કનેક્શન-રૂહ સે રૂહ તક - 34 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કનેક્શન-રૂહ સે રૂહ તક - 34





૩૪.નવો અધ્યાય

અપર્ણા અને શિવ બંને એક હોટેલમાં આવીને ત્યાંના રૂમમાં બેઠાં હતાં. અપર્ણા બેડ પર બેસીને પોતે સાથે લાવેલી ચીઠ્ઠી વાંચી રહી હતી, અને શિવ બસ એને જોતો ઉભો હતો. આખરે એને કંટાળો આવતાં એણે અપર્ણાના હાથમાંથી એ ચીઠ્ઠી છીનવી લીધી, અને ખુદ જ વાંચવા લાગ્યો.
"હવે આ નવો અધ્યાય કોણ શરૂ કરી ગયું?" ચીઠ્ઠી વાંચીને શિવે પરેશાન અવાજે પૂછ્યું.
"એ જ તો નથી સમજાતું." અપર્ણા પણ થોડી પરેશાન હતી, "તાન્યા કોઈને પ્રેમ કરતી હતી, અને મને એણે એ વાત જણાવી પણ નહીં."
"ઓ હેલ્લો! હવે તું રિસાઈ ન જતી." શિવે અપર્ણા સામે ચપટી વગાડીને કહ્યું, "પહેલાં તો એ જાણવું પડશે, કે આ પ્રેમી છે કોણ?"
"એક મિનિટ! એ ચીઠ્ઠી આપ તો જરાં." અપર્ણાએ અચાનક જ ઉભાં થઈને કહ્યું, અને ફરી એક વખત એ ચીઠ્ઠી વાંચવા લાગી.
"હવે આ ચીઠ્ઠીને વારંવાર વાંચ્યાં કરવાથી શું એને લખનારો વ્યક્તિ એમાંથી આપણી સામે પ્રગટ થઈ જશે?" શિવે ચિડાઈને કહ્યું.
"પ્રગટ થશે શું? પ્રગટ થઈ ગયો." અપર્ણાએ ખુશ થઈને કહ્યું.
"મતલબ?" શિવે પૂછ્યું.
"મતલબ આ ચીઠ્ઠી અંશુમને લખી છે." અપર્ણાએ ચીઠ્ઠીને શિવ સામે લહેરાવતા કહ્યું.
"હવે આ અંશુમન કોણ છે?" શિવે ફરી ચિડાઈને પૂછ્યું.
"મારો અને તાન્યાનો ફ્રેન્ડ! અમે કોલેજમાં સાથે જ ભણતા." અપર્ણાએ કહ્યું, "એ કોલેજ ટાઈમથી જ તાન્યાને પસંદ કરતો. પણ, ક્યારેય એને કહી નાં શક્યો. આખરે એનામાં ક્યારેક હિંમત આવી હશે, અને એણે તાન્યાને પ્રપોઝ કરી દીધી હશે. એનામાં હિંમત આવતાં જ તાન્યાની હિંમત જતી રહી હશે. હું એને અંશુમનના નામથી બહું હેરાન કરતી. એટલે એણે મને પોતાનાં પ્રેમ વિશે કંઈ નાં જણાવ્યું. પછી જ્યારે જણાવવાનો સમય આવ્યો હશે. ત્યારે બંને વચ્ચે લડાઈ થઈ, ત્યાં જ વિશ્વાસની વાત આવી, અને તાન્યા ગધેડીએ ફરી પાગલપન કરી દીધું, અને વિશ્વાસને હાં પાડી દીધી."
"તને કેવી રીતે ખબર કે આ ચીઠ્ઠી લખનારો અને તાન્યાને લઈ જનારો અંશુમન જ છે?" શિવે વિચારીને પૂછ્યું.
"આ જો (શિવ સામે ચીઠ્ઠી કરીને) આમાં ચીઠ્ઠીનાં અંતમાં ત્રણ ટપકાં કરેલાં છે." અપર્ણાએ કહ્યું, "આવી આદત આખી કોલેજમાં અંશુમનની જ હતી. કોલેજના પ્રોફેસરે એને ઘણી વખત આ આદત કાઢવાં વિશે કહ્યું પણ હતું. તો અંશુમન કહેતો 'મારી આદત એ વાતની નિશાની છે, કે દુનિયામાં કોઈ વસ્તુનો અંત નથી હોતો. એ અંત નવી શરૂઆતની નિશાની છે. લખાણ પછી પૂર્ણવિરામ મૂકવાથી એનો અંત થઈ જાય છે. જ્યારે આ ત્રણ ટપકાં એ લખાણ હજું અધૂરું છે, એની નિશાની બતાવે છે. જેથી દુનિયા આપણને શોધવાની કોશિશ કરે છે. એ લખાણ પૂરું કરવાં માટે! એને અધૂરું મૂકવાની કહાની જાણવાં માટે.' બસ આ કારણથી હું પાક્કી ખાતરીથી કહી શકું, કે એ અંશુમન જ છે."
"આવી આદત તો અમદાવાદમાં ઘણાંની હશે" શિવે તરત જ કહ્યું, "છતાંય એકવાર માટે તારી વાત માની પણ લઈએ. તો પણ હવે એને શોધવાનો ક્યાં?" શિવે પૂછ્યું.
"એ પણ મને ખબર છે. તું બસ ચાલ." કહીને અપર્ણા શિવનો હાથ પકડીને હોટેલ રૂમનાં દરવાજા તરફ આગળ વધી ગઈ. દરવાજો ખોલીને એ બંને હોટેલની બહાર આવ્યાં, અને આ વખતે કાર અપર્ણાએ ચલાવી. શિવ ચુપચાપ એની બાજુમાં બેઠો કંઈક વિચારી રહ્યો હતો.
"આનો દિમાગ આમ તો તેજ ચાલે છે. પણ, ક્યારેક ખબર નહીં દિમાગ પર શું ભૂત સવાર થઈ જાય છે, કે પાગલો જેવી હરકતો કરવાં લાગે છે." શિવ મનોમન વિચારી રહ્યો. એનાં વિચારો વચ્ચે અપર્ણાએ કારને તાન્યાનાં ઘરની સામે રોકી. શિવ દરવાજો ખોલીને બહાર ઉતર્યો તો હેરાન રહી ગયો.
"તું અહીં કેમ આવી? આપણે તો અંશુમન પાસે જવાનાં હતાં ને?" અપર્ણા કારમાંથી નીચે ઉતરી એટલે તરત જ શિવે પૂછ્યું.
"એ બંને અહીં જ છે." અપર્ણાએ કહ્યું, અને દરવાજો બંધ કરીને આગળ વધી ગઈ. શિવ પણ એની પાછળ પાછળ દોરવાયો. અપર્ણાએ દરવાજા સામે ઉભાં રહીને ડોર બેલ વગાડી. ત્યાં જ દરવાજો ખુલતાં જ એમનું સ્વાગત જગદીશભાઈએ કર્યું.
"પપ્પા!" અપર્ણાએ એટલું કહ્યું. ત્યાં જ જગદીશભાઈએ એક હાથ ઉંચો કરીને એને ચૂપ રહેવા જણાવ્યું, અને તરત જ શિવની કોલર પકડી લીધી.
"મેં તને તે દિવસે જ મારી દીકરીથી દૂર રહેવા જણાવ્યું હતું. પણ, તારી સમજમાં કંઈ આવે તો ને!" જગદીશભાઈએ ગુસ્સે થઈને કહ્યું, "આજે તો તારી હિમ્મત એટલી વધી ગઈ, કે તું તાન્યાને પણ ભગાવી ગયો."
"એક મિનિટ પપ્પા! એણે તાન્યાને નથી ભગાવી." અપર્ણાએ જગદીશભાઈનો હાથ પકડીને શિવની કોલર છોડાવતા કહ્યું.
"તું તો ચૂપ જ રહેજે." જગદીશભાઈએ અપર્ણા તરફ જોઈને ગુસ્સામાં લાલ આંખો કરીને કહ્યું, "વિશ્વાસે અમને બધું જણાવી દીધું છે. તું આ શિવ સાથે રહીને એનાં જેવી થઈ ગઈ છે. માત્ર વિશ્વાસ તને પસંદ ન હતો. એટલી વાતમાં તે તાન્યાને એની સગાઈના દિવસે ભગાડી, એ પણ આ શિવ જેવાં ગુંડાની મદદથી!"
"પપ્પા પ્લીઝ! શિવ ગુંડો નહીં બિઝનેસ ટાયકૂન છે." અપર્ણાએ કહ્યું, "એણે આ વખતે પણ મારી મદદ જ કરી છે. હાં, મારો પ્લાન હતો તાન્યાને ભગાડવાનો, પણ અમે એને ભગાડીએ એ પહેલાં જ એને અંશુમન લઈ ગયો. એ પણ વિશ્વાસની હકીકત જાણે છે. એ વિશ્વાસ વિશ્વાસ કરવાને લાયક જ નથી."
"કેટલુંક ખોટું બોલીશ તું?" જગદીશભાઈએ પૂછ્યું, "તાન્યા ઘરેથી ગાયબ છે. વિશ્વાસ ગુસ્સે થઈને જતો રહ્યો. અજીત અને સરોજબેનનુ બધાં વચ્ચે શરમથી માથું ઝૂકી ગયું, અને તું હજું પણ કહે છે, કે તાન્યાને તમે નથી ભગાવી."
"એ સાચું કહે છે, અંકલ!" જગદીશભાઈનો સવાલ જવાબનો દોર ચાલું હતો. એની વચ્ચે અચાનક જ કોઈએ આવીને કહ્યું. બધાંની નજર ઘરનાં એન્ટ્રેસ ગેટ પર પડી. જ્યાં તાન્યા એક છોકરાં સાથે ઉભી હતી.
"થેન્ક ગોડ, અંશુમન! તું આવી ગયો." અપર્ણાએ એન્ટ્રેસ ગેટ પર ઉભેલાં અંશુમન તરફ આવીને કહ્યું. હાં, અપર્ણા આ બાબતે સાચી ઠરી હતી. તાન્યાને અંશુમન જ લઈ ગયો હતો, "હવે અંદર આવીને બધાંને વિશ્વાસની હકીકત જણાવ. તે જ તાન્યાનાં રૂમમાં છોડેલી ચીઠ્ઠીમાં લખ્યું હતું ને કે તને વિશ્વાસ વિશે બધી ખબર છે. તો જણાવ બધાંને." અપર્ણા અંશુમનનો હાથ પકડીને એને બધાંની વચ્ચે લઈ આવી.
"હું કંઈ નહીં જણાવું." અંશુમને કહ્યું. તો અપર્ણા આંખો ફાડીને એને જોઈ રહી.
"શાં માટે?" અપર્ણાએ પૂછ્યું.
"મારાં બોલવાથી કોઈને વિશ્વાસ નહીં આવે." અંશુમને તાન્યા તરફ જોઈને કહ્યું, "તમે થોડીવાર રાહ જોવો. હું બધાંને સબૂત સાથે જ હકીકત જણાવીશ." અંશુમનની વાત સાંભળીને અપર્ણાનાં જીવમાં જીવ આવ્યો. એક પળ માટે તો એ ડરી જ ગઈ હતી, કે અંશુમન કોઈને કંઈ નહીં જણાવે. તો ફરી બધાં શિવને જ દોષી સમજશે.
થોડીવારમાં જ એક કાર આવીને તાન્યાનાં ઘરની સામે ઉભી રહી. જેમાંથી એક છોકરી ઉતરી, અને અંદર આવી. જેને કોઈ ઓળખતું ન હતું. બધાં એ છોકરીને જોઈ રહ્યાં હતાં. ત્યાં જ અંશુમને એ છોકરીની સામે આવીને કહ્યું, "સ્વીટી! તારું અને વિશ્વાસનું કોલ રેકોર્ડિંગ બધાંને સંભળાવ."
અંશુમનના કહેવાથી સ્વીટીએ હામી ભરી, અને પોતાનાં મોબાઈલમાં એક રેકોર્ડિંગ ચાલું કર્યું. જે સાંભળીને બધાં હેરાન રહી ગયાં. હાં, આ સ્વીટી એ જ છે, જેણે થોડીવાર પહેલાં જ વિશ્વાસ સાથે વાત કરી હતી, અને વિશ્વાસે એને પોતાનો આખો પ્લાન સંભળાવ્યો હતો. જે સ્વીટીનાં ફોનમાં રેકોર્ડ થઈ ગયો હતો.
"આ સ્વીટી વિશ્વાસની ગર્લફ્રેન્ડ હતી. હતી એટલાં માટે કે હવે એણે વિશ્વાસ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નાં રાખવાનો નિર્ણય લીધો છે." અંશુમને બધાંની તરફ જોઈને કહ્યું, "સ્વીટી મારાં મેનેજરની બહેન છે. જ્યારે તાન્યાએ મને કહ્યું, કે એ કોઈ મુંબઈનાં એક્ટર વિશ્વાસ સાથે લગ્ન કરી રહી છે. ત્યારે મેં એનાં વિશે ઇન્ફોર્મેશન કઢાવવા મારાં મેનેજરને કહ્યું હતું. ત્યારે એણે મને ફેસબુક પર વિશ્વાસનો ફોટો બતાવ્યો અને પૂછ્યું, કે હું આ વિશ્વાસની વાત જ તો નથી કરી રહ્યો ને?" અંશુમને આખી કહાની જણાવતાં કહ્યું, "ત્યારે મેં વિશ્વાસને જોયો ન હતો. હું મારાં સવાલોની શોધમાં હતો. ત્યાં જ તાન્યાએ વિશ્વાસ અને પોતાનો મુંબઈનાં કાફેમાં ક્લિક કરેલો ફોટો ફેસબુક પર અપલોડ કર્યો, અને નીચે કેપ્શનમા લખ્યું, કે 'સૂન આઈ વિલ બી મેરીડ વિથ વિશ્વાસ' એ વાંચીને મેં મારાં મેનેજરને એ‌ ફોટો બતાવ્યો. ત્યારે મને ખબર પડી, કે એ વિશ્વાસ અને સ્વીટી તો છેલ્લાં બે મહિનાથી રિલેશનમાં છે. બસ પછી મેં અને સ્વીટીએ આ પ્લાન બનાવ્યો. આજે સવારે જ સ્વીટીએ વિશ્વાસ સાથે વાત કરી, અને એનું કન્ફેશન રેકોર્ડ કરી લીધું, કે વિશ્વાસ તાન્યાને ડબલ ક્રોસ કરી રહ્યો છે."
અંશુમનની વાત સાંભળીને તાન્યા મનોમન ખુદને કોસવા લાગી. એણે અંશુમન સાથે નાની એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ઉતાવળમાં વિશ્વાસ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જેનું પરિણામ આજે એની સામે હતું. જો અંશુમન એને લઈ ન જતો. તો આજે એની જીંદગી એક એવાં વ્યક્તિ સાથે જોડાઈ ગઈ હોત. જે ક્યારેય કોઈ એક છોકરી સાથે ટકી રહેવામાં વિશ્વાસ જ રાખતો ન હતો. જે છોકરીને બસ ટાઇમપાસ માટેનું રમકડું સમજતો.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"