Dashanan books and stories free download online pdf in Gujarati

દશાનન

તેણે પોતાની આંખ ખોલી અને ચારેતરફ નજર દોડાવી, પણ જગ્યા અપરિચિત લાગી. તેણે પોતાની આંખના ખૂણેથી બાકીનાં મસ્તકો તરફ નજર દોડાવી. બાકીનાં નવ મસ્તકો સુઈ રહ્યાં હતા એટલે તે સમજી ગયો કે તે ફરીવાર ધરતી ઉપર છે. તે સારી રીતે જાણતો હતો કે ધરતી ઉપર જ તેનાં મસ્તકો વચ્ચેનો તાલમેલ બગડી જતો હોય છે.

        “એય આળસુઓ, ઉઠો હવે બધાંને સુપ્રભાત. જુઓ સૂર્યનારાયણ ડોકાઈ રહ્યા છે. આપણે ધરતી ઉપર ક્યાંક છીએ. અહીં કેવી રીતે આવી ગયા એ ખબર નથી.” તેણે પોતાનાં બાકીનાં મસ્તકોને જગાડતાં કહ્યું.

        તે જ સમયે દૂરથી કોઈક અવાજ આવ્યો અને તેણે પોતાના કાન સરવા કર્યા. “નારાયણ.... નારાયણ ...” અવાજ સાંભળીને તે સમજી ગયો કે બ્રહ્મર્ષિ નારદ આવી રહ્યા છે. તેણે પોતાનો હાથ બાજુવાળા માથા ઉપર માર્યો એટલે તે માથાની આંખ ખુલી અને તે મસ્તક બોલ્યું, “કોણ છે જેનું મૃત્યુ પોકારી રહ્યું છે? આ દશાનનના મસ્તક ઉપર આઘાત કરવાની ધ્રુષ્ટતા કોણે કરી? હું યુદ્ધ કરવા માટે તત્પર છું. આવી જાઓ મેદાનમાં.”

        થોડીવાર પહેલાં જાગેલા પહેલા મસ્તકે કહ્યું, “છઠ્ઠા મસ્તક, હું નહોતો કહેતો આ ચોથું મસ્તક જ આપણા વિનાશ માટે કારણભૂત છે. મેં કેટલી વિનવણી કરી હતી બધાં મસ્તકોને, પણ આ ચોથા મસ્તકના અને પાંચમાં મસ્તકના પ્રભાવમાં કોઈએ મારી વાત કાને ન ધરી. ચોથું મસ્તક હંમેશાં યુદ્ધ માટે તત્પર હોય છે અને વચ્ચેના પાંચમાં મસ્તકને લાગે છે કે આપણું શરીર સર્વશક્તિમાન છે.”

        વચ્ચેના મસ્તકને પોતાના વિષે ઘસાતું બોલાયું એ સહન ન થતાં તે બોલી પડ્યું, “કોઈ જાતનો વિરોધ ન જોઈએ. હું સર્વશક્તિમાન હતો, છું અને રહીશ. હું જ છું.”

        પહેલા મસ્તકની બાજુમાં આવેલ બીજા મસ્તકે વિરોધનો સ્વર પુરાવતાં કહ્યું, “સર્વશક્તિમાન કયા દૃષ્ટિકોણથી? તું જાણે છે, તમારા ત્રણના નિર્ણયને લીધે આપણું નામ ઇતિહાસમાં મહાન નાયકને બદલે ખલનાયક તરીકે લેવાય છે. ચોથની ઝગડા કરવાની વૃત્તિ, પાંચમાંની ફક્ત પોતાને મહાન અને સર્વશક્તિમાન સમજવાની વૃત્તિ અને સાતમાની બીજાને અપમાનિત કરવાની વૃત્તિને લીધે આ ધરતી ઉપર આપણું નામ કોઈ બાળકને આપવામાં નથી આવતું. સાતમું મસ્તક જો વાતવાતમાં વિભીષણને અપમાનિત કરતુ ન હોત તો તે દુશ્મનનો સાથ આપવા તૈયાર ન થયો હોત.”

        સાતમા મસ્તકના મગજની કમાન છટકી અને તે બોલ્યું, “તમારા જેવા નામાલાં મસ્તકો સાથે જીવવા કરતાં તો સારું થયું કે મારું મૃત્યુ થઇ ગયું. આપણે કર્યું શું હતું ! આપણી બહેનનું નાક વાઢનાર રાજકુમારોની સાથે રહેલ સ્ત્રીનું અપહરણ કરીને તેમનું નાક વાઢ્યું હતું. તે પછી રણભૂમિમાં યુદ્ધ કરીને બલિદાન આપ્યું હતું. રણમેદાનમાં મૃત્યુ પામનાર યોદ્ધાને કોઈ દૃષ્ટ વ્યક્તિ તરીકે કેવી રીતે ચિત્રિત કરી શકે? આ તો વિજેતાઓનો અન્યાય જ કહેવાય. આપણે તો તે સ્ત્રીને સ્પર્શ પણ કર્યો નહોતો.”

        હજી આ ચર્ચા આગળ વધે તે પહેલાં જ નારદજીને જોઇને બધાં મસ્તકો શાંત થઇ ગયાં. તેઓ નારદજીની ખૂબીથી સારી રીતે વાકેફ હતા. ફક્ત ક શબ્દ સાંભળીને આખી બારાક્ષરી પોતાને રીતે રચી દેવામાં સક્ષમ હતા.

        અતિથીઓ અને મહત્વની વ્યક્તિઓ સાથે વાતચીત હંમેશાં આઠમું મસ્તક કરતુ કારણ તે પ્રશંસા કરવામાં કુશળ હતું તેથી દશાનનના આઠમા મસ્તકે નારદજી સાથે વાત કરવાની આગેવાની લીધી અને હાથ જોડીને કહ્યું, “પ્રણામ મુનિવર. આપને દશાનનના હૃદયપૂર્વક પ્રણામ.”

        “આશીર્વાદ દશાનન, પણ તમને આશીર્વાદ શું આપું! આયુષ્યમાન એવો આશીર્વાદ તો ન આપી શકું. તમારી આજની મુલાકાતનું પ્રયોજન શું છે?”

        “બકા, આને ભગાય અહીંથી, મગજની નસ ખેંચી દેશે.” નવમા મસ્તકે બબડાટ કર્યો. જો કે તે સ્વર નારદજી સુધી તો ન પહોંચ્યો, પણ પાડોશી હોવાને નાતે આઠમા મસ્તકે સાંભળી લીધો.

        આઠમા મસ્તકે ધીમેથી કહ્યું, “ધરતી ઉપર આવ્યા છીએ, અમદાવાદમાં છીએ એમ નથી કહ્યું. તો જરા ભાષા અને વિવેક ઉપર કાબુ રાખો. હું તેમની સાથે વાતચીત કરીને તેમને રવાના કરું છું.”

        નારદજી સામે જોઇને આઠમા મસ્તકે કહ્યું, “મુનિવર, એ તો હું પણ નથી જાણતો. રાત્રે તો મહાદેવનાં દર્શન કરીને સુઈ ગયો હતો અને આંખ ખુલી ત્યારે જોયું કે હું અહીં છું. આ પ્રદેશ જોઇને નક્કી કરી નથી શક્યો કે કયો પ્રદેશ છે. આજુબાજુ તો પહાડીઓ દેખાઈ રહી છે.”

        “આજે આપ અહીં મારે લીધે આવ્યા છો અને ચિંતા કરવા જેવું નથી, આપણે માયાવી મહાનગર મુંબઈમાં છીએ. આ ગોરેગાવની ફિલ્મસીટી છે. મારો એક મિત્ર આપની ઉપર હિન્દી ફિલ્મ બનાવી રહ્યો છે અને આપનું ચરિત્ર ચિત્રણ કરવા માટે મદદની જરૂર છે. મેં મહાદેવને તે માટે વિનંતી કરી, જે તેમણે માન્ય રાખી અને ત્રણ દિવસ માટે આપને ધરતી ઉપર મોકલ્યા છે. નારાયણ... નારાયણ....” નારદે સ્મિત સાથે દશાનન સામે જોઇને કહ્યું.

        સાતમા મસ્તકે આઠમા મસ્તકના કાનમાં કહ્યું, “આ હહરીનાને લીધે આપડે ફસાઈ ગેલા છે. આને કે આપડે કોઈ મડડ કરવાના ની મલે. આના પૃષ્ઠભાગ પર ગડા લગાવી ડેવ કે?”

        “આપણે સૂરતમાં નથી, મુંબઈમાં છીએ અને ખોટી દોરવણી આપવાનું બંધ કર.” આઠમા માથાએ બહુ જ ધીમેથી સાતમા માથાના કાનમાં કહ્યું અને નજર બાકીનાં મસ્તકો ઉપર ફેરવી.

        પહેલું માથું શાંતિથી બધું સાંભળી રહ્યું હતું અને બીજા, ત્રીજા મસ્તકની નજર નારદને બદલે વૃક્ષો અને પહાડીઓ ઉપર હતી.

        હજી આઠમું મસ્તક જવાબ આપે તે પહેલાં જ દસમા મસ્તકે નારદજી સામે જોઇને પૂછ્યું, “તમારા મિત્રને કોઈ ગાયકની જરૂર હશે? મેં સાંભળ્યું છે કે હિન્દી ફિલ્મોમાં ગીતો પણ હોય છે.”

        સાતમા મસ્તકે દસમા મસ્તકને દબડાવતાં કહ્યું, “એ તું ક્યા બાત કર રૈલા! અપન કોન હૈ માલુમ નૈ ક્યા? અપન રાવણ હૈ, રાવણ કોઈ દો ટકે કા ગવૈયા નૈ, સમજ રૈલા ના બાપ!”   

        અત્યારસુધી શાંત રહેલું નવમું મસ્તક બરાડી ઉઠ્યું, “આ મુર્ખોત્તમને કોઈ શાંત રહેવા કહો. મુનિવર કોઈ મહત્વની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે વગર કારણે મુખક્ષેપ કરીને ચર્ચાને અન્ય દિશામાં લઇ જઈ રહ્યો છે.”

        “શટ અપ, નોનસેન્સ.” હોઠ હલાવ્યા વગર સાતમા મસ્તકે કહ્યું.

        વાતને અવળેપાટે ચડતાં જોઇને પાંચમાં મસ્તકે કહ્યું, “ચાલો મુનિવર, આપના મિત્રને મળીને વાત કરીએ. મહાદેવે મંજૂરી આપી એટલે મારે મદદ કરવી રહી.”

        એટલું કહીને દશાનને પોતાના પગ ઉપડ્યા, પણ નારદજી પોતાની જગ્યાએ સ્થિર ઊભા રહ્યા અને કહ્યું, “દશાનન, આપ આ રૂપમાં તેની સામે જશો તો ડરી જશે. આપ સમય અનુસાર વેશ ધારણ કરો અને એક મસ્તક સાથે જ તેની સામે ચાલો, અન્યથા આપને જોઇને જ તે યમલોક પહોંચી જશે. નારાયણ, નારાયણ”

        તેમની વાત સાંભળીને દશાનને ચપટી વગાડી અને તેનો વેશ બદલાઈ ગયો. હવે નારદજી સામે જીન્સ અને સફેદ શર્ટ પહેરેલ રાવણ હતો અને સામે તેને એક જ મસ્તક હતું.

        “વાત હું કરીશ, ગીત ગાવા માટે મોકો મળવો જોઈએ.” ઊંડેથી કોઈ અવાજ આવ્યો.

        “એ યેડે ચુપ કર ના! તેરે ખોપડે મેં અપન કી બાત નૈ ઘુસી ક્યા!”

        “બધાં શાંત થઇ જાઓ વાતચીત ફક્ત આઠમું મસ્તક કરશે અને આ મારો આદેશ છે. જે બોલશે એ કપાઈ જશે.” પાંચમાં મસ્તકનો અવાજ ગુંજતા અંદરથી અવાજો આવવાનું બંધ થઇ ગયું.

        નારદજીએ પણ પોતાનો વેશ બદલી દીધો. હવે તે ગળામાં ગિટાર પહેરેલ, ઢીંચણ ઉપર કલાત્મક રીતે ફાટેલ જીન્સ, ઠેકઠેકાણે થીગડાં મારેલ ટીશર્ટ અને ખભા સુધી પહોંચતા વાંકડિયા વાળ. તે કોઈ રોકબેન્ડના ગીટારીસ્ટ જેવા દેખાઈ રહ્યા હતા.

        “કમ ઓન બડી” કહીને તે એક દિશામાં આગળ વધ્યા.

         “અરે મુનિવર! આ કયો વેશ છે?”

        “હે બડી, કોલ મી નારી.”

        “ઇસકા ખીસક ગયેલા હૈ, એ અપન કો બી ફસા કે રખ દેંગા.” ઊંડેથી એક અવાજ આવ્યો, પણ બહાર દેખાઈ રહેલા આઠમા મસ્તકે પ્રગટમાં કહ્યું, “નારી એટલે તો સ્ત્રી ને?”

        ઝડપથી ચાલી રહેલ નારદજીએ ગરદનને ઝટકો આપીને પોતાના વાળ ઝુલાવ્યા અને કહ્યું, “શોર્ટ નામોની ફેશન આવી છે. મેં તેમને મારું નામ નારદ જ કહ્યું હતું, પણ તેમણે મારું નામ નાનું કરી દીધું.”

        તેઓ થોડી જ વારમાં એક ગેટ સામે હતા. નારદજીએ દશાનનને કહ્યું, “બડી, તુમ આગે જાઓ, હમ તુરંત આતા હૈ.” એમ કહી દિશામાં આગળ વધ્યા. અસમંજસમાં રાવણ ગેટ પાસે પહોંચીને ગાર્ડને કહ્યું, “ભાઈ. આ દરવાજો ખોલ અંદર જવું છે.”

        તે ગાર્ડે રાવણ તરફ ઉપરથી નીચે જોયું અને કહ્યું, “અસા નાહી જાઉ શકત.”

        “મને બહુ દૂરથી બોલાવવામાં આવ્યો છે, મારી સલાહ લેવા.” આઠમા મસ્તકે પોતાનું મગજ ન ગુમાવતાં બહુ શાંતિથી કહ્યું.

        “દેખ ભાઉ, હા ગાર્ડન નાહી. ઇદર ફક્ત ઓળખાણવાળા લોક જાઉ શક્તાત.” રાવણને ગુજરાતીમાં બોલતો જોઇને ગાર્ડે ભાષાની ભેળપુરી પીરસી.

        “આઠમા, આ શાંતિની વાત નહિ સમજે, મને વાત કરવા દે.” અંદરની તરફથી ચોથા મસ્તકે કહ્યું.

        ગાર્ડે રાવણને ત્યાં જ ઉહો રહેલ જોઇને કહ્યું, “તુમ જેવા બહુત લોગ આવતા હૈ, ઓર અંદર જાઉન હેરાન કરતાત. તુમ જાઓ જલદી ઇદર સે, નાહીતર મારેગા બે ડંડા.”

        હજી વાત આગળ વધે તે પહેલાં જ પાછળથી અવાજ આવ્યો. “હે તુકાભાઉ, વો મેરે સાથ હૈ. ગેટ ખોલો.”

        નારદજીને જોઇને ગાર્ડે સલામ મારી અને ગેટ ખોલ્યો એટલે બંને પ્રવેશી ગયા. નારદજી દશાનનને એક બિલ્ડીંગ તરફ દોરી ગયા. થોડી જ વારમાં તેનો એક નાની ઓફીસના પ્રવેશદ્વાર ઉપર હતા. સામે એક ટેબલ હતું અને તેની બંને તરફ ખુરસીઓ હતી. પાછળ એક શોકેસ હતો, જેમાં ટ્રોફીઓ મુકેલી હતી અને બાજુમાં એક સોફા હતો. ખુરસીઓ ખાલી હતી, પણ સોફા વિષે એવું નહોતું. સોફામાં એક યુવક છોકરીના ખોળામાં માથું મુકીને આડો પડેલો હતો.

        નારદજી બેધડક તે ઓફિસમાં પ્રવેશ્યા અને કહ્યું, “હે પ્રેકસી, મેં કહ્યું હતું અને રાવણ ઉપર પીએચ. ડી. કરેલ મારા મિત્રને લઈને આવીશ.”

        અચાનક અજાણ્યા લોકોને પ્રવેશેલી વ્યક્તિઓને જોઇને તે છોકરી ચમકી ગઈ અને પ્રેક્સીના વાળમાં હાથ ફેરવવાનું છોડીને ઝડપથી ઉભી થઇ ગઈ. ખોળામાં રહેલ મસ્તકને ઝટકો લાગ્યો અને તેના સમાચાર ધડ સુધી પહોંચ્યા અને તે ઝટકો ખાળવા માટે ધડ નીચેની તરફ ઢળી પડ્યું અને પ્રેક્સીને ભોંય સરસો થયેલો જોવા તે છોકરી રોકાઈ નહિ અને ખુલ્લા દરવાજા વાટે બહાર દોડી ગઈ.

        નીચે પડેલ પ્રેકસી થોડો સ્ટાઈલમાં ઉભો થયો અને ચહેરા ઉપર આછું સ્મિત લાવીને કહ્યું, “શું નારી યાર, માંડ સેટિંગ થઇ હતી. તેં ડરાવી દીધી, અપકમિંગ એક્ટ્રેસ છે ને, એને લાગ્યું કોઈ ફોટો પાડીને વાઈરલ કરી દેશે. ઉભો રહે એને કહી દઉં ડરવાની જરૂર નથી.” એટલું કહીને તેણે મોબાઈલ કાઢીને બહુ ધીમેથી વાત કરી. નારદ અને રાવણને તેમાંથી ફક્ત હની અને બેબી શબ્દ જ સંભળાયા.

        “સો બડી, યુ આર ધ વન. સો રાવણ વિષે શું જાણકારી છે તારી પાસે?”  પ્રેકસીએ ટેબલની પેલે પાર રહેલ ખુરસીમાં બેસીને તેમને પણ ખુરસીમાં બેસવાનો ઈશારો કરતાં પૂછ્યું.

        “પહેલાં હું જાણવા ઈચ્છીશ કે તમે રાવણ વિષે શું જાણો છો અને તમે તેના જીવનના કયા પાસા વિષે વિચારી રહ્યા છો?” તુંકારે બોલાવ્યા છતાં બાકીના નવ મસ્તકો ઉપર કાબુ રાખીને આઠમા મસ્તકે બહુ જ શાંતિથી પૂછ્યું.

        “લે હવે રાવણ વિષે તો બધાં જ જાણે છે. તે રાક્ષસ હતો અને તેની હાઈટ સાત ફૂટ કરતાં પણ વધુ હતી. તેનાં માથે બે શીંગડા હતા, તેના આગળના બે દાંત બહાર હતા, જેમાંથી લોહી ટપકતું રહેતું હતું. તેનું પેટ ગાગર જેવડું મોટું હતું. તેના દસ માથા હતા.”

        ચોથા મસ્તકે બહારની તરફ આવવા માટે બહુ જોર લગાવ્યું, પણ આઠમા મસ્તકે બળ કરીને તેને દબાવી દીધું.

પ્રેકસીનું ધ્યાન તેની તરફ નહોતું, તે પોતાની જગ્યાએથી ઉભો થયો અને પોતાની લયમાં કહેવા લાગ્યો, “જો કે આ બધું તો બધાંએ રામાયણ સીરીયલમાં જોયું છે એટલે હું તેના લુક ઉપર કામ કરવાનો છું. મેં ઓલરેડી અનિમેશનવાળાને કામ ઉપર લગાવ્યો છે. ગાગર જેવડા પેટવાળા રાવણને હીરો કોણ માને એટલે મેં સિક્સ પેકવાળી ઈમેજ બનાવવા કહ્યું છે અને ખતરનાક લુક આપવા માટે મોટી દાઢી. યુ નો આજકાલ બીયર્ડ ઇસ ઇનથિંગ. ગર્લ્સ લાઈક. વારેઘડીએ ગુસ્સે થતો થોડો સાયકો બતાવીશ. થોડો ગ્રે શેડ આપીશ.”

હંમેશાં શાંત રહેનાર આઠમું મસ્તક પણ પોતાનું મગજ ગુમાવવા લાગ્યું હતું. નારદજી સમજી ગયા તેથી વાતને બીજી દિશામાં વાળવા પૂછ્યું, “લુક તો બરાબર છે, સ્ક્રીપ્ટ શું લખી છે?”

પ્રેકસીએ ફરી શૂન્યમાં જોયું અને આંખો સ્વપ્નીલ કરીને કહ્યું, “સ્ક્રીપ્ટ તો લખાઈ જશે, રાઈટરો વિદેશી વેબસીરીઝો જોઈ રહ્યા છે. નારી યાર, હું એકદમ ભવ્ય ફિલ્મ બનાવવા માગું છું. અઢીસો કરોડનું  બજેટ છે. લોકોની આંખો પહોળી થવી જોઈએ યુ નો! મારે રાવણનું કેરેક્ટર પકડવું છે. આ તારા મિત્રનું નામ શું છે?”

“દશાનન”

“લુક દશુ, યાર હેલ્પ મી, મારે એકદમ સોલીડ રાવણ ક્રિએટ કરવો છે. મારે રામાયણ સીરીયલ જેવો સિમ્પલ વિલન નહિ, પણ કોમ્પ્લેક્સ ઈમોશનવાળો રાવણ ઉભો કરવો છે, જસ્ટ લાઈક લુસીફર. ક્યારે શું કરે એનો કોઈ અંદાજો લગાવી ન શકે. એને ઘણાબધા શેડ આપવા છે. પીપલ લાઈક સરપ્રાઈઝેસ યુ નો!” 

પોતાનું નામ દશુ સાંભળીને અંદરથી હસવાનો અવાજ આવ્યો.

પ્રેકસી આગળ કહેતો રહ્યો, “એકદમ સાયકો બતાવવો છે, પેલા કે. જી. એફ. વાળા જેવો. મસ્ત સ્ટોરીલાઈન આવી મગજમાં. નાનપણમાં રાવણની સ્ટ્રગલ બતાવીશું. બાપ રાવણનો મોમને છોડીને બીજી સ્ત્રી પાસે જતો રહ્યો, એકલા હાથે છોકરાઓને મોટાં કર્યા. નાનપણમાં રાવણની મોમ રાવણને શીખવશે કે કોઈ ભી કામ છોટા નહિ હોતા. રાવણ પોતાની ગેંગ બનાવશે અને પછી પોતાના સાવકા ભાઈની ગેંગ એટલે કે રાજ્ય ઉપર હુમલો કરીને તેને ત્યાંથી ભગાવી દેશે. યસ  યસ જબરદસ્ત સ્ટોરીલાઈન ! શાબાસ” નારદ અને રાવણને ખબર ન પડી કે તે પોતાની સાથે વાત કરી રહ્યો છે કે તેમની સાથે.

“જબરદસ્ત વિએફએક્સ. જુના સમયનો સેટ. હજારો વેપન્સ. હવામાં ઉડતા વાનરો, રાક્ષસો, બેટ્સ. હે રાવણના પુષ્પક વિમાનને બેટનું લુક આપીશ.” પ્રેકસી શૂન્યમાં જોઈ રહ્યો હતો.

હતાશ થયેલ આઠમું મસ્તક અંદર નીકળી ગયું અને તેની જગ્યાએ યુદ્ધપ્રેમી ચોથું મસ્તક બહાર આવ્યું. તેણે રાવણે ચપટી વગાડતાં જ તે પોતાના મૂળરૂપમાં આવી ગયો. તેણે પોતાની ગદા પ્રેક્સીના પૃષ્ઠભાગમાં ફટકારી. ગદાનો ફટકો ખાઈને તે ગડથોલિયું ખાઈ ગયો.

નારદે ઝડપથી જઈને દરવાજો બંધ કરી દીધો. રાવણે બુલંદ અવાજમાં કહ્યું, “તું શું સમઝે છે મુર્ખ માણસ ! મને સાયકો તરીકે ચીતરવા માગે છે. હું ચારવેદનો જ્ઞાની, મહાપંડિત, મહાન શિવભક્ત, શિવ તાંડવ સ્ત્રોત્રનો રચયિતા, પૌલત્સ્ય વૈશ્રવણ દશાનન લંકેશ રાવણ. મને સમજવામાં સાક્ષાત ઈશ્વર થાપ ખાઈ ગયા અને તું મને સમજી શકવાનો. મેં જ્ઞાન મારા પિતા પાસેથી મેળવ્યું હતું. તેમણે મારો સાથ ક્યારેય છોડ્યો નહોતો. બીજી ફિલ્મોની વાર્તાઓ ભેગી કરીને મારી વાર્તા બનાવવા માગે છે. તારે ફિલ્મ બનાવવી જ હોય તો અન્ય વિષય પણ જે પૌરાણિક શા માટે. મારાં દસ મસ્તકો છે અને દરેકની તાસીર જુદી છે. ફરી જો પૌરાણિક ફિલ્મ બનાવી છે તો આવીને ગદા ધીમેથી નહિ જોરથી ફટકારીશ. ચાલો મુનિવર.”

રાવણ ફરી સામાન્ય વ્યક્તિના રૂપમાં આવી ગયો હતો. બહાર નીકળતી વખતે નારદજીના ચહેરા ઉપર આછેરું સ્મિત હતું. તેમનું મિશન કામયાબ થયું હતું.

“હવે આદિપુરુષવાળાનો વારો.” એમ મનોમન કહીને તે રાવણનો પાછળ ગયા.

 

સમાપ્ત       

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED