ધૂન લાગી - 3 Keval Makvana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂન લાગી - 3




"ચાલો બચ્ચાઓ, જલદીથી ઊઠી જાઓ. સ્કૂલે જવાનું છે. ચાલો, જલદી જલદી." અંજલી બધાં બાળકોને ઉઠાડતાં બોલી.

"અક્કા! સૂવા દો ને. ઊંઘ આવે છે." વિજય ઊંઘમાં બોલ્યો.

"આથી જ તમને રાત્રે વહેલાં સૂવાનું કહું છું. ચાલ, હવે જલદીથી ઉઠી જા. સ્કૂલે જવાનું મોડું થશે. ચાલો બધાં જલદીથી તૈયાર થઈ જાઓ. હું નાસ્તો બનાવી આપું છું." આટલું કહીને અંજલી રસોડામાં નાસ્તો બનાવવાં ચાલી ગઈ. અંજલીએ બધાંને નાસ્તો કરાવીને સ્કૂલે મોકલી દીધાં.

સફેદ અનારકલી ડ્રેસ પહેરીને, વાળ બાંધીને, પગમાં ઘૂંઘરું બાંધીને, "ધિ ન તા દા રે દા ની, ધિ ન તા દા રે દા ની, ધિ ન તા રા ધિ ન ધિ ન તા" સંગીત પર અંજલી પોતાની વિવિધ મુદ્રાઓ રજૂ કરીને ભરતનાટ્યમ્ કરી રહી હતી અને તેની શિષ્યાઓને શીખવી રહી હતી. બધી શિષ્યાઓ તેને અનુસરી રહી હતી. એટલામાં ત્યાં ટેબલ પર રાખેલો ફોન રણક્યો. અંજલી શિષ્યાઓને અભ્યાસ કરાવવામાં વ્યસ્ત હતી એટલે અમ્માએ ફોન ઉપાડ્યો.

"હેલ્લો! કોણ બોલે છે?"

"અઈઓ! વડક્કમ અમ્માજી! હું પદ્મનાભસ્વામી મંદિરથી વાત કરું છું."

"વડક્કમ પંડિતજી!"

"અમ્માજી! તમને ફોન કરવાનું કારણ એ હતું કે આવતીકાલે એક શ્રીમંત પરીવાર દ્વારા સવારે મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અન્નકૂટ અને ભોજનું પણ આયોજન કરેલું છે. તો તેમની ઈચ્છા છે કે, આપના આશ્રમનાં બાળકો પૂજાનો લાભ લઈને ભગવાનનાં આશીર્વાદ મેળવે અને ભોજનો પણ લાભ લે."

"હા. કેમ નહીં? કાલે સવારે હું અને મિથુનજી કામથી બહાર જવાના છીએ, એટલે હું બાળકોને અંજલી અને અનન્યા સાથે મોકલી દઈશ."

"જેવું તમને યોગ્ય લાગે તેમ. તો કાલે બાળકોને સમયસર મોકલી દેજો. ભલે ત્યારે, વડક્કમ!"

"જી, વડક્કમ!" આમ બોલીને અમ્માએ ફોન રાખી દીધો.

અંજલીનાં ડાન્સ ક્લાસનો સમય સમાપ્ત થઈ ગયો હતો. તે ફ્રેશ થઈને બેઠી હતી અને ડાન્સનાં વિડીયો જોઈ રહી હતી. અચાનક તેનાં ફોનમાં કોઈ અજાણ્યા નંબરથી કોલ આવ્યો.

"હેલ્લો! કોણ બોલે છે?"

"હું કોણ છું, એ તને ખબર નથી, પણ તું અંજલી રાઠોર વાત કરે છે એ હું જાણું છું." સામેથી કોઈ પુરુષ આટલું કહીને હસવાં લાગ્યો.

"જુઓ, હું તમને ઓળખતી નથી. તમારે શું કામ છે એ બોલો અથવા તો ફોન રાખી દો. તમારી સાથે વાત કરવા માટે મારી પાસે સમય નથી."
"તારી આ વાત મને ગમી, સીધું કામથી કામ. સારું ત્યારે, સાંભળ; હવેથી તારી જિંદગીમાં ખૂબ શાંતિ અને પ્રેમ હશે, પણ આ બધું હંમેશા માટે નહીં હોય. આ તો વાવાઝોડા પહેલાની શાંતિ હશે અને પછી જે ભયંકર વાવાઝોડું આવશે, તે તારી જિંદગી બદલી નાખશે."

"આ તમે શું બોલો છો?"

"હા, હું સાચું કહું છું, તું મારી વાતને હલકામાં ન લેતી. તને ચેતવણી આપવા જ ફોન કર્યો છે."

"ઓય...! સાંભળ. અંજલી રાઠોડ નામ છે મારું. ગમે તેવાં વાવાઝોડાં સામે લડવાની હિંમત રાખું છું, તો હવે તારી ચેતવણી તારી પાસે જ રાખ. ચલ, ફોન મૂક." આટલું કહીને અંજલીએ ફોન રાખી દીધો.

અમ્માએ આવીને અંજલી ને પૂછ્યું "કોણ હતું ફોન પર?"

"કંઈ નહીં અમ્મા, કોઈએ ભૂલથી કૉલ કરી દીધો હતો." આમ બોલી અંજલી ફરીથી વિડિયો જોવા લાગી.

મુંબઈ શહેરમાં એક મોટાં બંગલામાં નોકરો આમથી તેમ ફરી રહ્યાં હતાં અને તે બંગલો વધુ શાનદાર દેખાય એવી શોભા વધારી રહ્યાં હતાં. બે મોટાં સોફા અને બે નાનાં સોફા ચોરસ આકારમાં ગોઠવાયેલાં હતાં અને વચ્ચે એક ટેબલ મૂકેલું હતું. ટેબલની એકદમ ઉપર એક જુમર શોભવેલો હતો. સોફા ઉપર મોંઘા દેખાય એવું સુટ અને ચમકતાં બુટ પહેરીને એક પુરુષ બેઠો હતો. બીજાં સોફાં ઉપર એક યુવાન દેખાય તેવી, મોંઘી સાડી અને ડાયમંડ નેકલેસ પહેરેલી સ્ત્રી અને એક અન્ય સ્ત્રી સાથે બેઠી હતી.

"આપણી યોજના મુજબ જ બધું ચાલી રહ્યું છે ને?" તે પુરુષ બોલ્યો.

"હા, તમે જેમ કહ્યું હતું તેમ કરી દીધું છે." તે સ્ત્રી બોલી.

"મિસિસ રમીલા..! તમે તો કમાલ છો. ખૂબ ચીવટથી બધું કામ પાર પાડ્યું અને આપણા ષડયંત્રની કોઈને જાણ સુધ્ધાં ન થવા દીધી." અન્ય સ્ત્રી બોલી.

"શર્મિલાજી! જેવી રકમ તેવું કામ. તમે કામ માટે મને રકમ પણ મોટી આપી હતી ને." રમીલાજી બોલ્યાં.

"કરણ અને કૃણાલ કાલે સવારની ફ્લાઈટથી કેરલા જશે અને પછી આપણી યોજનામાં આવશે." તે પુરુષ બોલ્યો.

"મનીષ! પણ આપણે એ વાતનું ધ્યાન રાખવું જોશે, કે કરણને આ વાતની જાણ ન થાય, જો તેને આ વાતની જાણ થશે તો આપણી યોજના તો સફળ નહીં જ થાય, સાથે સાથે આપણે કરણને પણ ખોઇ બેસીશું." શર્મીલાજી બોલ્યાં.

"તું ચિંતા ન કર, શર્મિલા. કરણને ખબર પણ નહિ પડે, કે તે જ આપણી યોજનાને સફળ બનાવી રહ્યો છે." આટલું બોલીને મનીષ, શર્મિલા અને રમીલા ત્રણે હસવાં લાગ્યાં.



===========================



અંજલીને કોણે ચેતવણી આપી હશે અને તેની અંજલીનાં જીવનમાં શું અસર કરશે? મનીષ, શર્મિલા અને રમીલાએ શું યોજના બનાવી હશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી