ચાલ ફરી જીવી લઈએ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલ ફરી જીવી લઈએ

પલ્લવીબેને સુધીર તરફ જોઇને કહ્યું,”સુધીરભાઈ, આવતી કાલે એક નવા મેમ્બર આવશે આપણે ત્યાં, તો તેમના માટે રૂમ તૈયાર કરાવી દેજો.” સુધીરે માથુ હલાવ્યું અને કહ્યું,”થઇ જશે, કોણ આવે છે ગાય કે બળદ?” પલ્લવીબેન હસ્યા અને કહ્યું,”ગાય જ છે પણ જાણી લો કે થોડી મારકણી છે, એના રસ્તામાં આવી ન જતા.” સુધીર હસ્યો અને ધીમેથી લાકડીના ટેકે સીડીઓ ઉતર્યો. પછી નટુને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું,” નટુ, ઉપર રૂમ નંબર પંદરની સાફસફાઈ આજે જ પતાવી દે અને તેમાં જોઈતી વસ્તુઓ મૂકી દે જે, મારી પાસેથી લીસ્ટ લઇ જજે.” નટુએ માથું હલાવ્યું અને નીકળી ગયો. તેના ગયા પછી સુધીર મનોમન બબડ્યો,”હાશ! ઘણા સમય પછી કોઈ જવાબદારી મળી છે, લાવ ઓફિસમાં જઈને લીસ્ટ ચેક કરી લઉં, કંઈ મંગાવવાનું હોય તો પલ્લવીબેનને કહી દઉં.” 

            ઉપરોક્ત દ્રશ્યો આનંદધામ વૃદ્ધાશ્રમના હતા. પલ્લવીબેન, આનંદધામ વૃદ્ધાશ્રમના કર્તાહર્તા હતા. તેમના પતિએ અને તેમણે મળીને આ વૃદ્ધાશ્રમની સ્થાપના કરી હતી. આનંદધામમાં આવનાર વૃદ્ધો અને મુલાકાતીઓ માટે એક જ શરત હતી, કોઈના ભૂતકાળની વાત નહિ કરવાની. ત્યાં વાતચીતનો વિષય એક જ રાખવાનો આજે શું કરવાનું છે? અને આવતીકાલે શું કરીશું? પલ્લવીબેનના પતિ સુરેન્દ્રભાઈ બિલ્ડર હતા અને તેમની કારકિર્દી દરમ્યાન અઢળક કમાયા અને તેમના બાળકો ભણીગણીને અમેરિકામાં સ્થાઈ થઇ ગયા પછી હવે તેમના માટે કોઈ લક્ષ્ય બચ્યું ન હોવાથી તેમણે આ આશ્રમ સ્થાપ્યો અને સમાજ પાસેથી જે કમાયા તેની પરતફેડ તરીકે એક ફ્લેટ છોડીને પોતાની સઘળી સંપત્તિ વૃદ્ધાશ્રમને દાન કરી દીધી. 

            પલ્લવીબેને કામ કરવા માટે માણસો રાખ્યા હતા, છતાં અહીં રહેનાર વૃદ્ધોને વ્યસ્ત રાખવા જુદી જુદી કમિટી બનાવી હતી. ભોજનની વ્યવસ્થાની દેખરેખ રામજીતભાઈ જોતા હતા, રોજવપરાશની વસ્તુઓ બરાબર આવે છે કે નહિ તેનું ધ્યાન મયંકભાઈ રાખતા અને જો કોઈ નવું મેમ્બર આવવાનું હોય તો તેના માટે રહેવા માટેની રૂમની સાફસફાઈ બરાબર થઇ છે કે નહિ? કઇ ખૂટતું તો નથી? એ જોવાની જવાબદારી સુધીરની હતી. જો કે બાકી લોકો કરતાં સુધીરને કામ ઓછું રહેતું, માંડ છ મહીને કોઈ નવું મેમ્બર આવતું. તહેવારોની ઉજવણી માટેના કાર્યક્રમોની તૈયારી કરવાની જવાબદારી અલ્પાબેનની પાસે હતી.આ રીતે બધાનો સમય હસીખુશી વ્યતીત થતો. 

            સુધીરે ઓફિસમાં જઈને નવા મેમ્બરને અપાતી સગવડો અને તેને અપાનાર વસ્તુઓને લીસ્ટ તપાસી અને નટુને ચેક કરવા કહ્યું,”જો ભાઈ કોઈ વસ્તુ ખૂટતી હોય તો આજે જ મંગાવી લે, કોઈ રહેવા આવ્યા પછી એમ ન કહેતો કે આવતીકાલે લાવીશ.” નટુએ હસીને કહ્યું,” કાકા, તમે ખોટી ચિંતા ન કરો, બધું જ છે.” સુધીરે આંખો મોટી કરીને કહ્યું,”સાલા, કેટલી વાર કીધું છે મને કાકા નહિ કહેવાનું. હું તારાથી ચાર પાચ વર્ષ જ મોટો હોઈશ.” નટુ હસીને ત્યાંથી નીકળી ગયો. સાંજે જમીને આડા પડ્યા પછી સુધીર વિચારવા લાગ્યો કોણ આવવાનું છે? કોણ વિલન હશે આવનાર પોતે કે પછી તેના ઘરના? 

            બીજે દિવસે સવારે સુધીરે રૂમ ચેક કરી લીધી અને પલ્લાવીબેનને કહ્યું,”બધી વ્યવસ્થા થઇ ગઈ છે, હવે ક્યારે આવે છે તમારી મારકણી ગાય?” સુધીર રમુજી હતો, તે હમેશા કહેતો સ્ત્રી ગાય જેવી હોય છે અને પુરુષ બળદ જેવો. ગાય મારકણી કે ગરીબ હોઈ શકે પણ બળદ હમેશા એક જ જેવા હોય છે. આખી જિંદગી વૈતરું કરવાનું અને પછી ફરિયાદ કરતાં રહેવાનું કે આખી જિંદગી કામ જ કરે રાખ્યું છે. 

પલ્લવીબેને કહ્યું, ”આવતા જ હશે.” 

            થોડીવાર પછી એક રીક્ષા વૃદ્ધાશ્રમની સામે આવીને ઉભી રહી. ઉતારનાર સ્ત્રીને સુધીર થોડીવાર ધ્યાનથી જોઈ રહ્યો અને તેને ઓળખી ગયો. તેના ચેહરા પર ઘણાબધા હાવભાવ આવી ગયા અને છેલ્લે ફક્ત ઘૃણાનો ભાવ બચ્યો હતો. સુધીરે પીઠ ફેરવી લીધી અને ધીમી ચાલે ત્યાંથી નીકળી ગયો. પલ્લવીબેને આગળ વધીને તે સ્ત્રીની મદદ કરી. તેમણે તેની બેગ નટુને આપી અને રૂમમાં મૂકી આવવા કહ્યું અને તે સ્ત્રી તરફ ફરીને કહ્યું,” શીતલબેન, તમારું સ્વાગત છે આનંદધામમાં, આપણે પહેલાં હોલમાં જઈએ ત્યાં હું તમારી ઓળખાણ બધા સાથે કરાવું, પછી તમને તમારી રૂમ દેખાડીશ.” 

            પલ્લવીબેન શીતલની ઓળખાણ બધા સાથે કરાવી રહ્યા હતા, તે વખતે સુધીર પોતાની રૂમમાં ભરાઈ ગયો હતો અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો હતો. તેનો ભૂતકાળ પણ તેના સ્વભાવની જેમ ખટમીઠો અને થોડો તીખો હતો.

 

*********************************************************************************************

             સુધીર હજી એક વરસ પહેલાં જ નોકરીએ લાગ્યો હતો પણ પોતાની કુશળતાથી સીનીયર ક્લાર્ક બની ગયો હતો. તેનો હસમુખ અને સાલસ સ્વભાવ બધાને બહુ ગમતો, તેથી સ્ટાફમાં પણ તે પ્રિય હતો. ઉપરાંત કામમાં પણ ચોક્કસ હોવાથી તેનો આદર પણ થતો. તે જ વખતે તેમની ઓફિસમાં પ્રવેશ થયો શીતલનો. શીતલ એટલે સુંદરતાની મુરત, મુક્ત સ્વભાવ અને આધુનિક પહેરવેશ. 

            થોડા જ સમયમાં તે સ્ટાફમાં ચર્ચાનું અને ઈર્ષાનું કેન્દ્ર બની ગઈ. તે સાહેબની સેક્રેટરીની તરીકે જોઈન થઇ હતી. તેની પીઠ પાછળ ઘણીબધી વાતો થતી. “પોતાના રૂપનું જાળ પાથરીને સેક્રેટરી બની છે, છમ્મક છલ્લોના કપડાં તો જો!, સાંજે સાહેબ સાથે જ જતી હશે.” જેવી અનેક કાનાફૂસી દિવસ દરમ્યાન થતી. છતાં પુરુષકર્મચારી વર્ગ તેની સાથે વાત કરવા આતુર રહેતો. શીતલ આવે એટલે દરેકની નજર તેના પર ખોડાયેલી રહેતી. જો કે સુધીરે એવો સિગ્નલ કદી આપ્યો નહિ કે તેની સાથે વાત કરવા આતુર છે, પણ અંદરખાને એવું ઈચ્છતો કે શીતલ સામેથી તેની સાથે વાત કરવા આવે. પણ શીતલ હંમેશા તેના કામમાં મશગુલ રહેતી. 

            એક દિવસ તેની આ ઈચ્છા પૂરી થઇ, સુધીર કેન્ટીનમાં જમી રહ્યો હતો તે વખતે શીતલ તેના ટેબલ પર આવી અને પૂછ્યું,”શું હું અહી બેસી શકું છું?” અચાનક આઘાત લાગ્યો હોય તેમ સુધીર કંઈ બોલી શક્યો નહિ , છતાં હાથથી ઈશારો તો કરી જ દીધો.

           શીતલ શાંતિથી જમવા લાગી પછી સુધીર તરફ જોઇને કહ્યું,” સુધીરજી થોડું શાક આપશો?” હવે સુધીર સામાન્ય થઇ ગયો હતો, તે હસ્યો અને તેણે કહ્યું,” સોરી! મારે આ પહેલાં જ પૂછવું જોઈતું હતું.” તે પછી બંને વચ્ચે સારી દોસ્તી થઇ ગઈ. તે પછી તેઓ ઓફીસના સમય બાદ પણ સાથે સમય વિતાવતા. કયારેક હોટેલમાં જમવા જતાં તો ક્યારેક ફિલ્મ અને નાટકો જોવા જતાં. નાટક અને ફિલ્મો એ બંનેની પ્રિય પ્રવૃત્તિ હતી. તેમનો સમય સારી રીતે વ્યતીત થઇ રહ્યો હતો. સુધીરના મિત્રોને પણ તેની અદેખાઈ આવવા લાગી હતી. 

         તેમની આ મિત્રતા પ્રણયમાં પરિણમવાની હતી, ત્યાં જ પ્રવેશ થયો બ્રિજેશનો. બ્રિજેશ કંપનીના માલિકનો દીકરો હતો અને વિદેશમાં ભણીને પાછો આવ્યો હતો. દેખાવે આકર્ષક, છેલબટાઉ યુવક હતો. તેની રહેણીકરણી ઉચ્ચ દરજ્જાની હતી. બ્રિજેશ ઓફિસમાં આવ્યા પછી શીતલ ધીમે ધીમે તેની તરફ ઢળવા લાગી. સુધીરને લાગવા લાગ્યું કે શીતલ તેનાથી દુર જવા લાગી છે એટલે તેણે શીતલને આકર્ષવાના પ્રયત્નો શરુ કર્યા, પણ જયારે લાગ્યું કે શીતલ હાથમાંથી સરી જશે એટલે એક પ્રેમપત્ર લખીને તેને આપ્યો. 

તે પત્ર મળ્યા પછી શીતલ તેને મળવા આવી અને કહ્યું,”સુધીર, હું તને મારા મિત્ર તરીકે જોતી હતી, મારા મનમાં ક્યારેય તારા માટે પ્રણયના ભાવ જાગ્યા નહોતા. પણ ભૂલેચૂકે જો મારા વ્યવહારને લીધે લાગ્યું હોય તો મને માફ કરી દેજે. મેં મારો ભાવી પતિ શોધી લીધો છે.” 

સુધીર પાસે તેની વાતનો કોઈ જવાબ નહોતો, તેનું દિલ તૂટી ગયું હતું. તે પછી તેણે નોકરીએથી રાજીનામું આપી દીધું અને બીજા શહેરમાં વસી ગયો. માબાપની મરજીથી લગ્ન કર્યા પણ ક્યારેય શીતલને ભૂલી ન શક્યો અને છેક આટલાં વર્ષે તે સામે આવીને ઉભી રહી. એટલામાં સુધીરની રૂમને દરવાજે ટકોરા વાગ્યા, જેણે સુધીરને વર્તમાનમાં લાવી દીધો. 

સુધીરે  કમને ઉભા થઈને દરવાજો ઉઘાડ્યો, તો સામે શીતલ ઉભી હતી અને સ્મિત કરી રહી હતી. 

શીતલે કહ્યું,” અંદર આવવા નહિ કહે?” સુધીર દરવાજા પાસેથી ખસી ગયો અને તે અંદર આવી.” 

રૂમમાં થોડીવાર શાંતિ છવાયેલી રહી. વાતની શરૂઆત શીતલે કરી,” સુધીર,કેટલું વિચિત્ર લાગે છે ને આટલા વર્ષે અને તે પણ વૃદ્ધાશ્રમમાં! મને અહીં જોઇને ખુશી ન થઇ? અને તારા ચેહરા પર બાર કેમ વાગેલા છે? હજી સુધી દુઃખી છે કે મેં તે વખતે તને લગ્ન માટે ના પાડી હતી તે માટે?” 

સુધીર એક પણ શબ્દ ન બોલ્યો પણ તેનો ચેહરો ચાડી ખાતો હતો કે તે નારાજ છે. 

શીતલે કશું ગણકાર્યા વગર આગળ કહ્યું,” સુધીર, ઘણીબધી ઘટનાઓ જીવનમાં બનતી હોય છે જે આપણી ઈચ્છાને અનુરૂપ નથી હોતી, પણ તેનો સ્વીકાર કરીને આગળ વધવું પડે છે. તેં ઉતાવળે રાજીનામું આપ્યું અને શહેર છોડીને નીકળી ગયો હતો. મારે તારી સાથે વાત કરવી હતી પણ એટલો સમય પણ તેં મને ન આપ્યો.” 

છેલ્લે જયારે આપણે મળ્યા ત્યારે ઘણુંબધું કહેવું હતું, પણ કહી ન શકી. તેં વિચાર્યું હશે કે મેં પ્રેમ અને પૈસામાં, પૈસાને પ્રાધાન્ય આપ્યું પણ એવું નહોતું. બ્રિજેશ પણ મને એટલું જ ચાહતો હતો અને તે વિષે એકદમ ક્લીયર હતો. તેં જયારે મને પ્રેમપત્ર આપ્યો તેના બે દિવસ પહેલાં જ બ્રિજેશે મને લગ્ન માટે પૂછ્યું હતું અને હું  તેને લગ્ન માટે હા પાડી ચુકી હતી. એવા વખતમાં હું તને શું જવાબ આપત. એવું નહોતું કે તું મને ગમતો નહોતો, પણ તેં પૂછવામાં મોડું કર્યું હતું.” 

સુધીરે કહ્યું,” તું મને કહી શકી હોત, કદાચ આપણા લગ્ન થયા હોત તો આપણે બંને અહી ન હોત.” 

શીતલે કહ્યું,” હું જો અને તો માં વિશ્વાસ નથી રાખતી અને મારા કરેલા નિર્ણયો માટે પછતાવો નથી કરતી, અને ક્યાં સુધી ભૂતકાળમાં જીવીશ? સંજોગોએ આપણને ફરી ભેગા કર્યા છે તો તેનો આનંદ લે.” એટલું કહીને તે નીચેની તરફ નીકળી ગઈ. 

થોડીવાર સુધી સુધીર શૂન્યમાં તાકીને બેસી રહ્યો અને ફરી ભૂતકાળમાં ડોકિયું કર્યું અને વિચારવા લાગ્યો કે હા શીતલની વાત સાચી છે તેણે મને એવો કોઈ સિગ્નલ નહોતો આપ્યો કે તે એને ચાહે છે. શીતલ સાથેની મુલાકાત પછી તેણે બોજે જ દિવસે રાજીનામું ધરી દીધું હતું અને ફરી શીતલને મળ્યો નહોતો. 

 સુધીર શીતલ પાસે ગયો અને કહ્યું,” તારી વાત પણ સાચી છે, જે સમય વીતી ગયો છે તે તો ફરી નથી આવવાનો, પણ આવનારો સમય તો આપણા હાથમાં છે તો ચાલ જેટલો સમય છે,એ હસીખુશીથી વિતાવીએ. આપણા લગ્ન ન થયા પણ આપણે મિત્ર તરીકે તો રહી શકીએ. હવે ભૂતકાળમાં નહિ વર્તમાનકાળમાં જીવીએ. ચાલ ફરી જીવી લઈએ ” એટલું કહીને હસવા લાગ્યો.

 

 

સમાપ્ત