તેજસ્વિની: અક્કા મહાદેવી Dipak Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેજસ્વિની: અક્કા મહાદેવી

તેજસ્વિની: અક્કા મહાદેવી

:અનુવાદ:- દીપક રાવલ

 

કોઈ કોઈની ઉપસ્થિતિ આપણો રસ્તો રોકી લે છે. દેશ-કાળનું બંધન તોડીને સામે આવી જાય છે. એ ભક્ત હોય, કવિ હોય, મર્મ ભેદતી કોઈ પંક્તિ તમારામાં ઉગી હોય, એવું બની જ ન શકે કે તમે રોકાવ નહીં, એને સાંભળો નહીં. લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં ક્યારેક એમને પહેલી વાર વાંચ્યા હતાં અક્કા મહાદેવીને. આને પણ એ રસ્તો ભુલાવી દે છે. આપ એની સાથે બંધાયેલા હો એમ એની પાછળ-પાછળ ચાલ્યા જાઓ છો, અદૃશ્ય જગતના સન્નાટામાં. જાણે હજી એ એના મહાદેવ સાથે વાત કરી રહી છે.

કર્ણાટકમાં તમે હો તો એવું બની જ ન શકે કે તેમની સેંકડો વર્ષ પહેલાંની કોઈ ઉક્તિ, કોઈ વચન વાતચીતમાં ન આવે. એ કવિ નહોતી, એણે તમારા-મારા માટે કવિતા લખી નહોતી. ભક્તિ કરતાં જઈને એ કાળને પાર કરી ગઈ હતી. એ હું અને તમે છીએ જે એને કવિ કહે છે. આમ કાંટામાંથી વીંધાઈને કોઈ વાત આવતી હોય તો એ કવિતા થઈને. એ સંત લોકો હતા, વચન કહેતાં હતાં, સત્ય વચન. એમની વાણીને વચન જ કહેવાય છે, વચન સાહિત્ય.

બારમી સદીના ત્રીજા દશકમાં, સન 1130ની આસપાસ કદીક એમનો જન્મ થયો હતો. દક્ષિણ ભારતના કર્ણાટકના શિવમોગા જિલ્લાના એક ગામ ઉદ્દુતડીમાં. શિવભક્ત માતા-પિતાના ઘરમાં શિવ એમના માટે કોઈ નિર્જીવ પત્થર નહીં, એક જીવતી-જાગતી પ્રાણસત્તા હતા. શિવ સાથે જોડાએલી કથાઓ એમની નસોમાં દોડતો અનુભવ.

એમાંની જ એક કવિતા હતી કે જ્યારે અર્જુને અજાણતા ફૂલોથી ઢાંકી દીધા હતા. એમની સાથે જ યુદ્ધ કર્યું હતું જેમની પાસે વરદાન માંગવા એ તપસ્યા કરી રહ્યા હતા. જેટલાં એ બાણ ચલાવતાં, દૈવી બાણોને મલ્લિકા(ચમેલી)ના ફૂલોમાં રૂપાંતરિત કરી નાખતાં. અર્જુને મહાદેવ ઉપર એવા બાણ ચલાવ્યા કે મહાદેવ ફૂલોથી ઢંકાઈ ગયા અને અંતે એ જ રૂપમાં અર્જુનને દર્શન આપ્યા.

ત્યારથી જ શિવનું એક નામ થઈ ગયું, અર્જુનની મલ્લિકાવાળા, મલ્લિકાર્જુન.

મહાદેવી એમને આ જ રૂપે ઉપાસતી હતી, ફૂલોથી ઢંકાયેલા શિવને. યોગાનુયોગ એમનું નામ પણ મહાદેવી હતું. ક્યારે એ મહાદેવી થઈ ગયા એની આપણે કલ્પના જ કરી શકીએ.

પરંપરા કહે છે તેઓ અનન્ય સુંદરી હતા.

શક્ય છે એ વાત એમની કઠોર નિયતિને જોઈને કહેવામાં આવતી હોય. મનુષ્ય સુંદરતા સહન કરવા બન્યા નથી. સુંદરતા સદા એમનામાં હિંસા જગાડતી આવી છે. વળી આ તો પાછી સ્ત્રીની સુંદરતા, ભક્ત મનનો એમનો આલોક, એમની આત્મા, એમની તન્મયતા.

સુંદરી મહાદેવીને ક્યારેક ને ક્યારેક વધ થવાનો જ હતો. એ બારમી સદીને બદલે એકવીસમી સદીમાં રહી હોત તો પણ એને નિયતિથી કોઈ બચાવી શક્યું ન હોત.

પરંતુ એમનો વધ કોઈ બીજાએ નહોતો કર્યો. એ ઉપક્રમ એમણે સ્વયં કર્યો.

એવું નથી કે એમનાં નાનકડા અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષના જીવનમાં એમનો વધ કરવાનો પ્રયાસ નહીં થયો હોય. એમની કવિતામાં પુરુષના વ્યવહારની કુદ્રપતાના, છેડતીથી માંડીને જોર જબરદસ્તીના વર્ણન  છે. (ઓ ભાઈ, તમે એનું યૌવન, એના ગોળ સ્તન જોઈને એની પાછળ આવ્યા છો), (કોને પરવા ઈ કોણ સુએ છે એ સ્ત્રીની સાથે જેને તમે છોડી દીધી.)

મહાદેવીએ પોતાની સુંદરતાનો વધ સ્વયં કર્યો, ભક્તિમાં દેહનું અતિક્રમણ. એમણે પંચતત્વને ખેલ માન્યો, સાકારને પ્રેમ કર્યો અને નિરાકારમાં લીન થઈ. પૂર્ણ તત્વને એમણે પામી લીધું હતું, સાધી લીધું હતું. એના પર્યાયી સંકેત એમનાં વચનોમાં મળે છે.

આ જે એમનાં વચન આપણને આજે વ્યાકુળ કરી મૂકે છે, આ એમનાં બોલ, જે એમણે કદી લખ્યાં નહોતાં, સુધાર્યા કે કા-પૂક નહોતી કરી. એમના હૃદયની આગમાં એને તપાવ્યા હતા, સ્વ વચનોને, એકાલાપને. કોણ કહી શકે કે એમનાં આ વચન એકાંતમાંથી નીકળીને સાંભળનારના હૃદયમાં ધબકવા લાગ્યા, મૂળ કન્નડ ભાષામાં નહીં, પડોશની મલયાલમ અને તેલુગુ ભાષામાં પણ.

થોડાં વર્ષો પહેલાંની ઘટના છે. કેરળની એક લોકલ ટ્રેનમાં એક ભિખારણને અતિ સુંદર ગીત ગાતાં સાંભળી હતી. ગાઢા હરિયાળા વૃક્ષોની વચ્ચેથી અમારી ટ્રેન જઈ રહી હતી અને ડબ્બાની શાંતિમાં એનું ગાન ગૂંજી રહ્યું હતું. શબ્દ શું છે કંઈ ખબર નહોતી પરંતુ આરત એવી કે મારી ભીતર કંઈક ચિરાઈ જતું હતું. સાથે બેઠેલા યાત્રીને મેં પૂછ્યું કે આ સ્ત્રી શું ગાઈ રહી છે? મલયાલમ ભાષીએ કહ્યું, અક્કા મહાદેવી!

‘तुमने मुझे कंठ दिया, तुम्हारे गुण गाउंगी’

કોઈ વિચારી શકે, આઠસો વર્ષો પહેલાં કોઈ અક્કા આમ જ ગાતાં-ગાતાં, પોતાની સાથે વાતો કરતાં આ દેશમાંથી પસાર થઈ હશે?

भेजो मुझे दर-दर हाथ फैलाए भीख माँगने को......

ભૂખ્યા માટે ગામનું અન્ન, તરસ માટે નદી, કુવા, સુવા માટે ખંડેર અને સંગ માટે તમે મલ્લિકાર્જુન.

કાળપ્રવાહમાં ક્યારેક-ક્યારેક એવું સંક્રમણ/પરિવર્તન અવશ્ય આવે છે. દેશ-કાળમાં જ્યારે કેટલાય હૃદયમાં ઉથલ-પાથલ શરૂ થઈ જાય છે. ઉત્તર ભારતમાં તુર્કી લુંટારાઓની માર-કાપથી શરૂ થઈ જાય છે. બારમી સદીમાં દક્ષિણ ભારત એવું જ હતું. મંદિરોમાં બ્રાહ્મણોના વર્ચસ્વ અને દુર્વ્યવહારથી ક્ષુબ્ધ પ્રજા પોતાની આસ્થા માટે કોઈ નવો માર્ગ શોધી રહી હતી.

આ વિરોધની શરૂઆત ભક્ત બાસવન્નાએ કરી હતી, પોતાની યજ્ઞોપવીત તોડીને. તેઓ પોતે એક કુલીન બ્રાહ્મણ હતા. સ્થાનીય રાજાના કોષાધ્યક્ષ. એમણે પોતાના સમાજમાં, વ્યક્તિગત ઈષ્ટદેવની એવી ઝુંબેશ ચલાવી કે અનુયાયીઓએ મંદિરમાં બ્રાહ્મણોનો તિરસ્કાર સહેવાને બદલે શિવલિંગના નાના-નાના પ્રતીક કંઠમાં ધારણ કર્યા. જ્યારે પણ એમને ભાવના થતી, આ ભક્તોમાં ગળામાંથી ઉતારીને શિવલિંગ હથેળીમાં મૂકી પૂજા કરી લેતા. શિવ એમના અંતરંગ થઈ ગયા હતા. વેદ-ઉપનિષદકાળથી મહેતાના રૂદ્ર મહાદેવ. મહાદેવીના વચનોમાં આ શિવ સાથેના આત્મીય સાક્ષાત્કારના ઘણાં વર્ણન છે.

જાતિ-વ્યવસ્થાનો વિરોધ કરવાને કારણે આ ભક્તો ઘોર હિંસાનો પ્રહાર સહેતાં હતાં. વીરતાથી આ બધું સહન કરતાં હતાં એ કારણે એમનું નામ પડ્યું, વીરશૈવ. આજે જે વીરશૈવ સંતોનાં ચિત્ર આપણને જોવા મળે છે એ  સૌના ગળામાં શિવલિંગ પહેરેલું જોવા મળે છે. એમની હથેળીમાં પણ મૂકેલું હોય છે.

એમનું મંદિર એમની પાસે, એમના દેવતા એમની પાસે.

બાસવન્નાની આગેવાનીમાં આ લિંગાયત સમુદાય બન્યો હતો. એમની સત્સંગ સભા અનુભવ-મંડપ. એ સમયના બહુ મોટા તત્તવજ્ઞાની અલ્લામા આ બેન્કના પ્રભુ હતા, અધ્યક્ષ. ધીરે-ધીરે એમનું આ જ નામ પ્રસિદ્ધ થઈ ગયું- અલ્લામા પ્રભુ. એમના રહસ્યવાદી અનુભવોનું માર્મિક વૃત્તાંત એમના વચનોમાં વાંચવું જોઈએ.

આજે એ વિચારતાં જ આશ્ચર્ય થાય છે કે આપણે ત્યાં પણ ક્યારેક એક એવો સમાજ હતો જેમાં એક જ સમયમાં આટલાં બધાં સાધક સંભવ હતાં. અને આ બધાં માત્ર પોતાને નહીં પરંતુ આ દેશની જ્ઞાનપિપાસાને પણ અનિર્વચનીય રીતે વ્યાખ્યાયિત કરી રહ્યાં હતાં.

મહાદેવી ભક્ત હતી પરંતુ યુવતી હતી. એની ભીતરનું સંતત્વ આવા વિકટ રસ્તે બહાર આવશે એ અકલ્પનીય તે સમયે પણ અને આજે પણ.

કહેવાય છે કે સોળ વર્ષની મહાદેવીના લગ્ન સ્થાનિક જૈન રાજા સાથે થયાં હતાં. જે એમને નદીના તટમાં પૂજામાં મગ્ન જોઈને મોહિત થયો હતો. મહાદેવીએ વિધર્મી સાથે લગ્ન કરતી વખતે કેટલીક શરતો મૂકી હતી કે રાજા કદી એમની પૂજા-અર્ચનામાં ખલેલ નહીં પાડે, એમને પોતાના ગુરુજનો-સત્સંગીઓ સાથે મળવા દેશે, વગેરે. રાજા માની ગયો હતો અને લગ્ન થયાં હતાં. એક-બે વર્ષમાં જ ધીરે-ધીરે બધી શરતો તૂટવા લાગી. મહાદેવીને ઘર છોડવું પડ્યું. ઘર છોડવાની ઘટના બહુ હૃદયવિદારક છે. રોજની જેમ એ દિવસે મહાદેવી પૂજામાં બેઠી હતી, સદ્યસ્નાતા, ત્યારે રાજા, એનો પતિ, એને જોઈને એવો કામાતુર થયો કે પૂજા પૂરી થાય ત્યાં સુધી ધૈર્ય ન રહ્યું. એણે આવીને મહાદેવીનું વસ્ત્ર ખેંચ્યું અને વસ્ત્ર ખુલી ગયું. મહાદેવીનું ધ્યાનભંગ થયું. મહાદેવીએ ખુલ્લા શરીર તરફ સંકેત કરી એને ધિક્કાર્યો. શું આ દેહ માટે તેં મને આટલી વ્યથિત કરી? પતિએ કહ્યું ‘તું હવે મારી સંપત્તિ છે. તારા વસ્ત્ર અને આભુષણો પણ. હવે હું જે ઇચ્છું તે કરી શકું.’

મહાદેવી જેમ ઉભી હતી એમ જ બહાર નીકળી ગઈ, નિર્વસ્ત્ર, કિંકર્તવ્યવિમૂઢ. મહેલથી સડક પર. સડકના દેશમાં.

તે પછી જીવનભર, ભલે એમનું જીવન ટૂંકું હતું, એમણે કોઈ આવરણ ઓઢ્યું નહીં. બસ એમના લાંબા કેશે જેટલું શક્ય હતું તેટલો તેમના નગ્ન, યુવા સ્ત્રી દેહને ઢાંક્યો.

એ જ નિરાવરણ દેહે શિવતત્વની શોધયાત્રા આરંભ કરી, સ્વયંનો વધ કર્યો.

મહાદેવીએ અલ્લામા પ્રભુના અનુભવમંડપ વિશે સાંભળ્યું હતું. એ એમનાં સ્થાનથી આઠસો કિલોમીટર દૂર સ્થાન હતું. મહિનાઓ પગે ચાલીને, ભિક્ષા માગીને, મ્હેણાં સાંભળતાં, તિરસ્કાર સહેતાં-સહેતાં એ ત્યાં પહોંચી. આજના બીદર કલ્યાણ સ્થાનમાં. શિવનો મહિમા સાંભળવા.

પરંતુ શિવત્વની પ્રાપ્તિ સંભવતઃ એમને રસ્તામાં જ ક્યાંક થઈ ગઈ હતી. એમની આંતરિક શારીરિક રચના બદલાઈ ગઈ હતી. માસિક ધર્મ અટકી ગયો હતો. કાયા-છિદ્રોમાંથી રાખની વિભૂતિ નિકળવી શરૂ થઈ ગઈ હતી. રહસ્યવાદીઓ આને શિવ સાથેના મિલનની ઉચ્ચ અવસ્થાનો સંકેત માને છે. મહાદેવીના વચનોમાં આ વિકટ યાત્રાની અનેક છબીઓ મળે છે. જ્યારે એ અનુભવમંડપ પાસે પહોંચી, હડકંપ મચી ગયો. ભભૂતિથી ઢંકાયેલ એક નગ્ન સ્ત્રી આવી રહી હતી. એમનો રસ્તો રોકવાનો પ્રયાસ થયો. પછી અનુભવ-મંડપના જ એક ભક્ત બોમૈયાએ એમને રોકીને એમની બરાબર તપાસ કરી, એમની યોનિ સુધી. ત્યાં પણ ભભૂતિ મળી.

આ બધું હૃદયને હચમચાવી નાખનારું વૃત્તાંત બસો વર્ષ પછી ચૌદમી સદીમાં લખાયેલા ગ્રંથ સત્યસંપાદનમાં અંકિત છે. ત્યાર પછી એમને અનુભવ મંડપમાં અલ્લામાં પ્રભુ સામે ઉપસ્થિત થવાની અનુમતિ મળી. ત્યાં પણ અલ્લામા પ્રભુએ કઠોર પ્રશ્નોથી એમની કડક પરીક્ષા કરી. અંતે પૂછ્યું હવે તેં આવરણ છોડી  જ દીધું છે તો કેશથી શા માટે ઢંકાયેલી છે? મહાદેવીએ કહ્યું ’હું તૈયાર છું પ્રભુ, પરંતુ તમે હજી આ દૃશ્ય માટે પરિપક્વ નથી.”

આની સામે નતમસ્તક થઈ ગઈ.

બાસન્નાએ એમને નામ આપ્યું અક્કા, દીદી.

તે પછીથી એ અક્કા મહાદેવી કહેવાઈ.

પરંતુ મહાદેવીનો માર્ગ જ્ઞાન-ચર્ચાનો નહોતો. થોડો વખત અનુભવ મંડપમાં વિતાવ્યા પછી તે શૈલ પર્વત તરફ ચાલી ગઈ. શ્રી શૈલમ્ જ્યોતિર્લિંગ પાસે. મહાદેવની જગ્યામાં. ત્યાં કૃષ્ણા નદીને કાંઠે આજે પણ એમની ગુફા મળે છે. ત્યાં જ એકાંતમાં એમણે ધ્યાન કર્યું હતું.

કહેવાય છે કે અંતિમ વર્ષોમાં એમના માતા-પિતા અહીં આવ્યાં હતાં, એમને લેવા. એ ગઈ નહીં. પછી એમનો રાજા પણ, એમની ક્ષમા માંગવા આવ્યો. પરંતુ ત્યાં સુધીમાં એ તપસ્યામાં બહુ આગળ નીકળી ગઈ હતી. પાછા આવવા કશું હતું નહીં.

સન 1160ની આસપાસ, અઠ્ઠાવીસ-ત્રીસની વયમાં એ કોઈ સમયે અન્તર્ધાન થઈ ગઈ. કેટલાક કહે છે કે શ્રી શૈલમમાં સમાઈ ગઈ.

જાન્યુઆરી 2020માં મને શ્રી શૈલમ જઈને માથું નમાવવાનું સૌભાગ્ય મળ્યું. જ્યોતિર્લિંગનું દર્શન કરવાનું. લગભગ પાંત્રીસ વરસથી એ મારા હૃદયમાં ધબકી રહી હતી. ભગવાન શિવ માટે એનો જ્વરગ્રસ્ત પ્રેમ, એની સાધના. સન 1983-84માં ક્યારેક એમને પહેલીવાર વાંચ્યાં હતાં. અનુવાદ પણ કર્યો હતો. એ.કે. રામાનુજના પ્રસિદ્ધ અનુવાદોનું ભાવનિરૂપણ.

મહાદેવી મારી અંદર એવી ઉતરી કે દરેક જગ્યાએ મારી સાથે રહી. ખાસ કરીને કૈલાસ માનસરોવર યાત્રામાં. મારા પુસ્તક ‘અવાક્’માં એ વારંવાર આવી. પછઈ કેરળ યાત્રામાં. એમના વચનોને સારી રીતે સાંભળી શકું એ માટે શ્રી શૈલમની યાત્રા પણ થઈ જ.

મહાન હિન્દુ મંદિરો જેવું એ મંદિર હતું. ઉષાકાળે પ્રવેશવા માટે લાંબી લાઈન, ટિકિટ, ધક્કામુક્કી, કડક-નિયમ. સારી રીતે દર્શન થઈ શકે તેની યુક્તિઓ. ઉજળી પરોઢવાળી એક સવાર. કેવળ એક ક્ષણ જાણે સમય રોકાઈ ગયો હતો.

આસપાસ કોઈ નહીં. બસ એક મહિલા પોલિસ. સામે ધરતીમાંથી દેખાતું કાળા રંગનું જ્યોતિર્લિંગ. સોનેરી ધાતુની રેલિંગથી રેખાંકિત. સુદૂરના કોઈ સમયમાં મહાદેવ-પાર્વતી અહીં આવ્યા હતાં, પોતાના રીસાયેલા પુત્ર કાર્તિકેય પાસે રહેવા. સતયુગમાં આ જ્યોતિર્લિંગ અનંત પ્રકાશનો એક સ્તંભ હતું. પછી એ અગ્નિપૂંજ બન્યું. હવે કળિયુગની કાળાશમાં કાળો પથ્થર જ રહી ગયું હતું. ધરતીમાંથી ડોકાતું મહાદેવનું ચિહ્ન.

‘શું હું એને સ્પર્શી શકું?’ મેં મહિલા પોલીસને પૂછ્યું.

‘હા, પણ જલ્દી કરો.’

મેં માથું ટેકવી પ્રણામ કર્યા. ધક્કામુક્કી હોવા છતાં મારા હાથણાં એક બિલિપત્ર દબાવી રાખ્યું હતું. એ અર્પિત કરતાં મારો કાંપતો મરણશીલ હાથ ત્યાં જ્યોતિર્લિંગ પર મૂક્યો. વિજયીની એક બારીક ચમક મારી ભીતર ઉતરી ગઈ. જાણે દેવતાએ સંકેત આપ્યો હોય કે એ ત્યાં છે, એમણે મને જોઈ લીધઈ છે, મારું આવવું સ્વીકારી લીધું છે.

ઉભી થઈ તો આંસુ વહી રહ્યાં હતાં.

એ ઝળઝળીયાંવાળી આંખે મેં આખું મંદિર જોયું. એનું સુરમ્ય વાતાવરણ.

બહુ મોટું પ્રાંગણ હતું. પહાડને કોરીને બનાવેલા પગથિયા. દરેક સ્તર પર નાના-મોટા દેવતાઓના મંદિર. એક તરફ નાગ-પત્થરનો સમૂહ. એની પાસે જ યજ્ઞશાળાઓ. હવામાં ગૂંજતો મંત્રધ્વનિ. કેટલાય હવન એક સાથે થઈ રહ્યાં હતાં. ગૌશાળામાં વાછરડાઓને ઘાસ ખવડાવી શકીએ એવી વ્યવસ્થઆ. એમના લાળ ટપકતાં ભોળા મુખ.

બહાર નીકળી ત્યારે એક વૃક્ષ નીચે ઉભેલી સોનેરી આદમકદની મૂર્તિ પર મારી નજર પડી. ભીડમાંથી ભાગ્યે જ કોઈનું ધ્યાન એના તરફ હતું.

ગાઢા લાંબા વાળોથી ઢંકાયેલ, દુબળો-પાતળો એક નગ્ન નારી દેહ, જેવી રીતે એ શેષ જીવન ફરી હતી. હવે એ ત્યાં હતી. પોતાના દેવતા પાસે.

એ એકલી ઉભી હતી.

મને આશ્ચર્ય થયું. એમની મારા મનમાં જેવી મૂર્તિ વસી હતી એવી જ એ ત્યાં ઉભી હતી. તેજસ્વિની.

 

1.      જેમ રેશમનો કીડો

ગૂંથે / વણે છે પોતાનું ઘર

સપ્રેમ પોતાની જ મજ્જાથી

અને મરી જાય છે

પોતાના દેહમાં લપેટાઈને

એમ હું સળગું/બળું છું

પોતાના/મારા દેહની ઇચ્છામાં

કામનાથી ભરેલું મારું હૃદય.

 

2.      જો તણખો ઉડશે

        તો સમજીશ કે

        મરી ગઈ છે મારી ભૂખ-તરસ

        આસમાન/આકાશ ફાટશે

        તો સમજી જઈશ

મને સ્નાન કરાવવા વહી આવ્યું

પહાડી મારા પર ધસી પડશે

સમજીશ

મારા વાળા ફૂલ છે એ

જે દિવસે પડશે મારું મસ્તક

ખભાઓ પરથી છટકીને

સમજીશ તમને ભેટ ચડ્યું

ઓ મલ્લિકાર્જુન!

 

3.      મને મોકલો ઘર-ઘર

        હાથ ફેલાવીને

        ભીખ માગવા માટે

        અને જો માંગુ ભીખ

        તો ન આપવા દેશો એને

અને જો તેઓ આપે

તો ધરતી પર પાડી દેજો

અને જો તે પડી જાય

તો હું ઉઠાવું તે પહેલાં

લઈ જવા દેજો એ કૂતરાને

ઓ મલ્લિકાર્જુન!

 

4.      કોને પરવા છે

કોણ તોડે છે ઝાડનું પાન

એકવાર ફળ તૂટી ગયા પછી

કોને પરવા છે

કોણ ખેડે છે જમીન

જે તમે ત્યાગી દીધી?

કોને પરવા છે

કોણ સુવે છે એ સ્ત્રીની સાથે

જેને છોડી દીધી તમે?

એકવાર પ્રભુને જાણી લીધા પછી

કોને પરવા છે

કુતરાઓ ખાય છે આ દેહને

કે પાણીમાં ગળી જાય છે?

 

5.      બીજા પુરુષ કાંટા છે

કોમળ પાનમાં સંતાયેલા

હું એમને સ્પર્શી શકતી નથી

ન જઈ શકું છું એમની પાસે,

ન કરી શકું ભરોસો

ન કહી શકું હું મનની કોઈ વાત

મા

સૌની છાતીમાં ઈ શૂળ

હું એમને ભુજાઓમાં લઈ શકતી નથી

સિવાય મારા મલ્લિકાર્જુનને.

 

6.      ચાર પ્રહર દિવસના

હું તમારા શોકમાં રહું છું

ચાર પ્રહર રાતના

તમારા માટે બાવરી / પાગલ

પડી રહું છું દિવસ-રાત

ખોવાયેલ અને બીમાર

ઓ મલ્લિકાર્જુન

જ્યારથી જાગ્યો

તમારો પ્રેમ

ભૂલી ગઈ હું

ભૂખ, ઉંઘ અન તરસ.

7.      ઓય મા, હું બળતી રહી

જ્વાળા વિનાની આગમાં

ઓય મા હું સહેતી રહી

એક રક્તહીન ઘાવ

ઓય મા

હું પીડાતી રહી

કોઈ સુખ વિના

મલ્લિકાર્જુનના પ્રેમમાં

ફરી આવી હું

કેવી કેવી દુનિયા

 

8.      એક નહીં, બે નહીં, ન ત્રણ કે ચાર

ચોર્યાસી લાખ યોનિઓમાંથી આવી છું હું

નીકળી આવી છું હું

અસંભવ સંસારોમાંથી

ક્યારેક આનંદ પીધો, ક્યારેક પીડા

જે કંઈ હતા મારાં પૂર્વજન્મ

દયા કરો

આજના આ દિવસે

ઓ મલ્લિકાર્જુન

 

9.      જ્યારે હું નહોતી જાણતી સ્વયંને

ક્યાં હતા તમે?

જેમ સુવર્ણમાં એનો રંગ

તમે હતા મારામાં

મેં જોઈ

મારામાં તમારા હોવાની વિડંબના

કોઈ અંગ દેખાડ્યા વિના

ઓ મલ્લિકાર્જુન!

 

10.     વન છો તમે

વનના બધાં મોટા વૃક્ષ

પણ તમે

પક્ષી પણ તમે, શિકારી પણ તમે

ડાળે ડાળે રમતા

કોઈ રમત

બધાંમાં તમે, તમારામાં બધાં

ઓ મલ્લિકાર્જુન

દેખાડો તો ખરા

તમારું મુખ.

 

11.     ઘરમાં પતિ

બહાર પ્રેમી

મારાથી નથી સંભાળાતા / સચવાતા બંને

આ સંસાર

અને બીજો સંસાર

મારાથી નથી સચવાતા બંને

ઓ મલ્લિકાર્જુન,

મારાથી નથી થઈ શકતું કે

પકડી રાખું

એક હાથમાં બિલ્વ ફળ

બીજામાં ધનુષ્ય

 

12.     પ્રકાશે દેખાડ્યું

દૂર દિગંત સુધી

ફેલાયેલું આકાશ

પવનની હલચલ

પાંદડાં, ફૂલ, બધાં છ એ છ રંગ

વૃક્ષ પર, ઝાડમાં, લતાઓ પર

આ બધી

થઈ દિવસની પ્રાર્થા

ચંદ્રની ચાંદની, તારા અગ્નિ,

વિજળી અને એવી જ બધી વસ્તુઓ

ઓળખાય છે જે

પ્રકાશના નામથી

થઈ રાતની પ્રાર્થના

ખોવાયેલી રહું છું

દિવસ અને રાત

તમારી પ્રાર્થનામાં

ઓ મલ્લિકાર્જુન!

 

13.     જો કોઈ કાઢી શકતું

        સાપના દાંત

અને નચાવી શકતા એને બીન પર

કેટલું સારું હોત

સાપ રાખવાનું

જો કોઈ કાઢી શકતું

દેહ/શરીરમાંથઈ વ્યસન

કેટલું સારું હોત શરીરમાં રહેવાનું

દેહમાં વ્યસન

જાણે મા બની ગઈ હોય રાક્ષસી

ન કહેશો ઓ મલ્લિકાર્જુન

દેહ છે એમની પાસે

જેમની પાસે છે તમારો પ્રેમ.

 

14.     શરમાઈ જાય છે લોકો

પુરુષ હોય કે સ્ત્રી

સરકી / ખસી જાય જો

શરમ ઢાંકવાનું અધોવસ્ત્ર

વ્યાપી હોય જ્યારે જીવ જગતમાં

મુખ વિનાના પ્રભુ

કોનાથી તમે શરમાશો?

સમસ્ત જગત જ્યારે

આંખ છે પ્રભુની

બધું જ જોતી

સંતાડશો શું? ઢાંકશો શું?

 

15.     ભૂખ માટે

        ગામે આપેલું ભિક્ષાનું અન્ન

તરસ માટે

નદીઓ, તળાવ, કુવા

સુવા માટે

મંદિરોના ખંડેર

આત્માના સંગ માટે

તમે મારી પાસે

ઓ મલ્લિકાર્જુન!

 

16.     શા માટે મને જોઈએ?

મડદું થતો જતો આ સંસાર?

માયાનું મૂત્રપાત્ર,

આતુર વાસનાઓનું વેશ્યાઘર

આ ફૂટેલો ઘડો

આ ટપકતું તળીયું?

અંગુલીમાલે મસળી નાખ્યા

ઉંબરાના વૃક્ષના ફળ

એને પારખવા

જરૂરી નથી કે કોઈ ખાઈ જાય એને!

શરણ આપો મને

મારા દોષ સહિત

ઓ મલ્લિકાર્જુન!

 

17.     ઓ ભાઈઓ શા માટે ટોણાં મારો છો

વિખેરાયેલા વાળ

કરમાઈ ગયેલા મુખ ને

સૂકાયેલા દેહ માટે

આ સ્ત્રી પર?

ઓ પિતાઓ,

કેમ સતાવો છો આ સ્ત્રીને?

એનાં અંગોમાં નથી પ્રાણ

છોડી દીધો છે એણે આ સંસાર

ત્યાગી દીધી છે ઇન્દ્રિય

બની ગઈ છે એ ભક્ત

એ સૂતી હતી મલ્લિકાર્જુન સાથે

અને પોતાની જાત ગુમાવી બેઠી છે.

 

18.     એ સુંદર મારો પ્રેમ

ન એને મૃત્યુ, ન વૃદ્ધાવસ્થા

ન આકાર

ન સ્થાન, ન દિશા

ન અંત, ન જન્મ ચિહ્ન

એ જ મારો પ્રેમ, સાંભળ ઓ મા

એ સુદર્શન મારો પ્રેમ

ન એને બંધન, ન ભય

ન કુળ, ન દેશ

ન સીમાચિહ્ન કોઈ

એના રૂપના

એ જ મારો પ્રભુ

મારો પતિ, મલ્લિકાર્જુન

આ લે પતિ, મારી મા,

જે મરણશીલ, જરા-જર્જર

નાખ એને ચૂલાની આગમાં!

 

19.     જેમ ટોળામાંથી વિખુટો પડી ગયેલો હાથી

પકડાઈ જાય અચાનક

યાદ કરે પોતાના પર્વત,

વિંધ્યને

હું યાદ કરું છું

જેમ પોપટ આવી જાય

પાંજરામાં

અને યાદ કરે સાથીને

હું યાદ કરું છું

મને રસ્તો/માર્ગ દેખાડો

ઓ મલ્લિકાર્જુન

બોલાવો, અહીંથી આપ, બાળકીને

આ રસ્તેથી

 

20.    ઓ પ્રભુ

ભૂરા પર્વતોના વાસી/નિવાસી

પગમાં ચન્દ્રમણિ પહેરીને

લાંબી શરણાઈ વગાડતી

ક્યારે ફોડીશ

મારાં સ્તનના ઘડા તારા પર?

ઓ મલ્લિકાર્જુન

યુક્ત થઈને

દેહની લજ્જા

હૃદયના શીલથી

હું ક્યારે મળીશ તમને?

 

21.     જો એ કરે

        એમને જવું છે યુદ્ધ લડવા

        સરહદ/સીમા પર

સમજી શકું છું હું, રહી શકું છું ચૂપ

પરંતુ કેવી રીતે સહું

જ્યારે એ અહીં છે

મારી હથેળી પર

મારા હૃદયમાં

અને છતાં પણ મારાથી દૂર

ઓ મારા મન, ઓ પૂર્વજન્મોની સ્મૃતિ

તમે થાપ પણ નહીં પહોંચાડો એમના સુધી

કેવી રીતે સહું ત્યાં સુધી?

 

22.    વારંવાર મિલન અને સંમથી સારું

એક વારનું મળવું

વિયોગ પછી

જ્યારે દૂર હોય છે એ

રોકી શકતી નથી જોયા વિના

એક ઝલક એમની

સખી, ક્યારે હું પામીશ

એમને બંને રીતે?

એમની નિકટ પણ,

એ-નિકટ પણ,

મારા મલ્લિકાર્જુન!

 

(“સ્કાઈ ક્લેક : ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ એન્ડ ટાઈમ્સ ઑફ અક્કા મહાદેવી”ના અંગ્રેજી અનુવાદના ગગન ગિલના હિન્દી અનુવાદ પરથી)