પ્રકરણ ૧૪
આ બંને વસ્તુઓ જોતાં જ રીચલ ઉછળીને જમીન પર પડી. એટલી ક્ષણોમાં તો તે ચારેય ઝાડીઓ પાછળથી નીકળી ત્યાં આવી પહોંચ્યાં. યોગી ઈશ્વરચંદે એક હાથમાં વનસ્પતિ રાખી ભસ્મ રીચલ પર ફેંકી. તેના ક્રોધનો પાર ના રહ્યો. તેની તીણી ચીચીયારીઓથી આસપાસની ઝાડીઓને ધ્રૂજવવાં માંડી. ને મોંઢામાંથી આગ ઓકવાં માંડી. આ જોઈ તે, જીએમ અને જીએમનાં વાઈફ પાછાં હટી ગયાં. જીએમનાં વાઈફે જીએમનો હાથ જોરથી પકડી લીધો. અચલ યોગી ઈશ્વરચંદની બાજુમાં અડીખમ ઊભો રહ્યો. યોગી ઈશ્વરચંદનાં મતે તેમણે હવે રીચલનો અંત જ લાવવો પડે તેમ હતો. રીચલનાં શરીરમાં કોઈજાતનું મનુષ્યત્વ બાકી રહ્યું નહોતું. જે કોઈ સ્ત્રીને મારીને તેનું શરીર તે વાપરતી હતી તે સ્ત્રીનો આત્મા તો ક્યારનોય શરીર છોડી ચૂક્યો હતો. જો કાંઈ પણ બચ્યું હોય, તો તે હતી માત્ર એક ભયાનક છેલ્લી કક્ષાની પિશાચતા! જેનાં અંત માટે રીચલનો અંત જ એકમાત્ર ઉપાય હતો.
યોગી ઈશ્વરચંદે સતત અડધાં કલાક સુધી પવિત્ર પાણી અને ભસ્મ ફેંક્યાં કરી. સાથે અચલ ઈશ્વરની મૂર્તિ અને વનસ્પતિ રીચલે સામે ધરી ઊભો રહ્યો હતો. અચલ અને યોગી ઈશ્વરચંદનાં મંત્રો અને સામે રીચલની ગગનભેદી ચીચીયારીઓ અને તેમાં મોંઢામાંથી નીકળતી જ્વાળાઓ… વાતાવરણમાં એક અજબ ભીંસ વર્તાતી હતી. અમાસની રાત હોય તેવી અંધીયારી રાતમાં દૂરદૂર સુધી અગ્નિજ્વાળાઓનો ગરમ ગરમ ઉજાસ અને જીવ ગૂંગળાવતો ધુમાડો! આ ભયંકર અનુભવનો માણસે સ્વપ્નમાં પણ વિચાર ના કર્યો હોય! તેનો શ્વાસ સખત રૂંધાતો હતો. પણ તે અહીંથી ખસવાં માંગતી નહોતી. ન જાણે કઈ ક્ષણે તેની આંખો આગળ બિલકુલ અંધારું છવાઈ ગયું! કેટલો સમય વીત્યો હશે તેની એને સુધ ના રહી.
એને જ્યારે અજવાળું દેખાયું ત્યારે દેખાયું કે અચલે આખાં શરીરે વનસ્પતિનાં લેપવાળી છટપટતી રીચલની છાતીમાં જોરથી પેલી ૐ કોતરેલી લાકડીની તિક્ષ્ણ બાજુ ખોસી રાખી છે અને યોગી ઈશ્વરચંદ રીચલનું મોંઢુ પકડી રાખી તેમાં લસણ જેવું કશું ખોસી રહ્યાં છે. રીચલે ભયંકર આગ ઓકવાનું છટપટતાં છટપટતાં પણ ચાલું રાખેલું. અંધારાંઅજવાળાંનાં ખેલમાં આ દ્રશ્ય ભયાનક લાગી રહ્યું હતું. જીએમ અને તેમનાં વાઈફ ક્યાં છે કે આજુબાજુ શું છે તે જોયાં સમજ્યાં વિના જ તે બેહોશ બની જમીન પર પછડાઈ પડી!
૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰
એ પ્રસંગને છ મહિનાઓ વીતવાં આવ્યાં હતાં. જીવન ધીરેધીરે નિયમિત બનતું જતું હતું. કોર્ટમાં કેસ ચાલુ થઈ ગયો હતો. સાથોસાથ તેણે, જીએમે અને અચલે ફરી પાછી પોતાની જોબ નિયમિત ચાલુ કરી દીધેલી. મયંક ફરી તેનાં ભણવામાં અને મિત્રોમાં વ્યસ્ત રહેવાં માંડેલો. તેનાં મમ્મીએ રોજ ઘરમાં જ કેટલાંક પ્રૌઢ, વૃદ્ધ અને ક્યારેક તો યુવાનવયની સ્ત્રીઓને લેપટોપ, કમ્પ્યુટર, ફોન, ટેબલેટ તો ક્યારેક વીડીયો ગેમ્સ શીખવવાનું ચાલું કર્યું હતું. જો કે, એકલતાંમાં નીકળ્યાં કરતાં મમ્મીનાં છાનાં આંસુ તેનાંથી છાનાં તો રહી શક્યાં નહોતાં જ.
પૃથ્વી પર પુર આવે, ધરતીકંપ આવે, સુનામી આવે, હરીકેન આવે, વાવાઝોડાં-વંટોળ આવે કે બીજું ગમે તે તોફાન આવે, યુધ્ધ થાય કે ગમે તે માનવસર્જિત અવ્યવસ્થા રચાય, સૂરજ રોજ સવાર થાય એટલે આવી જાય ને સાંજ થતાં પાછો ચાલ્યો જાય! ચંદ્ર રાત થતાં આવે ને સવારે પાછો ચાલી જાય! પક્ષીઓ, પશુઓ, બ્રહ્માંડનું દરેક પ્રાણી ઈશ્વરે સર્જેલ નિયમ પ્રમાણે ચાલ્યાં જ કરે છે. પ્રકૃતિમાં કશું પણ ક્યારેય અટકતું નથી. તે જીવનનો આ નિયમ નાની ઉંમરે જ શીખી ગઈ હતી. અને તેને વિશ્વાસ હતો કે મમ્મી પણ સમય જતાં શીખી જશે. સમય બધું જ શીખવાડી દે છે! અને દરેક ઘા રૂઝાવી દે છે, જો કે, કેટલાંક રૂઝાયેલાં ઘામાંથી સમયે સમયે ક્યારેક લોહી ટપકી પડતું હોય છે!
ને એ દિવસ પણ આવી ગયો કે જ્યારે કોર્ટમાં તેમનો ચુકાદો આવ્યો. પપ્પા અને રીધિમાનાં શરીર પર મારામારી, ઝપાઝપી, પડવાં, વાગવાંનું કોઈ નિશાન નહોતું. બંનેનાં શરીરમાં અજાયબ રીતે લોહી ગાયબ હતું. પણ શરીરમાં કોઈ પણ જગ્યાએથી લોહી વહી ગયું હોય તેવું કોઈ જ નિશાન નહોતું. હાર્ટએટેક પણ નહોતો આવ્યો કે શ્વાસ રૂંધાઈ ગયો હોય તેવાં પણ કોઈ નિશાન નહોતાં. ટૂંકમાં, કોર્ટમાં કોઈ પણ રીતે પ્રુવ થઈ શકે તેમ નહોતું કે તેમનું મર્ડર થયું છે. તેમનાં મૃત્યુનું રહસ્ય અકબંધ રહ્યું. તેની સાથે સંકળાયેલ તમામ પ્રશ્નો અનુત્તર રહ્યાં. તેનાં ઘરનાં, રીધિમાનાં ઘરનાં કે અચલનાં ઘરનાંની આગળ કે આખી દુનિયા આગળ ક્યારેય કોઈ રહસ્યે પડદાં ખોલ્યાં નહીં. તેની અને અચલ વિરુદ્ધ કોઈ કેસ પુરવાર કરી શકાયો નહીં તેથી ડિસમિસ થઈ ગયો! ને તે દિવસે તેણે મમ્મીની એક આંખમાં હર્ષનું આંસું અને બીજી આંખમાં વ્યથાનું આંસું જોયું.
રવિવારે સાંજે મમ્મીએ અચલને જમવાં બોલાવેલો. ફૂલોનાં બુકે અને મીઠાઈનાં બોક્સ સાથે તે ખુશ થતો થતો આવી ગયો. આટલાં દિવસોમાં તે અને અચલ તો નજીક તો આવી જ ગયેલાં પણ તેનાં મમ્મી અને મયંક પણ અચલની નજીક આવી ગયેલાં. મમ્મીએ અને અચલે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
તેને હાથમાં કોળિયો લઈ જમતાં અચલની જગ્યાએ યોગી ઈશ્વરચંદ સાથે મળીને રીચલની છાતીમાં પેલી તિક્ષ્ણ લાકડી ખોસી રહેલો ગુસ્સાથી અને ઝનૂનથી વિકરાળ બની ગયેલો અચલ દેખાયો. એ અન્યમનસ્ક બની થઈ ઊભી રહી ગઈ અને પછી થોડી ક્ષણોમાં એમ જ ત્યાંથી ઊભા થઈ, રૂમમાં જઈ, તેણે રૂમનું બારણું બંધ કરી દીધું .
તે આખી રાત તે અર્ધ નિદ્રાવસ્થામાં તેને રૂમની ચારે દિવાલો પર રીચલ દેખાતી રહી.
સવારે જોબ પર આવી ત્યારે તેણે જીએમને એક અતિ સુંદર, મારકણાં હાસ્યવાળી, ખૂબ મેક’પ સાથે બ્લેક આકર્ષક ડ્રેસમાં બેઠેલી યુવતીનો પર્સનલ આસીસ્ટન્ટની જોબનો ઈન્ટરવ્યુ લેતાં જોયાં!
** સંપૂર્ણ. **