કરણ અને અંજલી ગાર્ડનમાં પહોંચી ગયાં હતાં. અનન્યા એક બેન્ચ પર બેસીને રડી રહી હતી અને કૃણાલ પણ ઉદાસ ચહેરા સાથે તેની બાજુની બેન્ચ પર બેઠો હતો. અંજલી અને કરણને આ બંનેની સ્થિતિ જોઈને નવાઈ લાગી. કરણ કૃણાલ પાસે જઈને બેઠો અને અંજલી અનન્યા પાસે ગઈ.
"અનુ! તું કેમ રડે છે? તને શું થયું?" અંજલીએ કહ્યું. અનન્યા અંજલીને ભેટીને રડવા લાગી.
"કૃણાલ! તું મને કહીશ કે શું થયું? તમે બંને રીતે શા માટે બેઠા છો?" કરણે કૃણાલને પૂછ્યું. કૃણાલ પણ કંઈ ન બોલ્યો. "અરે! તમે બેમાંથી કોઈ કંઈક તો બોલો. જેથી અમને ખબર પડે કે શું થયું?"
"હા, અમને કહેશો નહીં, તો અમે તમારી મદદ કેમ કરી શકીશું?" અંજલીએ કહ્યું.
"અક્કા! કૃણાલે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે." અનન્યા બોલી.
"શું? કૃણાલે તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે?" અંજલીએ પૂછ્યું.
"હા, કૃણાલ માત્ર મારાથી શારીરિક રીતે નજીક આવવાં માટે મને પ્રેમ કરતો હતો." અનન્યાની આ વાત સાંભળીને કરણને ગુસ્સો આવ્યો અને તેણે કૃણાલને થપ્પડ મારી દીધી.
"કરણ! તું પહેલાં બંનેની વાત સાંભળ, પછી રિએક્શન આપજે. આમ એક વ્યક્તિની વાત સાંભળીને રિએક્શન ન આપી શકાય." અંજલીએ કહ્યું.
"કૃણાલ! અનન્યા સાચું કહે છે?" કરણે પૂછ્યું.
"તેની વાત અધૂરી છે, ભાઈ! આખી વાત હું તમને કહું છું." કૃણાલે કહ્યું. "આજે સાંજે અનન્યાએ મને મેસેજ કરીને હોટેલ રૂમમાં બોલાવ્યો. અમે હોટેલમાં મળ્યાં, પછી અનન્યા મારી સાથે ફિઝિકલ થવાનો પ્રયત્ન કરવાં લાગી. મેં તેને રોકી અને પૂછ્યું કે એ આ બધાં માટે તૈયાર છે કે નહીં. તેણે મને પરવાનગી આપી. એટલે હું પણ આગળ વધ્યો. પણ એટલામાં તો એણે મને થપ્પડ મારી દીધી અને મારાં પર ખોટો પ્રેમ કરવાનાં આરોપ લગાવવા લાગી."
"જો એ ફિઝિકલ થઈ રહી હતી, તો તારે એને રોકવી જોઈએ ને!" કરણે કહ્યું.
"ભાઈ! તમે સમજતાં નથી. અત્યારે ઘણી છોકરીઓ લગ્ન પહેલાં ફિઝિકલ કોમ્પેટિબીલીટી ચેક કરવા ઇચ્છતી હોય છે. મને અનન્યા પણ વિશે એવું જ લાગ્યું, એટલે હું આગળ વધ્યો." કૃણાલે કહ્યું.
"અનુ! હવે તારે આ વિશે કંઈ કહેવું છે?" અંજલી બોલી.
"હું તો તેની વફાદારી ચકાસી રહી હતી કે તે મને સાચો પ્રેમ કરે છે, કે માત્ર ફિઝિકલ થવા ઈચ્છે છે." અનન્યા બોલી.
"બસ! આ જ વાંધો છે. શું આ 1 વર્ષની રિલેશનશિપમાં તને કૃણાલની વફાદારી પર વિશ્વાસ ન આવ્યો, જો તું એ તપાસી રહી હતી." અંજલીએ ગુસ્સામાં કહ્યું.
"અક્કા! તમે મારાં પર કેમ ગુસ્સો કરો છો? મને તો મારી ફ્રેન્ડે કહ્યું હતું, કે આજનાં સમયમાં કોઈ પર જલ્દી વિશ્વાસ ન કરાય. એટલે મેં કૃણાલની વફાદારી ચકાસી." અનન્યાએ કહ્યું.
"લ્યો, સાંભળો! એમ જોવા જોઈએ તો તારે અમ્મા અપ્પાની વફાદારી પણ ચકાસવી જોઈએ ને. કદાચ એમને તારાથી કોઈ ફાયદો મળતો હોય, એટલે તને ઉછેરી હોય." અંજલી બોલી.
"આવી જ રીતે સંબંધો તૂટે છે. કૃણાલને લાગ્યું કે અનન્યા ફિઝિકલ કોમ્પેટિબીલીટી ચેક કરવા ઈચ્છે છે અને અનન્યા કરી રહી હતી લોયલ્ટી ટેસ્ટ. વાહ!" કરણે કહ્યું.
"બંને વચ્ચે અણસમજણ ઉત્પન્ન થઈ અને અત્યારે તમારાં સંબંધની આ સ્થિતિ છે. હવે તમારે જ નક્કી કરવાનું છે કે આ સંબંધને આગળ લઈ જવો કે નહીં!" અંજલીએ કહ્યું.
"મને નથી લાગતું કે અનન્યાએ ક્યારેય પણ મારાં પર વિશ્વાસ કર્યો હશે? જો વિશ્વાસ કર્યો હોય, તો વફાદારી ચકાસવાની જરૂર ન પડી હોય. વિશ્વાસ જ કોઈ પણ સંબંધનો આધાર હોય છે." કૃણાલે કહ્યું.
"મેં તને કહ્યું હતું ને, કરણ! કે અનન્યમાં હજુ ઓછી સમજણ છે, તે કોઈની પણ વાતમાં આવી જાય છે. આજે તેની ભૂલનાં કારણે હવે તેને આ બધું જવાનો સમય આવ્યો છે." અંજલીએ કહ્યું.
"કૃણાલ! અનન્યા! હવે તો તમે નક્કી કરી જ લો, કે તમે આ સંબંધ રાખવા ઈચ્છો છો કે નહીં."
"તમે બંને કોઈપણ નિર્ણય પર આવો, એ પહેલા હું તમને એક સલાહ જરૂર આપીશ. જો તમે બંને આ ઘટનાને ભૂલી શકો અથવા આમાંથી કંઈક શીખ મેળવી શકો અને ભવિષ્યમાં એકબીજાં પર વિશ્વાસ રાખીને આગળ વધવા ઈચ્છો, તો જ તમારે આ સંબંધને આગળ વધારવો જોઈએ. કારણ કે વિશ્વાસ વગર કોઈ પણ સંબંધનું અસ્તિત્વ નથી." અંજલીએ કહ્યું.
_____________________________
અનન્યા અને કૃણાલ શું નિર્ણય લેશે? શું તેઓ તેમનો સંબંધ આગળ વધારશે કે પછી ત્યાં જ તેનો અંત લાવશે?
જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી