' નિજ ' રચિત એક જબરજસ્ત હાસ્ય રચના
દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે (The True Story)
દમલી એટલે કે દમયંતી નો ફાધર એમ તો કંજુસિયો હતો, દમલી બહુ સુંદર દેખાતી, ભણેલી પણ ભોળી યુવતી હતી, તેની સગાઈ ગામના જ એક સારા કુટુંબનો છોકરો રાહુલ સાથે નક્કી કરી હતી,
હવે આવશે કહાની માં ટ્વીસ્ટ નંબર 1:
ગામમાં સુરિયો એટલે કે સુરેશ એના મામા ને ત્યાં રહેવા આવ્યો, એના હાથ માં કાયમ બે પથ્થર હોય, એ બે પથ્થર એક બીજાને અફાડી અફાડી ને પિકચર ના ગાયનો કે ભજન ગાય, શું કહો છો?ટ્રેન માં જોયું છે?બસ તો એવું જ સમજી લો,
સુરિયો એટલા સરસ ગીતો ગાય અને સાથે સાથે પેલા બે પથ્થર થી એવો તો તાલ બેસાડે કે ન પૂછો વાત, અરે એક વખત તો ઝાડ નીચે બેસીને પથ્થર સાથે તાલ મિલાવતો ગીતો ગાતો હતો ને આંખ ઉઘાડી ને જોયું તો લોકો પૈસા મૂકતા હતા, બોલો,
હવે આપણી લવ સ્ટોરી આગળ વધશે,
આપણી હિરોઈન દમલી ને સંગીત નો બહુ શોખ, એ આ સુરિયા નું સંગીત સાંભળ્યા જ કરે, બસ એની પાસે બેસી રહે અને મુગ્ધ થઈ ડોલ્યા કરે,
આ બાજુ સુરિયો પણ દમલી ને જુએ એટલે તાન માં આવી જાય અને એનું બેસ્ટ પરફોર્મન્સ કાઢે ,
હવે બંને જણા પ્રેમ માં પડી ગયા,
એટલે રાબેતા મુજબ દમલી નો ફાધર બે ની વચ્ચે આવ્યો, દમલી ને બરાબર ધમકાવી ને ઘર માં પૂરી દીધી,
આ બાજુ રાહુલ થોડો બેસી રહે, એણે પણ સુરિયા ને બરાબર ઠમઠોર્યો,
પણ એ બન્ને નો પ્રેમ અમર હતો (એવું એમનું કહેવું હતું), દમલી પાસે આઇફોન 13 હતો( જીદ કરીને લીધેલો), તો સુરિયા પાસે પણ નોકિયા 1100 હતો, ભલે સ્માર્ટ નોતો પણ વાત તો થાય જ ને,
બન્ને જણાએ સિક્રેટ કોડ માં વાત કરી લીધી, મંદિર ની બાધા પૂરી કરવાના બહાને દમલી એની મમ્મી સાથે બહાર નીકળી,મમ્મી ને વિશ્વાસ માં લઈ રાખેલી, આ બાજુ સુરિયો પણ નીકળ્યો, રેલ્વે સ્ટેશને મળવાનું નક્કી કર્યું, હવે આ બાજુ રાહુલ ને ખબર પડી ગઈ , એટલે એણે દમલી ના ફાથર ને ફોન કરી દીધો,
દમલી છાનીમાની આગળ ચાલે ને એનો કંજૂસ ફાધર એની પાછળ પાછળ , બીજી બાજુ સુરિયો અને એનો મામો,
ત્રણેય પાર્ટી રેલ્વે પ્લેટફોર્મ પર ભેગી થઈ ગઈ,...
દમલી નો ફાધર:' બેટા, દમયંતી, આ શું કરે છે? આટલું સરસ સાસરું છોડી ને આની સાથે કેમ જાય છે? શું અમારો પ્રેમ ઓછો પડ્યો? '
દમયંતી:' હા, હું કાયમ કહું કે મારે સંગીત શીખવું છે, ક્લાસ ના પૈસા આપો તો તમે કાયમ ના પાડો છો, સુરિયા ભણી હાથ લંબાવી ને: 'આ સુરિયો કેટલુ સરસ ગાય છે, મને એની સાથે પ્રેમ થઈ ગયો છે બાપા, હું એના વગર નઈ રહી શકું '
રાહુલ: ' દમુ તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરુ છુ, મને છોડી ને ના જા'
દમયંતી: ' ના, હું તો જઈશ જ'
દમલી નો ફાધર: ' ખબરદાર દમલી, એક કદમ પણ આગળ વધી છે તો '
હવે આ બાજુ પ્લેટફોર્મ પર ટ્રેન આવી,
ને અહીંયા આવી બધી ' ડાયલોગબાજી' ચાલતી હતી,
સુરિયા ના મામાએ સુરિયાને સમજાવી ને ટ્રેન ના ડબ્બા માં બેસાડી દીધો , ટ્રેન ધીમે ધીમે ચાલુ થઈ, દમલી પણ દોડવા ગઈ,પણ એના ફાધરે દમલી નો હાથ પકડી રાખેલો ,દમલી રડતા રડતા એના ફાધર સામે જોઈ રહી, એની મમ્મી પણ એના વર ને કાલાવાલા કરવા લાગી,
પાછો ટ્વીસ્ટ આવ્યો,ટ્વીસ્ટ નંબર 2:
એના મહા કંજૂસ બાપે ફટાફટ ગણતરી કરી લીધી કે મારો તો ખર્ચો બચે છે, એણે હાથ છોડી દીધો: ' જા દમલી જા, જીવી લે તારી જિંદગી ,આ જ તને સાચો પ્રેમ કરે છે ' અને હાથ છોડી દીધો,
ચાલુ ટ્રેને સુરિયા એ દમલી ને ડબ્બા માં ચડાવી દીધી,
ના આપણી સ્ટોરી હજી પૂરી નથી થઈ,
દમયંતી નો મહા કંજૂસ ફાધર તો ઘરે જતો રહેલો,
પણ રાહુલ હજુ નિરાશ વદને પ્લેટફોર્મના બાકડા પર જ બેઠો હતો,
ટ્વીસ્ટ નંબર 3:
થોડા સમય પછી એ પણ પ્લેટફોર્મ પરથી એના ઘર તરફ જતો હતો ને પાછળ થી વળતી ટ્રેન માંથી દમલી નો અવાજ આવ્યો,
'રાહુલ, રાહુલ ઊભો રહે '
રાહુલ શોક્ડ, ને દમયંતી આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડતી રાહુલને વળગી પડી,
' સોરી રાહુલ, સોરી સોરી સોરી, આઇ એમ વેરી સોરી '
" ઇટ્સ ઓકે, પણ થયું છે શું? '
દમયંતી નાક સિકુડતા:
' રાહુલ, જેવી હું ટ્રેન માં ચડી ને એક સ્ટેશન ગયું ને એનો અસલ સ્વભાવ બહાર આવી ગયો, એ દરેક જણ પાસે પથ્થર અફાડી અફાડી ,ગીતો ગાઈને પૈસા માંગતો હતો, એં એં એં એં એં... એં એં એં એં.....’,
The end:
સ્ટોરી લખનાર પણ ખુશ, ડિરેક્ટર પણ ખુશ ને ઓડિયન્સ તો એકદમ ખુશમખુશ . ને પિકચર સુપરડુપર હિટ..
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ )
94268 61995