બધાં પોતાનાં રૂમમાં જઈને સૂઈ ગયાં હતાં. કરણ કૃણાલની સાથે રૂમમાં હતો. કૃણાલ સૂઈ ગયો હતો, પણ કરણને ઊંઘ નહોતી આવતી. તેણે અંજલીને મેસેજ કરીને ટેરેસ પર મળવાં માટે બોલાવી. અનન્યા પણ સૂઈ ગઈ હોવાથી, અંજલી કરણને મળવા માટે ગઈ.
અંજલી સામે આવતાં જ કરણ તેને ભેટી પડ્યો.
"અરે! અરે! આટલી બધી ખુશી!" અંજલીએ કહ્યું.
"હા, ખુશી તો હોય જ ને. કરણનાં અંજલી સાથે લગ્ન થવાનાં છે."
"તું ખુશ થતો રહેજે, પણ મને તો છોડ. કોઈ જોઈ જશે તો!" અંજલીએ કહ્યું.
"બસ! તમારાં બધાંનો આ એક જ ડાયલોગ છે. ટી.વી. સિરિયલમાં પણ, આ જ ડાયલોગ કહીને હિરોઈનો રોમાન્સ ન કરવા દે અને અહીંયા તું પણ." આમ કહીને કરણે અંજલીને દૂર કરી.
"હા, પણ અહીંયા પ્રસંગનો માહોલ છે. ઘણાં બધાં લોકો છે, કોઈ આવી જાય તો શું વિચારે?"
"આવી જાય નહીં, આવી ગયાં!" કરણે ટેરેસ પરથી નીચે જોઈને કહ્યું.
"કોણ આવી ગયું?" અંજલીએ પૂછ્યું.
"અરે! નીચે જો. મારાં સંબંધીઓ આવી ગયાં. આ કોઈ ટાઈમ છે આવવાનો? એ લોકો આપણને જુએ, તે પહેલાં સંતાઈ જઈએ." આમ કહીને કરણ અંજલીને ખેંચીને નીચે બેસાડવા જઈ રહ્યો હતો, ત્યાં નીચેથી અવાજ આવ્યો "અમે આવી ગયાં તારાં લગ્નમાં."
"હવે તો આપણે ગયાં. હવે આ જોઈ ગયો છે, એટલે નીચે જવું જ પડશે." કરણે મોઢું બગાડીને કહ્યું.
અંજલી કરણને જોઈને હસવા લાગી.
"અરે! હસે છે કેમ? એક તો મારું રોમાન્સનું મૂડ ખરાબ કરી નાખ્યું."
"મને શું કહે છે, નીચે જઈને તારાં સંબંધીઓને કહેજે. ચાલ હવે." આમ કહીને અંજલી કરણને નીચે લઈ ગઈ.
"કેમ છો બધાં? મજામાં!" નીચે જઈને કરણે બધાંને આવકારતાં કહ્યું.
"એકદમ મજામાં હો!" તેમાંથી એક યુવક બોલ્યો. "કરણ! તે તો બધું અચાનક ગોઠવી નાખ્યું. એટલો જલ્દી પ્લાન કર્યો, કે અમને કંઈ તૈયાર કરવાનો મોકો જ ન મળ્યો." તે યુવકે કહ્યું.
આ સાંભળીને કરણ હસવા લાગ્યો.
"હવે રાત થઈ ગઈ છે. તમે બધાં પણ થાકી ગયાં હશો. તમારે સૂઈ જવું જોઈએ." અંજલીએ કહ્યું.
"ચાલો! બધાં રિસેપ્શનમાંથી પોતાનાં રૂમની ચાવી લઈને ત્યાં જાઓ. કાલે સવારે ફંકશન શરૂ થવાનાં છે એટલે જલ્દીથી સૂઈ જાઓ" કરણે કહ્યું.
બધાં રિસેપ્શનમાંથી પોતાનાં રૂમની ચાવીઓ લઈને ત્યાં ચાલ્યાં ગયાં.
"ચાલો! હવે હું પણ જાઉં છું. સવારે વહેલું ઉઠવાનું છે. Good Night!" આમ કહીને અંજલી પણ પોતાનાં રૂમમાં ચાલી ગઈ.
"હવે તું અહીં એકલો એકલો શું કરીશ? ચાલો! જઈને સૂઈ જઈએ. સપનામાં રોમાન્સ કરીશું." આમ પોતાની સાથે વાત કરતો કરતો કરણ તેનાં રૂમમાં જઈને સૂઈ ગયો.
"वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा"
પંડિતજીએ શ્લોક બોલીને ગણપતિ પૂજનની શરૂઆત કરી.
હોટેલનાં હૉલમાં વચ્ચે એક મંડપ લગાવેલો હતો. આખાં હૉલને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. બધાં નવાં વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈ, આ શુભ ઘડીનાં સાક્ષી બની રહ્યાં હતાં. મંડપમાં એક તરફ અંજલી, અમ્મા અને અપ્પા બેઠાં હતાં. તેમની સામે કરણ, મનીષજી અને શર્મિલાજી બેઠાં હતાં.
અંજલી નિચયથાર્થમની રસમ માટે સિલ્કની ગુલાબી સાડીમાં સજ્જ થઈ હતી. તેણે વાળને બાંધીને તેમાં વેણી લગાવેલી હતી. કાળી આંખો, ગુલાબી હોઠ વગેરે શૃંગાર સાથે સાદી રીતે તૈયાર થઈ હતી, પણ સુંદર દેખાતી હતી. કરણે સ્કાઈ બ્લ્યુ રંગનો કુર્તો અને સફેદ રંગનો પાયજામો પહેર્યો હતો. આ સાથે તેને ગળામાં સફેદ રંગની પછેડી રાખી હતી.
ગણેશપૂજન કર્યાં બાદ પંડિતજીએ આગળની વિધિ પ્રારંભ કરી. વરપક્ષ તરફથી અંજલીને કલ્યાણમ્ માટેનાં વસ્ત્રો અને સોનાનાં આભૂષણો આપવામાં આવ્યાં.
જે ઘડીની કરણ અને અંજલીને આતુરતાથી રાહ હતી, તે હવે આવી ગઈ હતી. ફુલોથી શણગારેલા થાળમાં તેમની સામે અંગૂઠીઓ મૂકવામાં આવી. સૌપ્રથમ કરણે અંજલીનો હાથ પોતાનાં હાથમાં લઈને તેને અંગૂઠી પહેરાવી અને પછી અંજલીએ કરણનો હાથ લઈને તેને અંગૂઠી પહેરાવી. આ રસમ થતાં જ બધાંએ તેમનાં પર પુષ્પવર્ષા કરી અને તેમને શુભકામનાઓથી વધાવી લીધાં.
નિચયથાર્થમની રસમ પૂર્ણ થયાં બાદ તેઓ પન્ધા કાલ નાડુધલની રસમ માટે ગયાં. કરણ અને અંજલીએ હોટેલનાં પ્રવેશદ્વાર પાસે જઈને, ત્યાં વાંસનું રોપણ કરી તેનું પૂજન કર્યું. આ રસમ થઈ ગયાં બાદ તેમને હલ્દીની રસમ માટે તૈયાર કરવાં માટે લઈ જવામાં આવ્યાં.
_____________________________
કેવો ચડશે કરણ અને અંજલીને હલ્દીનો રંગ? કેવી હશે તેમની સંગીત સંધ્યા?
જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી