ઇતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ : સમ્રાટ હેમુ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ : સમ્રાટ હેમુ

“ મારો ! કાપો !” એવા અવાજો હજી પણ મારા કાનમાં ગુંજી રહ્યા છે. મારે અસંખ્ય કાન અને આંખ છે. મેં અત્યાર સુધી ઘટેલી દરેક ઘટના પોતાની આંખે જોઈ છે. હું ગતિમાન છું , શાશ્વત છું પણ ભૂલકણો નથી. કોઈ નહોતું ત્યારે પણ હું હતો અને કોઈ નહિ હોય ત્યારે પણ હું હોઈશ, કારણ હું સમય છું.

            હું આજે તમને કહીશ ઇતિહાસનું એક એવું પ્રકરણ જે બહુ પ્રકાશમાં નથી આવ્યું. કોઈ વ્યક્તિને પૂછશો કે દિલ્હીનો આખરી મુઘલ સમ્રાટ કોણ હતો તો તેનો જવાબ આસાનીથી આપી દેશે પણ જો પૂછશો કે દિલ્હીનો આખરી હિંદુ સમ્રાટ કોણ હતો તો સાચો જવાબ મળવાની શક્યતા ઓછી છે. હું આજે તે છેલ્લા હિંદુ સમ્રાટની વાત લઈને આવ્યો છું.

            તેનો જન્મ ઇ. સ. ૧૫૧૧ માં મેવાતના રેવાડી ગામમાં એક સામાન્ય વૈશ્ય પરિવારમાં થયો હતો. તેનું નામ હેમચંદ્ર હતું પણ તે હેમુના નામથી ઓળખાતો. દિલ્હીમાં નાનો ધંધો કરતો હેમુ પોતાની પ્રતિભા અને નિર્ણયક્ષમતાના જોરે આદીલશાહનો પ્રધાનમંત્રી અને સેનાપતિ બની ગયો. સૂરી વંશનો આદિલશાહ બહુ લાયક શાસક ન હતો અને તેનો બધો દારોમદાર હેમુ ઉપર હતો. હેમુએ આદિલશાહ માટે બાવીસ યુદ્ધો લડ્યા અને દરેકમાં જીત હાસલ કરી. તેની આ કાબિલિયત અને બધાને સાથે રાખવાને લીધે તે શાહ હેમુ તરીકે જાણીતો થયો.મિર્ઝાપુરના ચુનારમાં રહેતા આદિલશાહની નજર દિલ્હીની ગાદી ઉપર હતી પણ હુમાયુંના  મજબુત લશ્કર સામે તેનો પાનો ટૂંકો પડતો હતો.

            એક દિવસ તેના નસીબ આડેનું પાંદડું હટ્યું અને દિલ્હીથી સમાચાર આવ્યા કે હુમાયુંનું અકસ્માતમાં  મૃત્યુ થયું છે અને દિલ્હીની ગાદી ખાલી પડી છે.

            આટલી લાંબી પ્રસ્તાવના બાદ તમને હું તે સમયમાં લઇ જાઉં છે અને તે ઘટના આપણે હેમુના ખાસ સેવક હરિરામના નજરોથી જોઈશું, હું હવે તેની સ્મૃતિઓ તમારી સામે મૂકી રહ્યો છું.

 
 

            આજનો દિવસ કંઈક જુદો જ ઉગ્યો છે, આજે શાહસાહેબે વહેલો બોલાવ્યો છે. પૂજાસેવા તો પતાવી દીધી, આ ઘરવાળી શિરામણ આપે એટલે હું ઉપડું શાહસાહેબની સેવામાં. જલ્દી પહોચવાના સમાચાર તો ગઈકાલે રાત્રે જ આવી ગયા હતા એટલે સવારે વહેલો ઉઠ્યો હતો અને મનમાં આ બધા વિચારો રમી રહ્યા હતા. વહેલો ઉઠીને શાહસાહેબની સેવામાં તેમના ઘરે પહોંચ્યો. શાહસાહેબનું ઘર ફક્ત કહેવા માટે ઘર હતું બાકી તેની અંદરનું રાચરચીલું સુલતાનના મહેલ કરતાં ઓછું નથી અને કેમ ન હોય આજે સુલતાન આદિલશાહ તેમના લીધે જ સુલતાન છે.

            હું તેમના ઘરે પહોંચ્યો ત્યારે શાહસાહેબ પૂજામાં હતા. હું બહાર દીવાનખંડમાં મુકેલી બેઠક ઉપર તેમની રાહ જોતો બેસી રહ્યો. થોડી જ વારમાં મારા માટે મિષ્ટાન્ન આવ્યું. બ્રાહ્મણ છું આવેલા મિષ્ટાન્નને ના થોડું કહેવાય એ વિચારે તેને ન્યાય આપ્યો. થોડીજ વારમાં શાહસાહેબ જે શાહ હેમુના નામથી જાણીતા મારા અન્નદાતા  દરવાજેથી પ્રગટ થયા. આજે તેમના ચેહરા ઉપર અનોખું તેજ હતું, જાણે મા ભવાની આજે તેમના પર પ્રસન્ન થયા હોય એવું લાગી રહ્યું છે. મેં ઝૂકીને મુજરો કર્યો તો તેમણે કહ્યું,”ભૂદેવ, આવી રીતે મુજરો કરીને મને પાપમાં ન નાખો. તમે મારા નોકર નહિ સલાહકાર છો. મારે આજે તમારું મહત્વનું કામ પડ્યું છે.” મેં કહ્યું,”એકવાર રાજની ચાકરીએ લાગીએ એટલે તેમના નિયમો પાળવા પડે, તમે સેનાપતિ પણ ખરા અને પ્રધાન પણ એટલે મારું તમારી સામે ઝૂકવું એ યોગ્ય છે અને આપ હુકમ કરો શું કરવાનું છે?”

            કોઈક ઊંડી મથામણમાં હોય એવું લાગી રહ્યું છે. શાહસાહેબે થોડા અચકાતા કહ્યું,” થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે બાદશાહ હુમાંયુંનું મૃત્યુ થઇ ગયું છે અને દિલ્હીનો ગાદી ખાલી પડી છે અને સુલતાને ચઢાઈ કરવાનું કહ્યું છે.” મેં કહ્યું,”એમાં શું મોટી વાત છે આપણા લશ્કરનો દરેક સિપાહી આપના હુકમને અલ્લાહનું ફરમાન સમજીને પુર્ણ કરે છે. આપ કહેશો એટલે તરત તૈયારી કરીશું.” મારો આ જવાબ સંભાળીને પણ તેમના ચેહરા પરની મથામણ દુર થતી ન લાગી એટલે મેં કહ્યું,”સરદાર, આપને મારા વચનમાં સંદેહ છે?” તેમણે કહ્યું,”તમારી વાત પર સંદેહ કરું એટલો મુર્ખ નથી મારા માટે ચિંતનની બાબત જુદી છે. આજ સુધી હું સુલતાન માટે ઘણા યુદ્ધો લડ્યો છું અને દરેક વખતે ફતેહ મેળવી છે પણ તમને ખબર છે સુલતાન ઐયાશ કિસમની વ્યક્તિ છે અને ગાદી પર બેસવાને લાયક નથી, હિન્દુઓને તે હીન નજરે જુએ છે અને પુર્ણ સમ્માન નથી આપતો.”

            હું તેમની વાતચીતની દિશા સમજવા લાગ્યો હતો. મારા પોતાના વિચારો પણ સુલતાન માટે સારા ન હતા પણ એના લીધે મારું ઘર ચાલી રહ્યું હતું એટલે મારા એવું કશું વિચારવાનું ન હતું, પણ શાહસાહેબ ઊંચા હોદ્દેદાર હતા એટલે એ કઈક કરી શકે તેમ હતા. તેમણે મને કહ્યું,” ભૂદેવ, આપ જાણી લો કે સેનામાં આપણા કેટલા વફાદાર છે અને સુલતાનના કેટલા? આપણે પાચ દિવસ પછી દિલ્હી પર ચઢાઈ કરીશું અને એકવાર દિલ્હી કબજે કરીશું એટલે સુલ્તાનને રામ રામ કહી દઈશું.” તેમના ઈરાદા જુદા લાગી રહ્યા હતા પણ વિદેશી શાસકને બદલે હિંદુ શાસક હોય એવી મારા મનમાં પણ ઊંડે ઊંડે ઈચ્છા હતી. તેથી મેં પણ કહ્યું,”હું તપાસી લઉં છું, અને જે આપના વફાદાર નહિ હોય તેમને અહી જ રાખીશું.”

            ત્યાર બાદ મેં મારી કારસ્તાની શરુ કરી, મને પહેલેથી જ ખબર હતી કે સુલતાનના વફાદાર કોણ છે જે પહેલાથી જ શાહસાહેબ વિષે ખરાબ અભિપ્રાય રાખે છે. મેં દિલ્હીની જંગ માટે સૈન્ય તૈયાર કર્યું જેમાં સુલતાનના વફાદારોને બાકાત રાખ્યા અને એક મોટી સેના સાથે ગ્વાલિયર તરફ આગેકુચ કરી. આમ તો લખનૌ તરફનો રસ્તો સારો હતો પણ કોઈનું ધ્યાન ન આકર્ષાય તે રીતે જવાનું હતું તેથી તે રસ્તો ટાળ્યો અને અમે પહેલા આગરા પહોચ્યા અને ત્યાં ફતેહ મેળવી. આગરા પહોચ્યા પછી સમાચાર મળ્યા કે દિલ્હીમાં બહેરામ ખાં કે અકબર હાજર નથી અને દેલ્હી તરદીબેગ ખાં નામના સરદારને હવાલે છે. શાહસાહેબ તેના વિષે જાણતા હતા એટલે ચઢાઈની રણનીતિ બદલી અને અમે દિલ્હીને આસાનીથી કબજે કરી. દિલ્હી કબજે કર્યા પછી શાહસાહેબે પહેલું કામ કર્યું જાલંધરથી પાછા આવી રહેલા બહેરામખાં અને શહેજાદા અકબરને રોકવાનું.

            શાહસાહેબે આ કામ બખૂબીથી કર્યું હવે આગળનું કામ મારે કરવાનું હતું. બે સાથે આવેલી ટુકડીઓના સરદારોને એકત્ર કર્યા અને કહ્યું,” સરદારો, કેટલી ફતેહ હાંસલ કરી છે આપણે સુલતાન માટે પણ તેમને આપણી કોઈ કદર નથી, અને આપણા શાહ હેમુ હંમેશા આપણો સાથ આપે છે અને આપણી કદર કરે છે તો શું આપણ નથી ઈચ્છતા કે તે જ બાદશાહ બને અને દિલ્હીનો તખ્ત સંભાળે?” શાહસાહેબના સારા સ્વભાવથી બધા પરિચિત હતા.  થોડા વિરોધ પછી બધાએ મારા સૂચનનો સ્વીકાર કર્યો અને તે પછી અમે બધા મળીને શાહસાહેબને મળવા ગયા અને વિનંતી કરી કે દિલ્હીના બાદશાહ તે જ બને. થોડી આનાકાની બાદ તે બાદશાહ બનવા તૈયાર થયા પણ તેમણે કહ્યું,”હું દિલ્હીનો બાદશાહ નહિ બનું, હું દિલ્હીનો સમ્રાટ બનીશ, બાદશાહ કે સુલતાનની ઉપાધી જ માણસને ઐયાશ બનાવી દે છે. હું સામાન્ય પ્રજામાંથી આવું છું અને મારા પુરોગામી સમ્રાટ અશોક અને સમ્રાટ હર્ષવર્ધનની જેમ લોકોની સુખાકારી માટે કામ કરીશ.” અમે જયજયકાર સાથે તેમની આ વાત વધાવી લીધી.

            ત્યારબાદ શાહસાહેબનો રાજ્યાભિષેક થયો અને સેનાપતિ શાહ હેમુમાંથી તે હવે સમ્રાટ હેમચંદ્ર વિક્રમાદિત્ય બન્યા. દશે દિશાઓ જયજયકાર કરવા લાગી. સમ્રાટ હર્ષવર્ધન પછી ભારતના બનનારા હિંદુ સમ્રાટ હતા મારા શાહસાહેબ. ત્યારબાદ સમાચાર આવ્યા કે બેહરામ ખાં વિદેશ ગયો છે અને મોટું લશ્કર લઈને આવી રહ્યો છે. પણ અમને ચિંતા ન હતી કારણ હવે અમારું સૈન્યબળ પહેલા કરતાં અનેકગણું વધી ગયું હતું. અંતે એ દિવસ પણ આવી ગયો હતો જયારે અમારી સેના અને શહેજાદા અકબરની સેના પાણીપતનાં મેદાનમાં સામસામે હતી.

            અમારી સેનાની બાગડોર અમારા સમ્રાટ હેમુના હાથમાં હતી અને અકબરની સેનાની બાગડોર બેહરામ ખાંના હાથમાં હતી. મારી જાણકારી મુજબ આ જ મેદાનમાં ત્રીસ વર્ષ અગાઉ અકબરના દાદા બાબર અને ઈબ્રાહીમ લોદી વચ્ચે યુદ્ધ થયું હતું. આજે અમારા લશ્કરો ટકરાવાનાં હતા. મને સમ્રાટમાં પુર્ણ ભરોસો હતો, તેઓ આજ સુધી એકેય યુદ્ધ હાર્યા ન હતા. ઘનઘોર યુદ્ધ શરુ થયું. દશે દિશાઓ  મારો કાપો , અલ્લાહુ અકબર , હર હર મહાદેવના  નાદથી ગુંજી રહી હતી. શહેજાદા અકબરની સેના પીછેહઠ કરી રહી હતી. સમ્રાટ હાથી પર બેસીને સેનાનું સંચાલન કરી રહ્યા હતા.

            પણ અચાનક એક તીર આવીને સમ્રાટની આંખમાં ઘુસી ગયું અને સમ્રાટ બેભાન થઈને હાથી ઉપરથી પડી ગયા. અમારી સેનાએ આ જોયું અને ભાગદોડ મચી ગઈ. બધાને લાગ્યું સમ્રાટ મૃત્યુશરણ થયા છે. હું દોડીને સમ્રાટની પાસે પહોંચ્યો અને તેમની નડી તપાસી. સમ્રાટ હજી જીવિત હતા. મેં બધાને રોકવાની કોશિશ કરી પણ આટલી બધી ભાગદોડમાં મારો અવાજ કોના સુધી પહોચવાનો હતો. થોડી જ વારમાં અમે ઘેરાઈ ગયા અને તે ઘેરાની અગવાઈ બેહરામખાં કરી રહ્યો હતો. ત્રીસ વર્ષ પહેલાનું યુદ્ધ પણ મુઘલો જીત્યા હતા અને આ યુદ્ધમાં  પણ મુઘલોનો જ વિજય થયો હતો. બેહરામખાં જીતની મસ્તીમાં અમારી પાસે આવ્યો. સમ્રાટ હોશમાં આવી ગયા હતા. તેણે મારા પેટમાં પગથી પ્રહાર કર્યો અને મને સમ્રાટથી દુર ધકેલ્યો અને તે શહેજાદા અકબર સાથે સમ્રાટની નજીક પહોંચ્યો.

            આ બધું હું દુરથી જોઈ રહ્યો હતો. બેહરામખાંએ શહેજાદા અકબરના હાથમાં તલવાર આપી અને સમ્રાટની ગરદન કાપવાનું કહ્યું પણ અકબરે ના પડી અને કહ્યું હારેલાને મારવો ન જોઈએ પણ બેહરામખાંએ કહ્યું યુદ્ધમેદાનમાં શત્રુને મારનારને ગાઝી કહેવાય છે એમ કહીને તેણે સમ્રાટનું માથું તલવારના એક જ વારમાં ધડથી જુદું કર્યું. તે પછી હું બેભાન થઇ ગયો.

            હું હોશમાં આવ્યો ત્યારે ભારત ઉપર ફરીથી મુઘલ સામ્રાજ્યનો ઝંડો લહેરાઈ રહ્યો હતો.

 
 

           આવા ઘણા બધા કિસ્સા છે જે પ્રકાશમાં નથી આવ્યા પણ મેં તો બધી જ ઘટનાઓ જોઈ છે. તેમાંથી આ એક ઘટના.

 

સમ્રાટ હેમચંદ્ર વિક્રમાદિત્ય

જન્મ : ઇ.સ. ૧૫૦૧

મૃત્યુ : ઇ.સ. ૧૫૫૬

રાજ્યાભિષેક : ઓક્ટોબર ૭ , ૧૫૫૬

પાણીપતનું યુદ્ધ : નવેમ્બર ૩ , ૧૫૫૬