કનેક્શન-રૂહ સે રૂહ તક - 33 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કનેક્શન-રૂહ સે રૂહ તક - 33




૩૩.ભાગમભાગ

અપર્ણા એનો પ્લાન બનાવી ચુકી હતી. એ નિખિલને બધું સમજાવીને ઘરની બહાર આવી. ત્યારે જ એનો સામનો વિશ્વાસ અને એનાં પરિવાર સાથે થયો. એની સાથે એનાં મમ્મી-પપ્પા હોવાથી અપર્ણાએ વિશ્વાસને કંઈ નાં કહ્યું. અપર્ણાની જેમ વિશ્વાસ પણ પોતાનો પ્લાન બનાવી ચુક્યો હતો. એટલે એને પણ અપર્ણાને કંઈ કહેવું યોગ્ય નાં લાગતાં એ ચુપચાપ અંદર આવી ગયો.
વિશ્વાસ જેવો ઘરની અંદર ગયો. અપર્ણાએ એક મેસેજ ટાઈપ કરીને શિવને મોકલી દીધો, "તારી કારને ઘરથી થોડે દૂર પાર્ક કરજે. બાકી બધી તૈયારી થઈ ગઈ છે." શિવને મેસેજ મોકલીને અપર્ણા પણ અંદર આવી ગઈ. વિશ્વાસ બધાંની નજરમાં સારો બનવા માટે બધાંના આશીર્વાદ લઈ રહ્યો હતો. તાન્યા હજું સુધી બહાર આવી ન હતી. અપર્ણા એક તરફ ઉભી રહીને આ બધું જોઈ રહી હતી.
"અપર્ણા! તાન્યાને બહાર લઈ આવ. સગાઈની વિધી શરૂ કરીએ." સગાઈનું મુહૂર્ત થતાં જ તાન્યાનાં મમ્મીએ અપર્ણા પાસે આવીને કહ્યું.
"જી આન્ટી." કહીને અપર્ણા તાન્યાનાં રૂમ તરફ આગળ વધી ગઈ. રૂમની સામે આવીને એ દરવાજો ખોલીને અંદર આવી ગઈ. અપર્ણાએ અંદર આવીને જોયું તો તાન્યા રૂમમાં ક્યાંય ન હતી. એને એમ કે તાન્યા બાથરૂમમાં હશે. એમ સમજીને એ બાથરૂમના દરવાજા સામે આવીને કહેવા લાગી, "તાન્યા! બહાર બધાં તારી રાહ જુએ છે. જલ્દી બહાર ચાલ." કહીને અપર્ણા મનોમન વિચારવા લાગી, "જલ્દી બહાર આવ તો હું તને અહીંથી ગાયબ કરી શકું." અપર્ણા એનાં વિચારોમાં ખોવાયેલી હતી. એનાં કહ્યાં પછી પણ તાન્યાએ દરવાજો નાં ખોલ્યો. તો અપર્ણાએ દરવાજો ખખડાવવા જેવો દરવાજા પર હાથ મૂક્યો, દરવાજો ખુલ્લો જ હોવાથી અંદરની તરફ ધસી ગયો. અપર્ણાએ અંદર આવીને જોયું તો અંદર પણ તાન્યા ન હતી.
હવે અપર્ણાને ચિંતા થવા લાગી. એ તાન્યાને ગાયબ કરવાં આવી હતી, અને અહીં તો તાન્યા ખુદ જ ગાયબ હતી. એ આખાં રૂમમાં બધી જગ્યાએ જોવાં લાગી. કદાચ તાન્યા ક્યાં ગઈ એ જાણી શકાય? બધી જગ્યાએ જોતાં જોતાં જ એની નજર બેડ પાસે રહેલાં ટેબલ પર પડી. એની ઉપર એક ચીઠ્ઠી લખેલી પડી હતી. અપર્ણાએ એ ચીઠ્ઠી ઉઠાવી, અને વાંચવા લાગી, "હું તાન્યાને લઈ જાવ છું. હું એને બહું પ્રેમ કરું છું. અમારી વચ્ચે નાની એવી મિસઅન્ડસ્ટેન્ડિંગના કારણે તાન્યાએ વિશ્વાસ સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. હું એનાં નિર્ણય વિશે જાણીને કદાચ પાછળ હટી પણ જતો. પણ, વિશ્વાસ વિશે બધી માહિતી મેળવ્યા પછી મારી સામે જે હકીકત આવી. એ પછી હું તાન્યાને જાણી જોઈને ખુદ સાથે ખોટું કરવાં નાં દઈ શકું, એટલે હું એને લઈ જાવ છું..."
ચીઠ્ઠી વાંચ્યા પછી અપર્ણાની કંઈ સમજમાં જ નાં આવ્યું. વિશ્વાસ તો‌ ઠીક પણ જે તાન્યાને લઈ ગયો. એ છોકરાનાં કારણે અપર્ણાના પ્લાન ઉપર પણ પાણી ફરી વળ્યુ હતું. એવામાં હવે અપર્ણા બહાર જઈને બધાંને શું જવાબ આપે? એવાં વિચારોમાં ખોવાયેલી અપર્ણાને બસ એક જ વિચાર આવ્યો, "બેટા અપર્ણા! તાન્યાનો રાજકુમાર તો આવીને એને લઈ ગયો. આમ પણ એ નહીં તો તું તાન્યાને અહીંથી લઈ જ જવાની હતી. હવે તું તાન્યાને વિશ્વાસથી બચાવે કે એ છોકરો શું ફેર પડવાનો? પણ, હાલ તો હવે તું પણ અહીંથી ભાગી જા. બહાર બધાંને જે કરવું હોય એ કરે." વિચારીને અપર્ણા ચીઠ્ઠી સાથે જ તાન્યાનાં રૂમની બારી પાસે આવી, "ક્યાંકથી સીડી લઈને તાન્યાનાં રૂમની પાછળની તરફ આવ." એણે ફરી શિવને મેસેજ કર્યો. અપર્ણા બારી સામે ઉભી રહીને નીચે જોઈ રહી હતી. થોડીવારમાં જ શિવ સીડી લઈને આવ્યો. એણે બારીને અડીને સીડી લગાવી દીધી. અપર્ણા એ સીડીનાં સહારે નીચે ઉતરી ગઈ, "ચાલ." એણે નીચે ઉતરીને શિવને ચાલવા કહ્યું.
"પણ ક્યાં? અને તાન્યા ક્યાં છે?" શિવે ઉપરની તરફ જોઈને પૂછયું.
"એ તો ગઈ. હવે તું પણ ચાલ." અપર્ણા શિવનો હાથ પકડીને એને બહાર ઉભેલી કાર સુધી ખેંચી લાવી.
"તારું કંઈ નક્કી રહે છે? તું ક્યારે શું કરે?" શિવે અપર્ણાની પાછળ પાછળ ઢસડાતા ઢસડાતા ચિડાઈને પૂછ્યું.
"ઓહ પ્લીઝ! અત્યારે લડાઈ કરવાનો બિલકુલ મૂડ નથી." અપર્ણાએ સહેજ વાર ઉભાં રહીને, શિવ સામે જોઈને કહ્યું, "તું જલ્દી કારમાં બેસ અને જેટલી સ્પીડમાં કાર ચલાવી શકે, એટલી સ્પીડમાં ચલાવીને તું જે જગ્યાએ રોકાયો છે. ત્યાં મને લઈ જા."
"ઓકે ફાઈન." શિવે ફરી ચિડાઈને કહ્યું, અને કારમાં ગોઠવાયો. બંને ત્યાંથી નીકળી ગયાં. અપર્ણાની ભાષામાં કહું તો ભાગી ગયાં.

હોલમાં બધાં મહેમાનો, વિશ્વાસ અને એનો પરિવાર અને તાન્યાનાં મમ્મી-પપ્પા બધાં જ અપર્ણા અને તાન્યાની રાહ જોઈ રહ્યાં હતાં. અપર્ણા તાન્યાને લેવાં એની રૂમમાં ગઈ. એને ખાસ્સો એવો સમય થઈ ગયો હતો. તાન્યાનાં પપ્પા અજીતભાઈએ એમનાં પત્ની સરોજબેનને તાન્યાને લાવવાં ઇશારો કર્યો. પતિનો ઈશારો સમજતાં જ એ તાન્યાને લેવાં એનાં રૂમમાં આવ્યાં. પણ, અહીં તો તાન્યા કે તાન્યાને લેવાં મોકલેલી અપર્ણા બંનેમાંથી કોઈ ન હતું. એ જોઈને સરોજબેનના દિલમાં ફાળ પડી. એ તરત જ ઉતાવળમાં બહાર આવ્યાં, "તાન્યા કે અપર્ણા કોઈ રૂમમાં નથી." એમણે અજીતભાઈ પાસે આવીને ધીમાં અવાજે કહ્યું.
"શું વાત કરો છો?" અજીતભાઈથી રિએક્ટ કર્યા વગર નાં રહેવાયું. એ એકદમ ઉંચા અવાજે બોલી ગયાં. એમનું એવું રિએક્શન જોઈને બધાં એમની સામે જોવાં લાગ્યાં. અજીતભાઈ એક વાતે ભાગ્યશાળી હતાં. સગાઈ જલ્દીમાં નક્કી થઈ. એમાં બહું વધારે મહેમાનો આવ્યાં ન હતાં. માત્ર ઘર પરિવારનાં લોકો અને પડોશીઓ જ હતાં.
અજીતભાઈને પરેશાન જોઈને જગદીશભાઈએ એમની પાસે આવીને, એમનાં ખંભે હાથ મૂકીને પૂછ્યું, "શું થયું, અજીત?"
"તાન્યા અને અપર્ણા રૂમમાં નથી." અજીતભાઈએ થોથવાતી જીભે કહ્યું.
"આ નક્કી અપર્ણાનું કામ જ હોવું જોઈએ." અચાનક જ વિશ્વાસ બોલ્યો. એનાં એવું બોલવાનાં કારણે બધાં એની સામે જોવાં લાગ્યાં. પરિસ્થિતિનો તાગ મેળવતાં એણે વાતને સંભાળતાં કહ્યું, "હું અને અપર્ણા મુંબઈમાં સાથે જ એક જ સિરિયલમાં કામ કરીએ છીએ. તાન્યા મુંબઈ આવી ત્યારે એણે મારી મુલાકાત અપર્ણા સાથે કરાવી હતી. અપર્ણા પહેલેથી જ મને કંઈ ખાસ પસંદ નથી કરતી. તે દિવસે પણ એણે મને ધમકી આપી હતી, કે એ મારાં અને તાન્યાનાં લગ્ન નહીં થવા દે." એણે અધૂરી વાત કહીને હકીકત છુપાવતા ક્હ્યું. જેમાં અપર્ણા વિશ્વાસને શાં માટે પસંદ નાં કરતી? એ વિશ્વાસે કોઈને નાં જણાવ્યું.
વિશ્વાસની વાત સાંભળીને જગદીશભાઈ ગુસ્સે ભરાયાં. એ સમયે એક આદમીએ આવીને એમનાં કાનમાં કંઈક કહ્યું. જે સાંભળ્યાં પછી એ વધું ગુસ્સે થઈ ગયાં. નિખિલને વિશ્વાસની હકીકત ખબર હતી. જગદીશભાઈનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટે એ પહેલાં નિખિલે એમની પાસે આવીને કહ્યું, "મોટાં પપ્પા!" નિખિલ આગળ કંઈ કહે એ પહેલાં જ જગદીશભાઈએ પોતાનો હાથ ઉંચો કરીને નિખિલને રોકી દીધો, અને મોટાં મોટાં ડગલાં ભરતાં ઘરની બહાર નીકળી ગયાં. એમનો પરિવાર પણ એમની પાછળ દોરવાયો.
"સાંભળો! અપર્ણા આવું કંઈ નાં કરી શકે." માધવીબેને જગદીશભાઈની પાછળ પાછળ આવતાં કહ્યું, "તમે એકવાર નિખિલની વાત તો સાંભળી લો. કદાચ એને હકીકતની ખબર હોય."
"હકીકત મને ખબર છે." જગદીશભાઈએ અચાનક જ માધવીબેન તરફ પલટીને કહ્યું, "હાલ પૂરતાં અહીં કોઈપણ જાતનો તમાશો કર્યા વગર ઘરે ચાલો. પછી તમને બધું જણાવું." કહીને એ કારમાં ગોઠવાયાં. શાહ પરિવારનો કાફલો પોતાનાં ઘર તરફ અગ્રેસર થયો.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"