Ekant books and stories free download online pdf in Gujarati

એકાંત

એકાંતને ઓવારે બેઠી જો હોઉં,શૈશવ કીકીઓમાંથી ધીમું મલકે.

            લગ્ન આડે ત્રીસ દિવસ જ બચ્યા હતા, ત્રીસીને પાર કરી ગયેલી રમાએ બારી બહાર નજર કરી. અડધો રહી ગયેલો ચંદ્ર જાણે તેની સામે જ જોઈ રહ્યો હોય તેમ લાગ્યું. મનની પ્રસન્નતાને લીધે વાતાવરણ પ્રફુલ્લિત લાગી રહ્યું હતું. તે આજે જ ગામડે પહોંચી હતી અને ઘર વાળીને ચોખ્ખું કર્યું હતું. તેના પિતા કરસનભાઈનો ફોટો દીવાલ ઉપર હાર સાથે સજાવી દીધો હતો. સંપૂર્ણ દિવસ કામ કરીને થાકી ગયા છતાં રમાની આંખમાં ઊંઘ ન હતી. તેણે જેને ચાહ્યો હતો તેની સાથે જ તેના લગ્ન થવાના હતાં.

            બાકી બહેનોનું જીવન થાળે પડે તે માટે તેણે આજ સુધી લગ્ન કર્યા ન હતાં. ઘરના આંગણા તરફ નજર કરી, લીમડાની ડાળીઓ મંદ મંદ પવન સાથે લહેરાઈ રહી હતી, આસમાનના તારા તેની સાથે વાત કરી રહ્યા હતા. તેણે આજે જ ક્યાંક એક પંક્તિ વાંચી હતી તે યાદ આવી ગઈ અને તે ગણગણવા લાગી.

એકાંતને ઓવારે બેઠી જો હોઉં,શૈશવ કીકીઓમાંથી ધીમું મલકે.

            તે પ્રાસ જોડવાનો પ્રયત્ન કરવા લાગી.

બની જાઉં હું ફરી બાળક, આંગણું મારી મસ્તીથી છલકે.

            ક્યાંથી ભૂલી શકે કોઈ શૈશવ! તે પણ ક્યાં ભૂલી હતી. શાંત આંગણામાં પણ તેને શોરબકોર સંભાળવા લાગ્યો. ત્રણ બહેનોનો રમત રમવાનો શોરબકોર.

            “બુન, હવે તારો દાવ, તું અમને પકડજે.” નાની હંસા તેને પકડવા માટે બોલાવી રહી હતી. આંગણામાં પકડદાવની રમત ચાલી રહી હતી.

            “રમા, હંસા, ભાવના બધા ચાલો જમવા” થોડી ઉધરસ ખાતા જમનાબેને પોતાની દીકરીઓને અવાજ આપ્યો.

            “મા, તારું પેટ કેમ ફૂલેલું છે?” નાની પણ ચબરાક ભાવનાએ તેની માતાને સવાલ કર્યો.

            ધીમી ધીમી ઉધરસ ખાતાં જમનાબેને પોતાના પેટ ઉપર હાથ ફેરવ્યો. તે પોતાના પતિ કરસનદાસની જીદ આગળ ઝૂક્યાં હતાં અને ચોથીવાર ગર્ભ ધારણ કર્યો હતો, એક પુત્રની આશામાં. તેમનું શરીર પહેલાંથી જ કમજોર અને તેમાં પણ ખેતરની કાળી મજુરી કરીને ઓર કમજોર બની ગયું હતું.

            ત્રીજીવાર પણ દીકરી અવતરી ત્યારે કરસનદાસ નિરાશ થઇ ગયા હતા અને પોતાના નસીબ અને જમનાને ભરપુર કોસી હતી. બાપને દીકરીઓ વહાલી હોય છે, પણ જ જાણે કેમ કરસનદાસ જાણે જડ થઇ ગયા હતા અને ત્રીજી દીકરી પછી દીકરીઓ પ્રત્યેનો પ્રેમ કાફૂર થઇ ગયો હતો. તેમને મન દીકરી વહાલનો દરિયાને બદલે દીકરીઓ સાપનો ભારો બનો ગઈ હતી.

            પહેલાં ખેતરેથી આવતા ત્યારે રમા અને હંસા તેમને આવીને વળગતી અને તે તેમના ઉપર વહાલ વરસાવતા અને કોઈક વાર ચોકલેટને ગોળી અપાવવા લઇ જતા, પણ ભાવનાના જન્મ પછી તો દીકરીઓ નજીક આવતી તો તેમને દુર ધકેલી દેતા.

            ભાવનાના જન્મ પછી છેક પાંચ વર્ષે જમનાબેન ફરી પેટે રહ્યા એટલે કરસનદાસને શાંતિ થઇ અને થોડા ખુશ રહેવા લાગ્યા, તે છતાં પોતાના નસીબ પ્રત્યે થોડા સંશયિત રહેતા કે રખે આ વખતે પણ દીકરી જ આવી તો. તેમણે નક્કી કરી રાખ્યું હતું કે જો આ વખતે પણ દીકરી આવે તો તેને તરત દૂધપીતી કરી દેવી. એમ સમજીશ કે માતાને ભોગ આપ્યો.

            પણ એવો સમય ન આવ્યો. જમનાબેનને રોગ લાગુ થઇ ચુક્યો હતો. જીવલેણ પ્રકારનો ટી. બી. તેમને લાગુ પડ્યો હતો અને બાળક પેટમાં પાંચ મહિનાનું હતું અને તેમણે દેહ છોડ્યો અને તેની સાથે કરસનદાસની આશાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું.  બાળક પેટમાં હોવાને લીધે તેમને વધારે અસરકારક દવાઓ પણ ન આપી શકાઈ.

                અગિયાર વર્ષની રમા જાણે માતાના જવાથી એકાએક મોટી થઇ ગઈ. સગુંવહાલું બહુ લાંબુ ન હોવાથી તેમના ઘરની લાંબો સમય દેખભાળ ન ચાલી, પણ આડોશપાડોશમાંથી થોડી મદદ મળી જતી. રમા હોશિયાર હતી અને ઘરના કામ સરસ રીતે કરી લેતી હતી. થોડા જ સમયમાં તે રાંધતા પણ શીખી ગઈ. સવારે ઘરનું કામ કરીને રાંધી લેતી અને નિશાળે જતી અને સાંજે આવીને ઘરનું કામ કરતી.

            કરસનદાસને ઘણાબધા લોકોએ બીજા લગ્ન કરી લેવાની સલાહ આપી, પણ હવે તે બીજીવાર સંસાર માંડવા માંગતા ન હતી. એક તો જમના પ્રત્યેનો પ્રેમ અને નવી આવનારી પત્ની કદાચ દીકરીઓને સારી રીતે ન સાચવે એ બીકે લગ્ન ન કર્યા. પત્નીના મૃત્યુ પછી તે એકલા પડ્યા અને પીવાનું શરુ કર્યું. હવે તે રોજ સાંજે ઘરે પીને આવતા.

            શરૂઆતમાં માપમાં પીતા કરસનદાસ માટે ચારપાંચ વર્ષ પછી તે રોજિંદુ વ્યસન થઇ પડ્યું. તે હવે સવારથી પીવાનું શરુ કરી દેતા. જે કરસનદાસ જાતે ખેતી કરતા, તેમણે ખેતી ભાગે વાવવા આપી દીધી. રમા તેમને સમજાવવાની પ્રયત્ન કરતી અને તે માનતા પણ ખરા. નશામાં તે જુદા જુદા દેવી દેવતાઓ અને દીકરીઓની સોગંધ ખાતા અને બીજે દિવસે તેમના પગ ફરી દારૂના ભઠ્ઠા તરફ વળી જતા. દીકરી વધુ કંઇ કહે તો તેની મારઝૂડ કરતા.

            સમજણી થઇ ગયેલી રમાએ પી. ટી. સી. કરીને શિક્ષિકા તરીકે નોકરી મેળવી. તેના ભણતર પાછળ  ગામના સરપંચ કાનાભાઈ અને તેમના દીકરા અરજણનો મોટો હાથ હતો. રમા સાથે જ ભણતો અરજણ પણ તેની જેમ જ સમજદાર હતો. તે રમાના ઘરની સ્થિતિ જાણતો હતો હતો તેથી તેણે પિતાને વાત કરીને રમાના પિતાને આગળ ભણાવવા માટે રાજી કરવા કહ્યું.

            ગામમાં કાનાભાઈની વાત કોઈ ટાળતું ન હતું અને કરસનદાસે પણ ન ટાળી. રમાની ફીના પૈસા પણ કાનાભાઈએ જ ભર્યા.

            રમાએ વિચાર્યું કે કદાચ ગામ બદલાવાથી વ્યસન છૂટી જાય એ વિચારે તે બધાને પોતાની સાથે જ્યાં નોકરી મળી હતી તે ગામમાં લઇ ગઈ. પણ તેમનું વ્યસન ન છૂટ્યું, દિવસે દિવસે તેમનો સ્વભાવ ખરાબ થતો ચાલ્યો, પણ રમા સમજતી હતી કે એક દિવસ પિતા સમજશે અને વ્યસન છોડી દેશે.

            બહેનોને ભણાવવાની અને પરણાવવાની જવાબદારી તેના શિરે હોવાથી આવતાં સારા માંગા તેણે પાછા ઠેલ્યાં. એક બે ઇચ્છિત મુરતિયાઓ સામે તેણે શરત મૂકી કે તે બહેનો અને પિતાને સાથે રાખશે, જેનો બધાએ ઇન્કાર કર્યો અને ધીમે ધીમે માંગા આવતાં બંધ થયા. તેને તેની સાથે નોકરી કરતો ત્રિલોક ગમતો અને તેને દિલથી ચાહતી. મજબુત બાંધાનો અને દેખાવડો ત્રિલોક સ્વભાવે થોડો ચંચળ હતો. તેનો મજાકિયો અને મળતાવડો સ્વભાવ કોઈ પણ સ્ત્રીને આકર્ષવા સક્ષમ હતો. ભ્રમરવૃત્તિના ત્રિલોકનું લક્ષ્ય એક જ હતું, ફૂલોનો રસ પીવો અને તેને ફેંકી દેવું.

            સાચી વાત એ હતી કે તે પરણેલો હતો અને તેની પત્ની પિતૃગામે હતી અને અહીં તે એકલો રહીને મોજમજા કરતો. રમા પણ તેની મીઠી વાતોમાં આવી ગઈ, તેણે વચન આપ્યું કે તે તેની બહેનો અને પિતાને પણ સાચવશે અને રમા તેની સીમા ઓળંગી ગઈ.

            જ્યારે સત્ય ઉઘડ્યું ત્યારે મોડું થઇ ચુક્યું હતું. ત્રિલોકે દરેક વાતનો ઇન્કાર કર્યો અને કહ્યું, “મારા કરતાં તારી વધુ બદનામી થશે.”

            પોતાની અને પરિવારની બદનામી ન થાય તે માટે રમા ચુપ થઇ અને બધું ધ્યાન બહેનોના ભણતરમાં પરોવ્યું. તે પોતાની કસોટીમાં પાર ઉતરી અને હંસા અને ભાવના બંને બી. એડ.નું ભણીને શહેરમાં નોકરીએ લાગી. રમાએ સારા મુરતિયા શોધીને તેમના ધામધુમથી લગ્ન પણ કરાવ્યા. હવે તે અને કરસનદાસ એકલા પડ્યા હતા. નશામાં ન હોય ત્યારે તે કહેતા, “દીકરી હવે તો લગ્ન કરી લે. બહેનોને ભણાવીને પરણાવી, હવે હું તો ખર્યું પાન કહેવાઉં.” હવે તેમનું શરીર રોગોનું ઘર બની ગયું હતું.

            એક દિવસ એ પણ આવ્યો જ્યારે રમાની સેવાચાકરી છતાં કરસનદાસે પરભવની વાત પકડી. જીવ છોડતી વખતે ઘણો અફસોસ કર્યો, પણ તે અફસોસ રમા માટે અર્થહીન હતો. અત્યારસુધી પરિવારને લીધે બંધન અનુભવતી રમા આઝાદ હતી, છતાં કોઈ વાત હતી જેને લીધે તે ગુંગળામણ અનુભવતી હતી. તેને ત્યાં સુધી પોતાની ગુંગળામણ વિષે ખબર ન પડી, જ્યાં સુધી ત્રિલોક ખરખરો કરવા તેના ઘરે ન આવ્યો.

            ખરખરો કરવા આવેલા ત્રિલોકે જયારે ખભા ઉપર હાથ મુકીને દબાવ્યો ત્યારે તેને વીંછીના ડંખથી પણ દાહક લાગ્યો. ત્રિલોકને લાગી રહ્યું હતું કે હવે તો રમા તેની જ થઈને રહેશે. તેણે પોતાની જીભ ઉપર બહુ મીઠાશ રાખીને ખરખરો કર્યો અને કોઈ કામકાજ હોય તો કહેજે એવું કહીને લોલુપ આંખે તેની સામે જોયું. રમા તરત કોઈ પ્રતિક્રિયા ન આપી શકી, પણ ત્રિલોકને પાઠ ભણાવવાનું મનોમન નક્કી કર્યું.

            બીજે દિવસે ખરખરો કરવા આવેલ વ્યક્તિને જોઇને તે ભાંગી પડી. તે અન્ય કોઈ નહિ, પણ તેનો બાળસખો અરજણ હતો. મિત્ર અને મનોમન ગમતો હોવા છતાં તેણે અરજણ સાથે એક દૂરી બનાવી રાખી હતી. તેનું કારણ અરજણ મોટા ખોરડાની પેદાશ હતો અને રમા સાવ સામાન્ય પરિવારની દીકરી.

            રમા મર્યાદા ભૂલીને તેને વળગી પડી અને ઘણા સમય સુધી રડતી રહી. અરજણે પણ તેને રડવા દીધી અને ફક્ત તેને માથે હાથ ફેરવતો રહ્યો. જયારે તે શાંત થઇ ત્યારે અરજણે પૂછ્યું, “હવે આગળ શું કરવાની છે? બહેનો તો તેમના સંસારમાં વ્યસ્ત થઇ ગઈ છે અને તેમની પાછળ ભોગ આપેલી તું એકલી રહી ગઈ.”

            “મને ખબર નથી પડતી, મારે શું કરવું જોઈએ?” હીબકાં લેતી રમાએ કહ્યું.

            અરજણે તેની ચિબુકને બહુ જ નજાકતથી ઉંચી કરી અને કહ્યું, “મેં આજ સુધી તારી રાહ જોઈ છે અને તે વિષે મારા પિતા પણ જાણે છે, શું તું મારી સાથે લગ્ન કરીશ?”

            રમાનો ચહેરો શરમથી લાલ થઇ ગયો અને આંખો જમીન તરફ ઝુકી ગઈ, છતાં એક અજ્ઞાત ડર તેના મનને ઘેરી વળ્યો. તેને અરજણ ગમતો, પણ તેની સાથે લગ્ન થઇ શકે એવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું. અરજણે ફરી તેની સામે જોયું અને પૂછ્યું, ત્યારે તે ફક્ત પોતાની ગરદન ઝુકાવીને ઉભી રહી.

            “હું પણ તારી જેમ ભણેલી છું, પણ મારે શહેરમાં નોકરી કરવી નહોતી તેથી ગામડે ખેતી કરું છું અને મારા ભણતરનો ઉપયોગ ગામડાના લોકોના ભલા માટે કરું છું. શું હું તારે લાયક નથી?” ભાવુક આંખો સાથે અરજણે કહ્યું.

            માંડ શાંત થયેલી રમાની આંખોમાં આંસુ વહી નીકળ્યા. શાંત થયા પછી તેણે કહ્યું, “ખરેખર તો હું તમારે લાયક નથી, મારો આ દેહ અભડાઈ ચુક્યો છે અને સાથે જ આત્મા પણ અપવિત્ર થઇ ગઈ છે.”

            તેના શબ્દો સાંભળીને દિગ્મૂઢ થઇ ગયેલા અરજણને રમાએ આપવીતી કહી. તે અરજણને અંધારમાં રાખીને આગળ વધવા નહોતી માગતી.

            અરજણે તરત તેને પોતાનાથી અળગી કરી દીધી. રમા માટે આ અસાધારણ પ્રત્યાઘાત હતો. અરજણ ખુરસીમાં બેસી પડ્યો. રમા તેની નજીક ગઈ અને તેના ઢીંચણ ઉપર માથું મુકીને ફરી રડવા લાગી. અરજણે તેનું માથું હળવેથી ઊંચું કર્યું અને કહ્યું, “તું ખરેખર મારી રમા નથી રહી, તું તો લાચાર અબળા બની ગઈ છે. ક્યાં ગઈ એ રમા જે દરેક પરિસ્થિતિ સામે સામી છાતીએ લડતી હતી? ક્યાં ગઈ એ રમા જેણે પરિવાર માટે પોતાની જિંદગી દાવ ઉપર લગાવી હતી? મારી રમા કોઈ ત્રિલોક સામે ઝુકી જાય એ મંજુર નથી. તારી પાસે પંદર દિવસનો સમય છે, તું ત્રિલોકને પાઠ ભણાવીને મારી રમાને પછી લાવ.”

            રમા ડઘાઈને અરજણ સામે જોવા લાગી. અરજણ શૂન્યમાં તાકી રહ્યો હતો. તેણે આગળ કહ્યું, “તને શું લાગે છે, મારો પ્રેમ ફક્ત તારા શરીર સાથે છે. મારો પ્રેમ આત્મા સાથે જોડાયેલો છે, પણ કમજોર રમા મને મંજૂર નથી. ઉઠ ઉભી થા અને ઝઝૂમ જો તારી અંદર એ રમા હજી જીવતી હોય તો.” એટલું કહીને અરજણ બહાર નીકળી ગયો અને રમા તેની પીઠ તરફ તાકી રહી.

*****

            રમાના ઘરના બારણે ટકોરા વાગ્યા. તેણે દરવાજો ખોલ્યો તો સામે ત્રિલોક ઉભો હતો. તે કુટિલ સ્મિત સાથે આવ્યો અને કહ્યું, “મેં તને કહ્યું હતું કે હું તારા માટે જ બન્યો છું. અંતે મને એકાંતમાં મળવા માટે બોલાવ્યો જ ને! બોલ હવે તારે શું કહેવું છે.”

            “તું મારી સાથે લગ્ન કરીશ?” રમાએ આંખમાં આંસુ સાથે પૂછ્યું.

            “જો રમા, તને મેં પહેલાં જ કહી દીધું હતું કે હું પરણેલો છું. હા, તારી બધી જ જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ છું. હું સમજી શકું છું કે આ ઉંમરે શરીરની ઘણીબધી જરૂરો હોય છે. આપણે લીવ-ઇનમાં રહી શકીએ. કોઈ જાતનું બંધન નહિ. તારી અન્ય જરૂરિયાતો પણ પૂર્ણ કરીશ.” ત્રિલોકે રમાના ખભે હાથ મુકીને પસવારતાં કહ્યું.

            “તને ભાન પડે છે, તું શું કહી રહ્યો છે? તું જો પરણેલો હતો, તો મારી નજીક કેમ આવ્યો? તેં મારી સાથે છેતરપીંડી કેમ કરી? હું બધાંને તારી કરતૂતો વિષે કહી દઈશ.”

            “તું એવું નહિ કરી શકે કારણ એમાં તારી જ બદનામી છે. હું પુરુષ છું, મારો દોષ જ નહોતો. તેં અસ્મત ગુમાવી છે, મેં કશું જ ગુમાવ્યું નથી.” કુટિલ સ્મિત સાથે ત્રિલોક કહી રહ્યો હતો અને રમાને ઈચ્છા થઇ આવી કે તેનો ચેહરો પોતાની નખથી ઉતરડી નાખે.

            “શું અસ્મત ફક્ત સ્ત્રીની હોય, પુરુષ કશું જ ગુમાવતો નથી? જો તું એવું વિચારતો હોય તો તારી ભૂલ છે. બહાર આવો બહેન.” રમાનો અવાજ થોડો ઉંચો થઇ ગયો.

            બેડરૂમમાંથી હોલમાં આવનાર વ્યક્તિને જોઇને ત્રિલોકના શ્વાસ અદ્ધર થઇ ગયા. તે અન્ય કોઈ નહિ, પણ ત્રિલોકની પત્ની અને બાળકી હતાં. અત્યાર સુધી ચમકી રહેલો ત્રિલોકનો ચહેરો મુરઝાઈ ગયો. તેને ખબર ન પડી કે શું કહેવું, છતાં તેણે હવાતિયાં મારવાનું શરુ કર્યું, “આ મને બ્લેકમેલ કરી રહી હતી, અપર્ણા. આ મને ફસાવવા માગે છે, તેણે મારી પાસે પૈસાની માંગણી કરી હતી.”

            અપર્ણાનો ચહેરો લાલ થઇ ગયો તે બરાડી ઉઠી, “તમને શરમ નથી આવતી, આવું કરતાં. એક તો તમે ભૂલ કરી અને પાછા બીજાને બદનામ કરવાની કોશિશ કરો છો. તમે એક દીકરીના બાપ છો, રાખે તમારા જેવો કોઈ નરાધમ અને લુચ્ચો માણસ આપણી દીકરી સાથે આવું કરશે તો સહન કરી શકશો? હું તમારી ભ્રમરવૃત્તિને સારી રીતે જાણું છું. હવે તમારો અને મારો કોઈ સંબંધ નથી, તમે મારા માટે મારી ચૂક્યા છો.” એટલું કહીને તે દીકરીને તેડીને બહારની નીકળી ગઈ. ત્રિલોક મારી વાત સાંભળ કહેતો તેની પાછળ દોડ્યો.

            રમાના ચહેરા ઉપર સંતોષ અને ખુશીના ભાવ તરી આવ્યા. તે ફરી લડી હતી અને આ લડાઈમાં જીતી ગઈ હતી. તેણે મોબાઈલ હાથમાં લીધો અને અરજણને આ વાત કરી અને જીવનની શરૂઆત કરવા બીજે જ દિવસે નોકરીમાંથી રાજીનામું આપીને ફરી એ ગામ તરફ નીકળી જ્યાંથી જીવનની શરૂઆત કરી હતી.

 

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED