૩૬.પકડમ-પકડાઈ
રાતનાં દશ વાગ્યે જગદીશભાઈ ઘરે આવ્યાં. માધવીબેને એમને જમવાનું પિરસી આપ્યું. એ હજું જમતાં જ હતાં. ત્યાં જ એક કોન્સ્ટેબલ ઘરે આવ્યો. જગદીશભાઈ એનાં કામ પ્રત્યે પૂરાં વફાદાર હતાં. એ તરત જ ઉભાં થઈને કોન્સ્ટેબલ પાસે આવ્યાં. એ થોડો ચિંતિત જણાતો હતો.
"શું થયું? આટલી રાતે અહીં આવવાનું કારણ?" જગદીશભાઈએ પૂછ્યું.
"અપર્ણા મેડમ.... પોલિસ સ્ટેશને આવ્યાં હતાં. એ....મુના બાપુનાં આદમીઓને છોડાવી ગયાં." કોન્સ્ટેબલે ડરતાં ડરતાં કહ્યું. હાં, અપર્ણા શિવની સાથે જે બે આદમીઓ સાથે મુંબઈ જવાં નીકળી. એ મુના બાપુનાં આદમીઓ જ હતાં.
"વ્હોટ? કેવી રીતે?" જગદીશભાઈએ આંખો ફાડીને પૂછ્યું, "એમની સજા નક્કી થઈ ગઈ હતી. એમ કેમ અપર્ણા એને છોડાવી ગઈ? હું થોડાં કલાક અમદાવાદની બહાર શું ગયો? તમે બધાં એટલીવાર પણ પોલિસ સ્ટેશન સંભાળી નાં શક્યાં?"
"સોરી સર, અપર્ણા મેડમે કહ્યું, કે એનાં ભાઈ નિખિલનો જીવ જોખમમાં છે." કોન્સ્ટેબલે નજર નીચી કરીને કહ્યું, "નિખિલને બચાવવાં મુના બાપુનાં આદમીઓને છોડવાં જરૂરી છે. અમે એમની વાત સાંભળીને પણ તેજા અને સાકાને નાં છોડ્યાં. પણ, અપર્ણા મેડમે અમારી ચા માં ઉંઘની ગોળીઓ નાંખી દીધી, અને મુના બાપુનાં આદમીઓને છોડાવી ગયાં."
"આ બધામાં શિવનો હાથ હોવો જોઈએ." જગદીશભાઈએ દાંત પીસીને કહ્યું, "હું એને નહીં છોડુ. હું અત્યારે જ મુંબઈ જઈશ, અને સાકા અને તેજાની સાથે જ અમદાવાદ પરત ફરીશ." કહીને જગદીશભાઈએ ટેબલ પર પડેલી જીપની ચાવી ઉઠાવી.
"અરે જમી તો લો." માધવીબેને જગદીશભાઈને રોકતાં કહ્યું.
"હવે તો શિવને સબક શીખવ્યા પછી જ હું કંઈ ખાઈશ." જગદીશભાઈએ કહ્યું, અને તરત જ જતાં રહ્યાં.
"હે મહાદેવ! મારી દીકરી અને શિવનું ધ્યાન રાખજો. એણે હંમેશા અપર્ણાની અને આ પરિવારની મદદ કરી છે." જગદીશભાઈનાં જતાં જ માધવીબેન હાથ જોડીને પ્રાર્થના કરવાં લાગ્યાં.
જગદીશભાઈ પોલિસની જીપમાં મુંબઈ જવાં રવાનાં થઈ ગયાં. એમની આંખોમાં ભરપૂર ગુસ્સો નજર આવી રહ્યો હતો. જે રોડ પર રહેલી સ્ટ્રીટ લાઈટના અજવાળામાં સાફ સાફ જોઈ શકાતો હતો. એમની જીપની સ્પીડ પણ રોજ કરતાં વધું હતી. ત્યાં અચાનક જ કંઈક વિચાર આવતાં એમણે સ્પીડ ઓછી કરી નાંખી. આમ પણ શિવ અને અપર્ણા ઘણાં સમય પહેલાં જ અમદાવાદથી નીકળી ગયાં હતાં. તો રસ્તામાં એમનો ભેટો થવો મુશ્કેલ હતું.
શિવ અને અપર્ણા મુંબઈ તરફ આગળ વધી રહ્યાં હતાં. પાછળ બેસેલા સાકા અને તેજા સૂઈ ગયાં હતાં. હાલ રસ્તા પર ટ્રાફિક નાં હોવાથી શિવની કાર તેજ ગતિથી આગળ વધી રહી હતી. અપર્ણા કારનો કાચ ખોલીને રસ્તા પર ઝગમગતી સ્ટ્રીટ લાઈટો જોઈ રહી હતી. બહારનો ઠંડો પવન એનાં ગાલને સ્પર્શ કરીને જઈ રહ્યો હતો. એનાં લીધે અપર્ણાનાં ચહેરાં પર સ્મિત આવી જતું હતું. પવનનાં લીધે એનાં વાળની અમુક લટો ઉડીને આંખો પર આવી રહી હતી. જેને એ વારંવાર આંગળી વડે દૂર કરતી હતી. શિવ ક્યારેક ક્યારેક અપર્ણા સામે જોઈને, એની આવી હરકતો પર સ્મિત કરી દેતો.
રાતનાં ત્રણ વાગ્યે કાર જગજીતસિંહનાં ઘર સામે ઉભી રહી. અપર્ણાએ એક નજર શિવ સામે જોયું, અને દરવાજો ખોલીને બહાર નીકળી. શિવ પણ નીચે ઉતર્યો. એણે પાછળનાં દરવાજાનાં કાચ પર ટકોરા આપ્યાં. સાકા અને તેજાની આંખો ખુલી. તેજાએ શિવ સામે જોયું, તો એણે બંનેને નીચે ઉતરવા ઈશારો કર્યો. બંને દરવાજો ખોલીને નીચે ઉતર્યા.
"તો અમે નીકળીએ." તેજાએ કહ્યું, અને સાકા સાથે ચાલતો થયો. ત્યાં જ શિવે પાછળથી બંનેની ડોક પકડી લીધી.
"એમ કેમ ચાલ્યાં?" શિવે કહ્યું, "આજની રાત અહીં જ રહેવાનું છે. કોઈ હોશિયારી નાં જોઈએ. સવારે હું અને બાપુ બંને તમને મુના બાપુનાં બંગલે મૂકી જાશું. એટલે એક કિસ્સો ખતમ થાય."
"પણ..."
"પણ બણ કંઈ નહીં. ચુપચાપ અંદર ચાલો." સાકા કંઈક કહેવા માંગતો હતો. ત્યાં જ અપર્ણાએ ચિડાઈને કહ્યું. એની આંખો લાલ થઈ ગઈ હતી. મોડાં સુધી જાગવાની એની આદત ન હતી. હાલ એને બહું ઉંઘ આવી રહી હતી. જેમાં સાકા અને તેજાના સવાલો ખલેલ પહોંચાડી રહ્યાં હતાં. એણે બંનેની સામે આવીને બંને સામે ખાઈ જવાવાળી નજરથી જોઈને કહ્યું, "હવે એક પણ સવાલ કર્યો ને તો બંનેને અહીં જ જીવતાં દફનાવી દઈશ. એક તો હું તમને બંનેને અહીં સુધી લાવી. એમાંય તમે મારી જ વાત નહીં માનો." કહીને અપર્ણાએ શિવ સામે જોયું. જે આંખો ફાડીને અપર્ણા સામે જ જોઈ રહ્યો હતો. સાકા અને તેજાને મુંબઈ લાવવાનો ક્રેડિટ એણે એકલીએ જ લઈ લીધો. એ વાત શિવને પસંદ ન હતી આવી. એ સમજીને અપર્ણાએ ખોટું સ્મિત કરીને કહ્યું, "મતલબ મેં આ બંનેને છોડાવ્યા, અને તું અમને મુંબઈ સુધી લાવ્યો. હવે બરાબર ને?"
"હાં, હવે અંદર આવવાની તકલીફ લેશો?" શિવે કટાક્ષમાં કહ્યું, અને ગેટ તરફ આગળ વધી ગયો.
અપર્ણાએ એની પીઠ પાછળ મોં બગાડ્યું, અને સાકા અને તેજા તરફ જોઈને, આંખો કાઢીને એમને પણ ચાલવા ઈશારો કર્યો. ત્રણેય અંદર આવ્યાં. જાડેજા નિવાસમાં હાલ બધાં સૂતાં હતાં. શિવે આખાં ઘરમાં એક નજર કરી. પછી સાકા અને તેજા તરફ આવ્યો.
"તમે બંને મારાં રૂમમાં મારી સાથે આવો." શિવે કહ્યું.
"અને હું?" અપર્ણાએ માસૂમ ચહેરો બનાવીને પૂછ્યું.
"તું અહીં હોલના સોફા પર સૂઈ જા." શિવે કહ્યું. તો અપર્ણાએ રોવા વાળો ચહેરો બનાવી લીધો. એ જોઈને શિવનાં ચહેરાં પર સ્મિત આવી ગયું, "હવે રડવા નાં લાગતી. તું ગેસ્ટ રૂમમાં સૂઈ જા."
"તારાં રૂમમાં કેમ નહીં?" અપર્ણાએ ફરી માસૂમ ચહેરો બનાવીને પૂછ્યું. તો સાકા અને તેજા હસવા લાગ્યાં.
"એય ચૂપ." શિવે સાકા અને તેજા તરફ જોઈને, હોંઠ પર આંગળી મૂકીને કહ્યું, "અને તું (અપર્ણા તરફ પલટીને) ક્યારેક તો વિચારીને બોલ. ચુપચાપ સીડીઓ ચડીને ઉપર આવેલાં ત્રીજાં રૂમમાં જતી રહે, અને ત્યાં સૂઈ જા. એની બાજુનો રૂમ જ મારો છે. કોઈ જાતની જરૂર હોય, તો દરવાજે ટકોરા આપજો. અમે તમારી સેવામાં હાજર થઈ જાશું. હવે જાઓ." શિવે ફરી કટાક્ષમાં કહ્યું. તો અપર્ણા મોઢું બગાડીને, પગ પછાડતી સીડીઓ તરફ આગળ વધી ગઈ. એનાં પેન્સિલ હીલના સેન્ડલનાં અવાજથી શિવે દબાયેલ અવાજે પણ ચિલ્લાઈને કહ્યું, "અરે પગ પછાડવાનુ રહેવા દે. બધાં જાગી જાશે."
અપર્ણાએ શિવનો અવાજ સાંભળીને ધારદાર નજર એની ઉપર નાંખી, અને જતી રહી. શિવ ડોક હલાવતો રહી ગયો. સાકા અને તેજા બંનેની આવી હરકતો જોઈને હજું પણ દબાયેલા અવાજે હસી રહ્યાં હતાં. શિવે એમની સામે જોયું. તો બંને મૂંડી નીચી કરી ગયાં. શિવ ગુસ્સામાં ચાલવા લાગ્યો. સાકા અને તેજા પણ એની પાછળ પાછળ ચાલવા લાગ્યાં.
(ક્રમશઃ)
_સુજલ પટેલ "સલિલ"