ધૂન લાગી - 23 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 23






"અંજલી! તું ચિંતા ન કરતી. અપ્પા જલ્દીથી સ્વસ્થ થઈ જશે." કરણે અંજલીની બાજુમાં બેસીને કહ્યું.

અંજલી કરણને ભેટીને રડવા લાગી. અંજલીને રડતી જોઈને કરણ પણ ભાવુક થઈ ગયો.

"અંજલી! તારે હિંમત રાખવી પડશે. તારે જ તો અમ્મા-અપ્પાને સંભાળવાનાં છે." કરણે કહ્યું.

થોડીવાર પછી અંજલી શાંત થઈ ગઈ અને બોલી "તને ખબર છે કરણ! આજથી 10 વર્ષ પહેલાં, જ્યારે હું 11 વર્ષની હતી અને અનુ 7 વર્ષની હતી, ત્યારે મારાં પપ્પાની કોઈ હત્યા કરી નાખી હતી. મારાં મમ્મી આ અનાથાશ્રમ સાથે જોડાયેલાં હતાં અને મુંબઈમાં રહીને અહીંયા માટે મદદ મોકલતાં હતાં. મારાં પપ્પાનાં મૃત્યુ બાદ મારાં મમ્મી અમને લઈને અહીં આવી ગયાં અને પછી અમને અહીંયા રાખીને થોડીવાર માટે ક્યાંક જવાનું કહીને ગયાં અને પછી પાછાં જ ન આવ્યાં. ત્યારથી આજ સુધી અમ્મા-અપ્પાએ અમને ક્યારેય મમ્મી-પપ્પાની ખોટ નથી પડવા દીધી. હું તેમને આવી અવસ્થામાં નહીં જોઈ શકું."

"હું તારી સ્થિતિ સમજી શકું છું. આજથી 10 વર્ષ પહેલાં મેં પણ મારાં મમ્મીને ગુમાવ્યાં હતાં." કરણ ભાવુક થઈને બોલ્યો.

આવી જ રીતે એકબીજાનાં દુઃખ વહેંચતાં અને વાતો કરતાં કરતાં કરણ અને અંજલી સૂઈ ગયાં.

સવાર થતાં જ અમ્મા, અનન્યા અને કૃણાલ હૉસ્પિટલે આવી ગયાં હતાં. તેમણે ત્યાં જઈને જોયું તો, બેંચ પર અંજલી કરણનાં ખભા પર માથું રાખીને સૂઈ રહી હતી અને કરણે પોતાનું માથું તેની સાથે ટેકાવ્યુ હતું. અનન્યાએ જઈને તેમને ઉઠાડ્યા.

થોડીવારમાં ડૉક્ટરે અપ્પાનું ચૅકઅપ કર્યું અને પછી બહાર આવ્યાં.

"તેઓ હોંશમાં આવી ગયાં છે. તમે જઈને તેમને મળી શકો છો. આજે બપોર પછી તેમને ડિસ્ચાર્જ પણ મળી જશે." ડૉક્ટરે કહ્યું.

"Thank you, ડોક્ટર!" અંજલીએ કહ્યું.

બધાં તેમને મળવાં માટે અંદર ગયાં.

"અપ્પા! તમારી તબિયત કેમ છે?" અંજલીએ પૂછ્યું.

"અક્કા! તબિયત તો બહુ ખરાબ છે, જલ્દીથી ડોક્ટરને બોલાવ." અપ્પાએ કહ્યું.

"બસ કરો ને હવે! હજી હમણાં જ સ્વસ્થ થયાં છો અને મસ્તી કરવા લાગ્યાં." અમ્માએ કહ્યું.

આ સાંભળી બધાં હસી પડ્યાં.

"તમે અપ્પાનું ધ્યાન રાખજો. અમે ડિસ્ચાર્જ પેપરની પ્રક્રિયા કરીને આવીએ છીએ." આમ કહીને કરણ અને કૃણાલ ત્યાંથી જતાં રહ્યાં.

"અમ્મા, અપ્પા પાસે બેઠાં હતાં. અંજલી અનન્યાને લઈને રૂમની બહાર ગઈ.

"તમે મને અહીંયા કેમ લઈ આવ્યાં છો?" અનન્યાએ પૂછ્યું.

"કાલે તું મને સરપ્રાઈઝ આપવાનું કહીને લઈ ગયેલી. એ સરપ્રાઈઝ તારું નહીં પણ કરણનું હતું. ઓહ... સોરી! સરપ્રાઈઝ નહીં પણ પ્રપોઝ!"

"હા, તો તમે શું જવાબ આપ્યો?" અનન્યાએ પૂછ્યું.

"કંઈ નહીં. તેને પ્રપોઝ કર્યું, પછી તરત જ તારો કૉલ આવ્યો અને અમે અહીંયા આવી ગયાં."

"તો અત્યારે તમારો જવાબ શું છે?"

"હું જ્યારે કરણને મળી, ત્યારે તો તેનાં પ્રત્યે મને ખૂબ જ ગુસ્સો હતો. પછી ધીમે ધીમે તે સન્માન અને વિશ્વાસમાં બદલાઈ ગયો. કાલે તો તેણે અપ્પાને પોતાનાં સમજીને, તેમનાં ઓપરેશનનું બિલ પણ ચૂકવી દીધું. મેં આજ સુધી જે વાત કોઈ સાથે શ્યેર નહોતી કરી, તે કાલે રાત્રે કરણ સાથે કરી."

"તો કરણજીને 'હા' કહી દો."

"આમ સાવ સરળ રીતે તો 'હા' ન કહી શકાય. આ જીવનનો સૌથી મહત્વનો સમય હોય છે, એટલે કંઈ ખાસ કરવું છે. પણ અત્યારે તો અપ્પાની સ્થિતિ આવી છે. તો કેમ થશે?"

"અક્કા! જુઓ, અપ્પાને બપોર પછી ડિસ્ચાર્જ મળી જશે, એટલે આપણે તેમને આશ્રમે લઈ જઈશું. ત્યાં અમે બધાં તેમની સંભાળ રાખીશું. તો તમે અને કરણજી તમારાં સ્પેશિયલ મોમેન્ટસ્ માટે જઈ શકો છો."

"હું તારી વાત માની પણ લઉં, પણ મને એ નથી સમજાતું કે હું શું સ્પેશિયલ કરું!"

‌‌ "કરણજીએ તમારાં માટે જે કર્યું હતું, એ તો બધું વ્યર્થ ગયું. તો તમે ફરીથી એવું જ કરીને તેમને પ્રપોઝ કરો."

"પણ એમાં ખર્ચો ઘણો બધો હશે ને?"

"ના અક્કા! માત્ર હોડીનાં નાવિકને પૈસા ચૂકવવાનાં છે, એ પણ ખૂબ ઓછી રકમ છે. એ જ તમને હોડીને સજાવીને તૈયાર કરી આપશે."

‌‌ "તો તારે મને મદદ કરવી પડશે."

"ઠીક છે. તો હું તમને બધું તૈયાર કરીને આપીશ, તમારે માત્ર ત્યાં જવાનું છે."

‌‌ "હું કૃણાલ સાથે વાત કરીને કરણને પણ ત્યાં આવવાનું કહી દઈશ."

"ચાલો, તો હું જાઉં છું. ત્યાંથી સીધી આશ્રમે આવી જઈશ." આમ કહીને અનન્યા ત્યાંથી નીકળી ગઈ.


______________________________



શું અંજલી કરણને પ્રપોઝ કરી શકશે? કે પછી તેને કોઈ નવી મુશ્કેલીનો સામનો કરવો પડશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી