈને કહ્યું.

"અત્યારે તો ખૂબ થાકી ગઈ છું, મિસ્ટર કરણ મહેતા." અંજલીએ કહ્યું.

"સારું. તો મારાં ખભા પર માથું રાખીને, થોડીવાર સૂઈ જા‌. ફ્લાઈટ માટે હજુ સમય છે."

અંજલી કરણનાં ખભા પર માથું રાખીને સૂઈ ગઈ.

8 વાગતાં જ બધાં ફ્લાઈટમાં બેસીને મુંબઈ માટે નીકળી ગયાં.


_____________________________



કરણ અને અંજલીનું લગ્ન જીવન કેવું હશે? કેવી હશે અંજલીની મુંબઈનું નવું જીવન?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી