પૈસા... માનવીની જીવન પ્રણાલીની એક મહત્વની કડી...
જીવનમાં દરેક જગ્યાએ ઉપયોગી બનતું એક મહત્વનું પાસું.
ક્યારેક એમ થાય કે પૈસા જ બધું જ છે. કારણ કે, દરેકને પોતાના જીવનમાં એ જોઇએ જ છે. દરેક પોતાની મહેનતથી એ કમાય છે. અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા તે ખર્ચે છે. ઈચ્છાની પૂર્તિ... ક્યારેક થાય કે , મનુષ્યમાત્રને પૈસા જ દરેક ઈચ્છાઓને પૂર્ણ કરાવે છે. આજે માનવીની જરૂરિયાતો અને ઈચ્છાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. એ સાથે માનવી ને તેની એ ઈચ્છાઓ પૂરી કરવા ક્યાંક ને ક્યાંક પૈસા ની આવશ્યકતા પડે છે.
ઘણું બધું એક પળમાં શક્ય બને છે, પણ જો પૈસો હોય તો. પૈસા વિશે દરેકની વિચારધારા ક્યાંક ને ક્યાંક અલગ હશે. કોઈ પોતાની ભાવિ પેઢી માટે તે બચાવતું હશે. તો કોઈ ભવિષ્યનું વિચાર્યા વગર માત્ર મોજ શોખ માં એને ખર્ચ કરતું હશે. પરંતુ, પૈસા પ્રત્યે દરેક ની સમજ એક જ હોય છે કે એ તો હોવા જ જોઈએ. ઘણું બધું બદલાય જાય છે... તો ઘણું બધું પ્રાપ્ત થઈ જાય છે. પણ જો પૈસો હોય તો.
ક્યારેક જીવન સાથે એ પ્રશ્ન થાય કે, ' શું પૈસા માટે જ આપણે જીવીએ છીએ?' ઉત્તર વિચારીએ ને તો ઘણા બધા બીજા પ્રશ્નો મનમાં ઉદભવવા લાગે. પણ એનો સાચો ઉત્તર આપણે જલ્દી શોધી શકતા નથી. અને જો એક ક્ષણ માટે મળે તો પણ તે પછીની ક્ષણે તે બદલાય જાય છે. કારણ કે, હકીકતમાં ક્યાંક પૈસા ની જરૂર નથી લાગતી તો ક્યાંક તે પૈસાથી જ શક્ય બને છે. પોતાના જીવનની દરેક જરૂરિયાતો પૈસા થી સંતોષાતી હોવાથી ક્યાંક ને ક્યાંક પૈસો બધું જ લાગવા લાગે છે. પરંતુ, ' પૈસો જ બધું નથી.'
પૈસાથી સુખ માટે ના સાધનો તો ખરીદી શકાય છે. પરંતુ, પૈસાથી સુખ ક્યારેય ખરીદી શકાતું નથી. એક સુખી માનવીને પૈસા સહજતાથી મળી શકે છે. પણ, પૈસા હોવા છતાં ઘણીવાર સુખ નથી મળતું. એવું કેમ!!? ઘણીવાર આ પ્રશ્ન મનમાં થાય છે. મગજ તેનો વિચાર તો કરે છે. પણ, એ ક્ષણેક મળેલો જવાબ તેની પછીની બીજી ક્ષણે બદલાય જાય છે. આજે સમાજ માં દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સુખી તો નથી જ. ભલે એ પછી પૈસાદાર હોય કે તવંગર. એનું એક જ કારણ છે કે, દરેક વ્યક્તિની વિચારધારા પૈસા ને જ સૌથી વધુ મહત્વના સમજે છે. ખરેખર પૈસા મહત્વના છે. પણ જીવનનું દરેક સુખ પૈસા આપી શકતું નથી. આપણે આપણા જીવનમાં પણ ઘણી વખત આપણે અનુભવ્યું જ હશે કે, કયારેક પૈસા હોવા છતાં આપણને જોઈતી ખુશી આપણે નહી મેળવી શક્યા હોઈએ.
પૈસા જ વ્યવહારમાં ઉપયોગી બને છે તો પૈસા જ વ્યવહારનો નાશ કરે છે. પૈસાથી ઘેરાયેલો માનવી જીવનમાં તેને જ સર્વસ્વ માની બેસે છે. જીવનમાં તે સિવાયના અન્ય સુખને પામી શકતો નથી. પૈસા જ બધું છે તેમ સમજી તેની પાછળ જ રચાયેલો રહે છે. પોતાના જીવનમાં અન્ય કોઈ બાબત તેને સુજતી નથી.
વાસ્તવમાં, પૈસો ઘણું બધું કરાવી શકે છે...તો ક્યારેક જીવનને ડુબાડી પણ શકે છે. ક્યારેક પૈસા વ્યક્તિને બચાવી શકે છે તો ક્યારેક એ જ પૈસા વ્યક્તિને મારી પણ નાખે છે. આપણું મન આ અંગેના વિચારો બદલ્યા કરે છે. એટલે હંમેશા એ યાદ રાખવું કે, " પૈસા બધું કરવો શકે છે, પરંતુ પૈસા જ બધું નથી."
જીવનમાં આ વાક્ય યાદ રાખીશું તો ક્યારેક ઘણીબધી વસ્તુઓ, ઘણા તૂટતાં સંબધો અને ઘણું બધું સુખ આપણે બચાવી શકીશું.