sakshibhav - the path of self-knowing books and stories free download online pdf in Gujarati

સાક્ષીભાવ : જાતને જાણવાનો રાજમાર્ગ

સાક્ષીભાવ : જાતને જાણવાનો રાજમાર્ગ

‘શ્રીમદ ભાગવત’માં એક કથા છે. સૃષ્ટિના સર્જન માટે બ્રહમે બ્રહ્માને સર્જ્યા. જ્યાં સત પણ નથી અને અસત પણ નથી એવા અસીમ અવકાશમાં કમળના આસન પર કમલાસન, બ્રહ્મા પ્રગટ્યા અને પ્રગટતાની સાથે જ એમને પ્રશ્ન થયો; योडसौ अहम् स: क: ? આ જે હું છું, તે કોણ છે ? બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું તો પણ એમને આ પ્રશ્નનો ઉત્તર ન મળ્યો !! આ પ્રશ્ન દરેક યુગમાં, દરેક જાગૃત વ્યક્તિને થયો છે, થવો જોઈએ.

જાતને જાણવાનું અઘરું છે. દરેક મનુષ્યની આ જ કથા છે. એ આખી દુનિયા વિશે જાણે છે; આકાશ,સૂર્ય-ચંદ્ર-નક્ષત્રોનું એને જ્ઞાન છે પરંતુ એ પોતાના વિશે કશું જાણતો નથી. એણે યુગોથી પોતાના વિશે જાણવા માટે બહુ પ્રયત્નો પણ કર્યા છે. શાસ્ત્રો, ધર્મો- ધર્મગ્રંથો, સંપ્રદાયો, રીત-રિવાજો, નાત-જાતના વાડા, તંત્ર-મંત્રની માયાજાળ રચી છે અને એ જાતે જ આ માયાજાળમાં જ ફસાઈ ગયો છે, પોતાની જાતને વિસરી ગયો છે. જે મિથ્યા અને નાશવંત જગત છે એને જ સત્ય માની બેઠો છે.   કોઈ કવિએ કાહયું છે ને કે ;

‘હું મને શોધી રહ્યો છું, લાખ પડછાયા મહીં

હું જ ખોવાઈ ગયો છું, મેં રચી માયા મહીં !!

છેક એવું પણ નથી કે કોઈએ પોતાની જાતને જાણી નથી, આત્મ સાક્ષાત્કાર કર્યો નથી. અનેક વિભૂતિઓએ પોતાના આત્માને જાણ્યો છે અને બીજાં મનુષ્યો કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે એના માર્ગ પણ બતાવ્યા છે. એમાનો એક માર્ગ તે ‘સાક્ષીભાવ’:

‘જ્ઞાતૃજ્ઞાનજ્ઞેયાનામાવિર્ભાવતિરોભાવજ્ઞાતા સ્વયમાવિર્ભાવ

તિરોભાવરહિત: સ્વયંજ્યોતિઃ સાક્ષીત્યુચ્યતે’ (સરસ્વતીસાર રહસ્ય ઉપનિષદ, 9 )

જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ના ઉત્પત્તિ લયને જાણનાર, છતાં સ્વયં ઉત્પત્તિ લયથી રહિત આત્મા સાક્ષી કહેવાય છે.

આપણી પરંપરામાં સાક્ષીભાવ વિશે ખૂબ ગહન ચિંતન થયું છે. સાક્ષિભાવને ધ્યાનમાં શ્રેષ્ઠ કહેવાયો છે. આત્મા અને શરીરને જુદા માની, અંદર-બહારની બધી જ પરિશ્થિતિઓને એની સાથે લેપાયા વિના દ્રષ્ટાભાવથી જોવું તે સાક્ષિભાવ. જેમ નાટકમાં અભિનય કરતો અભિનેતા કોઈ પાત્ર ભજવતી વખતે જાણતો હોય છે કે તે જે પાત્ર ભજવી રહ્યો છે તે નથી. એ અભિનય કરતી વખતે જાગૃત રહીને પોતાના પાત્રની, સાથી પાત્રોની, પ્રેક્ષકોની ગતિવિધિને જોયા કરે છે. સાથે સાથે એ પોતે કોણ છે તે તેને યાદ હોય છે. જેવુ નાટક પૂરું થાય કે એ પાત્રમાંથી બહાર નીકળી જાય છે.

જાતને જોવાનું સહેલું નથી. આંખ સઘળું જોઈ શકે પણ પોતાની પાંપણ જોઈ શકતી નથી ! સમજવાનું એ છે કે જેને આપણે જોઈ શકીએ તે આપણે નથી, તે આપણાંથી ભિન્ન છે. કોઈ કહે મે ઈશ્વરના દર્શન કર્યા તો એનો અર્થ એ કે દર્શન કરનાર અને ઈશ્વર એક નથી. કારણ કે તે જોનાર છે, જે ઈશ્વરને જુએ છે.

ઉપનિષદો આ જ પ્રક્રિયા અપનાવે છે; નેતિ, નેતિ. જે કઈ દેખાય તે હું નથી. આમ નકારતા નકારતા એક સમય એવો આવશે કે નકારવા માટે કશું રહેશે નહીં. એ ઘડી આવશે જ્યારે બધાં દૃશ્ય ખોવાઈ જશે. સર્વ પ્રકારના રાગદ્વેષ, અનુભવ, કામવાસના, આનંદ, શોક બધુ ખરી પડશે. રહેશે માત્ર દ્રષ્ટા. ઓશો કહે છે કે ઈશ્વરની શોધ એ આધ્યાત્મ નથી. પ્રાચીન યોગસૂત્રોએ ઈશ્વરની ચર્ચા જ કરી નથી. પછીથી ઈશ્વરની ચર્ચા થઈ તો અધ્યાત્મની શોધના એક સાધન તરીકે, સાધ્ય તરીકે નહીં. ઈશ્વર સાધનામાં સહયોગી થાય છે. ઈશ્વર પણ એક ઉપકરણ છે. એટલે જ બુધ્ધ અને મહાવીરે ઈશ્વરનો અસ્વીકાર કર્યો. પરંતુ બુધ્ધ અને મહાવીર ઈશ્વરને નકારી શક્યા, સાક્ષીને નહીં !! અધ્યાત્મની આધારશીલા છે તે સાક્ષી છે.

જોનારાને જોવો તે સાક્ષીભાવ. વેદ, ઉપનિષદ અને ગીતાનો સાર છે ધ્યાન. ધ્યાનમાં શ્રેષ્ઠ સાક્ષીભાવ. પૂજાપાઠ, ભજન-કીર્તન, જપ-તપ બધાં બાહ્ય ઉપકરણો છે. સાક્ષિભાવ દ્વારા પદાર્થ, ભાવ, વ્યક્તિ, વિચાર બધાથી મુક્તિ મળી જાય છે. આપણાં મન-ઇન્દ્રિય-શરીરની અંદર અને બહાર જે કંઈ બની રહ્યું છે તેના આપણે સાક્ષી હોઈએ છીએ.

સ્વામી રમતીર્થ  હમેશા ત્રીજા પુરુષમાં જ વાત કરતા. રામને ભૂખ લાગી છે, રામને તરસ લાગી છે એમ કહેતા. કોઇકે એક દિવસ પૂછ્યું કે રામને ભૂખ તરસ લાગે છે તો તમને નથી લાગતી? રામતીર્થે કહ્યું કે મને માત્ર ખબર પડે છે કે રામને ભૂખ લાગી છે કે તરસ લાગી છે. હું જાણનાર વ્યક્તિની ભૂમિકામાં છુ. હું, મારો આત્મા રામથી અલગ છે ! જેણે જાણી લીધું કે એ શરીર અને મન નથી એને પછી મૃત્યુનો પણ ભય રહેતો નથી. શરીર અને મન સાથે જોડાયેલાં છીએ ત્યાં સુધી સંસાર છે. જેવો શરીર અને મન સાથે પૃથક્તાનો અનુભવ થયો કે અહંકાર ગયો.

આવી સમજણ આવે ત્યારે ‘હું’પણું દૂર થાય. આત્મસક્ષાત્કાર થાય. પછી ભૌતિક શરીર સાધન બની જાય. આપણે વાતચીતમાં કહીએ છીએ કે ‘મારૂ શરીર દુખે છે, મારો હાથ તૂટી ગયો’. આપણે એમ નથી કહેતા કે હું તૂટી ગયો, હું દુ:ખું છું ! આપણે આ સત્ય અજાણપણે બોલતા હોઈએ છીએ. જ્યારે આત્મબોધ થાય ત્યારે સમજાય કે શરીર તો સાધન છે. શરીર સાથેનું તાદાત્મ્ય જ દુખ આપે છે. કોઈએ કહ્યું છે કે Attachment causes suffering because all phenomena are impermanent. જે શાશ્વત નથી, ક્ષણભંગુર છે તે દુ:ખ આપે છે. પરંતુ જ્યારે દ્રષ્ટા અને દ્રશ્ય એક બની જાય કોઈ ભેદ રહે નહીં ત્યારે કોઈ દુ:ખ રહે નહીં અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. આ આત્મજ્ઞાન સાક્ષીભાવથી પ્રાપ્ત થાય. સાક્ષીભાવની સ્થિતિ એટલે સ્વ-રૂપને પ્રાપ્ત થવું. જે ક્ષણે સાક્ષીભાવ પ્રતિષ્ઠિત થાય તે ક્ષણથી મન રહે નહીં. પછી પુજા કરતી વખતે એકદમ ખ્યાલ આવશે કે પુજા કરી રહ્યો છું, અને ભીતર કોઈ છે તે જોઈ રહ્યું છે કે પુજા થઈ રહી છે !! સાક્ષિનો અર્થ આ જ કે મન, ઇન્દ્રિયો અને શરીરની અંદર કે બહાર જે કઈ બને છે તે સાક્ષિત્વમાં થઈ રહ્યું છે. શરીર અને મન સાથેના વિચ્છેદ પછી પણ રોગ, દુ:ખ, સુખ બધું આવે. આવે પણ સાક્ષિભાવ જાગૃત હોવાથી એના પ્રભાવથી મુક્ત થઈ જવાય છે. સ્વામી રામકૃષ્ણને ગાળાનું કેન્સર થયું હતું. બુધ્ધને વિષ આપવામાં આવ્યું હતું. મન્સૂરના નખ, હાથપગ કાપી નાખવામાં આવ્યા હતા છતાં એ હસતો હતો. રામકૃષ્ણ અને બુધ્ધ પણ રોગથી કે વિષથી જરાય વિચલિત થયા નહોતા. કેમ કે નિરંતર સાક્ષીભાવમાં હતા. જે પીડા હતી તે શરીરને હતી અને તેઓ એને નિર્લિપ્તભાવે જોઈ રહ્યા હતા. છાંદોગ્ય ઉપનિષદના ઋષિ કહે છે:

न पश्यो म्रुत्युम पश्यति न रोगम नोत दुखताम

सर्व ह पश्य: पश्यति सर्वमाप्नोति, सर्वश: इति ll

જ્ઞાની ન મૃત્યુને જુએ છે, ન રોગને ન દુખને; એ બધાને આત્મરૂપ જુએ છે અને બધું પ્રાપ્ત કરી લે છે. સર્વને આત્મરૂપ જોવાની સિધ્ધી સાક્ષિભાવથી જ પ્રાપ્ત થાય છે.  શરીરને અને મનને સજાગ રહીને જોતાં જોતાં એનાથી છુટકારો મળી જાય છે. છેવટે સાક્ષી જ રહી જાય છે.  જે દિવસે સાક્ષી પરમ અવસ્થાએ પહોંચે ત્યારથી શરીર અને મનના ખેલથી મુક્ત થઈ જાય છે અને જ્યાં પરમ આનંદ છે, પરમ જીવન છે એ પરમસત્તામાં એકાકાર થઈ જાય છે.

એકવાર સાક્ષીભાવ સિધ્ધ થશે પછી કોઈ ભેદ નહીં રહે. કણકણમાં વ્યાપેલા ચૈતન્ય સાથે એકરૂપતા અનુભવાશે. આત્મા-પરમાત્મા એક થઈ જશે. મીઠાની પૂતળી દરિયાનો તાગ લેવા જશે ને દરિયો બની જશે !! કોઈએ કહ્યું છે તેમ:

લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ

લાલી દેખન મૈ ગઈ,  મૈ ભી હો ગઈ લાલ !!

**

 

 

  

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED