Featured Books
શ્રેણી
શેયર કરો

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 23-24

23

 ચેન્નઈના અમારા સાથીઓએ સામાન બાંધી લીધો છે. પંઢરપૂરવાળા મહારાજજી પણ અહીંથી જ વિદાય થઈ જશે. જોઉંછું રૂપાના ફિલ્મવાળા સાથીઓ પણ પાછા ફરવા તૈયાર ઉભા છે....

અરે, આમને શું થયું ? કાલ સુધી તો આ બધાં ઉત્સાહી હતા ? આ એક રાતમાં શું થઈ ગયું ?

-     નહીં, નહીં, હવે નિકળીશું. મિસ્ટર બાબુ કહે છે, પરમ દિવસથી બેંગલોરમાં શૂટિંગ પણ નક્કી કરી રાખ્યું છે.

એ તો એમને ગઇકાલે પણ ખબર હતી. આજે અચાનક શું થઈ ગયું ?

-     સાઠ ટકા યાત્રા તો થઈ જ ગઈ છે....

આટલું પૂરતું છે ? માનસરોવર સુધી આવી ગયા, તો કૈલાસ નહીં જાય ? (જે ફિલ્મ બનાવવાની હતી એનું શું થયું ?)

એ બધાં ચૂપ છે, રહસ્યમય રીતે. અમે લોકો પુજા કરી રહ્યા હતાં, જ્યારે પાછળ આ ત્રણે એ ચૂપચાપ નિર્ણય કરી લીધો, પાછા જવાનો. રૂપા નારાજ છે, એમને અવિશ્વાસથી જોઈ રહી છે. શું કહે, કંઇ સમજી શકતી નથી.

કોઈ સાથી અધવચ્ચેથી જ પાછું જવા માંગે તો કોણ રોકી શકે ?

-     થયું શું ?

અમે ત્રણે પછી રૂપાને વારે વારે પૂછીએ છીએ, એને કંઈ ખબર હોય તો કહે.

-     આટલી પ્રેક્ટિસ કરી રહ્યા હતાં, માસ્ક પહેરી પહેરીને. તાકાત બચાવતા હતા.....

રૂપા મને ત્રાંસી નજરે જુએ છે, હું રૂપાને, ને પછી હસી પડાય છે. આ વખતે અમે જ નહીં, પંકુલ-રૂબી પણ હસી પડે છે!

*

ચિઉ ગોમ્પા. માનસરોવરના તટ ઉપર.

અમારી ધર્મશાળાથી  દેખાતું હતું, સામેની પહાડી પર, નાની ચકલી જેવું. ડ્રાઈવર ત્યાં સુધી ગાડીમાં લઈ આવ્યો, ત્યારે ખબર પડી. આજ જોઈ રહ્યાં હતાં અમે નીચેથી. આના નામનો અર્થ પણ એ જ છે.

ચિઉ એટલે ચકલી. સાગાદાવાના નવા-નવા પ્રાર્થના ધ્વજ ખડક સાથે બાંધેલાં છે. ગાડી જ્યાં સુધી અમને લઈ આવી, એની ઉપર હજી બીજું ચઢાણ છે.

ધીરે-ધીરે ચાલો. કોઈ સાથે સ્પર્ધા કરવાની નથી. પોતાની જાતને કહું છું. રસ્તામાં મુસાફરોએ કહ્યું હતું, યાદ છે ને ?

દરવાજો બંધ છે. બહારથી. તો પણ અમે ખટખટાવી રહ્યાં છીએ. તેજ હવા છે. તીખો તડકો છે. અમે દરવાજાની બહાર બેઠાં છીએ. આટલે દૂર આવ્યા છીએ તો હવે જોઈને જ જઈશું.

-     ખોલી નાખીએ ?

રૂબી દ્વિધામાં છે, પૂછે છે.

અમે ખોલી નાખીએ છીએ. બીજું શું કરીએ ? કોઈ આવી જશે તો ? કોઈએ અમને બહારથી બંધ કરી દીધાં તો ? ચોરની જેમ બીતાં બીતાં અમે અંદર જઈએ છીએ.

ગોમ્પા નથી. ગોમ્પાનું આંગણું છે. એક તરફ માટીની કોઈ જૂની દેવમુર્તિ જીર્ણ અવસ્થામાં ત્યજી દેવાઈ હોય એમ પડી છે. ઝૂંપડી જેવી છત છે એના ઉપર. અહીં પુજા થતી હશે એવું લાગતું તો નથી. ઘણાં સ્તર છે અંદર, પહાડને કાપી કાપીને, દૃસ્ય-અદૃશ્ય દેવતાઓ. આખું સ્થાન ન ઘર જેવું છે ન મંદિર જેવું. કંઈક ગરીબ જેવું, જાણે હમણાં અહીં કોઈ સેના આવી હોય અને લોકો ભાગી ગયા હોય.....

લોકોની ઉપસ્થિતિ છે પણ અને નથી પણ. જાણે તેઓ બચી ગયાં હોય. એમને ખબર નથી કે તેઓ બચી ગયાં છે....

એક આતંક જેવું, આ નિર્જનમાં ખબર નહીં કેવી રીતે, ક્યારનું ગુંજી રહ્યું છે.

-     જઈએ ?

મને કઈ ઠીક નથી લાગી રહ્યું અહિયાં. જાણે કોઈ તોળાઈ રહેલી આફત છે હવામાં.

-ઠીક છે.

અમે બહાર આવી જઈએ છીએ. એ જ રીતે આગળો બંધ કરીને. હવે જીવમાં જીવ આવ્યો.

ચોર બનવું પણ બહુ અઘરું કામ છે !

સામે માનસરોવર દેખાય છે. પાછળ ગંધકનો સ્રોત, ગંગા-છૂ. કાલે અમે ત્યાં જ ગયાં હતાં સ્નાનઘરમાં. ગંગા-છૂ મેલા નાળા જેવો દેખાય છે, ગંધક જમા છે એટલે.

આ જાય છે ક્યાં ? બીજા તળાવમાં, રાક્ષસતાલમાં. એ રહ્યું પાછળ રાક્ષસતાલ.

પાછી આવીને વાંચું છું, જે વર્ષે ગંગા-છૂમાં પાણી રહે છે, માનસરોવરનું જળ રાક્ષસતાલ તરફ વહે છે, એ વર્ષ તિબેટીઓ માટે શુભ હોય છે. તિબેટીઓ એવું માને છે.

તો પછી આ વર્ષ શુભ હોવું જોઈએ. ગંગા-છૂમાં પાણી છે અમે જોઈને આવ્યાં છીએ.

પંકુલ અમને બોલાવી રહ્યો છે, એનો અવાજ સંભળાય છે.

-ક્યાં છો ?

ન એ અમને દેખાય છે, ન અમે એને.

ઉપરની પહાડી પર ઊભો છે !

-ત્યાં તું કેવી રીતે પહોંચી ગયો ?

ફરતો-ફરતો ક્યાંક બીજેથી ચડી ગયો ઉપર.

-     તમે અહીં શું કરો છો ? ગોમ્પા ત્યાં છે.....

અમે ઓછામાં ઓછા ત્રીસ ફૂટ નીચે ઊભાં છીએ. ક્યાંથી આવીએ ?

લાંબો વળાંક ફરીને પહોંચી છીએ ઉપર. પ્રાર્થના બ્યૂગલોનો અવાજ આવી રહ્યો છે. ગહન-ગંભીર અવાજમાં મંત્ર. આટલા ઘેરા અવાજમાં ઉચ્ચારાયેલો મંત્ર. એને સાંભળવા દેવતાઓએ સાવ નીચે આવવું પડતું હશે, એકદમ મોં પાસે !

ધીમેથી દરવાજો ખોલું છું, દીવા બળે છે. અંધારા ગોમ્પામાં છતમાંથી પ્રકાશ આવી રહ્યો છે. વીસેક ભિક્ષુ પ્રાર્થનામાં બેઠાં છે. એક તરફ બે-ત્રણ વિદેશી બેઠાં છે. બ્યૂગલ વગાડતો એક ભિક્ષુ ઇશારાથી જૂતાં ઉતારીને અંદર આવવા કહી રહ્યો છે.

હું સવારની પ્રાર્થનામાં જ એટલી ખર્ચાઈ ચૂકી છું કે હવે ન ઇચ્છા છે, ન શક્તિ. દરવાજા પાસે ઊભી ઊભી એમની પ્રાર્થના સાંભળું છું. બહારથી નમસ્કાર કરીને પાછી વળી જાઉં છું.

ત્યારે જો એ ખબર હોત...

કે આ એ જ ગોમ્પા છે જ્યાં ગુરુ પદ્મસંભવે જીવનના અંતિમ સાત વર્ષ વિતાવ્યા છે...કે અંદર એક દેવ-પુરુષની મુર્તિ છે, જેના વિશે કોઈ કહે છે, પદ્મસંભવની છે, કોઈ ગુરુ નાનકની,,,

મેં નથી જોઈ...હું અંદર નહોતી ગઈ.બહારથી જ પાછી આવી આવા તીર્થમાંથી !

*

આ જ છે સ્વર્ગની સીડીઓ   

 *

24

બીછડે સભી બારી બારી....

ઓગણત્રીસના સમૂહમાંથી અમે વધેલાં સાત જણાં દારચેન આવી ગયાં છીએ. અમે ચાર જણ અને પૂનાના ત્રણ પ્રોફેસર...માનસરોવરથી અગીયાર કિલોમીટર આગળ, કૈલાસ પર્વતના ચરણોમાં વસેલું એક ગામ. દારચેન.

કાલે સવારે અહીંથી જ પરિક્રમા શરૂ થવાની છે.....

અમારી સાથે છ જણ બીજા છે – અમારા તિબેટી અને નેપાળી ગાઈડ બંધુ, અમારા તિબેટી અને નેપાળી શેરપા, એક રસોઈયા મહારાજ. અને પૂનાના મિસ્ટર અજિત, જેમની શ્રેણી નક્કી કરવાનું મુશ્કેલ છે કે તેઓ યાત્રી છે, કે એજન્ટ, કે ગાઈડ !

આ પરીક્ષામાં ખબર નહીં સૌથી પહેલું કોણ પડશે ?

બધાંને મારી જ આશંકા છે....મને પણ !

કરું શું ?

-       તમે લોકો અષ્ટપાદ જશો ?

અમારો નેપાળી ગાઈડ અમને કદી જણાવતો નથી, અમે શું કરીએ. હંમેશા મિસ્ટર અજિત સલાહ આપે છે.

-     કૈલાસનું દક્ષિણ મુખ છે, નંદી પર્વત બહુ પાસેથી દેખાય છે. એટલો નજીક એ પરિક્રમામાં પણ દેખાતો નથી. તમે લોકો ઇચ્છો તો ગાડી તમને ઘણે દૂર સુધી લઈ જશે. એ પછી પાંચ-છ કિલોમીટરનું ચડાણ છે. થઈ જાય તો સારું છે. હજી ઘણાં દિવસ છે. કાલને માટે કેટલી તૈયારી છે એનો અંદાજ પણ આવી જશે......

-      કાલે પણ આવા પહાડ મળશે ?

-     લગભગ.

ચાલો ભાઈ. કેડ બાંધો. આજે બતાવી દો બધાને કે જઈ શકીશ કે નહીં ! ઉપર મરવાથી સારું છે, અત્યારે અહીં જ રહી જાવ....

સુન્ના અમને ગાડીમાં બેસાડીને અહીં લઈ આવ્યો છે. બહુ ઉબડ-ખાબડ રસ્તો છે. ચારેબાજુ ઉંચા પહાડ. નીચે તળેટીમાં અમે. બરફની જામેલી નદી છે. વચ્ચે વચ્ચે કીચડ. ન જાણે કેટલીવાર લાગે છે કે ગાડી હમણાં ફસાઈ, હમણા પડી. પરંતુ સુન્ના સાવધાનીથી કાઢી લે છે, બહુ હોંશિયાર ડ્રાઈવર છે ! બહુ સરસ ગાડી છે લેન્ડક્રુઝર.

નાનકડી ચકલી છે. બહુ તેજ- તીખો અવાજ છે એનો. આખી ઘટીમાં અવાજ ગુંજતો ફરી રહ્યો છે. દેખાતી નથી. દેખાય છે તો સાવ નાની.  શું નાની, શું નાની નો સૂપ એ કહેવત હવે સમજાઈ !

એક બીજું વહાલું એવું જાનવર, લીલા-ભૂરા રંગનું. અમને જ્યાં-ત્યાં ઘૂરતું મળે છે. શું નામ છે એનું ?

નોળિયાની જાતનું છે કે ખિસકોલીનું ? કંઈ ખબર પડતી નથી.

-     અમારે ત્યાં એને ‘મૂસા’ કહે છે.

રોશન કહે છે.

સસલા જેવડું મોટું  મૂસા ?

જે કંઈ છે, શરમાળ છે. અમે જઈએ ને સંતાઈ જાય છે. વિચારતું હશે, ખબર નહીં કોણ આવી ગયું !

પછી ખબર પડી, એ સાચે જ મૂસા-સસલું હતું. એનું તિબેટી નામ હતું ‘ચિપિ’ !

નદી અને પહાડો વચ્ચે એક નાનકડી સમથળ જગ્યા છે. સુન્નાએ ત્યાં ગાડી રોકી દીધી છે. ઈશારો કરે છે, જાવ, આગળ જાવ, ત્યાં, ઉપર.

ઉપર કૈલાસ દેખાય છે. બરફના બનેલાં પગથિયાં...શું આ પગથિયાં ઉપર મહાદેવજી આવતા હશે ? નીચેથી પાર્વતીને બોલાવવા ? ખબર નહીં કેવી હશે એમની ગૃહસ્થી, ત્યાં ઉપર ? શું કરતાં હશે આખો દિવસ ?

અમે ગાડીમાંથી ઊતરીએ છીએ.

-     અચ્છા સુન્ના આવીએ છીએ.

એ માથું હલાવે છે. પછી એને અચાનક કશુંક યાદ આવે છે. મારો રસ્તો રોકે છે, રોકાઈ જવા કહે છે.

શું છે ? શું શોધે છે ગાડીની પાછલી સીટ પર ?

લાકડી ? સુન્નો મને લાકડી આપી રહ્યો છે. એને બધી ખબર છે, આ લોકો આગળ નીકળી જશે.

-     તમે ડરશો નહીં. તમારી ગતિમાં જ જજો, ધીરે-ધીરે, તમારી યાત્રા જરૂર સફળ થશે.

હાથ જોડે છે.

અમને એકબીજાની ભાષા આવડતી નથી તો શું, મારો ભાઈ છે એ. મારી ચિંતા કરી રહ્યો છે. સાચા મનથી ઇચ્છે છે કે હું ‘કોરા’, પરિક્રમા કરી શકું. હું એની આંખોમાં, એના કહેવામાં, બધું અનુભવી શકું છું. જાનવર પણ પ્રેમ સમજી જાય છે, તો આપણે તો માણસ છીએ.

કોઈ ખાસ ઉંચાઇ નથી. ધીરે ધીરે ઉપર જતો રસ્તો. ઘણું બધું લદાખના પહાડો જેવું, જ્યારે હું લિકીર ગોમ્પા ગઈ હતી પગપાળા. દસ વર્ષ પહેલાં.

દસ ડગલાં ચાલતાં જ એ દસ વર્ષ  દુખવા લાગે છે !

ધીરે ધીરે પણ ચાલી શકાતું નથી. પગ ઊપડતાં જ નથી. કોઈ મને જોતું તો નથી ? સારું છે, ન કોઈ મારી આગળ છે, ન કોઈ મારી પાછળ. સાવ એકલી છું હું.

ના, સાવ નહીં, લાકડી મારી સાથે છે. એને આધારે જ થોભીને શ્વાસ લઉં છું. દરેક દસ પગલે થોભું છું, ચાલી રહી છું.

હવાનું એવું દબાણ છે કે હૈયું ફાટી જશે એમ લાગે છે. બમણા આકારમાં છાતીમાં હૃદય ફેલાયેલું હોય એમ લાગી રહ્યું છે.  આટલો લાંબો શ્વાસનો રસ્તો ?

વચમાં ગમે ત્યારે અટકી જાય !

હું નહીં પહોંચી શકું ડોલ્મા-લા, મારી લાવેલી વસ્તુઓ મારી સાથે જ પાછી  જશે.

-     તારા મા...

ખબર નહીં મેં ક્યારે બોલાવ્યા છે. ન મહાદેવજીને, ન ઉમાને. તારાને.

પ્રાર્થના કરવા લાયક રહી નથી મા, મારી રક્ષા કરો મા.

આંખ અંધારામાં ફરી રહી છે.

અંત છે આ ?

લાકડી લઈ હાંફતી ઊભી છું, પહાડોની વચ્ચે.

ખબર નહીં ક્યારે શ્વાસ સ્વસ્થ થયા, આંખો ક્યારે પીળી, પછી લીલી, પાછી સફેદ પ્રકાશથી પ્રકાશિત થઈ...

હું આગળ વધી રહી છું ધીરે ધીરે. શ્વાસ હજી પણ ચડી રહ્યો છે. હજી પણ થોભું છું. રસ્તો પહેલાં જેવો જ મુશ્કેલ છે. બસ હું સંકટનું નિશાન પાર કરીને આવી છું.

દૂર ઉપર ઊભા એ ત્રણે મને જોઈ રહ્યાં છે. રૂબી, પંકુલ, રૂપા.

-     તમે ત્યાં જ ઊભા રહો, અમે ત્યાં જ આવી રહ્યાં છીએ.

શ માટે ઊભી રહું ?

હું ચાલતી રહું છું. ત્યાં સુધી જઈશ ત્યારે તો પાછી આવીશ. જઈશ નહીં તો પાછી કેવી રીતે આવીશ ? તમે લોકો રાહ જુઓ, હું ગઈ અને આવી.

ત્રણે જોઈ રહ્યાં છે, આશ્ચર્યથી અને અવિશ્વાસથી.

પાછાં આવ્યા તો સુન્ના તત્પરતાથી સામે આવ્યો છે. શું થયું ?

બધાં હસી રહ્યાં છે. હું સૌથી વધુ. લાકડી પાછી આપવા જાઉં છું તો મારો હાથ પકડી લે છે, આંખોથી સ્પર્શે છે.

-     સુન્ના થેન્ક યુ, લાકડી માટે !

મારાં માથા પર હાથ આવી ગયો છે એનો.

-     ગોમ્પા ? ગુરૂ રિનપોછે ?

ગુરૂ પદ્મસંભવનું ગોમ્પા છે અહીં ? હા હા જાવ, માથું નમાવી આવો.

સુન્નાએ ન કહ્યું હોત તો ચિઉ ગોમ્પાની જેમ આ ગોમ્પા પણ રહી જાત !

-     સુન્ના તું કેટલો સારો છે મારા ભાઈ !

બધાં નાસ્તિકો અહીં આવી જાવ, પોતાની દીક્ષા પૂરી કરી લો.

રૂબી, પંકુલ મારી પાછળ પાછળ આવી રહ્યાં છે. મંદિર ઉપરના માળે છે. મને આશ્ચર્ય થાય છે જ્યારે પંકુલ ગુરૂ રિનપોછેના ચરણોમાં એક ‘માઓ’ મૂકે છે.

અચ્છા ભારે ભક્તિ આવી રહી છે ?

-     તમને કોણે કહ્યું કે હું નાસ્તિક છું ?

શરમાતો જઈ એ હસી રહ્યો છે.

-     તું તો ટ્રેકિંગ કરવા નીકળ્યો હતો ?

-     દીદી, તમે પણ....

સાથે કશું નહીં આવે. બધું અહીં છોડવું પડશે. માત્ર એટલું લઈ લઈએ જેટલું જાતે ઉપાડી શકીએ....

અમે કૈલાસ જઈ રહ્યાં છીએ કે પરલોક ? કે બંને ?

શું શું જોઈશે ?

થરમૉસ ? ના બહુ ભારે છે. પ્લાસ્ટિકની બોટલ બરાબર છે.

ડાઉન પેન્ટ (એક નહીં, બે-બે લીધાં હતાં નિયલમમાં કે ક્યાંક ટાઢથી મરી ન જાઉં !) આને પહેરીને ચાલશે કોણ ? જે ટ્રેકપેન્ટ પહેર્યું છે તે પૂરતું છે. એની નીચે થર્મલ. એક હળવું પેન્ટ આને એક જોડી મોજા લઈ લઉં છું. ભીંજાઇ ગઈ તો...

એક ગરમ બનિયાન, એક સ્વેટ-શર્ટ, નિર્મલનું હળવું લીલું સ્વેટર પહેર્યું છે.

બધાં કપડાં હળવાં છે. ચાલતાં ચાલતાં ગરમી લાગે તો એક-એક ઉતારી શકાય એમ છે.

ડાઉન જેકેટ, જે કંપનીએ બધાં યાત્રીઓને ઉધાર આપ્યાં હતા એ બહુ ગરમ છે. રાતે ઉપર ટાઢ લાગશે તો સ્લીપિંગ બેગની અંદર પણ પહેરી લેવાશે. ગરમ લાગશે તો પીઠ ઉપર બાંધી લેવાશે.

ટોપી ત્રણે જોઈશે. પળે પળે ઋતુ બદલાય છે. ક્યારેક અંદર વાંદરા ટોપી જોઈએ, ક્યારેક વિન્ડ ચીટર, ક્યારેક ડાઉન ટોપી.

એક નાનો ટુવાલ, પેપર સોપ, પેસ્ટ-બ્રશ આને હા, દવાઓ.

આને તારાદેવીના ચરણોમાં મૂકવાની એ વસ્તુઓ જે હું ખૂબ સંભાળીને દિલ્હીથી લાવી છું.....

આખી ડફલ બેગ મોં ઊંચું કરીને ઊભી છે. કેટલી વસ્તુઓ ભરી-ભરીને લાવ્યા હતા. કપડાં, ખાવાની વસ્તુઓ. હમણાં લાગતું હતું કે ઓછું ન પડે ! રસ્તામાં બીજું ખરીદી લીધું. સાથે કશું નહીં આવે, ન એની જરૂર છે....

મરી જાતને ઊંચકી શકીશ હું ?

ભારે મુશ્કેલ છે.

સૌથી ભારે તો એ છે. જે ભીતર છે, જેને કાઢીને અલગ મૂકી ન શકાય, જેને ગળામાં બાંધી-બાંધીને અહીં સુધી આવી ગઈ છું.....   

છોડી શકીશ એને ?