લંગડુ ગધાડુ પુર્વી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લંગડુ ગધાડુ

મારા નાનકડા મિત્રો! આપણે રહીએ છીએ, ત્યાં આપણી આજુબાજુ કોણ કોણ રહે છે ખબર છે? અરે નાં! તમારા મિત્રો નહીં. એમનાં સિવાય કોણ રહે છે? અરે અરે! પેલા અંકલ કે આંટી નહીં; એમનાં સિવાય કોણ રહે છે? અમારા ત્યાં તો કાળીયો કૂતરો અને એની આખીયે ગેંગ, ધોળી ગાય અને એનાં કાબરચીતરા ૨ વાછરડા, ભૂરી ભેંસ, હોલો ને હોલી, કબુતર નાં ટોળાં, ૨-૪ કાબર, ચકો ને ચકી, અને હા! આખીયે બપોર એમનાં કર્કશ અવાજથી માંથુ દુખાડે એવાં કલબલીયાં. એમાંયે પાછો પેલો કંજૂસ કાગડો પણ સાથે મળીને થોડું વધારે માંથુ દુઃખાડે. આમ તો આ બધાંયે વર્ષોથી અમારી આસપાસ જ રહે છે, પણ કોઈ એક બીજાનાં મિત્રો નહીં. સૌને પોતાનું ઘર ભલું ને પોતાનું ખાવાનું ભલું‌. પણ પેલો કાળીયો કૂતરો છે ને, એ જરા વિચિત્ર હતો. એને તો ડોન બનીને જ ફરવા જોઈએ. પોતાનું પેટ ભરઈ ગયું હોય, તો પણ ભસી ભસીને બીજાઓનું ખાવાનું છીનવી લેતો હતો. એની ગેંગનાં બાકી બધા કૂતરાંઓ પણ ધીમે ધીમે એવું જ કરવા લાગ્યા. આટલું જ નહીં, પાછું એમનાં વિસ્તારમાં બીજા કોઈ નવાં પ્રાણીઓ માટે તો નો એન્ટ્રી જ હતી. જો કોઈ નવું પ્રાણી ભુલથી પણ આવી જાય, તો કૂતરાંઓની આખીયે ગેંગ એમનાં ધારદાર દાંત દેખાડી, નાક ચડાવી અને લાળ ટપકાવીને એ બીચારા પ્રાણીને એવી રીતે ઘેરી લેતાં, કે એ પ્રાણી ફરી ક્યારેય સપનામાં પણ ત્યાં આવવાનું વિચારે નહીં. કાળીયા અને એની ગેંગની દાદાગીરીથી હવે બાકીના બધાજ પ્રાણીઓ અને પક્ષીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. પણ કોઈનાં માં એટલી હિંમત નહોતી કે તેમનો વિરોધ કરે. વળી પાછા કોઈ એકબીજાની સાથે હળીમળીને રહેતા પણ નહીં, એટલે બધાએ જેમ ચાલતું હતું તેમ ચાલવા દીધું.

પણ કહેવાય છે ને, રાત ભલેને ગમે તેટલી લાંબી કેમ નાં હોય!, એનાં અંધકારને દૂર કરવા માટે સવાર જરૂર આવશે જ. તેવી જ રીતે એક દિવસ અમારી આસપાસના વિસ્તારમાં એક લંગડુ ગધાડુ આવી પહોંચ્યું. ૪ પગમાંથી આગળનો એક પગ સહેજ વળી ગયેલો હતો. ઘણી મુશ્કેલીઓ સાથે એ ધીમે ધીમે કરીને અમારી સોસાયટીમાં આગળ વધતો જતો હતો. એટલામાં જ મારી નજર એનાં ઉપર પડી અને મને એની સહેજ દયા આવી ગઈ, એટલે ઘરમાં જઈને એનાં માટે ૨ ભાખરી લઈને આવી અને સાથે એક મોટો ગાંગડો ગોળનો પણ દીધો. પણ હજુ તો પેલું લંગડુ ગધાડુ ખાવાનું ખાય એની પહેલા તો પેલો કાળીયો સોસાયટીના બીજા ખૂણેથી એટલી સ્પીડમાં દોડીને આવ્યો, કે જો મેરેથોનમાં ભાગ લે ને, તો ૧૦૦% ગોલ્ડ મેડલ જ જીતે. અને આવીને આ નવા પ્રાણીને જોઈને સીધો એવો ભસવા માંડ્યો, કે એનાં અવાજથી સોસાયટીમાં ઠેકઠેકાણે આરામ ફરમાવતા એનાં ગેંગના બીજા સાથીઓ સુધી એનો અવાજ સંભળાઈ ગયો. એક ગાડીની નીચેથી નીકળીને આવ્યું, તો બીજું ગાડીનાં છાપરા ઉપરથી ઉતરીને આવ્યું. એક કોઈનાં ફળીયામાંથી ઝાંપો કૂદીને આવ્યું, તો એક સોસાયટીના પાછળનાં ગેટની દીવાલ કૂદીને આવ્યું. અને આમ અચાનક આટલાં બધાં ખૂંખાર કૂતરાંઓથી પોતાને ઘેરાયેલો જોઈને લંગડુ ગધાડુ ગભરાઈ જાય છે, અને ગભરાહટમાં જ પડી જાય છે. આ બધું જ પેલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ રહ્યા હતા. પણ એમનાં માટે આ કંઈ નવું નહોતું એટલે સૌ પોતપોતાનામાં જ વ્યસ્ત રહ્યાં. પણ, મને પેલા લંગડા ગધાડાની દયા આવી અને પેલા કાળીયા ઉપર ગુસ્સો. શાંતીથી એને હટ! હૈડ! શૂ! છૂ! બધું જ કહી જોયું. પણ કાળીયાને કે એનાં સાથીઓને કોઈ જ અસર નાં થઈ. એટલે નાં છૂટકે પોતુ કરવાનો ડંડો લીધો, અને કાળીયાને સહેજ જોરથી ફટકાર્યો. પહેલી વખત માર ખાઈને કાળીયો ભસતા ભસતા અચાનક જ ચૂપ થઈ ગયો અને ચૂપચાપ સોસાયટીના બીજા ખૂણે જઈને બેસી ગયો. કાળીયાને પહેલી વખત આમ માર ખાતો અને હારતો જોઈને પેલા બધાજ પ્રાણીઓ અને પક્ષીઓ મનમાં ખૂબ જ હરખાય છે. અને એ દિવસે પેલા લંગડા ગધેડાની જેમ બાકીના બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ પોતાનો ખોરાક નિશ્ચિંત થઈને ખાઈ શક્યા. કારણ કે પેલા ડોન કાળીયાનું જાહેરમાં જે અપમાન થયું હતું તેના કારણે એ આખોયે દિવસ એણે કોઈ જ દાદાગીરી કરી નહીં, કે ના તો કોઈની ઉપર ભસ્યો.

કાળિયાના ભયથી થોડી રાહત મળતા જ પેલું ગધાડું એક પછી એક બધા પ્રાણીઓ અને પંખીઓની પાસે જાય છે અને તેમની સાથે વાતચીત કરીને તેમની મિત્રતા કરવાની કોશિશ કરે છે. પણ પેલા બધા તો એકલવાયા રહેવામાં જ માનતા હતા એટલે કોઈએ તેની સાથે સરખી રીતે વાત કરી નહીં. પછી છેવટે સાંજ પડે કંટાળીને પેલું લંગડુ ગધાડુ મારા ફળિયાની બહાર આવીને બેસી ગયું. દરરોજ તો રાત પડેને, એટલે પેલા કાળીયા અને એની ગેંગનું જાણે કે કોઈ પોલીસ પેટ્રોલિંગ કરતી હોય; તેવી રીતે આમથી તેમ આંટા મારવાનું ચાલુ થઈ જાય અને સહેજ પણ કોઈ અજાણ્યું વ્યક્તિ કે અજાણ્યું પ્રાણી દેખાય કે તરત જ એમનું ભસવાનું ચાલુ થઈ જાય. પણ ખબર નહીં કેમ આજે માર ખાધા પછી પેલો કાળિયો કંઈક વધારે પડતો જ શાંત હતો. પણ, આપણા વડીલો હંમેશા કહેતા હોય છે કે; જો ક્યારેક વધારે પડતી જ શાંતિ જણાય ને, તો સમજવું કે વાવાઝોડું આવવાનું છે. એટલે કે પેલો કાળીયો કંઈક તો કરશે જ. અને આવું ખાલી મને એકને જ નહોતું લાગતું પણ પેલા બધા પ્રાણીઓને અને પક્ષીઓને પણ લાગતું હતું. રાતના લગભગ ૧૨: ૦૦ વાગ્યા હશે અને પગમાં વાગ્યું હોવાના કારણે પેલા બિચારા લંગડા ગધાડાને ઊંઘ નથી આવતી હોતી. પણ આખો દિવસ લંગડાતા પગે આમ તેમ ફરીને એ ખૂબ જ થાકી ગયો હોય છે એટલે બસ એ ખાલી આંખ બંધ કરીને પડી રહે છે. પણ તેને તેની આસપાસ ધીમો ધીમો કંઇક અવાજ આવતો હોય છે અને આંખ ખોલીને જુએ છે તો ખૂબ જ ભયાનક દ્રશ્ય જોવા મળે છે. પેલો કાળીયો તેની ગેંગ સાથે લંગડા ગધાડાને ઘેરીને ઉભો હોય છે અને પોતાના ખૂંખાર દાંત દેખાડીને નાક ચડાવીને અને લાળ ટપકાવીને પેલા બિચારા ગધેડાને ડરાવી દે છે. પગમાં વાગેલું હોવાના કારણે ભાગવાની વાત તો બહુ દૂરની રહી પણ બિચારું લંગડું ગધાડુ ઉઠી પણ નાં શક્યું. અને ડરના કારણે એ ખૂબ જ જોરથી એનો પહોંચી હોચી નો અવાજ કરવા લાગે છે અને એના અવાજથી એક પછી એક એમ અમારી સોસાયટીના લગભગ દરેક ઘરના માણસો પોતપોતાના ઘરની લાઈટ ચાલુ કરે છે અને બહાર દોડી આવે છે. લંગડા ગધાડાના અવાજથી પેલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ ઉઠી જાય છે. અને આ શું? તેઓ જોવે છે કે બે ત્રણ ઘરમાંથી વડીલો લાકડી લઈને બહાર નીકળે છે, અને આ વખતે તો ખાલી કાળિયાને જ નહીં પણ તેની આખીયે ગેંગને લાકડીથી ખૂબ જ માર પડે છે. આમ બધાનાં આવી જવાથી લંગડું ગધાડુ બચી જાય છે અને કાળીયા અને તેની આખી ગેંગની ફરી એક વખત હાર થાય છે. આ બધું જોઈને હવે પેલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ આ લંગડા ગધાડાથી ખૂબ જ ઇમ્પ્રેસ થઈ જાય છે. પણ મિત્રતા કરવાનું તો તેમનામાંથી કોઈના સ્વભાવમાં હતું જ નહીં એટલે ઘણી ઈચ્છા હોવા છતાં તેમાંથી કોઈ પણ ગધાડા પાસે જતું નથી કે તેની સાથે બોલતાં પણ નથી ને એમનાં એમ પોતપોતાની જગ્યાએ સૂઈ જાય છે.

સવાર પડે છે, ને બધા પ્રાણીઓ અને પક્ષીઓ પોતપોતાના ખોરાકની શોધમાં સોસાયટીમાં આંટો મારવા નીકળે છે. બધાને લાગતું હતું કે જેમ કાલે એક વખત માર પડ્યા પછી કાળીયો ચૂપચાપ શાંત થઈને બેસી ગયો હતો. તેવી રીતે રાતની ફટકાર પછી તો કાળીયો કે એની ગેંગ નું કોઈ પણ આજે અમને હેરાન કરશે નહીં. પણ પેલી કહેવત તો યાદ છે ને બાળકો! "કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ." એટલે કે કંઈ પણ થાય કૂતરું એનો સ્વભાવના છોડે. હજુ તો બધાએ થોડું ઘણું જ ખાધું હશે કે ત્યાં તો કાળીયો અને તેની ગેંગ પેલી મેરેથોન ની રેસ ની જેમ દોડીને આવે છે અને બધા પ્રાણીઓ અને પક્ષીઓને હેરાન કરે છે.પંખીઓ ચણવા માટે જેવા જમીન ઉપર બેસે, કે તરતજ તેમને પકડી લેવા દોડે. એટલે તેમને આવતા જોઈને જ બધા પોતપોતાને જેટલું ખાવાનું મળ્યું તેટલું ખાઈને ત્યાંથી જતા રહે છે. પગમાં વાગેલું હોવાના કારણે પેલા લંગડા ગધાડાને સોસાયટીના રહીશો વારા ફરતી તેની પાસે જઈને જ ખાવાનું આપી દેતા હતા. પણ દૂર બેઠા બેઠા જ એ કાળીયા અને તેની ગેંગની દાદાગીરી જોઈ રહ્યો હતો. આખી રાત અને સવાર આરામ કર્યા પછી બપોર પડે પેલું લંગડું ગધાડું ધીમે ધીમે ઊઠવાની કોશિશ કરે છે અને તેને ચાલતા જોઈને લાગતું હતું કે કાલ કરતા તેના પગની હાલતમાં થોડો ઘણો સુધારો થયો હતો. પેલા બધા પ્રાણીઓ અને પક્ષીઓએ તો તેની સાથે સરખી રીતે વાત નહોતી કરી તેમ છતાંયે તે ફરી એક વખત તેમની સાથે મિત્રતા કરવાની કોશિશ કરે છે. પણ જો કે આ વખતે કોઈએ તેનો અનાદર કર્યો નહીં. કારણ કે પગમાં વાગેલું હોવા છતાં તેણે નીડરતાથી કાળીયા અને તેની આખી ગેંગનો રાત્રે જેવી રીતે સામનો કર્યો હતો, તે જોઈને બધા જ તેનાથી ખુબ ખુશ હતા. ગધાડુ બધાને કહે છે કે તમે બધા આમ કાળીયા અને તેની ગેંગની દાદાગીરી શું કરવા સહન કરો છો? આમ તમે તમારો ખોરાક ક્યાં સુધી છોડીને ભાગી જશો? ક્યારેક તો તમારે એનો સામનો કરવો જ પડશે ને. પછી પેલી ભૂરી ભેંસ કહે છે, ગધેડા ભાઈ! આ તો તમને પગમાં વાગ્યું છે એટલે લોકોએ તમારી મદદ કરી. પણ અમારી કોઈ મદદ નાં કરે. લંગડો ગધાડુ કહે છે, અરે પણ જ્યારે તમે આટલા બધા છો ત્યારે તમારે બીજા કોઈની મદદની શું જરૂર છે? હવે પેલી ધોળી ગાય કહે છે, અમે ક્યાં આટલા બધા છીએ હું એકલી અને મારી આ બે નાની વાછરડી. ભૂરી ભેંસ પણ કહે છે હું પણ એકલી જ છું. પેલા કબુતર, કાબર, ચકો અને ચકી એ બધાનું પણ કંઈક એવું જ કહેવું હતું કે અમે બે ચાર નાના પંખીઓ પેલા ખૂંખાર કૂતરાઓનું શું બગાડી શકવાના હતા? લંગડું ગધાડુ કહે છે, અરે તમે સૌ પોતપોતાને એકલા શું કરવા માનો છો? તમે લોકો તો એકબીજાના દુશ્મન પણ નથી તો પછી એકબીજા સાથે મિત્રતા કરવામાં શું તકલીફ છે? તમને ખબર છે, જો તમે સૌ સાથે મળીને પેલા કાળીયા અને તેની ગેંગનો સામનો કરશોને ,તો આવા ૧૦ કાળીયા પણ આવી જાયને, તો પણ તમને કોઈને ડરાવી નહિ શકે. આ વખતે લંગડા ગધેડાની વાત સાંભળીને કોઈએ કંઈ સવાલ ના કર્યો. એટલે પોતાની વાતને આગળ વધારતા લંગડું ગધાડું કહે છે કે, તમે સૌ કાળીયાથી ડરો છો એટલે એ તમને વધારે ડરાવે છે. ધોળી ગાય અને ભૂરી ભેંસ , તમારા બંને પાસે તો આવા સરસ મજાના ધારદાર શિંગડાઓ છે; તો પણ તમે એનાથી શું કરવા ડરો છો? અને મારા વાલા નાનકડા પક્ષીઓ, તમને ઈશ્વરે ઉડી જવા માટે આટલી સરસ પાંખો આપી છે, તો પણ તમે એનાથી ડરો છો! મને લાગે છે કે, તમારે સૌએ ભેગા મળીને ખોરાકની શોધમાં નીકળવું જોઈએ અને જ્યારે પણ કાળીયો કે તેની ગેંગના બાકીના કૂતરાઓ આવે ત્યારે નીડરતાથી તેમનો સામનો કરવો જોઈએ. બધાને ગધેડાની વાત સાચી લાગી અને તે સૌ એકબીજા સાથે મિત્રતા કરે છે અને સૌ ભેગા મળીને સાંજનો ખોરાક લેવા જવાનો પ્લાન બનાવે છે. લંગડા ગધાડાને હજુ પણ પગમાં થોડો ઘણો દુખાવો હોવાથી તે ફરીથી મારા ફળિયાની બહાર આવીને આરામ કરવા માટે બેસી જાય છે.

જોત જોતામાં જ સાંજ પડી જાય છે અને સૌ નક્કી કરેલા પ્લાન પ્રમાણે ભેગા મળીને ખોરાકની શોધમાં નીકળે છે. દરરોજની આદત પ્રમાણે જેવો તેમને ખોરાક મળતા જોવે છે, કે તરતજ કાળીયો અને તેની ગેંગ દોડીને આવી જાય છે. પણ આ શું? આ વખતે કોઈ તેનાથી ડર્યું નહીં તે જોઈને કાળીયાને થોડો વધારે ગુસ્સો આવે છે. તે વધારે જોરથી ભસવા લાગે છે. તો હવે ગાય ,ભેંસ અને પક્ષીઓ પણ એક સાથે પોતપોતાનો જોર જોરથી અવાજ કરવા લાગે છે. આ જોઈને કાળીયાથી રહેવાયું નહીં અને તે બટકું ભરવા માટે પેલા બે નાના વાછરડાઓની નજીક પહોંચી જાય છે. પણ એક તરફ પેલી ધોળી ગાય અને બીજી તરફ પેલી ભૂરી ભેંસ બંને પોતાના ધારદાર સિંગડાઓથી કાળીયા અને તેની ગેંગના કુતરાઓને મારી મારીને દૂર ખસેડી દીધા. અને આજે પહેલી વખત બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ નિરાંતેથી પોત પોતાનો ખોરાક ધરાઈને ખાઈ શક્યા. તે બધા પેલા ગધેડાનો આભાર માને છે અને તેને પણ તેમની સાથે જ આવીને રહેવાનું આમંત્રણ આપે છે. લંગડું ગધાડું ખુશી ખુશીથી તેમનું આમંત્રણ સ્વીકારે છે, અને બાકી બધા પ્રાણીઓની સાથે જઈને રહેવા લાગે છે. આ બધું જોઈને પેલો કાળીયો સમજી જાય છે કે આજે તેની સાથે જે પણ થયું, તે બધાનો જવાબદાર આ લંગડું ગધાડું જ છે. આજે તે બાકીના પ્રાણીઓ સાથે હોવાથી કાળીયો વિચારે છે કે, આજે તો આ લંગડા ગધેડાની ખેર નથી. જોઈએ છે આજે હવે તેને બચાવવા માટે કોણ આવે છે. લોકોના ઘરની બહાર બેસેલો હોવાથી કાલે તો તે બચી ગયો હતો પણ આજે તેને મારાથી કોઈ જ નહીં બચાવી શકે. રાત પડે છે, અને કાળીયો પોતાના આક્રમક ઇરાદાથી ધીમે ધીમે ચોર પગલે પેલા લંગડા ગધાડાની તરફ આગળ વધતો હોય છે. આજે તો લંગડો ગધાડો સુઈ ગયો હોય છે પણ પેલો કંજૂસ કાગડો આજે કાળીયાને જોઈ જાય છે અને પોતાના કર્કસ અવાજથી બધાને ઉઠાડી દે છે. બધા પક્ષીઓ અને પ્રાણીઓની સાથે પેલો લંગડો ગધાડો પણ બે બાકડો ઊભો થઈ જાય છે. કાળીયો એટલો ગુસ્સામાં હતો કે તેણે વિચાર્યું કે આ લંગડો ક્યાંય ભાગી શકવાનો તો છે નહીં, એટલે આજે તો એના બીજા પગને પણ બટકું ભરીને તોડી જ નાખું. પણ કાળીયો જેવો નજીક પહોંચ્યો કે તરત જ પેલો લંગડો ગધાડો ઊંધો ફર્યો અને પોતાના પાછળના બે પગથી કાળીયાને એટલી જોરથી લાત મારી કે તે ઉછળીને થોડી દૂર જઈને પડ્યો. આ વખતે કાળીયાને ખૂબજ જોરથી વાગ્યું હતું અને તે આખો ધ્રૂજતો હતો. તે દિવસથી જ કાળીયાએ હાર માની લીધી અને ફરી ક્યારેય તેણે કોઈપણ પ્રાણીઓ કે પક્ષીઓને હેરાન કર્યા નહીં.
તો મારા નાનકડા મિત્રો! તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું? આ વાર્તા એ આપણને ૨ વાતો શીખવાડી.
(૧) એકતાથી મોટી કોઈ જ તાકાત નથી.
(૨) ડર ત્યાં સુધી જ ડરાવી શકે છે, જ્યાં સુધી તેનો સામનો નાં કરીએ. એટલે નીડર બનો.

ચાલો! તો હવે તમે બધા પણ યાદ કરો, કે તમારી આસપાસ આવા કેટલા પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. અને જો તમારી પાસે પણ તેમની આવી જ કોઈ રસપ્રદ વાર્તા હોય, તો તમે પણ મને જરૂર કહેજો. આવજો...!

- પુર્વી