થુંકવાની અને ફુંકવાની ગુલામી Rasik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થુંકવાની અને ફુંકવાની ગુલામી

“થુંકવાની અને ફુંકવાની ગુલામીમાંથી આપણે આપણી જાતને આઝાદ કરીએ, આપણું તન સ્વચ્છ હશે તો જ મન પણ સ્વચ્છ રહી શકશે”


કુમળા ઘાસની લોન અને નાના મોટા ઝાડપાનની હરિયાળીથી શોભતો બગીચો… જ્યાં માસૂમ નાના નાના ભૂલકાઓ ખુલ્લા પગે રમી રહ્યા છે. દોડી રહ્યા છે, દુનિયાની ચિંતાઓથી મુક્ત થઈ મસ્ત નિજાનંદમાં ખેલી રહ્યા છે, આવી પવિત્ર ભૂમિ કે જ્યાં લોકો ઘરના બંધિયારપણા થી મુક્ત થવા અને ખુલ્લી હવામાં શ્વાસ લેવા આવતા હોય છે, આવા સ્વચ્છ વાતાવરણમાં પણ જેને ગંદકી સિવાય કંઇ ખપતું ના હોય તેમ કેટલાક લોકો આજુબાજુ થુંક્યા કરતા હોય છે. વળી કેટલાક બીડીઓ ફૂંકતા હોય છે અને બીડી ફૂંકીને ત્યાં જ ઘાસની લોન ઉપર નાખી દેતા હોય છે,અને આવી પાનની પિચકારીઓ, થૂંક અને બીડીના ઠૂંઠા ઉપર નાના બાળકો ખુલ્લા પગે દોડતા હોય છે, આવા લોકો ને ભગવાને કદાચ મોંઢું થુંકવા અને ફૂંકવા માટે જ આપ્યું હોય તેવું લાગે,પરંતુ બને છે એવું કે જે હેતુ માટે ભગવાને મોંઢું આપ્યું હોય છે તે મોંઢા અને જડબાના કેન્સર ને કારણે ખોરાક લેવાનો જ બંધ થઈ જાય છે,અરે આખી જિંદગી જ્યાં ત્યાં થૂંક થૂંક કર્યું હોય છે તે થુંકવાનું પણ બંધ થઈ જાય છે..માટે જાગો..જાગો અને મનોમંથન કરો, કદાચ કોઈ નાસમજ બાળક ભૂલ કરે તો હજુ પણ ચાલે પરંતુ 40.. 50 વર્ષ ના ઢાંઢાં...હા ચોક્કસપણે ઢાંઢાં.., દુનિયા જોઈ ચૂકેલા વડીલો નાસમજ હોઈ ના શકે, જ્યાં જુઓ ત્યાં ગંદકી,પિચકારીઓ,કાગળના ડૂચા,મસાલો ખાધેલા તમાકુ ગુટકા ના પડીકા, અરે મારા ભાઈઓ તમે તન થી સ્વચ્છ નહિ હોવ ત્યાં સુધી મન થી સ્વચ્છ ક્યારેય થઈ શકવાના નથી, આવો આપણે સૌ બાગ બગીચા સ્વચ્છ રાખીએ,ઉપરાંત જ્યાં આપણું રહેઠાણ છે.. જે આપણું ઘર છે તેને પણ ગંદકીથી દૂર કરી મંદિર બનાવીએ, તો જ પ્રભુ આપણા ઘરમાં અને આપણા હૃદય માં વાસ કરશે તે નિર્વિવાદ છે

બાગ બગીચા, રોડ રસ્તા તેમજ ઓફિસના પગથીયાના ખૂણા, લિફ્ટ ના ખૂણાઓમાં, ચારે બાજુ થુંકતા રહેતા.. જાણે ભગવાને મોઢું જ થું..થું..કરવા આપ્યું હોય..આવા આસુરી તત્વો નાના બાળકોના આરોગ્ય માટે ખતરા સમાન છે, દુબઈ-કેનેડા ના રસ્તા ચોખ્ખા છે કારણકે માણસોમાં સ્વયં શિસ્ત છે..અનુશાસન છે,સરકાર પણ ભારે દંડ ની કાર્યવાહી થી સજ્જ છે, પાનની પિચકારીઓ મારી ગંદકી ફેલાવતા આવા અસુરોએ પોતાના બેડરૂમ ના ખૂણાઓને મોંઢામાંથી ફુવારા મારીને રંગવા જોઈએ, આવા તત્વો સામે સત્વરે મોટા દંડ સાથે કાર્યવાહી કરવી જોઈએ, વળી કેટલાક તો રોડ ઉપર બાઈક લઈને જતા હોય તો પાછળ કોઈ આવી રહ્યું છે તે જોયા વગર કમરથી 45 અંશ ના ખૂણે વાંકા વળી મોઢામાંથી જે ફુવારો મારે.. તે આજુબાજુ ના 10 ફૂટના ઘેરાવાની ત્રિજ્યામાં ગંદકીનું તળાવ બનાવી દે, કેટલાક અચાનક કારનો દરવાજો ખોલી ખૂબ જ જોખમી રીતે મોઢામાંથી ગંદકી રોડ ઉપર નાખે, ગંદકીથી ખદબદતી ચા ની કીટલીઓ, પાન ના ગલ્લા, શાકભાજી ઉપર બણબણતી માખીઓ... આ બધું રોગો ને જન્મ આપે છે,સ્વચ્છતા હોય ત્યાંજ પ્રભુનો વાસ હોય છે.

ક્યારેક એવું લાગે કે થૂંકવા અને ફુંકવાનો અલગ ઝોન ઉભો કરવો જોઈએ જ્યાં ફકત થુંકવાવાળા અને ફૂંકવાવાળા ને પ્રવેશ મળે અને એ બધા લોકો એકબીજાના મોઢામાં મોંઢા નાખી થૂંકયા કરે અને ફૂંક્યા કરે, કારણકે એ બધા ભવિષ્યના મહા ભયાનક એવા કેન્સરના વટ વૃક્ષ ને જન્મ આપવાના છે અને તેમના પોતાના પરિવારો ને નધણીયાતા છોડીને કાયમ માટે વિદાય લેવાના છે, રિબાઈ રિબાઈને કેન્સર થી મરવું એના કરતાં બે પાંચ રૂપિયાના મસાલા છોડવા.. સિગારેટ છોડવી એ લાભ નો સોદો છે, ફકત એક વખત...હા ફકત એક વખત કેન્સર હોસ્પિટલ જઈને મોંઢા અને જડબાના કેન્સર થી સડી રહેલા.. અરે મોંઢામાં પ્રવાહી ખોરાક પણ લઈ નહિ શકતા આવા લોકોને અચૂક હોસ્પિટલમાં મળવું જોઈએ, તોજ તેઓને તમાકુ ગુટકા ની ભયાનકતાનો ખ્યાલ આવે અને કદાચ આ ભયાવહ નજારો જોયા પછી તેઓનું વ્યસન કાયમ માટે તેમના જીવનમાંથી વિદાય પણ લે તે નિર્વિવાદ છે...

-રસિક પટેલ,

શિક્ષક અને લેખક (Matrubharati)