Featured Books
શ્રેણી
શેયર કરો

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 22




*.........*.........*.........*.........*


" આ તારાં માટે.." આકાશે એક ગીફ્ટ બોક્સ આભા ને આપતાં કહ્યું.

" આકાશ, આપણે પહેલાં જ નક્કી કર્યું છે કે આ લગ્ન હું ફક્ત આકૃતિ માટે કરી રહી છું. તો પછી આ બધું શા માટે??" આભા ગુસ્સે થતા બોલી.

" હા મને ખબર છે. પણ મારા પરિવાર ને તો એ નથી ખબર ને? એ બધાં તો એવું જ વિચારે છે કે મને મારો પ્રેમ જીવનભર માટે મળી ગયો છે. જેને હું ચાહું છું એ મારી પત્ની અને આ ઘરની મોટી વહુ બની આવી છે. " આકાશે આભા ને શાંત કરતા કહ્યું.

" પણ..."

" આભા... આપણે આ બંધ બેડરૂમમાં ભલે મિત્રો તરીકે જ રહીએ પણ રૂમની બહાર, ફક્ત મારા પરિવાર માટે આપણે પતિ પત્ની નું નાટક ના કરી શકીએ?? પ્લીઝ..." આકાશે આજીજી કરતાં કહ્યું.

" મારી આકૃતિ અને મને આ પરિવાર તરફથી જે આવકાર અને પ્રેમ મળે છે એનાં બદલામાં હું આટલું તો કરી જ શકું." આભા એ આકાશ ની વાત સ્વિકારતા કહ્યું.

" થેન્ક યુ વેરી મચ. હવે આ ગીફ્ટ પણ લઈ લે. આપણી દોસ્તીની નવી શરૂઆત માટે...." આકાશે ગીફ્ટ બોક્સ આપતાં કહ્યું.

" ઓકે... " આભા એ બોક્સ લઈ ટેબલ પર મૂકી દીધું.

" ખોલીને જોઈશ નહીં?? શું છે? " આકાશે ઈચ્છતો હતો કે આભા એ ગીફ્ટ બોક્સ ખોલે.

" હું આકૃતિને જોઈ લઉં? એનો સુવાનો ટાઈમ થઇ ગયો છે. એ રડતી હશે." કહી આભા બહાર નીકળી ગઈ.

આકાશ તેને અનુસર્યો. આકૃતિ તો દાદી જીજ્ઞાબેન પાસે ક્યારની ઊંઘી ગઈ હતી. આકૃતિ ને આ પરિવારે જે રીતે સ્વિકારી અને આકૃતિ પણ જે રીતે બધા સાથે ભળી ગઈ એ જોઈ આભા ને રાહત થઇ.

બેડરૂમમાં પાછા આવી ફરી આકાશે આભા ને ગીફ્ટ બોક્સ ખોલવા કહ્યું. આભા એ ખોલ્યું અને તેની આંખો નવાઈ થી છલકાઈ ગઈ. અંગૂઠામાં પહેરી શકાય એવી એક રીંગ.....

" આકાશ.....?" આભા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

" તું સ્કૂલમાં હતી ત્યારે બધી છોકરીઓ આંગળીમાં વીંટી પહેરતી અને તું...."

" મને અંગૂઠામાં રીંગ પહેરવાનું પસંદ હતું.." આભા એ આકાશનું વાક્ય પૂરું કરતાં કહ્યું.

આભાને એ જાણ તો હતી કે જે છોકરો સ્કૂલ સમયે ચારેક વર્ષ એની રાહ જોઈ ઉભો રહેતો હતો એ આકાશ છે. પણ આટલી નાની વાત આટલાં વર્ષો પછી પણ તેને યાદ હતી એ વાતનું એને આશ્ચર્ય થયું.

આકાશ ને વિશ્વાસ હતો કે એક દિવસ આભા એનાં પ્રેમને જરૂર સ્વિકારી લેશે. દોસ્તી થી શરુઆત પામેલો સંબંધ ધીરે ધીરે આગળ જરૂર વધશે. પણ એમાં ધીરજની ખૂબ જ જરૂર હતી. એ જીવનનાં અંત સુધી આભા ની રાહ જોવા તૈયાર હતો.



આભાને હવે નોકરી કરવાની જરૂર તો નહોતી પણ એ સંપૂર્ણપણે આકાશ પર નિર્ભર રહેવા નહોતી ઈચ્છતી. એટલે જ તેણે નોકરી ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. ઘરમાં બધા એ એની ઈચ્છાનું માન રાખ્યું. આકાશને પણ એની સાથે જ રહેવા સૂચવ્યું. આકાશે આભાની નોકરીનાં સ્થળ ની નજીક ના શહેરમાં પોતાના બિઝનેસની નવી બ્રાંચ શરું કરી. સમય પોતાની ગતિએ પસાર થઈ રહ્યો હતો. રજાઓમાં તેઓ અમદાવાદ, તો ક્યારેક સુરત અને ક્યારેક સુખપર મુલાકાત લેતા. આકાશ, આભા અને આકૃતિ એકબીજા સાથે ખૂબ ખુશ હતાં. મિત્ર તરીકે આકાશ ને પામીને આભા પોતાને લકી સમજતી હતી. અને આકાશ ભલે આભા એ તેેેનો પતિ તરીકે સ્વીકાર ના કર્યો પણ તેનો મિત્ર તરીકે સાથ મેળવી ખુશ હતો. પણ કહે છે ને કે ખુશી ને બહુ જલ્દી નજર લાગી જાય છે.


*............*...........*...........*............*

" મમ્મા... પપ્પા ને બાઈક ચલાવવા આવડે.. તમને કેમ નથી આવડતું?" પપ્પા, મમ્મી સાથે બાઈક પર જતી નાનકડી આકૃતિ ખૂબ જ પ્રશ્નો કર્યા કરતી.

" મને પણ આવડતું હતું પણ હવે ભૂલાઈ ગયું." આભા એ આકૃતિને વ્હાલ કરતા કહ્યું.

ત્યાં જ આકાશે બ્રેક લગાવી બાઈક ઊભી રાખી આશ્ચર્ય સાથે આભા સામે જોયું.

" તને બાઈક ચલાવતા આવડે છે? આ મેં કેમ ના વિચાર્યું?" આકાશે પૂછ્યું.

" મેં કહ્યું કે આવડતું હતું." આભા એ સ્પષ્ટતા કરી.

" અરે બાઈક ચલાવતા આવડતું હોય તો એ ભૂલાઈ થોડું જાય. બહાનાં બંધ કર અને ચલ તું ડ્રાઈવ કર. અમે પણ પાછળ આરામથી બેસવાનો લાભ લઈએ. હે ને દીકા? " આકાશે આકૃતિ ને આભા પાસેથી તેડી લેતા કહ્યું.

" આકાશ મને સાચે જ ભૂલાઈ ગયું છે.." આભા એ આનાકાની કરતા કહ્યું.

" ઓકે, તો યાદ કરી લે.." આકાશે તેને બાઈકની ચાવી હાથમાં પકડાવતા કહ્યું.

એ બંનેમાં એટલી નિકટતા આવી હતી કે આકાશ આટલો હક જતાવી શકે. એની વાત માની આભા એ ચાવી હાથમાં લીધી. પણ એણે થોડી વાર એકલા જ બાઈક ચલાવવાનું વિચાર્યું. જેથી એ આકાશ કે આકૃતિ ને કોઈ ઈજા ના પહોંચાડી દે. જોકે આકાશને વિશ્વાસ હતો કે આભાને ખૂબ સારી રીતે બાઈક ચલાવતા આવડતું હશે. એને યાદ હતું કે એ સ્કૂલમાં હતી ત્યારે જ બાઈક ચલાવતા શીખવાનું કહ્યા કરતી હતી. અને નાનપણથી જોયેલા સપના આભા પૂરાં ન કરી શકે તો જ નવાઈ. પણ એણે આભા ની વાત માની એને પહેલા એકલી જવા દીધી. આભા એ બાઈક સ્ટાર્ટ કરી. ધીરે ધીરે સ્પીડ વધારી થોડી આગળ નીકળી ગઈ.

આકાશ અને આકૃતિ સુરત નાં રસ્તા પર ટહેલતા ટહેલતા જઈ રહ્યા હતા. આકૃતિના અઢળક સવાલોના જવાબ આપતાં આપતાં આકાશ ભવિષ્યનાં સોનેરી સપનાંઓ જોઈ રહ્યો હતો. કેટલાક સમયથી આભા એને પસંદ કરવા લાગી હોય એવું આકાશને લાગી રહ્યું હતું. જો ખરેખર આવું બને તો આકાશ સાતમા આસમાને પહોંચી જાય. સપનાાંઓ જોતા જ એનાં ચહેરા પર હળવી સ્માઈલ આવી જતી. એવામાં હોર્નનાં અવાજથી એ વર્તમાનમાં આવી ગયો.

સામે ની તરફથી આભા આવી રહી હતી. એના ચહેરા પર એક આત્મવિશ્વાસ ઝળકી રહ્યો હતો. એ આકૃતિ અને આકાશ તરફ આગળ વધી રહી હતી. એવામાં પૂરપાટ ઝડપે એક કાર આકાશ અને આકૃતિ નજીકથી પસાર થઈ. એ પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર ની બ્રેક ફેલ થઈ ગઈ હતી. એટલે એનાં રસ્તામાં આવનાર કેટલાંય ને ધમરોળતી જઈ રહી હતી. આકાશે આકૃતિ ને છાતી સરસી ચાંપી દીધી. અને એક જોરદાર અથડામણ થઇ. અને આભા સાથે આકાશનાં સપનાંઓ પણ લોહી લુહાણ થઇ ગયા. આસપાસ ફેમિલી અને મિત્રો સાથે આનંદની ક્ષણો ગાળવા નીકળેલા લોકો આ અકસ્માત જોઈ કંપી ઉઠ્યાં. આસપાસનાં લોકો મદદે આવ્યા. અકસ્માતમાં ઘવાયેલા લોકો ને ૧૦૮ ની મદદ થી હોસ્પિટલ પહોંચાડ્યા. એમનાં સગાં સંબંધીઓને જાણ કરી.

હોસ્પિટલના આઈ.સી.યુ. માં આભા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. આકૃતિ વારંવાર મમ્મા પાસે જવાની જીદ કરી રહી હતી આભા અને આકાશ નાં મમ્મી પપ્પા મહા મુસીબતે આકૃતિ અને આકાશને સંભાળી રહ્યા હતા.


*...........*...........*...........*

આકાશ ભૂતકાળ ને વાગોળતાં વાગોળતાં રડમસ થઇ ગયો. બધા તેને સાંત્વના આપી રહ્યા હતા. આભા બધી વાત સાંભળી અવાક્ બની ગઈ. હવે આભા સામે સઘળી હકીકત હતી. બધા તેનાં રિએક્શન ની રાહ જોઈ રહ્યા હતા.

*.........*.........*..........*..........*

આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.