સ્મિત સાથે સંઘર્ષ Shubham Dudhat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્મિત સાથે સંઘર્ષ

જ્યારે વ્યક્તિ ખુશ હોય ત્યારે તે ઘણું બધું સારું કાર્ય કરી દેતો હોય છે. પણ જ્યારે તે જ વ્યક્તિ દુઃખી હોય ત્યારે...
આ કૃતિ ખુબજ સાહસિક અને કોઈપણ ના હૃદયને સહજ જ સ્પર્શી જાય તેવી છે. હું શુભમ પટેલ આપની સમક્ષ એક કલ્પનાત્મક કૃતિ પ્રસ્તુત કરી રહ્યો છું. મને ખાતરી છે કે આપ આ કૃતિ વાંચીને અત્યંત આનંદની અનુભૂતી કરશો. આશા રાખું છું કે આપ આ કૃતિ ને છેક અંત સુધી વાંચશો.

આ વાત છે એક આગવું અને અનોખું વ્યક્તિત્વ ધરાવતા એક નવ યુવાન સ્મિતની. પોતાની જિંદગીમાં આવનાર કેટલાય દુઃખો ને તેણે સુખમાં ફેરવી નાખ્યાં હતાં. તેણે પોતાના એક સાહસિક વ્યક્તિત્વ ની ભવ્ય છાપ ઉભી કરી નાખી હતી. પણ...

આતો હતી ઘણી દૂરની વાત. શરૂઆત તો કંઈક આવી હતી.
સ્મિત જ્યારે ૧૮ વર્ષનો થયો ત્યારે તેની પર ઘણી જવાબદારીઓ વધતી હોય તેમ તે અનુભવવા લાગ્યો. છતાં પોતાની એ રોજની મસ્તી અને ભાઈબંધો સાથે હરવા ફરવાનું તેણે ક્યારેય છોડ્યું નહોતું. 'દુનિયાનો દરેક વ્યક્તિ જેમ સુખી જીવન જીવતો હોય અને રમૂજ કર્યા કરે...' બસ તેમ જ સ્મિત પણ એક સુખમય જીવન સાથે હંમેશાં રમૂજમાં જ રહેતો. એની હાસ્યાસ્પદ આંખોને નિહાળવું એ સૌને ખુબજ ગમતું. સ્મિત જ્યારે તેના મિત્રો સાથે હોય ત્યારે નવા નવા જોકસ અને રમૂજ ભરી વાતો કરે. તેના મિત્રોમાં પણ તે ખુબજ પ્રિય પાત્ર હતો. હા, સ્મિત જેટલો રમુજી હતો તેટલો જ દરેક કાર્યમાં કુશળ પણ. ભણવામાં પણ તે ખુબજ હોશિયાર હતો.
પણ નથી કહેતા કે,' મનમાં જો ચિંતા આવે તો તે દૂર કરવી કદાચ મુશ્કેલ છે.' સ્મિત આમ ખુબજ ખુશ હોય પણ તેના મનમાં આ જવાબદારીઓ પ્રત્યેની ચિંતા દિવસે ને દિવસે વધતી જતી હતી. સ્વાભાવિક છે કે, 'વ્યક્તિની ઉંમર સાથે તેના પર અમુક પ્રકારની જવાબદારીઓ આવતી જ હોય.' સમયસાથે સ્મિત પણ આ જવાબદારીઓ સામે લડવાનું શીખી ગયો. પોતાની એક આગવી શૈલી ને તેણે કાયમ જાળવી રાખી હતી. દરેક કાર્યમાં કુશળ એ જ સ્મિત ફરી પાછો પોતાની જિંદગીમાં સ્મિત સાથે જીવવા લાગ્યો. ઘરની જવાબદારીઓ હવે તેને આમ રમકડાં જેવી લાગવા લાગી. દુનિયાની નજરોમાં આ વ્યક્તિ હવે એક વિશિષ્ટ સ્થાન પર પહોંચી ગઈ હતી. કારણ માત્ર એટલું જ નહોતું કે તે જવાબદારી સારી રીતે નિભાવી લેતો. પણ, એ સાથે તે ઘણા સારા કાર્યો પણ કરવા લાગ્યો હતો. આ જ સ્મિત ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપતો. સાથે સાથે તેણે વિચાર્યું હતું કે, ગરીબોને અન્ન ગમે તેમ કરીને પૂરું પાડવું. આ માટે તે હવે તેના મિત્રો સાથે મળી કોઈક લગ્ન પ્રસંગમાં કે પછી અન્ય કોઈ પ્રસંગમાં વધેલ ભોજનને હવે ગરીબો સુધી પહોંચાડતો. આમ, અન્નનો બગાડ અટકાવવા પણ તેણે આ વિશિષ્ટ કાર્ય હાથ ધરી લીધું હતું. આવા તો કેટલાય કાર્યો એણે શરૂ કરી દીધા અને ખુબજ સુખમાં જીવવા લાગ્યો. હા, પહેલાની જેમ જ. કહેવાય છે કે, ' પોતાની જવાદારીઓમાંથી ભાગવાની જગ્યાએ તેને નિભાવી લેવી જોઇએ'- આ બાબત સ્મિત એ તેના જીવનમાં સિદ્ધ કરી બતાવી. હવે તો તેને તેના જીવનમાં આવતા દરેક દુઃખની ચિંતા જ નહોતી રહેતી. કેમકે, દુઃખને સુખમાં ફેરવવાની ચાવી તેણે શોધી કાઢી હતી. હા, એ ચાવી એ જ કે દરેક પરિસ્થિતિનો નીડર બની સામનો કરવો. હવે તે પહેલાની જેમ જ કાયમ ખુશ રહેતો. અને તેના કાર્યો થી લોકો ખુશ થઈને તેને આશીર્વાદ પણ આપતા. હવે તો જિંદગી એક સ્વર્ગ બની ગઈ હોય તેમ સ્મિત અનુભવવા લાગ્યો. પણ...

હંમેશા આનંદમાં રહેતો એ જ સ્મિત ક્યારે આવી મુશ્કેલીમાં આવી ગયો તે કદાચ તેને પણ ખબર ન રહી.
કહેવાય છે કે,' જ્યારે માણસ સારું કાર્ય કરે છે ત્યારે પરિસ્થિતિ પણ તેને અનુકૂળ થતી હોય છે.' પણ, એ વાત પણ સત્ય છે કે, સારું કાર્ય કરવામાં મુશ્કેલીઓ પણ ઘણી આવતી હોય છે. આવી જ એક મુશ્કેલી સ્મિતના જીવનમાં પણ આવી. સ્મિતના સારા કાર્યથી કેટલાય લોકોને તેનાથી ઈર્ષા થતી હતી. આમાંના ઘણા લોકો એવા હતા જે સ્મિતને પાછળ પાડવા માંગતા હતા. ઈર્ષામાં ને ઈર્ષામાં આ લોકોએ સ્મિતને એક ખોટા કાર્યમાં ફસાવવાનું નક્કી કરેલું. સ્મિત તો પહેલાંના જેમ જ પોતાના કાર્યો કરતો. પરંતુ, તે ક્યારે આ લોકો ની જાળમાં ફસાઈ ગયો તે એને ખુદને ખબર જ ન પડી. કેટલાક લોકોએ પોતાના વગના સહારે સ્મિતને ડ્રગ્સ ની હેરફેરના ગુનામાં ફસાવીને તેને ગુનેગાર જાહેર કર્યો.

સ્મિતે પોતાને નિર્દોષ સાબિત કરવા ઘણા પ્રયત્નો કર્યા. તેના મિત્રોએ પણ પોતાનો સાથ સ્મિતને આપ્યો. છતાં, પરિસ્થિતિ કંઇક એવી તૈયાર કરવામાં આવી હતી કે, સ્મિતને એ ગુનામાંથી છોડાવવા, કરવામાં આવતા તમામ પ્રયત્નો કદાચ વ્યર્થ જાય. સ્મિતને આ કાર્યમાં હોવાનું કોઈ જલ્દી માનતું નહી. પણ, હાલત કંઇક એવી હતી કે, સ્મિતને બચાવવો મુશ્કેલ હતો.

દરેક પરિસ્થિતિનો સામનો કરતો સ્મિત આ પરિસ્થિતિથી હવે હારવા લાગ્યો હતો. તેને ખુદને શું કરવું તે સમજાતું નહોતું. તેના મિત્રો તેને હંમેશા દિલાસો આપતા. પણ, હવે તો એ ખુદ જ હારી ગયો હતો. પોતાના કરેલા તમામ પ્રયત્નો હવે તેને વ્યર્થ લાગવા લાગ્યા. ' માણસ સાચો હોય ત્યારે તેને અનેક મુશ્કેલીઓથી સંઘર્ષ કરવો જ પડે છે. ત્યાં કારણ એ જ છે કે, સાચું જલ્દી સ્વીકારાતું નથી. અને ખોટું જલ્દી ફેલાય છે.' ખુબજ સારા કાર્યમાં પ્રવૃત્ત સ્મિતને પણ આવા સંઘર્ષોનો સામનો કરવો પડશે તે તેણે વિચાર્યું પણ નહોતું. પણ, હવે તો તે પરિસ્થિતિથી જ હારી ગયો હતો. પોતાના આવા ખરાબ દિવસો ને તે હવે જોઈ નહોતો શકતો. તણાવમાં ને તણાવમાં એક રાતે પોતે પોતાની જાતને તેણે વિદાય આપી દીધી...સાથે જ પોતાના સ્નેહીઓ પાસેથી એ સ્મિતને પણ ગુમાવી દીધો કે જે સ્મિતથી દરેકના મુખ પર હમેંશા સ્મિત રહેતું. કેવા પહેલાંના તેના એ દિવસો અને કેવા આ સંજોગો. પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. પણ, એ સ્મિત હજુ પણ તે જ સ્મિત હતો જે પહેલા હતો. પણ કદાચ, તે આ વાત સમજી જ નહોતો શક્યો...


શીખવા જેવું(બોધપાઠ):

" દુનિયામાં દરેક માનવી પરિસ્થિતિનો સામનો કરે જ છે. પણ, ખરો સંઘર્ષ એ હોય છે જ્યારે આપણે દુઃખી હોઈએ છતાં પરિસ્થિતિ ને સાચવીને સંજોગોને જીતી શકીએ. સત્ય સમજતા ક્યારેક ઘણો સમય વિતી જાય છે. પણ, સત્ય ક્યારેય છુપતું નથી. આ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ. હા, સુખમાં સંઘર્ષ સહેલો હોય છે જ્યારે દુઃખમાં એ જ સંઘર્ષ અઘરો લાગવા લાગે છે. અને પરિસ્થિતી જો આપણા અનુકૂળ ન હોય તો આપણે તેના અનુકૂળ થવું જોઈએ. પણ, ક્યારેય ખોટું પગલું ન ભરાય જાય તેનું ધ્યાન રાખવું તે જ ખરું જીવન જીવ્યા નો આનંદ છે."